ગુજરાતના જાણીતા દિવંગત શાસ્ત્રીય ગાયક પંડિત કૃષ્ણકાંત પરીખના પૌત્ર અક્ષત પરીખે ‘બંદિશ બૅન્ડિટ્સ’ નામની વેબ-સિરીઝ દ્વારા ઇન્ડસ્ટ્રીમાં વૉઇસ-કોચ નામની એક નવી કરીઅરની શરૂઆત કરી
મમ્મી અને પત્ની સાથે અક્ષત પરીખ.
ગુજરાતના જાણીતા દિવંગત શાસ્ત્રીય ગાયક પંડિત કૃષ્ણકાંત પરીખના પૌત્ર અક્ષત પરીખે ‘બંદિશ બૅન્ડિટ્સ’ નામની વેબ-સિરીઝ દ્વારા ઇન્ડસ્ટ્રીમાં વૉઇસ-કોચ નામની એક નવી કરીઅરની શરૂઆત કરી. એમાં તેઓ કલાકારોને સ્ક્રીન પર કઈ રીતે ગાવું એટલે કે ગાવાની ઍક્ટિંગ કઈ રીતે કરવી એ શીખવે છે. હાલમાં મુંબઈમાં ચાલતા ‘રાજાધિરાજ’ નામના મ્યુઝિકલ જલસામાં તેમણે સિંગર્સને ગાતાં-ગાતાં ઍક્ટિંગ કરવાની અને ઍક્ટર્સને સ્ટેજ પર અભિનય સાથે ગાવાની ટ્રેઇનિંગ પણ આપી હતી. મૂળ એક ગાયક તરીકે કાર્યરત અક્ષતનું વૉઇસ-કોચ તરીકેનું કામ અને તેમનો અનુભવ ઘણાં જુદાં છે જે સમજવાની કોશિશ કરીએ
ગાવું એક કળા છે અને ગાવાની ઍક્ટિંગ કરવી એ જુદી કળા છે. વળી ગાતાં-ગાતાં ઍક્ટિંગ કરવી એ પણ એક જુદી કળા છે. શું એ શીખી શકાય? જો કોઈ શીખવવાવાળું હોય તો ચોક્કસ. ફિલ્મો અને ફિલ્માંકનને બને એટલાં હકીકતથી નજીક રાખવાના પ્રયાસો થતા જ રહે છે. એવો એક પ્રયાસ એટલે વૉઇસ-કોચ. ૨૦૨૦માં ઍમૅઝૉન પ્રાઇમ પર એક વેબ-સિરીઝ આવેલી ‘બંદિશ બૅન્ડિટ્સ’ અને ૨૦૨૪માં એની બીજી સીઝન રિલીઝ થઈ હતી જેમાં શાસ્ત્રીય સંગીત પ્રસ્તુત કરનારા એક ઘરાનેદાર પરિવારની વાર્તા હતી. નસીરુદ્દીન શાહ, અતુલ કુલકર્ણી, શીબા ચઢ્ઢા અને રિત્વિક ભૌમિક જેવા કલાકારોએ જ્યારે શાસ્ત્રીય ગાયક હોવાનો અભિનય કર્યો ત્યારે લોકો તેમની ઍક્ટિંગ પર ઓવારી ગયા હતા, કારણ કે તેઓ અદ્દલ એક શાસ્ત્રીય ગાયક જ લાગતાં હતાં. એમાં કોઈ શંકા નથી કે તેઓ ખૂબ સારા કલાકાર છે, પણ તેમની ઍક્ટિંગમાં આ રિયલિઝમ લાવવાનું શ્રેય તેઓ બધા એક વ્યક્તિને આપે છે જેનું નામ છે અક્ષત પરીખ. હાલમાં જ રિલીઝ થયેલી ‘મેટ્રો... ઇન દિનોં’માં પણ તેમણે અલી ફઝલને ગિટાર સાથે કઈ રીતે ગાવું જેથી લાગે કે તે સ્ટ્રગલ કરી રહેલો સિંગર છે એ શીખવ્યું હતું. હાલમાં મુંબઈમાં ભગવાન શ્રીકૃષ્ણની જીવનલીલા પર આધારિત ‘રાજાધિરાજ’ નામનો મેગા મ્યુઝિકલ જલસો ચાલી રહ્યો છે જેમાં એકસાથે કેટલાય ગાયકો સ્ટેજ પર લાઇવ સંગીત ગાતાં-ગાતાં ઍક્ટિંગ કરી રહ્યા છે. આ નાટકમાં આ કલાકારોને ટ્રેઇન કરવાની જવાબદારી અક્ષત પરીખની હતી, કારણ કે ગાતાં-ગાતાં ઍક્ટિંગ કરવી અને ઍક્ટિંગ કરતાં-કરતાં ગાવું એ બન્ને વસ્તુ ઘણી અઘરી છે. ઘણા જૂજ લોકો હોય છે જેઓ પોતાની ટૅલન્ટ વડે એક આખી નવી કરીઅર ઊભી કરવા સમર્થ હોય. ગાયન અને ઍક્ટિંગની દુનિયામાં વૉઇસ-કોચ નામની આ નવી કરીઅર ઊભી કરવાનું શ્રેય અક્ષત પરીખના શિરે જાય છે.
ADVERTISEMENT

નાનપણ
અક્ષત પરીખ ખુદ એક સિંગર છે. તેઓ બૉલીવુડ અને લાઇટ મ્યુઝિક પર્ફોર્મ કરે છે. અમદાવાદના સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક દિવંગત કૃષ્ણકાંત પરીખના તે પૌત્ર છે. તેમના પિતા પંડિત નીરજ પરીખ જેમનું મે મહિનામાં જ અકાળ અવસાન થયું હતું તે પણ જાણીતા શાસ્ત્રીય ગાયક હતા. અક્ષતના દાદા અને પિતા બન્ને સંગીત માર્તંડ પદ્મવિભૂષણ સ્વ. પંડિત જસરાજના ગંડાબંધ શિષ્ય હતા. આમ તેમના પરિવારનો સમાવેશ મેવાતી ઘરાનામાં ગણાય. આમ અક્ષતને સંગીત ગળથૂથીમાં મળ્યું છે. અમદાવાદમાં આવેલા તેમના પરિવાર સાથે વિતાવેલા નાનપણને યાદ કરતાં અક્ષત કહે છે, ‘મને કોઈ પૂછે કે મારા સંગીતની શરૂઆત ક્યાંથી થઈ તો એનો જવાબ અઘરો છે, કારણ કે કદાચ એ માના ગર્ભથી જ હશે. મોટા-મોટા કલાકારો અમારા ઘરે આવતા. તેમને સાંભળવાનો, તેમની સાથે સમય વિતાવવાનો લહાવો મને મળતો રહેતો. અમદાવાદમાં ખૂબ જાણીતો શાસ્ત્રીય સંગીતનો જલસો એટલે કે ‘સપ્તક’ કાર્યક્રમ યોજાતો એમાં મારા દાદા મુખ્ય વ્યક્તિ રહેતા. એટલે મને નાનપણથી જ ઘણા દિગ્ગજ કલાકારોને સાંભળવાનો અને જોવાનો અવસર મળ્યો હતો. આ અનુભવ મને વૉઇસ-કોચના કામમાં ઘણો ઉપયોગી નીવડ્યો.’
મુંબઈ આવ્યા
મા અને પત્ની સાથે ૩૫ વર્ષના અક્ષત પરીખ કાંદિવલીમાં રહે છે. તેમનાં પત્ની પ્રાર્થના મહેતા પિયાનિસ્ટ છે. અક્ષત ગાયક તરીકે સ્ટેજ-શો કરે છે. એમાં બૉલીવુડનાં ગીતો ગાય છે. તેમનો ગયા વર્ષે આવેલો મ્યુઝિક-વિડિયો ‘રંગેયા’ લોકોને ખૂબ પસંદ પડ્યો હતો. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’નું ‘રંગ લાગ્યો’ ગીત પણ તેમણે ગયું છે જે પણ ખાસ્સું પ્રચલિત થયું હતું. સામાન્ય રીતે શાસ્ત્રીય સંગીતના ઘરાનેદાર પરિવારોમાં વડીલોનો આગ્રહ હંમેશાં એવો જ હોય કે તેમનાં સંતાનો શાસ્ત્રીય સંગીત જ ગાય. તો તમને કોઈએ કહ્યું નહીં ઘરમાંથી કે તમે લાઇટ મ્યુઝિક ન ગાઓ? એનો જવાબ આપતાં અક્ષત કહે છે, ‘જો દાદાજી જીવતા હોત તો ચોક્કસ તેમનો એવો આગ્રહ હોત કે હું શાસ્ત્રીય સંગીત ગાઉં. મારાં મમ્મી-પપ્પાના ડિવૉર્સ થયા પછી હું દાદા-દાદી સાથે જ રહેતો હતો. દાદા પાસેથી હું ઘણું સંગીત શીખ્યો છું. તેમની પાસે જ્યારે લોકો શીખવા આવતા ત્યારે હું પણ બેસી જતો. અલગથી પણ તેઓ મને ઘણું શીખવતા. હું, પાર્થ ઓઝા અને પ્રહર વોરા ત્રણેય એકસાથે તેમની પાસે શીખતા હતા. રિયાઝ આજની તારીખે પણ હું એટલો જ કરું છું. ખ્યાલ ગાયકી મેં ગાઈ નથી. મને પંડિત જસરાજ જેમને હું દાદાગુરુ કહેતો તેમણે કહ્યું કે તું મુંબઈ આવી જા. તેમના કારણે જ હું મુંબઈમાં મેવાતી ઘરાનાના ગાયક રતન મોહન શર્માને ત્યાં રહ્યો. અહીં સંગીત શીખવાનું ચાલુ રાખ્યું અને સંગીત શીખવવાનું શરૂ કર્યું.’
કઈ રીતે મળ્યું આ કામ?
અહીં ઍડ-ફિલ્મ્સની જિંગલ્સ, સિરિયલોના ટ્રૅક, લાઇવ પ્રોગ્રામ્સ જેવા ઘણા જુદા-જુદા પ્રોજેક્ટ્સ પર અક્ષતે કામ કર્યું. જોકે ઍક્ટર્સને ટ્રેઇન કરવાનું કામ કઈ રીતે મળ્યું? એના જવાબમાં અક્ષત કહે છે, ‘ઘણાં પ્રોડક્શન-હાઉસ મને જાણતાં થઈ ગયાં હતાં. એક સંગીત-શિક્ષક તરીકે પણ હું બાળકોમાં જાણીતો બની ગયેલો. એમાંથી જ કોઈએ પ્રોડક્શનને રેફરન્સ આપ્યો હશે કે આ વ્યક્તિ સારું શીખવે છે. એટલે એક દિવસ મને પ્રોડક્શન-હાઉસમાંથી ફોન આવ્યો. ‘બંદિશ બૅન્ડિટ્સ’નો આખો કન્સેપ્ટ તેમણે મને સમજાવ્યો. શાસ્ત્રીય સંગીત માટે કંઈક આટલું સારું કામ થવા જઈ રહ્યું હોય તો એવા પ્રોજેક્ટ સાથે કોને જોડાવું ન ગમે? મેં ઍક્ટિંગ નથી શીખી, પણ મને ગાવાનો અને કલાકારોને ખૂબ નજીકથી જોવાનો મહાવરો હતો. એટલે આ કામ મને અઘરું ન પડ્યું. ફક્ત નવીનતા એ હતી કે અહીં મારે કામ કરવાનું નથી, કરાવવાનું છે; મારે ગાવાનું નથી, કોઈ ઍક્ટર પાસે એકદમ ઑથેન્ટિક લાગે એ રીતે ગવડાવવાનો અભિનય કરાવવાનો છે. આ એક નવું અને ચૅલેન્જિંગ કામ હતું એટલે મેં સ્વીકારી લીધું. એ માટે શૂટિંગ શરૂ થતાં પહેલાં જ લગભગ ૬ મહિના બધા કલાકારો મારી પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યા, કારણ કે તેમને સમજાવવું જરૂરી હતું કે આ સંગીત છે શું. એ પછી શૂટિંગમાં તેમની સાથે રહેવાનું હતું.’
કઈ રીતે બન્યું શક્ય?
‘બંદિશ બૅન્ડિટ્સ’માં તો ઘણા કલાકારો હતા. દરેકેદરેક શાસ્ત્રીય સંગીત ગાતા હોય તો એ બધા જ જુદા દેખાતા હતા. આ કઈ રીતે તમે શક્ય કર્યું? એનો જવાબ આપતાં અક્ષત કહે છે, ‘રિયલ લાઇફમાં પણ એવું જ હોય છે. દરેક કલાકાર જુદો દેખાય છે એનું કારણ એ છે કે કોઈ પણ કલાકાર ગાતી વખતે પોતાના એક વિશ્વમાં હોય છે. તે રાગને પોતાની દૃષ્ટિએ જોતો હોય છે. આ દૃષ્ટિ જ તેનું ગાયન છે. આથી જ દરેકની ભાવભંગિમા જુદી હોય છે. મેં આ ઍક્ટર્સને શાસ્ત્રીય ગાયકોના વિડિયો પણ બતાવ્યા. બેઝિક સ્કિલ જેમ કે તાનપૂરો કઈ રીતે વગાડવો કે ટ્યુન કરતા હોય ત્યારે એને કઈ રીતે પકડવો એ બધું ઓરિજિનલી શીખવ્યું છે. આમ એ બૉડી-લૅન્ગ્વેજ જોનારને એકદમ ઑથેન્ટિક લાગે છે. આજે ઘણા લોકો મને પૂછે છે કે વૉઇસ-કોચ કઈ રીતે બનાય? એનો કોર્સ ક્યાં થાય છે? હકીકતમાં એનો કોઈ કોર્સ નથી. આ ફીલ્ડ તો ફક્ત આવડતનું છે, અનુભવનું છે જે બન્ને મારી પાસે હતાં એટલે એ કામ થઈ રહ્યું છે. જે વ્યક્તિમાં એ આવડત છે તે આ કામ કરી શકે છે.’
પંડિત જસરાજની દેન
‘રાજાધિરાજ’માં અક્ષતને કાસ્ટિંગમાં પણ સામેલ કરવામાં આવેલા. એમાં અમુક સારા ગાયકોને તેમણે ઍક્ટિંગ કરતાં અને અમુક સારા ઍક્ટર્સને સૂરમાં ગાતાં શીખવ્યું. હાલમાં જે શો થયા એમાં તેમણે ખુદ સ્ટેજ પર ગાયું અને ઍક્ટિંગ પણ કરી. ભવિષ્યમાં તેમની પાસેથી લોકોને શું જોવા મળશે એની વાત કરતાં અક્ષત કહે છે, ‘અમે તાના-રીરી પર એક મ્યુઝિકલ બનાવી રહ્યા છીએ જેમાં ઘણા નવીન પ્રયોગો લોકો સમક્ષ લાવી રહ્યા છીએ. ‘બંદિશ બૅન્ડિટ્સ’માં પણ અમે એવું જ કરેલું. શાસ્ત્રીય સંગીતમાં એક સ્ત્રી અને પુરુષ બન્નેનું એકસાથે ગાવું અઘરું છે, કારણ કે બન્નેના સ્કેલ હંમેશાં અલગ-અલગ હોય. આ વસ્તુનો તોડ પંડિત જસરાજે કાઢેલો જેને મૂર્છના ભેદ કહેવાય. પંડિતજીની શાસ્ત્રીય સંગીતને આ એક મોટી દેન છે જે મને તો ખબર જ હતી એટલે મેં મેકર્સ અને લેખકો જોડે વાત કરી. આ વસ્તુને ‘બંદિશ બૅન્ડિટ્સ’ની વાર્તામાં વણી લેવામાં આવી હતી. એ જોવા માટે પંડિતજી આપણી વચ્ચે નથી, પરંતુ આ મારા તરફથી તેમને અંજલિ હતી. પ્રથમ સીઝન જ્યારે આવી ત્યારે તેમણે બિન્જ વૉચિંગ કરેલું. તેમને એ ખૂબ ગમેલું.’
દાદાની યાદ
અક્ષતના દાદા કૃષ્ણકાંત પરીખનું ઘણું મોટું નામ હતું. આજે પણ ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતમાં કાઠું કાઢનારા જૂજ કલાકારોમાં તેમનું નામ ઘણા આદરથી લેવામાં આવે છે. સંગીતનો વારસો અક્ષતને તેમની પાસેથી મળ્યો એની ના નહીં, પણ તેમની પાસેથી તે ઘણું શીખ્યો એ વાતનો તેને હર્ષ છે. નાનપણની વાત યાદ કરતાં અક્ષત કહે છે, ‘મને યાદ છે કે મેં વ્યવસ્થિત ગાયું ન હોય તો તે મને ખૂબ વઢતા. હું રડી પણ પડતો. તેઓ પર્ફેક્શનના ઘણા આગ્રહી હતા એટલે ન આવડ્યું હોય કે એ વસ્તુ પર મહેનત ન કરી હોય તો તે ખુબ ગુસ્સે થતા. એની સામે જ્યારે કંઈ સારું ગાયું હોય તો તે ચોધાર આંસુએ રડી પણ દેતા. આવા સમયે હું હેબતાઈ જતો કે મેં એવું શું કર્યું કે તેઓ રડવા લાગ્યા? પણ આજે વિચારું છું તો લાગે છે કે સારું છે કે જીવનમાં મેં કંઈક તો એવું ગાયું જે તેમને સ્પર્શી ગયું. મને એ ક્ષણ જીવવાનો સંતોષ છે.’
નસીરુદ્દીન શાહ સાથે કામનો અનુભવ

નસીરુદ્દીન શાહની ગણના ટોચના એક કલાકાર તરીકે થાય છે. આ ધુરંધર કલાકારને એક જુવાનિયો આવીને શું શીખવે અને શીખવે તો એ તેમને માન્ય હોય ખરું? તમને ડર નહોતો લાગ્યો? આ પ્રશ્નોનો જવાબ આપતાં અક્ષત પરીખ કહે છે, ‘સાચું કહું તો મને ડર તો હતો મનમાં. તેમના વિશે મેં સાંભળેલું કે તેઓ ખૂબ ગુસ્સાવાળા છે. જોકે અનુભવ ખૂબ જ જુદો રહ્યો. તેઓ ખૂબ ગંભીર છે પોતાના કામ માટે અને આ ઉંમરે પણ સદા તત્પર છે નવું શીખવા માટે, સમજવા માટે. અમે શૂટિંગ શરૂ કર્યું ત્યારે સીન બધા એવા હતા કે એમાં તેઓ તેમના પૌત્ર રાધેને કે બીજા વિદ્યાર્થીઓને શીખવી રહ્યા છે. એ સીન ખૂબ સરસ રહ્યા, પણ જ્યારે સંગીત સમ્રાટ તરીકે તેમણે સ્ટેજ-પર્ફોર્મન્સ આપવાનો સીન હતો ત્યારે જોઈએ એવી મજા આવતી નહોતી. એટલે મેં તેમને કહેલું કે અહીં તમે ગુરુ નથી, સમ્રાટ છો. જ્યારે કોઈ કલાકાર કોઈને શીખવે છે ત્યારે તેની બૉડી-લૅન્ગ્વેજ અને જ્યારે તે સ્ટેજ પર ગાય છે એ પણ એ સ્ટેજ પર જ્યાં ‘સંગીત સમ્રાટ’ની ઉપાધિ ધરાવે છે તો તેની બૉડી-લૅન્ગ્વેજ જુદી હોય; તેનામાં ભલે ઘમંડ ન હોય, પણ અભિમાન તો હોવું જ જોઈએ. આ સીન પત્યો પછી તેમણે બધા સામે મને વખાણતાં કહ્યું હતું કે મારી આ બ્રીફ તેમને ખૂબ ગમી અને એના આધારે તેઓ સમજી શક્યા કે શું ફરક છે.’


