Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > હૅટ્સ ઑફ, ગિરિજા

હૅટ્સ ઑફ, ગિરિજા

Published : 05 October, 2025 11:34 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અકલ્પનીય જિનેટિક બીમારી સાથે જીવતી આ છોકરીએ તમામ તકલીફોને પાર કરીને ક્લે-આર્ટને એવી તે હસ્તગત કરી કે તેણે બનાવેલાં ઇઅર-રિંગ્સ અને વૉલ આર્ટ તમે જોતા રહી જશો

હૅટ્સ ઑફ, ગિરિજા

હૅટ્સ ઑફ, ગિરિજા


તેનું નામ ગિરિજા છે. ઉંમર તેની ૨૮ વર્ષ. ૨૮ વર્ષમાં ગિરિજાને ઓછાંમાં ઓછાં ૧૦૦ વખત ફ્રૅક્ચર થયાં છે અને હવે તેને ફ્રૅક્ચરની આદત પડી ગઈ છે. તેને પણ અને ગિરિજાનાં મમ્મી-પપ્પાને પણ. ડૉક્ટરે તેને હલનચલન કરવાની ના પાડી દીધી છે અને નાછૂટકે ગિરિજાએ એ બંધ પણ કરી દીધું છે. અલબત્ત, આમ પણ તેનાથી હરવું-ફરવું કે બહાર જવું તો પહેલાં પણ શક્ય નહોતું. જોકે પહેલાં તેનાં મમ્મી-પપ્પા તેને બહાર લઈ જતાં, છેલ્લાં થોડાં વર્ષોથી તો એ પણ બિલકુલ બંધ કરી દીધું છે. એમ છતાં તે ટીવી થકી દુનિયા સાથે જોડાયેલી રહેવાનો પ્રયાસ કરે છે અને એટલું જ નહીં, તે પ્રયાસ કરે છે કે બીજી બધી જ દીકરીઓની જેમ તે પણ પોતાનાં મમ્મી-પપ્પાનો હાથવાટકો બને, તેમને ઘરમાં આર્થિક મદદ કરે. ગિરિજા ઑસ્ટિઓજેનેસિસ ઇમ્પર્ફેક્ટા નામની એવી જિનેટિક બીમારીથી પીડાય છે જેની કોઈ સારવાર નથી.

બોલવામાં પણ તતપપ થઈ જવાય એવી આ તકલીફ વિશે વધારે જાણવા માટે ગૂગલ કરશો તો વાંચીને પણ પરસેવો છૂટી જશે. હાડકાંમાં સહેજ પણ નક્કરતા ન હોય, જેને લીધે સામાન્ય ઠોકર લાગવાથી પણ ફ્રૅક્ચર થઈ જાય, સ્કિન કાગળથી પણ વધારે આછી થઈ જાય, જેને કારણે બંધ ઢાંકણાવાળી બૉલપેનનો આછો સરખો સ્પર્શ પણ સ્કિનને ફાડી નાખે. દાંત ટકે નહીં એટલે ખાવાનું તો ભૂલી જ જવાનું, શક્ય હોય તો લિક્વિડ પર જ રહેવાનું અને એવું કરો એટલે આવનારા બીજા પ્રૉબ્લેમ. જોકે ગિરિજા હારી નથી, હારવાનું તેના લોહીમાં નથી. ગિરિજાએ ઘરમાં બેસીને પણ સોશ્યલ મીડિયા પર પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે અને હાથે બનાવેલાં ઇઅર-રિંગ્સથી લઈને ક્લે એટલે કે માટીથી બનેલી વૉલ-આર્ટ અને હૅન્ગિંગ ડેકોરેટિવ પીસ વેચે છે. ગિરિજા કહે છે, ‘કોઈ કામ નાનું નથી. મને ખુશી એ વાતની છે કે હું મારાં મમ્મી-પપ્પાને મારાથી થાય એટલી હેલ્પ કરી શકું છું.’



વાત થોડી અંગત


બૅન્ગલોરના ચિકપેટ વિસ્તારમાં રહેતી ગિરિજા એસ.ના પપ્પા ટેલર છે અને મમ્મી ગૃહિણી. જિનેટિક બીમારી સાથે જન્મેલી ગિરિજાના પ્રૉબ્લેમના કારણે ડૉક્ટરોએ તો એ જ સમયે કહી દીધું હતું કે આ દીકરી બેચાર વર્ષથી લાંબું જીવી નહીં શકે, પણ મમ્મી-પપ્પાએ ખરા અર્થમાં દીકરીને પાંપણ પર ઉછેરી અને ગિરિજાનું આયુષ્ય લંબાતું ગયું. જોકે જે પ્રકારનો ગિરિજાને પ્રૉબ્લેમ હતો એ જોતાં તેને બીજાં બાળકો જેવી જિંદગી ક્યારેય મળી નહીં. સ્કૂલનું પ્રાથમિક કહેવાય એવું શિક્ષણ પણ ગિરિજા લઈ શકી નહીં. મમ્મીને જે આવડ્યું અને જેટલું આવડ્યું એટલું મમ્મીએ ઘરમાં બેસીને તેને શિખવાડ્યું એટલે સામાન્ય લખતાં-વાંચતાં અને ગણતરીઓ કરતાં ગિરિજા શીખી શકી. ગિરિજામાં ભણતરનો અભાવ રહ્યો, પણ સમય અને સંજોગોએ તેને ગણતર ભારોભાર આપ્યું. ગિરિજા કહે છે, ‘પહેલાં કોઈને કડકડાટ અંગ્રેજી બોલતાં જોતી ત્યારે મને થોડુંક દુઃખ થતું, પણ પછી મેં મન મનાવી લીધું કે તેનામાં એ ફાવટ છે તો મારામાં બીજી કોઈ આવડત હશે.’
પોતાનામાં રહેલી આવડત ગિરિજાને અચાનક જ મળી ગઈ એવું કહીએ તો ચાલે.

ઘરમાં રહીને ટીવી પર કાર્ટૂન અને ન્યુઝ જોતી ગિરિજાને પોતાને પણ ખબર ન રહી કે તે કેવી રીતે ક્લે-આર્ટમાં એક્સપર્ટ થઈ ગઈ, પણ માટીમાંથી અલગ-અલગ કલાકૃતિ બનાવવાનું તેણે શરૂ કરી દીધું. ગિરિજા કહે છે, ‘પહેલાં તો હું મારી ખુશી માટે એ બનાવતી પણ મમ્મી અમારા ઓળખીતાને ક્યારેક બર્થ-ડે કે બીજા કોઈ પ્રસંગે મારી બનાવેલી આઇટમ ગિફ્ટ આપવા માંડી અને એ લોકોને પણ ગમવા માંડી એટલે મારો ઉત્સાહ વધ્યો અને પછી મેં મારી રીતે વધારે મહેનત કરવાનું શરૂ કર્યું.’


શરૂઆતમાં લોકો ગિરિજાને સપોર્ટ કરવાના હેતુથી એ પ્રોડક્ટ ખરીદતા પણ એ પ્રોડક્ટમાં રહેલી કલાને જોઈને બીજાના મોઢે એનાં વખાણ સાંભળીને લોકોમાં પણ ઉત્સાહ વધવા માંડ્યો અને લોકોમાં ઉત્સાહ જોઈને ગિરિજાનો ઉત્સાહ બેવડાયો. ગિરિજા કહે છે, ‘મેં બનાવેલી વસ્તુ વેચવા માટે હું તો ક્યાંય જઈ નહોતી શકવાની પણ મમ્મી આડોશીપાડોશી અને બીજા લોકોને એની વાત કર્યા કરે તો પપ્પા પણ પોતાની રીતે બધાને વાત કરે. જો મમ્મી-પપ્પા ન હોત તો કદાચ હું આ પણ ન કરી શકી હોત. તેમને કારણે મારામાં રહેલી આ આર્ટને બહાર આવવાની તક મળી અને પછી આગળ વધતી ગઈ.’

કરી ઑનલાઇન શૉપ

ગિરિજાએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આ પ્રોડક્ટ વેચવાનું શરૂ કર્યું. વાત છે ૨૦૨૦ની. શરૂઆતમાં તો કોઈ રિસ્પૉન્સ મળ્યો નહીં અને છેક બે વર્ષ પછી ૨૦૨૨માં મુંબઈની પ્રીતિ નામની એક છોકરીએ ટાઇમપાસ સર્ફિંગમાં તેને શોધી લીધી અને તે ગિરિજાના સૌથી પહેલી ક્લાયન્ટ બની. ગિરિજા કહે છે, ‘અગાઉ તો ઓળખાણથી મારી વસ્તુ વેચાતી અને એમાં ક્યાંક કદાચ દયાભાવ પણ હતો પણ ઓળખાણ વિના, ફક્ત પ્રોડક્ટ જોઈને કોઈએ એ ખરીદી હોય એવો એ પહેલો બનાવ.’

ગિરિજાની ખુશી વધી ગઈ અને પછી તો ધીમે-ધીમે ઑનલાઇન માર્કેટ પણ તેના માટે ખૂલવા લાગ્યું. ગિરિજા કહે છે, ‘પ્રીતિ માત્ર પહેલી કસ્ટમર નથી પણ તે મારી ફ્રેન્ડ પણ બની અને મને તેની પાસેથી ખૂબ પ્રોત્સાહન મળ્યું.’

ક્લેથી પ્રોડક્ટ બનાવવાનું કામ ભારોભાર કડાકૂટનું તો છે જ અને સાથોસાથ શરીર તોડી નાખે એટલી મહેનત માગી લેનારું પણ છે. એક ઇઅર-રિંગ બનાવવામાં ગિરિજાને ચારથી છ દિવસ લાગે છે, જ્યારે ચોરસ-ચોરસ એક ફુટની લંબાઈ-પહોળાઈવાળો વૉલ-આર્ટ પીસ બનાવવામાં ગિરિજાને ઓછામાં ઓછા પંદરથી વીસ દિવસ લાગે છે. ગિરિજા કહે છે, ‘દુઃખ ત્યારે થાય જ્યારે લોકો આ મહેનતને જુએ નહીં અને ડિસ્કાઉન્ટ માગે અને પછી ગાયબ થઈ જાય.’

એક વ્યક્તિએ તો ગિરિજાની વાત સાંભળી-વાંચીને તેને વિડિયો-કૉલ કરી ખરાઈ કરવાની વાત કરી ત્યારે ગિરિજા અને તેનાં મમ્મી બહુ રડ્યાં હતાં. ગિરિજા કહે છે, ‘પછી મને સમજાયું કે વાંક તેમનો નથી, તેમની આસપાસના વાતાવરણનો છે. ત્યાં ચીટિંગ થતું હશે એટલે તેમને આવો વિચાર આવ્યો હશે.’

ગિરિજાને શરૂઆતમાં ગુસ્સો આવતો જ્યારે લોકો તેને એલિયન કે કોઈ પ્રાણીની જેમ તાકી-તાકીને જોતા રહેતા. ગિરિજા કહે છે, ‘ઑનલાઇન કેટલાય લોકો એવા મળે છે જેમને મારી પ્રોડક્ટ અને મેં કરેલી મહેનત કરતાં વધારે મારી આ હાલત વિશે વધારે વાત કરવી હોય છે.’

ભારોભાર તકલીફ સાથે જીવતી હોવા છતાં ફાઇટિંગ સ્પિરિટ સાથે આગળ વધનારી ગિરિજાને બૅન્ગલોરની અનેક સંસ્થાઓએ અવૉર્ડ્સ પણ આપ્યા છે.

માય મમ્મી સ્ટ્રૉન્ગેસ્ટ

ગિરિજા પોતાની આજની આ જે કોઈ સફળતા છે એનો બધો જશ મમ્મીને આપે છે. ગિરિજા કહે છે, ‘હું ક્યારેય કોઈને કહેતી નથી કે મારે કોઈ ફ્રેન્ડ નથી, કારણ કે મારી મમ્મી મારી સાથે ફ્રેન્ડની જેમ જ રહે છે. ફ્રેન્ડ્સની વચ્ચે થાય એમ અમારી વચ્ચે પણ ઝઘડા થાય, અબોલા પણ થાય અને ક્યારેક તે મને મારી પણ દે પણ મારતી વખતે એટલું ધ્યાન રાખે કે મને વધારે વાગે નહીં.’ 

ગિરિજાને રૉ-મટીરિયલ લાવી દેવાથી માંડીને ગિરિજા કામ કરવા બેસે ત્યારે તેનું ધ્યાન રાખવાનું કામ તેની મમ્મી કરે છે. ગિરિજાનું માનવું છે કે તેનામાં આવેલી આ આર્ટ કદાચ મમ્મીની દેન છે. ગિરિજા કહે છે કે ઘણી વાર મમ્મી બોલી છે કે આ બધાં સપનાં મારાં હતાં પણ એ અધૂરાં રહી ગયાં, હવે હું ઇચ્છું છું કે તું એ પૂરાં કર.
ગિરિજાને પોતાની શારીરિક તકલીફ અને લાચારીનું ત્યારે જ દુઃખ થયું છે જ્યારે તેની મમ્મી બીમાર પડી છે. ગિરિજા કહે છે, ‘મમ્મીને હું ઘરમાં કોઈ હેલ્પ ન કરી શકું ત્યારે મને દુઃખ થાય. મને થાય કે હું નૉર્મલ હોત તો મમ્મીને કેટલી રાહત થઈ હોત, પણ ત્યારે મમ્મી કહે, તું નૉર્મલ હોત તો અત્યાર સુધીમાં મને છોડીને ચાલી ગઈ હોત. મમ્મીની આ વાત મને એટલું આશ્વાસન આપે કે હું લાઇફટાઇમ મમ્મી પાસે તો રહીશ.’

ગિરિજાના જીવનનું એક જ લક્ષ્ય છે કે તે પોતાની આર્ટ થકી મમ્મી-પપ્પાનો સપોર્ટ બને અને બીજી દીકરીઓની જેમ જ મમ્મી-પપ્પાનું ઘડપણ સુધારે.  હૅટ્સ ઑફ, ગિરિજા એમ કહેવાનું મન થાયને?

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2025 11:34 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK