ભરપૂર વરસાદ થતો હોવા છતાં પાણી સંચયની વ્યવસ્થાના અભાવે ઉનાળામાં પાણીવિહોણાં થઈ જતાં લગભગ સવાસો ગામોમાં ચેકડૅમ, કૂવા રિચાર્જ, ચેકપાળા, ખેત તલાવડીઓ બનાવવા ગ્રામજનોની સહભાગિતાથી નીતાબહેન પટેલે જે કામ કર્યું છે એ કાબિલેદાદ છે
નીતા પટેલ
પાણીની મુશ્કેલીને કારણે બાળપણમાં માતા-પિતાએ પોતાને મામાને ઘરે મૂકીને બીજી જગ્યાએ રોજગારી માટે જવું પડ્યું ત્યારે અને ચારેક કિલોમીટર દૂર કૂવામાંથી પાણી ખેંચી લાવીને ઘર માટે પીવાના પાણીની તકલીફ વખતના એ દિવસોમાં એ નાની દીકરીએ મનોમન ગાંઠ વાળી લીધી હતી કે મોટી થાઉં તો એવું કંઈક કરું કે પાણીની તકલીફને કારણે નાના માણસોએ ઉચાળા ભરીને બીજે જવું પડે એવું તો ન જ થવું જોઈએ.
એ નાનકડી દીકરી એટલે આજે જેને ડાંગ અને એની આસપાસના જિલ્લાઓમાં લોકો આદરભાવથી વૉટર ચૅમ્પિયન તરીકે બોલાવે છે અને ઓળખે છે એ નીતા પટેલ.
ADVERTISEMENT
પાણીના અભાવે ઉનાળામાં ઘર છોડીને બીજા શહેર કે ગામમાં બે પૈસા કમાવા દોડવું ન પડે એ માટે નીતા પટેલે છેલ્લા લગભગ બે દાયકાથી એવા પ્રયાસ આદર્યા કે આજે ડાંગ જિલ્લાનાં ૧૦૦થી વધુ ગામોમાં પીવાના પાણીની તકલીફ દૂર કરી છે એટલું જ નહીં, પરંતુ સોલર સિંચાઈથી કેટલાય નાના ખેડૂતોને ઘરઆંગણે ખેતી કરતા કરી દીધા અને હવે એ ખેડૂતોને ઉનાળાના ચાર મહિનામાં રોજગારી માટે હવે ઘર છોડવા મજબૂર થવું પડતું નથી અને ઘરઆંગણે જ પરિવાર સાથે રહીને ખેતી કરી શકે છે.
ચોમાસાની આ સીઝનની શરૂઆતમાં મુંબઈની જેમ જ ગુજરાતમાં પણ મેઘો મહેરબાન થયો છે અને એમાં પણ ડાંગ જિલ્લા પર તો મેઘરાજાના ચાર હાથ સદાય રહ્યા છે. હાલમાં પણ ડાંગ સહિતના દક્ષિણ ગુજરાતના ડુંગરાળ પ્રદેશોમાં વરસાદની હેલી વરસે છે ત્યારે વહી જતા આ વરસાદના પાણીના સંગ્રહના વિચારને અમલમાં મૂકીને નીતા પટેલ અને તેમની ટીમે ગ્રામજનો સાથે મળીને વૉટર કન્ઝર્વેશન માટે મહેનત કરી, જેનાં સારાં પરિણામ આવ્યાં અને હવે ઉનાળાના દિવસોમાં પડતી પાણીની મુશ્કેલી લગભગ દૂર થઈ ગઈ છે.
કેવી રીતે વૉટર કન્ઝર્વેશનના અભિયાનની શરૂઆત થઈ એની વાત કરતાં આહવામાં રહેતાં નીતા પટેલ કહે છે કે ‘હું પુઅર ફૅમિલીમાંથી આવું છું. ગામડાંઓમાં ગરીબ વર્ગ અને મહિલાઓની સમસ્યાઓનો કોઈ પાર ન હોય એ મેં જોયું છે. ગરીબો પાસે જમીન ઓછી હોય અથવા નહીંવત્ હોય એટલે ચોમાસા સિવાયના મોટા ભાગના સમયમાં કામ માટે બીજે જવું પડે. મારી ફૅમિલી પણ એવું હતું. અમે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મોગરાવાડી ગામે રહેતાં હતાં. મારાં મમ્મી મંજુલાબહેન અને પપ્પા અસુભાઈ પણ રોજગાર માટે માઇગ્રેશન કરતાં હતાં. એ દિવસોમાં તેઓ મને મારા મામાના ઘરે મૂકીને જતાં હતાં. મારા મામા ગામમાં જ બીજા ફળિયામાં રહેતા હતા એટલે તેમને ત્યાં મૂકીને જતાં હતાં. હું આ બધું જોતી હતી. ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે, પણ અહીં જ પાણીનો પ્રશ્ન છે. ગરીબ વર્ગ અને એમાં પણ મહિલાઓને માટે પાણીનો પ્રશ્ન પહેલાંથી જ રહ્યો છે. નાની હતી ત્યારથી મને આ બધી બાબતોની ખબર હતી, કેમ કે મહું પોતે પણ નાનપણમાં ચાર કિલોમીટર ચાલીને કૂવેથી પાણી ખેંચીને ભરી લાવી છું. એનો મેં અહેસાસ કર્યો છે. ખાસ કરીને જૂન મહિનામાં વરસાદ શરૂ થાય એ પહેલાંના ચાર મહિનામાં પાણીની મુશ્કેલી રહે છે. જો પાણી હોય તો બધું જ શક્ય બને છે. વેડછીમાં આવેલી ગાંધી વિદ્યાપીઠમાંથી ૨૦૦૧માં મેં બૅચલર ઑફ રૂરલ સ્ટડીનો અભ્યાસ કર્યા બાદ હું ૨૦૦૨માં આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ ઇન્ડિયામાં જોડાઈ હતી. ભરૂચ–નેત્રંગમાં આગા ખાન સંસ્થામાં ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝર તરીકે કામ શરૂ કર્યું હતું. ૨૦૧૩માં ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ક્લસ્ટર મૅનેજર તરીકે મને પ્રમોશન મળ્યું હતું. ડાંગ જિલ્લામાં પાણીનો પ્રશ્ન છે એની મને ખબર હતી. સુબીર તાલુકો પહાડી વિસ્તાર છે. બૉર્ડર પરનાં ગામડાંઓમાં કામ કરતી મહિલાઓ સાથે બેઠકો કરતાં ત્યારે પહેલો પ્રશ્ન એક જ આવે કે પાણી મળતું નથી અને ત્રણ-ચાર કલાક પાણી ભરવામાં નીકળી જાય છે. કપડાં સરખાં ધોવાય નહીં, બાળકો નાહ્યાં ન હોય, આરોગ્ય પર પણ માઠી અસર પડે એવી બધી સ્થિતિ જોવા મળતી. આગા ખાન સંસ્થા નૅચરલ રિસોર્સ અને જમીન સંરક્ષણ માટે પણ કામ કરે છે એટલે અમે આંતરપાડા, વડપાડા, જરણ, ચીખલી સહિતનાં ગામમાં ગ્રામજનોને વહી જતાં વરસાદનાં પાણીના સંગ્રહ અને એના દ્વારા પાણીનાં તળ કેવી રીતે ઉપર આવે એની જાણકારી આપીને માટીપાળા, પથ્થરપાળા, ચેકડૅમ રિપેરિંગ, એમાંથી માટી કાઢીને પાણીના સંગ્રહ થાય, કૂવા રિપેરિંગ, નવા કૂવા, ખેત તલાવડીઓની વાત સમજાવીને એના દ્વારા પાણી રોકવા માટે વિગતવાર સમજણ આપી હતી અને અહીં લોકો સાથે મળીને વરસાદનાં પાણીના સંગ્રહ માટે કામ શરૂ કર્યાં હતાં.’
ગ્રામજનોના સહયોગથી શુભત્વ સાથે શરૂ થયેલા લોકોપયોગી કામમાં ઈશ્વર પણ રાજી થયો હોય એમ કેટલાંક ગામોમાં પાણી માટે કામગીરી શરૂ કરી અને એનાં પરિણામ પણ સારાં આવ્યાં એની સફળતાની વાત કરતાં નીતા પટેલ કહે છે, ‘૨૦૧૩માં અમે સુબીર તાલુકાના આંતરપાડા, જરણ, લવચાલી ચીખલી, પાદલખડી ગામને મૉડલ ગામ તરીકે લીધાં, કેમ કે ત્યાં પાણીની મુશ્કેલી હતી. ઉનાળામાં તો પાણી જોવા પણ મળતાં નહોતાં. ખાડા કરીને મહિલાઓ પીવા માટે પાણી લાવતી હતી. આ ગામમાં ગ્રામ વિકાસ મંડળ બનાવીને ગામના લોકો સાથે રહીને તેમને સમજીને પીવાનાં પાણી, ખેતીલાયક પાણી, ખેતી સુધારણા અને એનાં આયોજન કરીને ગામ સંગઠનોને સમજાવીને કામ શરૂ કર્યાં. સ્પીડથી જતા વરસાદનાં પાણીને રોકવા માટે માટીપાળા–પથ્થરપાળા બનાવ્યા, તૂટી ગયેલા કૂવા અને ચેકડૅમ રિપેર કર્યા, નવા કૂવા બનાવ્યા, ખેત તલાવડીઓ, ચેકવૉલ બનાવી અને અમને અહીં પરિણામ જોવા મળ્યાં. જે કૂવાઓમાં પાણી નહોતું એમાં પાણી આવ્યાં. પહેલાં પાણીનાં ટૅન્કર નાખવાં પડતાં હતાં એ હવે બંધ થયાં. ખેડૂતો પણ હવે સોલર કનેક્શનથી ઉનાળામાં પણ ખેતી કરે છે.’
સવાસો ગામને ફાયદો
વહી જતાં વરસાદનાં પાણીને વિવિધ પદ્ધતિઓથી રોકીને એના મળેલાં પરિણામથી કેટલાંય ગામોમાં પાણીની મુશ્કેલી દૂર થઈ છે એની વાત કરતાં નીતા પટેલ કહે છે, ‘ગ્રામજનોને સમજણ આપીને તેમનામાં પાણી વિશે જાગૃતિ ફેલાવીને તેમની સાથે મળીને છેલ્લાં સાત-આઠ વર્ષ દરમ્યાન કરેલા પ્રયાસથી આજે ૧૦૦થી ૧૨૫ ગામમાં પાણીની તકલીફ દૂર કરી છે. સુબીર, આહવા, વઘઈ, સામગન તાલુકાઓમાં ૫૦ જેટલા ચેકડૅમ રિપેર કર્યા છે, બાવન ગ્રુપવેલ, ૩૯૬ બોરીબંધ બનાવ્યાં, ૧૮ ખેત તલાવડીઓ બનાવી, ૧૮ તળાવ બનાવ્યાં, ૬૮ લિફ્ટ ઇરિગેશનનાં કામ કર્યાં, ૬ ચેકવૉલ બનાવી, એ ઉપરાંત ૨૧૪ ગામોમાં પાણીને લઈને જનજાગૃતિની કામગીરી ચાલી રહી છે. આજે અમારી સાથે ગ્રામીણ વિસ્તારનાં ૧૫,૦૦૦થી વધુ ભાઈઓ–બહેનો જોડાયાં છે અને સહિયારા પ્રયાસથી પાણી માટે કામ કરી રહ્યાં છીએ. ડાંગમાં બહુ વરસાદ પડે છે એટલે ખૂબ ઝડપથી વહી જતાં વરસાદનાં પાણીને રોકવા માટે તેમ જ માટીને રોકવા માટે વૉટર કન્ઝર્વેશનની પ્રવૃત્તિઓ કરીએ છીએ જેથી ભૂગર્ભમાં એનો સંગ્રહ થાય અને કૂવા તેમ જ તળાવો રીચાર્જ થાય છે. આ પ્રકારનાં કામ કરવામાં આવે તો પાણીની સમસ્યા દૂર થઈ શકે છે અને આખા વિસ્તારને લીલોછમ બનાવી શકાય છે.’
નીતા પટેલનાં માતા-પિતા પાણીની અછતને કારણે વર્ષો અગાઉ વર્ષમાં કેટલોક સમય ઘર છોડીને બીજે રોજગારી માટે જતાં હતાં, પણ આજે નીતા પટેલે કંઈકેટલાંય માતા-પિતાને તેમના
ઘરઆંગણે પાણીની અને સોલરની સુવિધા આગા ખાન સંસ્થાના સહયોગથી ઉપલબ્ધ કરાવી આપીને તેમના પરિવારથી દૂર થતાં અટકાવ્યાં છે અને પરિવાર સાથે કિલ્લોલ કરતાં કર્યાં છે. નાની વ્યક્તિ પણ નિશ્ચય કરે તો નીતા પટેલ જેવું સદ્કાર્ય લોકસહકારથી કરી શકે છે અને એટલે જ નીતા પટેલને ગ્રામજનો વૉટર ચૅમ્પિયન કહીને બોલાવે છે.
પૂર્ણા નદીના કિનારે પરિવારો સોલર સિસ્ટમથી ખેતી કરે છે
ડાંગ જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીના કિનારે રહેતા સામાન્ય પરિવારના લોકોએ હવે સોલર સિસ્ટમથી ખેતી કરીને પોતાનું જીવન હર્યુંભર્યું બનાવ્યું છે. નીતા પટેલે કહે છે, ‘૨૦૧૬માં પૂર્ણા નદી પાસે આવેલા સુબીર તાલુકાના પિપલાઈદેવી ગામના વડપાડા ફળિયામાં એક ગરીબ પરિવાર માઇગ્રેટ થઈ રહ્યો હતો. તેમની વાત સાંભળી તો ખબર પડી કે પૂર્ણા નદીના કિનારે પાંચ-સાત ફૅમિલી રહેતી હતી અને તેઓ ખેતી માટે પાણીના મુદ્દે હેરાન થતા હતા. આ બધા પરિવારની સમસ્યા સાંભળી કે નદીકિનારે નાનાં ખેતર તો છે, પણ લાઇટનું કનેક્શન નથી, ડીઝલ પોસાય એમ નથી તો શું કરીએ. આ લોકોની વાત સાંભળીને વિચાર્યું કે સોલરની મદદથી બીજે સિંચાઈ થાય છે તો ડાંગમાં પણ એવું કરી શકાય. એટલે ૨૦૧૬માં ૭ ખેડૂતોને ખેતી માટે સોલર સિસ્ટમથી સિંચાઈ કરીને કામ કરતાં શીખવ્યું હતું. આજે આ ૭ પરિવાર સફળતાપૂર્વક અન્યત્ર સ્થળાંતર કર્યા સિવાય ઘરઆંગણે જ ખેતીકામ કરી રહ્યા છે. જે લોકોને મુશ્કેલી હોય એવાં ગામમાં અમે નાનાં ગ્રુપ બનાવીને સોલર સિંચાઈની પ્રવૃત્તિ કરાવીએ છીએ. અત્યાર સુધી ૨૧૨ જેટલા ખેડૂતો સોલરથી સિંચાઈ કરતા થયા છે.’

