પાંચ કિલોમીટર ચાલવાનું અને ચોથા માળે રહેતા હોવા છતાં દિવસમાં ઓછામાં ઓછા બે વખત ચડ-ઊતર કરવાનું રૂટીન ૯૦ વર્ષની ઉંમરે પણ તેઓ સાચવી શકે છે
પાર્લા-ઈસ્ટમાં રહેતાં દમયંતી ચંદુલાલ દોશી
આ ઉંમરે પણ એક વારમાં સોયમાં દોરો પરોવી લેતાં પાર્લાનિવાસી દમયંતી દોશીએ છેલ્લાં બે વર્ષમાં પરિવારની અનેક દીકરીઓ અને વહુઓ માટે કચ્છી ભરત ભરીને ડ્રેસ, દુપટ્ટા કે સાડીઓ ગિફ્ટ કરી છે. એક પણ મિનિટ ખાલી બેસી ન રહેવું ગમતું હોય એવા સ્વભાવને કારણે તેઓ આ ઉંમરે પણ એકદમ ઍક્ટિવ છે. પાંચ કિલોમીટર ચાલવાનું અને ચોથા માળે રહેતા હોવા છતાં દિવસમાં ઓછામાં ઓછા બે વખત ચડ-ઊતર કરવાનું રૂટીન ૯૦ વર્ષની ઉંમરે પણ તેઓ સાચવી શકે છે
વૃદ્ધાવસ્થાનો સૌથી મોટો પ્રૉબ્લેમ કોઈ હોય તો એ છે કંટાળો. માણસ પાસે પોતાનું રૂટીન હોય, પણ રૂટીન સિવાય શું કરવાનું એ મોટા ભાગના વડીલોને સમજાતું નથી, જેને કારણે તેઓ ચીડિયા અને નિરાશ દેખાતા હોય છે. જોકે જે વડીલો અત્યંત ખુશ દેખાતા હોય તેમના જીવનમાં ડોકિયું કરીએ તો સમજાય કે તેમની ખુશીનું રહસ્ય એ છે કે તેમણે કોઈ ને કોઈ મનગમતી પ્રવૃત્તિ હાથ ધરી છે, જે કરવાની તેમને ખૂબ મજા પડે છે અને એ તેમનાથી ખૂબ સારી રીતે થઈ શકે છે એટલે કે એક એવો ભાવ આવે છે કે અમે પણ કંઈક એવું કામ કરી શકવા સક્ષમ છીએ જેની કદર દુનિયાને છે.
ADVERTISEMENT
પાર્લા-ઈસ્ટમાં રહેતાં દમયંતી ચંદુલાલ દોશી સ્કૂલમાં ભરતકામ શીખેલાં જેમાં મેળવેલી માસ્ટરી તેમને ૯૦ વર્ષની ઉંમરે પણ સાથ આપી રહી છે. આ બા પોતાની પાસે કંટાળાને ફરકવા જ નથી દેતાં, કારણ કે તેમની પાસે હંમેશાં તેમના ભરતકામનું હથિયાર છે. બા આજે પણ એક બેઠકે બેસીને ૪-૫ કલાક સતત ભરતકામ કરી શકવાની કૅપેસિટી ધરાવે છે. યુવાનો માટે પણ અઘરું પડતું હોય છે, પણ આ બાનું શરીર અને મન બન્ને આ કામ માટે એકદમ ફિટ છે. છેલ્લાં બે વર્ષમાં તેમણે પોતાના પરિવારની લગભગ ૧૫-૧૭ સ્ત્રીઓ માટે ડ્રેસ, દુપટ્ટા કે સાડીમાં કચ્છી ભરત એટલે કે સાદો ટાંકો જે ભરતકામમાં બીજા ટાંકાની સરખામણીમાં અઘરો માનવામાં આવે છે એ ભરી-ભરીને બધાને ગિફ્ટ આપ્યા છે. સંયુક્ત પરિવારમાં વર્ષો સુધી રહેનારાં દમયંતીબહેનને પરિવારના બધા જ સભ્યો માટે અપાર લાગણી હોય એ સમજી શકાય, પણ આખી જિંદગી બધા માટે અઢળક કર્યા પછી પણ આ ઉંમરે એ ભાવ સતત મનમાં રહેવો કે હું મારા પરિવાર માટે કાંઈ કરું એ તેમની મમતાનું શ્રેષ્ઠ સ્તર કહી શકાય.
કામની મજા
અનેક એવી સ્ત્રીઓ છે જેમને યુવાનીમાં ભરતકામ આવડતું હોય પણ ઉંમર થતાં એ અઘરું બનતું જાય. બેતાલા આવી જાય એટલે સોયમાં દોરો પરોવવો અઘરો બને, એક જગ્યાએ ધ્યાન આપવું અઘરું બને, ઝીણવટભર્યાં કામ થઈ ન શકે, એક બેઠકે શરીર અકળાઈ જાય, થોડી વાર મન લાગે કામમાં પણ પછી એક જગ્યાએ સતત એમાં જ મન પરોવી ન શકાય. આ બધી તકલીફો દમયંતીબહેનને નથી. તેઓ આજે પણ એક જ વારમાં ધડ દઈને સોયમાં દોરો પરોવી શકે છે. આવું કઈ રીતે કરી શકો છો એનો હસતાં-હસતાં જવાબ આપતાં દમયંતીબહેન કહે છે, ‘એ તો થઈ જાય હવે, એમાં શું? મને મજા એ વાતની આવે છે કે મારા હાથનું ભરેલું કામ જોઈને બધા કેવા રાજી થાય છે. તેમને ગમે એટલે આપણે ખુશ. ઊલટું સારું છે કે એને કારણે મને પણ કંઈ કામ મળતું રહે. ખાલી બેસી રહેવું મને જરાય ન ગમે. ભરતકામ હોય તો સારું લાગે. એમ લાગે કે કશું કર્યું.’
દીકરી, બે વહુઓ, દિયરની દીકરીઓ, દિયરની વહુ, જેઠની વહુ અને જેઠના દીકરાની દીકરી સાથે દમયંતી દોશી. તેમની ૯૦મી વર્ષગાંઠના માનમાં બધાએ તેમના જ ભરત ભરેલાં કપડાં પહેર્યાં હતાં.
એકદમ ફિટ
દમયંતીબહેન નાનપણમાં ચોપાટીમાં રહેતાં. તેઓ ચાર બહેન અને ત્રણ ભાઈ વચ્ચે ત્રીજા નંબરનાં હતાં. લગ્ન પહેલાં તેઓ સ્વિમિંગ અને ડ્રાઇવિંગ પણ શીખેલાં. લગ્ન કરીને તેઓ સંયુક્ત પરિવારમાં આવ્યાં. નાનપણથી બાબુલનાથ મંદિરમાં દર્શન કરવા જવાની આદત હજી પણ પાર્લેશ્વર મંદિરે દરરોજ હાજરી આપીને અકબંધ રાખી છે, કારણ કે શંભુને મળ્યા વગર તેમને ચાલતું નથી. તેમને બે દીકરા શૈલેશ અને ચિંતન તથા એક દીકરી દીપ્તિ છે, જેમાં તેઓ મોટા દીકરા સાથે રહે છે. તેમના રૂટીન વિશે જણાવતાં તેમનાં દીકરી દીપ્તિબહેન કહે છે, ‘મમ્મી દરરોજ પાંચ કિલોમીટર જેટલું ચાલે છે. દરરોજ ઘરેથી પાર્લેશ્વર મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર જવાનું તેમનું રૂટીન છે અને એ પણ સવાર-સાંજ બન્ને સમય જાય. મમ્મી ચોથા માળે રહે છે એટલે દરરોજ દિવસમાં ઓછામાં ઓછા બે વાર દાદરા ઊતર-ચડ કરે છે. કિટી પાર્ટીમાં પણ મમ્મી જાય. તેમના મંદિરના મિત્રો જુદા અને કિટી પાર્ટીના જુદા. જો મમ્મીનું કોઈ ફંક્શન કરવાનું વિચારીએ તો ઓછામાં ઓછા પચીસથી ૩૦ મિત્રોની ગણતરી રાખવાની. બાકી એરિયામાં ફૂલવાળાથી લઈને શાકવાળા સુધી બધા તેમને ઓળખે, બધાની સાથે મમ્મી વાતચીત કરે.’
ફરવાનો શોખ
દમયંતીબહેનનું ભરતકામ જેટલું પર્ફેક્ટ છે એટલી જ તેમની જીવનશૈલી. ચોકસાઈ ખૂબ છે તેમનામાં. ઘરમાં પણ પિન-અપ કરેલી સાડી, વાળ વ્યવસ્થિત ઓળેલા અને એકદમ સુઘડ રહેવું તેમને ગમે. દમયંતીબહેનને ફરવાનો પણ ઘણો શોખ છે અને જ્યાં ફરવા ગયાં હોય ત્યાંથી ૨-૪ સાડીઓ શૉપિંગ કરીને જ આવે. કૉટનની સાડીનો ખૂબ શોખ છે. ફરવાની વાત પર ભાર મૂકતાં દમયંતીબહેન કહે છે, ‘મને કોઈ બહારગામ ફરવા લઈ જાય તો હું એકદમ રેડી. ચારધામ, સિંગાપોર, થાઇલૅન્ડ, હૉન્ગકૉન્ગ, પટાયા બધે હું ફરી આવી છું. અમેરિકા અને ન્યુ ઝીલૅન્ડ જ્યાં મારાં ગ્રૅન્ડચિલ્ડ્રન રહે છે ત્યાં મારે જવું છે. બાકી થોડા-થોડા મહિને શ્રીનાથજી આંટો મારી આવું. માથેરાન મારી અતિ મનગમતી જગ્યા છે. હું મિત્રો સાથે ઘણું ફરી, પણ હવે પરિવારનું કોઈ તો જોઈએ સાથે એવું થઈ ગયું છે.’
દમયંતીબહેનના પતિ ચંદુલાલભાઈ તો ૨૫ વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. એ પછી તેમણે એકલાંએ પોતાની અને પરિવારની જીવનડોરી ઘણી સારી રીતે સંભાળી લીધી છે. કોઈ પણ ગુજરાતી સ્ત્રીની જેમ ખાવા-ખવડાવવાનો તેમને ભારે શોખ. ખાવાનું નામ પડતાં આંખમાં ચમક સાથે તેઓ કહે છે, ‘હજી પણ ઘણી વાર બધા ભેગા થાય ત્યારે ડિમાન્ડ કરે કે ખીચું બનાવો. ઘરમાં બધાને મારા હાથનું ખીચું ખૂબ ભાવે. હું તો હવે ઘણું સાદું જમવા માંડી છું, પણ મને મીઠાઈ ખૂબ ભાવે. આજકાલના છોકરાઓ તો મીઠાઈના નામે ભાગે, પણ હું તો હજી પણ પ્રેમથી ખાઉં. મને નવું-નવું બનાવવું પણ ગમે છોકરાઓ માટે. તેમને માટે મેં પીત્ઝા બનાવતાં શીખી લીધેલું.’
મૉડર્ન અને કૂલ
પરિવારમાં દમયંતીબહેન ભલે વડીલ ગણાય, પણ એકદમ કૂલ દાદી છે તેઓ. કોઈ જાતનું ઘરમાં બંધન કે નિયમોનો બોજ નહીં. એ વિશે વાત કરતાં દીપ્તિબહેન કહે છે, ‘મમ્મી, પહેલેથી જ કૂલ હતાં. છોકરા-છોકરીનો ભેદ તેમણે રાખ્યો નથી. પપ્પાને કહેતાં હજી અમે બધા ડરતા પણ મમ્મી બધું સમજે અને તેમને બધું કહેવાય. મારા ભાઈના દીકરાએ એટલે કે તેમના પૌત્રને જ્યારે એક ફૉરેનર સાથે લગ્ન કરવાં હતાં ત્યારે ઘરમાં સૌથી વધારે ખુશ મમ્મી જ હતાં. મારા દીકરાએ લવ-મૅરેજ કર્યાં ત્યારે પણ મમ્મીને કોઈ વાંધો નહોતો. ઊલટું તેઓ અમને કહેતાં કે બાળકો ખુશ છે એટલે ઘણું છે, બીજું બધું જોવાની જરૂર નથી. એ રીતે તેઓ એકદમ મૉડર્ન વિચારધારાનાં છે જે અમારા બધા માટે આનંદની વાત છે.’
શતકની ઇચ્છા
શતકમાં દસકો બાકી છે તો કેવું લાગે છે? એ વાતે મલકતાં દમયંતીબહેન કહે છે, ‘આપણે ૧૦૦ પૂરાં કરવાં છે. આટલું સુંદર જીવન ભગવાને આપ્યું છે એટલે ઉપર જવાની ખાસ જલદી નથી. હા, એક વાત છે. હું ઇચ્છું છું કે જેટલું જીવું એટલું સ્વાવલંબી બનીને જીવવું છે. કોઈના પર નિર્ભર નથી થવું. બાકી જેટલો પણ સમય છે બધા સાથે હસી-ખુશી જીવન જીવી લેવું છે. જીવતાં જગતિયું કરી લેવું છે.’

