Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > ઘમંડ (પ્રકરણ ૨)

ઘમંડ (પ્રકરણ ૨)

31 January, 2023 10:35 AM IST | Mumbai
Samit (Purvesh) Shroff

મામલો વધુ વચકે એ પહેલાં પ્રિન્સિપાલસરે મીતા-સૌમ્યાને કૅબિનમાં તેડાવી ચોખવટ લઈ લીધી અને સરની કૅબિનમાંથી નીકળી મીતાએ ટોળાને મક્કમપણે કહી દીધું : ‘પ્લીઝ, તમે સૌ મારા પડખે ઊભા રહ્યા એ બદલ થૅન્ક્સ; પણ નારંગ, આ મુદ્દો અહીં જ પૂરો થયો.’

ઘમંડ (પ્રકરણ ૨)

વાર્તા-સપ્તાહ

ઘમંડ (પ્રકરણ ૨)


છ વરસ!
હળવો નિ:શ્વાસ નાખીને આદર્શે કડી સાંધી:
કૉલેજના મારા અંતિમ સેમેસ્ટરની શરૂઆતમાં મિસ કૉલેજ સ્પર્ધા અને સૌમ્યાએ આપેલી સ્પીચ ટૉક ઑફ ધ કૅમ્પસ બની ગઈ હતી... મોટા ભાગના લોકોએ આમાં નર્યો ઘમંડ જોયો. નારંગ જેવાને ફુલટૉસ મળ્યો : અનપ્લાન્ડ સ્પીચ દઈને સૌમ્યાએ પ્રોટોકૉલનો ભંગ કર્યો છે. મીતા મધ્યમવર્ગીય છે એટલે શું તેણે જીતીને પણ અપમાન સહેવાનું! કૉલેજ માટે બધા સ્ટુડન્ટ્સ સરખા હોય તો સૌમ્યાને સજા દઈને દાખલો બેસાડો!વાતાવરણ ગરમાયું. 
‘સૌંદર્યસ્પર્ધા બાબત મને આ અણખટ પહેલેથી રહી છે. એને ઉજાગર કરવાની લાલસા હું રોકી ન શકી. આમાં કદાચ મીતા હર્ટ થાય એવું બન્યું, પણ એ જાણીને નહીં. હું મીતાના ઘરે જઈને તેને મળી, મારો ઇરાદો તેને અપમાનિત કરવાનો નહોતો એવી તેને સમજ પણ પડી... તેને કોઈ રંજિશ નથી અને નારંગ મીતાના ખભે બંદૂક મૂકીને મને નમાવવા માગતો હોય તો ભીંત ભૂલે છે!’


લાઇબ્રેરીની બેઠકમાં સૌમ્યા હૈયું ઠાલવી દેતી, એમાં પણ તેનો રણકો રણઝણતો. આદર્શ તેને આશ્વસ્ત કરતો : તારા મુદ્દામાં તથ્ય હતું ને મીતાના ઘરે જવામાં તારી કન્સર્ન દેખાઈ જ આવે છે... 
મામલો વધુ વચકે એ પહેલાં પ્રિન્સિપાલસરે મીતા-સૌમ્યાને કૅબિનમાં તેડાવી ચોખવટ લઈ લીધી અને સરની કૅબિનમાંથી નીકળી મીતાએ ટોળાને મક્કમપણે કહી દીધું : ‘પ્લીઝ, તમે સૌ મારા પડખે ઊભા રહ્યા એ બદલ થૅન્ક્સ; પણ નારંગ, આ મુદ્દો અહીં જ પૂરો થયો.’
નારંગના હાથ ફરી હેઠા પડ્યા. એમાં વળી પ્રિલિમ અને પછી ફાઇનલ પરીક્ષાનું સમયપત્રક જાહેર થતાં બધું નેપથ્યમાં ધકેલાતું ગયું.
‘આઇ નો, તમે વાંચવામાં બિઝી હશો, પણ આ સન્ડે ઈવનિંગ મારા માટે ફાળવી શકો તો... ઇટ્સ માય બર્થ-ડે.’શુક્રવારની એક સાંજે સૌમ્યાનો ફોન રણક્યો એ જ ઊછળી પડવા જેવી ઘટના હતી. એમાં વર્ષગાંઠનું ઇન્વિટેશન! મા ધ્યાનથી દીકરાનો ઉછાળો નિહાળી રહ્યાં. 



‘નો બિગ પાર્ટી. વર્ષગાંઠ મને પરંપરાગત ઢબે ઊજવવી ગમે છે. હું, મારા પેરન્ટ્સ, પેટ્સ અને હવે તમે.’હવે તમે કે હવેથી તમે? નહીં પુછાયેલો નાનકડો શબ્દભેદ ગલીપચી કરી ગયો.‘બર્થ-ડે ગિફ્ટ આગોતરી માગી લઉં છું - માવા કેક અને હા, તમારાં મધરને પણ લેતા આવજો.’ભલે કહીને આદર્શે ફોન મૂકતાં જ મા તરફથી પ્રશ્નોની ઝડી વરસી. દીકરાને એક કન્યા ગમી છે જાણીને તેમનો હરખ ઊભરાયો. આદર્શે મક્કમ રહેવું પડ્યું : મા, તું લગ્નના હવાઈ કિલ્લા ન બાંધ. હજી અમારી વચ્ચે પ્રણયનો એકરાર નથી થયો. વળી તેના માવતરનો મારા પ્રત્યે અભિગમ કેવો છે એ પણ જોવું રહ્યું! એટલે તો હમણાં તને નથી લઈ જતો... 
જોકે વાલકેશ્વના મૅન્શન પહોંચતાં જ આદર્શની દ્વિધાનો અંત આવી ગયો. 


કરોડોનો કારોબાર ચલાવતા નરોત્તમભાઈ એકદમ ઘરેલુ લાગ્યા. આદર્શ સાથે તેના ફ્યુચર પ્લાન્સ ડિસ્કસ કરીને બિરદાવ્યો પણ. વીણામા એવાં સરળ કે આદર્શને થયું કે મા આવી હોત તો તેમનાં બહેનપણાં તરત થઈ ગયાં હોત. સૌમ્યાના પેટ્સ બહુ જલદી આદર્શ સાથે હળી ગયા. સિલ્કની મૅક્સીમાં ગજબની ખૂબસૂરત લાગતી સૌમ્યાની ગરવાઈમાં આજે નમણાશ અનુભવાઈ. 
‘તમે આન્ટીને કેમ ન લાવ્યા!’ એકલા પડતાં સૌમ્યાએ રીસ પણ દાખવેલી. પોતે આણેલી માવા કેક કટ કરતી વેળા દીવાનખંડમાં ઘરનો તમામ નોકરવર્ગ મોજૂદ હતો. બધાની આંખોમાં સૌમ્યા માટે સ્નેહ દેખાયો. અહીં ક્યાંય દેખાડો કે દંભ નથી. અમીરીનો ઘમંડ તો જરાય નહીં. આદર્શના અરમાન ઊછળ્યા. કેકનો ટુકડો ખવડાવતી સૌમ્યાનાં આંગળાંને અવશપણે ચૂમી લીધાં. સૌમ્યાની કીકીમાં ચમકારો ઊપસ્યો, ‘વેરી સ્માર્ટ.’તેના સુરેખ પ્રત્યાઘાતે આદર્શનો આત્મવિશ્વાસ વધ્યો, ‘શું થાય? બર્થ-ડે ગિફ્ટ સામે રિટર્ન ગિફ્ટ લેવાનો પણ રિવાજ પાળવો પડેને.’
‘વેલ, તમે આટલામાં રાજી થતા હોય તો મને શું વાંધો હોય. બાકી મેં તો કંઈક વિશેષ જ પ્લાન કર્યું હતું.’રિયલી! ચાર નેત્રો મળ્યાં. આદર્શે નજર વાળી નહીં. આંખોથી રૂપ પીવાનો નશો તરબર કરી ગયો. ઘરે પહોંચતાં જ વિદ્યામાએ શું-શું બન્યું એ જાણીને તાળો ગોઠવી કાઢ્યો : વરસગાંઠનું તો બહાનું. ખરેખર તો સૌમ્યાએ તેના માવતરને મેળવવા જ તને તેડ્યો. નરોત્તમભાઈ-વીણાબહેને આગોતરી ભાળ પણ કઢાવી રાખી હોય. બાકી કોણ પહેલા મેળાપમાં મહેમાન સાથે તેના ફ્યુચર પ્લાન્સ ચર્ચે! અરે, સૌમ્યાના હૈયે તું જ હોય તો તે તને આમ તેડાવે!’
સામે સૌમ્યાને તેડવામાં વિદ્યામાએ પણ દેર ન કરી. આદર્શ પાસે ફોન જોડાવીને નિમંત્રણ પાઠવ્યું, ‘માફ કરજે દીકરા, હું તારી વરસગાંઠે આવી ન શકી; પણ તું કાલે કૉલેજ આવતાં-જતાં ઘરે મળી જા તો આશીર્વાદ તો દઉં!બીજી સવારે ખરેખર સૌમ્યાએ બેલ રણકાવી. મા સેવામાં હતાં. આદર્શે દરવાજો ખોલતાં સૌમ્યાને ભાળીને બઘવાઈ જવાયું. સૌમ્યાએ ગળું ખંખેરીને પૂછયું : આન્ટી છે?

આ પણ વાંચો : ઘમંડ (પ્રકરણ ૧)


સાંભળીને સૂધ આવી હોય એમ ‘મા... મા... સૌમ્યા આવી!’ કહીને આદર્શે ઘર ગજવ્યું. 
‘જો હું પૂજામાં બેઠી ને ભગવાને ફળ આપીયે દીધું!’ સૌમ્યાને આવકારતાં વિદ્યામાએ મોઘમ કહ્યું. આદર્શને રસોડાની ડ્યુટી સોંપીને પોતે સૌમ્યા સાથે હીંચકે ગોઠવાયાં. મોટા ઘરની દીકરી નાના ખોરડે સમાઈ જાય એવી લાગી. 
‘આજે અમારું ઘર ભલે નાનું છે બેટા, પણ આદર્શના કૌવત પર ભરોસો રાખજે. મહેલ ખડો કરતાં તેને વાર નહીં લાગે.’
‘જી...’ સૌમ્યા વધુ શું બોલે?આદર્શ ચા-નાસ્તાની ટ્રે લઈને આવ્યો એટલે માએ સીધો ફટકો માર્યો : લે, આ તો છોકરા-છોકરીનો મેળાપ ગોઠવાયો હોય એવો સીન લાગે છે!
‘આન્ટી, હું રજા લઉં....’ શરમથી રાતીચોળ થતી સૌમ્યાએ ચા પીને સરકવામાં સલામતી જોઈ. વર્ષગાંઠની ભેટ તરીકે શુકનનું કવર આપીને વિદ્યામાએ તેને ભાવથી વળાવી.
તેને નીચે સુધી મૂકવા ગયેલા આદર્શને શબ્દો સૂઝતા નહોતા. સૌમ્યા પણ મૌન રહી.
‘હવે મારે દેર નથી કરવી...’

સૌમ્યાને મૂકીને આદર્શ ઘરે આવતાં વિદ્યામાએ દીકરાનાં ઓવારણાં લીધાં, ‘માની આંતરડી ઠારે એવી કન્યા તેં શોધી! સમજું છું બેટા, લગ્ન તું કરીઅરમાં થાળે પડે પછી લઈએ; પણ વાત પાકી કરી રાખીએ તો તમારા હળવા-મળવામાં રોકટોક નહીં, દોષ નહીં.’
માબાપ કેવાં સૂઝવાળાં હોય છે! ભલે અમારી વચ્ચે શબ્દોમાં એકરાર નથી થયો, હૈયાએ તો પ્રીતની ગવાહી દીધી જ છે અને એ પૂરતી છે. સૌમ્યા પણ મને ચાહે છે એમાં શંકા રાખવાનું કારણ નથી!

‘ભલે, તને ઠીક લાગે એમ મા...’ આદર્શે ઉમેર્યું, ‘પણ જે કરે એ ફાઇનલ પરીક્ષા પછી...’
પહેલાં સૌમ્યાની એક્ઝામ હતી, બાદમાં આદર્શની. વચ્ચે મહિનાનો ગાળો હતો. વર્ષગાંઠના મેળ પછી કૉલેજમાં તેમનો મેળાપ વધ્યો હતો. 
‘પરીક્ષા પછી મા તારા પેરન્ટ્સને મળવા આવવાની છે.’ 
‘મારી મમ્મી પણ તમારાં મધરને મળવાનું કહેતી હતી...’ શું કામ એની બેઉ હૈયાંને સમજણ હોય એમ મૌન છવાઈ જતું. આદર્શની નજરે સૌમ્યા છૂઈમૂઈ થતી ને આદર્શ પ્રણયનો એકરાર કરવાનું ગોખીને આવ્યો હતો છતાં ભૂલી જતો!
સૌમ્યાની પરીક્ષા પતી. આદર્શ ત્યારે પોતાની તૈયારીમાં વ્યસ્ત હતો. તેને ડિસ્ટર્બ ન કરવો હોય એમ સૌમ્યા પણ ફોન ન કરતી. ક્યારેક વિદ્યામા જોડે વાત કરી લેતી ખરી.
છેવટે એ ગાળો પણ વીત્યો.‘પરીક્ષા પૂરી થઈ સૌમ્યા...’ પહેલી વાર ડેટમાં જવાના ઉમંગથી આદર્શે પૂછ્યું, ‘મૂવી જોવા જઈશું?’
‘મૂવી? નો. વેકેશનમાં મેં કોઈ મૂવી જોવાનું બાકી નથી રાખ્યું અને આમ પણ હું હમણાં મારા એનજીઓના કામમાં વ્યસ્ત છું...’
લો, આટલું કહીને તેણે ફોન કાપી પણ નાખ્યો! હું મહિનો અભ્યાસમાં વ્યસ્ત રહ્યો, મળાયું નહીં એની નારાજગી હશે?

‘ચિંતા ન કર. તેનો મૂડ હું ઠીક કરી દઈશ. જાઉં છું કાલે શગૂન લઈને...’માના ઉત્સાહે જીવ ટાઢો થયો. બીજી સવારે શુભ મુરતમાં ઘરમંદિરે દીવો કરીને મા નીકળી. આદર્શને એવું લાગ્યું જાણે હમણાં જ સૌમ્યા દુલ્હનના વેશમાં ઘરે કંકુપગલાં પાડી રહી છે!
- અને ડોરબેરના રણકારે સપનાં સમેટી લેવાં પડ્યાં. જોયું તો મા!
‘તું આટલી જલદી આવી ગઈ! અડધો-પોણો કલાકમાં તું ત્યાં બેઠી શું, સગાઈની વાત તો થઈને...’દીકરાના પ્રશ્નો ખમાતા ન હોય એમ ધ્રુસકું નાખતાં વિદ્યામા રૂમમાં દોડી ગયાં. 
‘શું થયું મા? સૌમ્યાના પેરન્ટ્સે સગપણની ના પાડી? તને ગમે એમ તો નથી બોલ્યાને! કંઈક તો બોલ!’માને કદી આમ ભાંગી પડતી જોઈ નહોતી. આદર્શ માટે એ અસહ્ય હતું. તેના ચિત્કારે વિદ્યામાએ અશ્રુ થામ્યાં. ‘ભૂલી જા દીકરા સૌમ્યાને. એટલું જાણ કે તે તારા નસીબમાં નથી!’હેં! પણ કેમ? 
મા જવાબ વાળે એ પહેલાં આદર્શના સેલફોનમાં વૉટ્સઍપમાં સૌમ્યાનો વિડિયો ટપક્યો. આદર્શે ક્લિક કરતાં સૌમ્યા દેખાઈ. પાછળ વિદ્યામા ઊભી છે, કાંપી રહી છે... મતલબ આ વિડિયો મા હમણાં સૌમ્યાના ઘરે ગઈ ત્યારનો છે!

‘હાય આદર્શ. સૉરી, પણ મેં તને આટલો મતલબ-પરસ્ત નહોતો ધાર્યો. માન્યું, હું તારી સાથે ક્લોઝ હતી. એનો અર્થ તેં એમ કર્યો કે હું તારી સાથે પ્રેમમાં છું? હું, કરોડપતિ નરોત્તમ મહેતાની પ્રિન્સેસ તારા જેવા મુફલિસના પ્રેમમાં?’
આદર્શ સમસમી ગયો. સૌમ્યાની વાણીમાં ગરૂર હતું, વદન પર ઘમંડ નીતરતો હતો. આ કેવી સૌમ્યા? કે પછી આ જ ખરી સૌમ્યા?
‘યુ આર મિસ્ટેકન ધેન. મને યાદ છે કે મેં ક્યારેય તારી સમક્ષ પ્રેમનો એકરાર નથી કર્યો. તેં કર્યો હોય તો ત્યાં જ તારું મોં તોડી લીધું હોત. તારામાં એવી હિંમત નથી એમ અમીર કન્યાને પત્ની બનાવી સસરાના પૈસે સેટલ થવાની લાલસા વળ ખાતી હશે એટલે જ તેં તારી માને મારે ત્યાં મોકલીને?’તેનો શબ્દેશબ્દ ગોફણ બનીને છાતીએ વાગતો હતો. સૌમ્યાની વાણીમાં વછૂટતો તુચ્છકાર સ્વમાન પર હથોડા વીંઝી રહ્યો હતો.
‘તો હવે મારો જવાબ પણ જોઈ લે...’ કૅમેરા ઘુમાવતી સૌમ્યા મા તરફ ફરે છે. ખભે હાથ મૂકીને જોરથી ધક્કો દે છે - ગેટ લૉસ્ટ!
- છ વરસ અગાઉ માને મારેલો ધક્કો અત્યારે વાગ્યો હોય એવો ખળભળી ઊઠ્યો આદર્શ.
‘સૌમ્યાની આ હિંમત! મારી માને ધક્કો માર્યો?’

આ પણ વાંચો : ડાયમન્ડ્સ આર ફૉરેવર! (પ્રકરણ ૨)

ધક્કાથી હડસેલો ખાતી માના દૃશ્ય સાથે વિડિયો પછી એની અસરમાંથી ક્યાંય સુધી મુક્ત નહોતું થવાયું....
સૌમ્યા મને ચાહતી નથી? કેમ મનાય! સાથે ગાળેલી કંઈકેટલી પળો તરવરી ઊઠેલી. એમાં પ્યાર નહોતો એમ કહીને સૌમ્યા મને છેતરી રહી છે કે ખુદને? પણ હશે. માની લીધું કે સૌમ્યાની લાગણી પારખવામાં મેં, માએ થાપ ખાધી; તેની મરજી ન હોય તો કહેણને વિવેકભેર પાછું ઠેલી શકાય. આમ માનું અપમાન કરવાનો અધિકાર તેને નહોતો.
તેના ઇનકારની ઢબમાં ભારોભાર ઘમંડ છે. માલેતુજાર હોવાનો, રૂપવતી હોવાનો, એક માનેય પોતે મગતરાની જેમ ધકેલી શકે એમ છે એ દર્શાવવાનો ઘમંડ! આજે વિચારું છું તો તેના દરેક કૃત્યમાં અહમ્ નીતરતો દેખાય છે. કૉલેજમાં સ્ટ્રીટ ડૉગને પંપાળવામાં નારંગ જેવાને પડકારવાનો ઘમંડ હતો, સૌંદર્યસ્પર્ધાની વિજેતાને નીચા દેખાડવાનો ઘમંડ જ હતો... તેને પરદુખભંજન કે સ્પષ્ટવક્તા ગણવામાં મારી મૂર્ખામી હતી! આજે એ આવરણ સરી ગયું સૌમ્યા, તારું અસલ રૂપ છતું થઈ ગયું. તારો ઘમંડ તને મુબારક. બાકી મારી માનું અપમાન કરનારને હું બ​​​​િક્ષસ નહીં, યુ હૅવ ટુ પે ફૉર ધીસ!‘નહીં આદર્શ, સૌમ્યાને તું કંઈ નહીં કરે...’

દીકરાના કાળઝાળરૂપે ફફડતાં વિદ્યામાની વિનવણીએ આદર્શનો આક્રોશ ભડકાવ્યો હતો : કોઈ તારું અપમાન કરે ને હું ચૂપ રહું તો તારું જ ધાવણ લજવાય મા. 
’ઠીક છે, તારે સૌમ્યાને દેખાડી જ આપવું હોય તો જુદી રીતે દેખાડી આપ... તેને શ્રીમંત બનીને દેખાડી દે કે અમીરી પામવા તને પૈસાદાર શ્વસુરની જરૂર નથી!’
આ તર્ક જચી ગયો. યા, પહેલાં આપબળે બે પાંદડે થઈને દેખાડું. પછી એવા જ ઘમંડભેર સૌમ્યા સાથે માના અપમાનનો બદલો લઈશ!- એ વેળા હવે ઢૂંકડી છે...વિચારમેળો સમેટતાં આદર્શે ઊંડો શ્ર્વાસ લીધો:
આજે મારી પાસે બધું જ છે. ગાડી છે, બંગલો છે, બૅન્ક-બૅલૅન્સ છે... અને મા પણ છે! નાઓ ઇટ્સ ટાઇમ ફૉર રિવેન્જ. એ કેમ થશે એ મેં વિચારી રાખ્યું છે અને કોણ કરશે એ પણ...આદર્શના હોઠ વંકાયા. સેલફોનમાં નંબર દબાવ્યો. રિંગ ગઈ. કૉલ રિસીવ થયો. ‘કોણ નારંગ? તારું કામ પડ્યું છે.’ 

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2023 10:35 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK