Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > તારણહાર (પ્રકરણ ૩)

તારણહાર (પ્રકરણ ૩)

15 February, 2023 12:33 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

ધાર્યા પ્રમાણે રૂમમાં પહોંચ્યો ત્યાં સુધી કામનામાં રત બનેલા બ્રિજને બારણું તૂટ્યાનો અવાજ પણ સ્પર્શ્યો નહોતો!

તારણહાર (પ્રકરણ ૪)

વાર્તા-સપ્તાહ

તારણહાર (પ્રકરણ ૪)


ચાલ મન મુંબઈનગરી!
વારાણસીની વસ્તીથી ઍરપોર્ટ જતા દામોદરભાઈના ચિત્તમા ગંગાના વહેણ જેવાં વમળ સર્જાવા લાગ્યાં : ભૂતકાળની એક ઘટનાએ, મારા હાથે થયેલી એક હત્યાએ જીવનપ્રવાહ કેવો પલટી નાખ્યો! સુરતથી ભાગી મુંબઈ પહોંચ્યા, અર્ણવસિંહમાંથી દામોદર બન્યા... ચહેરો બદલાવાની ત્રેવડ નહોતી, પણ દાઢી વધારીને દેખાવ જરૂર બદલ્યો. જેના માથે ફાંસીનો ગાળિયો લટકતો હોય તેણે સંસાર માંડવાનો ન હોય, નાહક પાછળ પરિવારજનોએ જ ભોગવવાનું થાય. સંસાર માંડવો નથી અને જેના હાથ કોઈના ખૂનથી રંગાયા હોય તેને ભગવાં ન શોભે એટલે સંન્યાસ લેવો નહોતો, પણ મંદિરની બહાર ચાની રેંકડી કરીને સત્સંગનો લાભ લેતા થયા. ભાડાની ખોલી હતી, સ્વમાનભેર પેટિયું રળી હરિભજન કરતાં-કરતાં નિર્મોહીપણું આપોઆપ ચેતનામાં વસતું ગયું.


ત્યાં એક અકસ્માતે આકારના કુટુંબનો મેળાપ કરાવ્યો... નારણભાઈએ મારા પ્રાણ બચાવ્યા, એક હત્યારાને કુદરતે મરવા ન દીધો એની પાછળ શું નિર્દેશ હોય? તેમના દીકરાની તકલીફ વિશે સ્ટાફ પાસેથી જાણ્યું ત્યારે જ સંકલ્પ કરેલો કે મારી કિડની મૅચ થાય તો જરૂર આને આપવી! આમાંથી મમત્વનું નવું બંધન સર્જાયું. હૉસ્પિટલના સહેવાસ દરમ્યાન આકાર પ્રત્યે દીકરા જેવી લાગણી જન્મી. નારણભાઈ-શ્વેતાબહેનના અકાળ અવસાને હચમચી જવાયેલું. આકારને જાળવવા તેના અંધેરીના ઘરે મહિનો રહ્યા’તા પોતે... એ જીવનમાં આગળ વધતો ગયો એનો હરખ. પેન્ટહાઉસમાં મને લઈ જવા માગતો હતો તે, પણ પોતાનું કર્મ આડું આવ્યું ઃ હવે કોઈ મને અર્ણવસિંહ તરીકે ઓળખે એ શક્યતા ધૂંધળી છે, પણ ધારો કે એમ બન્યું તો એના છાંટા આકુ પર પણ ઊડે એવું શું કામ થવા દેવું! ખરેખર તો મારે આકુથી જાતને દૂર કરી દેવાની હોય... 
અને બસ, મુંબઈ છોડી પોતે તીર્થસ્થાનોમાં ઘૂમતા રહ્યા છે. પ્રયાગ ગયા, હરિદ્વાર રહ્યા, દોઢેક વર્ષથી કાશીમાં છું. દિવસે ચાની રેંકડી અને રાતે હરિભજનનો નિત્યક્રમ સ્થળના અપવાદ સિવાય રાખ્યો છે અને દરેક જગ્યાએ મને નિઃસ્વાર્થ સ્નેહ સાંપડ્યો છે... અને એ માયા મને બાંધી દે એ પહેલાં હું સરકી જાઉં છું. રખેને મારો ભૂતકાળ ખૂલ્યો તો મને ચાહનારાઓની નજરમાંથી ઊતરી જવાનો ડર રહેતો હશે એટલે પણ કોઈની માયામાં મારે બંધાવું નહીં. 
હોય, કોને ખબર! 


બસ, એક આકુની માયા નથી છૂટી.. બે દિવસ અગાઉ આકારે પત્ર ભેગી પ્લેનની ટિકિટ મોકલી છે. તેણે પત્રમાં કામનો ફોડ નથી પાડ્યો, પણ ખુશીનું તેડું છે એવું લખ્યું છે એટલા પૂરતી રાહત છે.
વારાણસીથી નીકળતા દામોદરભાઈ ઉર્ફે અર્ણવસિંહને મુંબઈમાં શું થવાનું છે એની ક્યાં ખબર હતી? 
lll

‘શ્રાવણીની સગાઈ! માલા, આ તો તેં રૂડા ખબર આપ્યા!’
રેણુબહેનના હરખે માલાબહેન પોરસાયાં. વિસ્તારથી દીકરીનુ પ્રેમપ્રકરણ જણાવતાં માલાબહેનનો ઉમંગ દેખીતો હતો. ઇવેન્ટ કંપનીમાં નોકરીએ લાગ્યા પછી દીકરીમાં કશોક બદલાવ તો હતો, છેવટે ગયા વીકમાં તેણે જ શરમાતાં પ્રણયબદ્ધ હોવાનો એકરાર કર્યો, બીજા દિવસે આકાર ઘરે અમને મળવા આવ્યો... બળદેવે છોકરા બાબતે તપાસ પણ કરાવી રાખેલી. અરે, તેમના ડૉક્ટરમિત્રને પણ કિડની વિશે પૂછી જોયું. એક કિડની ન હોવાથી  લગ્નજીવનમાં કોઈ જ તકલીફ નહીં થાય એવું જાણ્યા પછી આકુ-શ્રાવણીના મેળને અમારે હરખભેર વધાવવાનો જ હોય! દીકરી માટે આંખો ઠરે એવો સોહામણો ને અંતર ઠારે એવો સંસ્કારી જીવનસાથી પામી અમે ધન્ય થયા!


આ પણ વાંચો: તારણહાર (પ્રકરણ ૧)

‘આકારના પેરન્ટ્સ હયાત નથી, વડીલ એવા દામોદરભાઈ છે, જેમણે આકારને કિડની આપેલી તેઓ. પાછલાં થોડાં વર્ષોથી તીર્થસ્થાનમાં રહે છે. તેઓ આજે બપોરે જ મુંબઈ આવ્યા... સવા રૂપિયાના શુકનની આપ-લે આજે સાંજે આકારના ઘરે તેમની હાજરીમાં કરવાનાં છીએ.. સૌથી પહેલાં ખબર તને આપું છું’ કહી માલાબહેન ગંભીર બન્યાં, ‘અમારી આજની ખુશી બ્રિજભાઈના બલિદાનને પ્રતાપે છે એ કેમ ભુલાય!’
‘બસ, માલા, એ શું જ્યારે-ત્યારે બ્રિજનો ગણ સાંભરવાનો!’ સહેજ અકળામણમાં બોલી રેણુએ વાળી લીધું, ‘શ્રાવણી શું અમારી કોઈ નહોતી? એ હેમખેમ રહી એટલું ગનીમત અને હવે મનચાહ્યા સાથીને પામી એનો આનંદ આપણે સૌ માનીએ તો કેવું?’ 
અને કબૂલ થતાં માલાબહેન બોલી પડ્યાં, ‘તું તો તું જ છે, રેણુ!’ 
lll

‘તને કોઈ કન્યા ગમી છે!’
બપોરની ફ્લાઇટમાં મુંબઈ આવી પહોંચેલા દામોદરભાઈને જોતાં જ ઍરપોર્ટ પર તેમને રિસીવ કરવા આવેલો આકાર દોડીને વળગી પડેલો. રસ્તામાં, ઘરે પહોંચીને અલકમલકની ઘણી વાતો થઈ. જમી-પરવારીને પોતે વામકુક્ષિ માણી ઊઠ્યા. મૂળ વાત અત્યારે ઉઘડી રહી છે ઃ આકુનું પ્રેમ પ્રકરણ! તેને ચાહનારીને આકુને એક જ કિડની હોવાનો પણ ખટકો નથી. શાબાશ! કોણ છે એ?
‘નામ છે તનું શ્રાવણી...’ આકુ કહેતો રહ્યો. 

‘શ્રા...વ...ણી... બળદેવભાઈ-માલાબહેનની દીકરી...’ આકુનો દરેક શબ્દ દામોદરભાઈ ઉર્ફે અર્ણવસિંહને ચાબુકની જેમ વીંઝાતો હતો ઃ ‘લે, આખરે તારો ભૂતકાળ થોડી વારમાં તારી સાથે આવી જવાનો, અર્ણવ! કોઈ નહીં ને આકુની થનારી પત્ની તરીકે એ છોકરી હાજર થવાની એ પણ કેવો જોગાનુજોગ!’ 
-‘પહેલાં આ જાણતો હોત તો અહીં આવત જ નહીં, વારાણસીથી જ અજાણ વાટે નીકળી જાત, પણ હવે એ મુરત વીત્યું ગણાય... જાણે હવે શું બનવાનું!’ 
lll

અને ડોરબેલ રણકી. શેરવાનીમાં શોભતા આકારે થનગનાટભેર દરવાજો ખોલ્યો. પડખે સિલ્કના કુર્તામાં સજ્જ દામોદરભાઈ ઊભા હતા. 
સામે મા-પિતાની વચ્ચે ઊભી શ્રાવણી છૂઈમૂઈની જેમ લજ્જાતી હતી, પળ પૂરતા દામોદરભાઈ જોઈ રહ્યા : ‘બે વર્ષની બાળકી આજે કેવી સંસ્કારમઢી યુવતી બની ગઈ! બળદેવભાઈ-માલાબહેન પણ તરત ઓળખાઈ જાય એવાં છે. બસ, તેમને મારી ઓળખાણ પડે નહીં એટલું કરજે પ્રભુ!’ 
આકુ મુગ્ધપણે શ્રાવણીને નિહાળતો રહ્યો એટલે તેમણે જ આવકારની પહેલ કરી, ‘આવ દીકરી. બળદેવભાઈ, પધારો... કૈસી હો માલાભાભી?’

‘બઢિયા...’ હસીને પતિ-પુત્રી સાથે ઘરમાં પ્રવેશતાં માલાબહેનને થયું, ‘આ સવાલ-જવાબ અગાઉ પણ ક્યારેક થયા છે... કોઈ આમ જ મલકીને પૂછતું ને હું આ જ ઢબે જવાબ વાળતી...’
પેન્ટહાઉસ જોયું, અહીંતહીંની વાતોમાં પણ માલાબહેનનું ચિત્ત સવાલ-જવાબનો તાળો મેળવવામાં જ પડેલું હતું. ત્યાં દીવાનખંડની બેઠકેથી કિચનમાં પોતું મારતા સ્વીપરને જોતાં જ ઝબકારો થયો - ‘અરે હા, આવા જ લહેકાથી મને સુરતના અપાર્ટમેન્ટનો સફાઈ કામદાર પૂછતો ને હું આમ જ જવાબ વાળતી! મીઠાબોલો કામદાર એટલે કામાંધ અર્ણવસિંહ!’ 
માલાબહેન હાંફી ગયાં. ચા પીતાં તેમની નજર તો ઝીણવટભેર દામોદરભાઈને એક્સ-રેની જેમ નિહાળી રહી. અર્ણવસિંહનો ચહેરો ભુલાય એમ નહોતો. ઉંમરને કારણે દામોદરભાઈનો ચહેરો ભરાયો છે, દાઢીને કારણે તરત ઓળખનો ઝબકારો ન થાય, પણ આ તપખીરી  આંખો, કાનની જોડાયેલી બૂટ. બે ચહેરા એકરૂપ થતા ગયા એમ માલાબહેનના હૈયે ઝંઝાવાત ઊઠતો ગયો, આવેશમાં ચાનો મગ ફગાવીને તેઓ ઊભાં થઈ ગયાં, ‘અ...ર્ણ..,વ...સિંહ, તું! બ્રિજભાઈનો ખૂની!’
દામોદરભાઈ આંખો મીંચી ગયા : ‘ખલાસ!’ 

માલાબહેનના ઘટસ્ફોટે બળદેવભાઈ-શ્રાવણી હેબતાયાં, આકારને આમાં પિતાતુલ્ય વડીલનું અપમાન લાગ્યું, ‘મા, તમને કોઈ ગેરસમજ થઈ...’
‘નહીં આકાર...’ દામોદરભાઈએ સ્વસ્થપણે કહ્યું, ‘માલાભાભીને કોઈ ગેરસમજ નથી થઈ. હું જ ભૂતકાળનો અર્ણવસિંહ છું, બ્રિજનો હત્યારો.’
‘હેં!’ શ્રાવણી ફાટી આંખે દામોદરભાઈને તાકી રહી ઃ ‘મને પોતાની વાસનાનો શિકાર બનાવવા માગતો પુરુષ, આ? હું જેના આશિષ ઝંખતી હતી તે મારા તારણહારનો મારક નીકળ્યો!’ 
આકાર માટે પણ એ આઘાતજનક એટલું જ અસહ્ય હતું, ‘અંકલ, તમે? તમે આવું કર્યું?’ 

આ પણ વાંચો: તારણહાર (પ્રકરણ ૨)

આવેશમાં તેણે દામોદરભાઈનો કૉલર પકડીને ઊભા કર્યા, ‘તમારી કિડનીનો ઉપકાર ન હોત અંકલ તો મારી શ્રાવણી પર નજર બગાડનારની મેં આંખો ફોડી નાખી હોત... છી, બે વર્ષની બાળકી પર વાસનાનો વાર કરતાં શરમ ન આવી? ભલું થજો બ્રિજમાસાનું કે તેમણે અણીના વખતે ટપકીને શ્રાવણીને રહેંસાતાં ઉગારી...’
‘ઝૂઠ!’ પહેલી વાર દામોદરભાઈ લાલઘૂમ દેખાયા, ‘આકારનો હાથ ઝાટકીને તમાચો વીંઝ્‍યો, ‘આ શું બકવાસ છે? શ્રાવણીબિટિયા પર મેં નહીં, બ્રિજે નજર બગાડી હતી... શ્રાવણીને ઉગારવામાં તો મારા હાથે બ્રિજનું ખૂન થયું.’
‘હેં...!’

‘મને આજે પણ રવિવારની એ સવાર બરાબર યાદ છે... એ દહાડે લિફ્ટમૅન નહોતો આવ્યો. હું કમ્પાઉન્ડ વાળતો હતો ત્યાં માલાભાભી નીકળ્યાં.. મેં હંમેશની જેમ પૂછ્યું, ‘કૈસી હો માલાભાભી?’ તેઓ પણ રાબેતા મુજબ ‘બઢિયા!’નો જવાબ વાળી ‘કચરો લોબીમાં મૂક્યો છે’ કહી રિક્ષામાં નીકળી ગયાં... મને ખબર હતી કે રેણુભાભી મહિનાથી પિયર છે, બળદેવભાઈ પણ બહારગામ છે એટલે ઢીંગલી જેવી શ્રાવણીની સોંપણી ભાભીએ બ્રિજભાઈને કરી હોવી જોઈએ... બીજી વિન્ગ્સની સફાઈ પતાવીને છેવટે હું તેમના ચોથા માળે પહોંચું છું, બ્રિજના ફ્લૅટ તરફ વળું છું કે ચોંકી જાઉં છું. બ્રિજના બેડરૂમની બારી લૉબીમાં પડે છે અને એનો કર્ટન સરખો ઢંકાયો નથી. બેડ પર બે વર્ષની બાળકી પોઢી રહી છે અને બ્રિ...જ...’
દામોદરભાઈ સમક્ષ દૃશ્ય ઊપસ્યું...
lll

‘સૉરી બચ્ચી! શું કરું, તારી માસીએ મહિનાથી તરસ્યો રાખ્યો છે...’
સૂતેલી બાળકી સામે પૅન્ટ સરકાવી અશ્લીલ હરકત કરતા બ્રિજને નિહાળી અર્ણવસિંહ કાળઝાળ બન્યો. ના, બૂમાબૂમ નથી કરવી. બાળકી તેના કબજામાં છે, વાસનાઅંધ આદમીનો શું ભરોસો, બાળકીને તે ગમે તે કરી શકે! તેને વતાવવાને બદલે અર્ણવસિંહે ત્રણ ધક્કામાં દરવાજાનું લૉક તોડી નાખ્યું.
ધાર્યા પ્રમાણે રૂમમાં પહોંચ્યો ત્યાં સુધી કામનામાં રત બનેલા બ્રિજને બારણું તૂટ્યાનો અવાજ પણ સ્પર્શ્યો નહોતો!
‘નરાધમ...!’ અર્ણવે તેને ઝપેટવા માંડ્યો. અણધાર્યા વિઘ્નથી ભડકેલા બ્રિજે પૅન્ટ ચડાવી પ્રતિકાર આદર્યો. એક તબક્કે હાવી થઈ તેણે અર્ણવની ગળચી દબાવી, ગાળ દેતો દબાણ વધારતો ગયો, ‘તને હું મારા કાળા કરમની સાક્ષી આપવા જીવતો નહીં છોડું...’ તરફડિયાં મારતા અર્ણવ પાસે બીજો કોઈ ઉપાય ન રહ્યો. જમણા હાથે સફાઈના કામકાજ માટે પૅન્ટના ગજવામાં રહેતી છરી કાઢી, ચાંપ દબાવી ખોલીને બ્રિજના પેટમાં ઘા માર્યો. એક ઘાથી બ્રિજની તાકાત ન ઓસરી એટલે બીજો ઘા, ત્રીજો ઘા... 
lll

‘ચાકુના ઘાએ ફરશ પર પછડાતા બ્રિજનાં તરફડિયાં શાંત થતાં મને તો એમ જ હતું કે તે ત્યાં જ મરી ચૂક્યો હશે... મારા હાથે હત્યા થયાના આઘાતે પહેલો પ્રત્યાઘાત ભાગી છૂટવાનો આવ્યો અને બસ, તેના જ બાથરૂમમાં લોહીનાં નિશાન લૂછીને મેં મુંબઈની ટ્રેન પકડી લીધી...’ 
સમાપન કરવાની ઢબે દામોદરભાઈ વિરમ્યા. 
‘શાબ્બાશ!’ શ્રાવણીએ તાળી પાડીને બાકીનાની સ્તબ્ધતા વિખેરી નાખી, ‘જબરી સ્ટોરી ઘડી કાઢી તમે. પણ ભૂલ્યા કે કુદરત ગુનેગારને બક્ષતી નથી. તમે ધારેલું એમ બ્રિજમાસા મર્યા નહોતા. તેમને હૉસ્પિટલ લઈ જવાયા, જ્યાં થોડા સમય પૂરતા હોશમાં આવેલા ત્યારે તેમણે ડાઇંગ ડેક્લેરેશન લખાવ્યું...’ 

બ્રિજે પોલીસને વર્ણવેલો ઘટનાક્રમ કહેતાં હાંફી ગઈ શ્રાવણી, ‘મરતો માણસ જૂઠ નથી બોલતો એવું આપણાં શાસ્ત્રોમાં કહે છે અને કાયદો માને છે.’
દામોદરભાઈને હવે ગડ બેઠી, ‘બ્રિજે આવું ખોટું બયાન આપ્યું હોય તો તમારા સૌની પ્રતિક્રિયા સ્વાભાવિક છે, સ્વીકાર્ય છે, બાકી એ બયાન સાચું નથી.. આકુ, તને તો વિશ્વાસ છેને!’
આકાર અવઢવમાં મુકાયો, ‘એક ઘટનાનાં બે પરસ્પર વિરુદ્ધ વર્ઝન છે.. આમાં સત્ય કયું? બ્રિજમાસાનો મને અનુભવ નથી, પણ અર્ણવસિંહમાંથી દામોદર બન્યા પછીનો અંકલનો જીવનપથ ઊજળો છે એ તો કબૂલવું પડે. બે વર્ષની બાળકીને કચડવા માગતો આદમી પોતાની કિડની અજાણ્યા છોકરાને આપી શકવા જેટલો ગુણવાન હોઈ જ ન શકે...’

આકારના તર્કે શ્રાવણી ખળભળી ઊઠી, ‘આ તમે નહીં, તમારામાં રહેલી આ કામી પુરુષની કિડની બોલી રહી છે, આકાર! તમે તમારા તારણહારનું પતન નથી ખમી શકતા એટલે મારા તારણહારને એબવાળા ચીતરો છો?’ શ્રાવણીનાં અશ્રુ તગતગ્યાં, ‘હું જોઈ શકું છું કે તમારાથી હજીય તેને પોલીસના હવાલે કરી શકાતો નથી. તમારે હજીય લેખાંજોખાં કરવાં છે. કોઈના ડાઇંગ ડેક્લેરેશનની પણ તમને કદર નથી.’
તેણે અશ્રુ લૂછ્યાં, ‘આયૅમ સૉરી ધેન. મને લાગે છે કે આપણી વાત આગળ વધારવાનો કોઈ અર્થ નથી.’

આકાર વીનવતો રહ્યો, પણ શ્રાવણી માબાપ સાથે ધરાર નીકળી ગઈ. 
‘આ શું થઈ ગયું...!’ જીવ બાળતા દામોદરભાઈ ક્યાંય સુધી મૂંગામંતર બેસી રહ્યા. સત્ય અમારા પક્ષે છે એનું સબૂત ક્યાંથી લાવવું? બ્રિજના ડાઇંગ ડેક્લેરેશનને ખોટું કેમ ઠેરવવું? 
-‘એ એક જ રીતે શક્ય છે...’ લાંબા વિચારના અંતે તેમને સૂઝ્‍યું, ‘મારું ખુદનુ ડાઇંગ ડેક્લેરેશન!’ 
અને રાતે સ્લીપિંગ પિલ્સની બૉટલ સાથે લઈ દામોદરભાઈ ઉર્ફે અર્ણવસિંહ તેમના જીવનની આખરી નોંધ લખવા બેઠા.

આવતી કાલે સમાપ્ત

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2023 12:33 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK