પંકજભાઈએ કૉમનમૅન વચ્ચે સ્થાન બનાવ્યું અને દેશનો એક-એક માણસ ગઝલ સાંભળતો થઈ જાય એ દિશામાં કામ કર્યું.
મેરે દિલ મેં આજ કયા હે
પંકજ ઉદહાસ
ગઈ કાલે પંકજ ઉધાસે આપણી વચ્ચેથી વિદાય લીધી, જેવા એ સમાચાર આવ્યા કે તરત જ તેમનો અવાજ આસપાસમાં ગુંજવા લાગ્યો. ખરેખર કહું તો અચાનક આવેલા એ સમાચાર શૉકિંગ હતા. દૂર-દૂર સુધી તમે કલ્પના પણ ન કરી હોય એ વ્યક્તિ આ રીતે વિદાય લે તો ચોક્કસપણે તમે હેબતાઈ જાઓ. પંકજભાઈ ૭૨ વર્ષના હતા, પણ તેમને જોઈને કોઈ એવું કહી ન શકે કે એ જીવનના સાત દાયકા પસાર કરી ચૂક્યા છે. એકદમ ફિટ અને પર્ફેક્ટ. એ જ પંકજ ઉધાસ લાગે જેને આપણે કૅસેટના આલબમના જૅકેટમાં જોયા હોય. એ જ ચીરપરિચિત હેરસ્ટાઇલ અને એ જ ચીરપરિચિત સ્માઇલ.
પંકજ ઉધાસને જો સૌથી મોટો જશ કોઈ વાતનો મળવો જોઈએ તો એ છે, ગઝલને કૉમનમૅન સુધી લઈ જવાની પ્રક્રિયા. જગજિતસિંહ, તલત અઝીઝ, અનુપ જલોટા અને ભૂપિન્દરસિંહે પોતાની સાવ અલગ જ ઓળખ ઊભી કરી લીધી હતી, એ બધા વચ્ચે જૂના ગઝલ સિંગર્સ પણ હજી કાનમાં ગુંજતા હતા અને પંકજ ઉધાસે પોતાનું સ્થાન બનાવ્યું, એવું સ્થાન જે ખરા અર્થમાં ક્યાંય હતું જ નહીં. હા, ખરેખર.
ADVERTISEMENT
પંકજભાઈએ કૉમનમૅન વચ્ચે સ્થાન બનાવ્યું અને દેશનો એક-એક માણસ ગઝલ સાંભળતો થઈ જાય એ દિશામાં કામ કર્યું. આ કામ એવું તે અસરકારક થયું કે જે શાસ્ત્રીય આલાપ સાથે ગઝલો રજૂ કરતા હતા એની પણ ડિમાન્ડ સામાન્ય લોકોમાં વધી ગઈ અને એનો જશ ચોક્કસપણે પંકજ ઉધાસને જવા માડ્યો. તેમણે ક્યાંય પોતાની જાતને ગઝલ પર હાવી થવા દેવાને બદલે ગઝલને વહેવા દીધી અને વહેતી એ ગઝલે લોકોને પોતાની નજીક લેવાનું કામ કર્યું. પંકજ ઉધાસની ગઝલની પસંદગી પણ તમે જોશો તો તમને સ્પષ્ટપણે દેખાશે કે તેઓ એમાં પણ સાદગી સાથેના શબ્દોથી વ્યક્ત થતી લાગણી ભરી ગઝલ પસંદ કરતા અને પછી એને પોતાની ગાયકીથી વધારે સિમ્પલિસિટી રજૂ કરતા. હું જ નહીં, મારા જેવા સેંકડો લોકો એવા હતા જેણે એ ગઝલો સાંભળી-સાંભળીને પોતાના મનની વ્યથાને, પોતાના દિલની બેચેનીને હળવી કરી હોય. પંકજભાઈ ન હોત તો આ દેશનો ઑલમોસ્ટ અડધાથી ઉપરાંતનો ગઝલપ્રેમી વર્ગ જન્મ્યો જ ન હોત અને આ નગ્ન સત્ય છે, જેનો સ્વીકાર ક્યારેય કોઈએ કર્યો નહીં. પંકજ ઉધાસે ગઝલો કૉમનમૅન સુધી પહોંચાડવાની સાથોસાથ જો બીજો કોઈ ઉપકાર આ દેશ પર કર્યો હોય તો એ કે તેમને કારણે ગઝલકારો, શાયરોનું મૂલ્ય અદકેરું થયું.
અનેક એવા શાયરો તેમણે શોધ્યા જેને એક તબક્કે ઉતારી પાડવામાં આવતા હતા, કહેવામાં આવતું હતું કે તમે બહુ મિડિયોકર લખો છો, પણ સાહેબ, એક વાત યાદ રાખજો, જગતમાં સૌથી અઘરું જો કોઈ કામ હોય તો એ આ મિડિયોકર કામ જ છે. ક્લાસિક ઊભું કરવું સહેલું છે, પણ મિડિયોકર લખીને સૌના દિલને સ્પર્શવું અઘરું છે. પંકજ ઉધાસે એ કામ કર્યું અને મિડિયોકર કહેવાય એવી રચનાઓને પોતાની ગાયકીથી ચાર ચાંદ લગાવી દીધા. આજે એ જ પંકજભાઈ હવે ગૅલેક્સીમાં સ્ટાર બનીને ઊભા રહી ગયા છે. હવે જ્યારે પણ ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા...’ સંભળાશે ત્યારે નજર સૌથી પહેલાં આકાશમાં જશે અને એકાદ ચમકતા તારાને જોઈને જીભ પર આવી જશે, ‘વાહ, પંકજભાઈ... વાહ.’