મહારાષ્ટ્રમાં મહાયુતિ પાસે બહુમતી છે, પરંતુ BJP પાસે નથી. એની પાસે ૧૧ બેઠકો ઓછી છે. એ ધારે તો અપક્ષ અને અન્ય પક્ષોનું સમર્થન મેળવી શકે છે, પણ પાર્ટી મહારાષ્ટ્રમાં હવે વધુ તોડફોડ કરીને સરકાર રચવા માગતી નથી
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રમાં મહાયુતિ પાસે બહુમતી છે, પરંતુ BJP પાસે નથી. એની પાસે ૧૧ બેઠકો ઓછી છે. એ ધારે તો અપક્ષ અને અન્ય પક્ષોનું સમર્થન મેળવી શકે છે, પણ પાર્ટી મહારાષ્ટ્રમાં હવે વધુ તોડફોડ કરીને સરકાર રચવા માગતી નથી. એને સુશાસન આપીને પોતાની સ્થિતિ મજબૂત કરવી છે જેથી ભવિષ્યમાં તે એકલા હાથે સરકાર રચી શકે
ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને મધ્ય પ્રદેશની જેમ મહારાષ્ટ્રમાં ‘મુખ્ય પ્રધાનપદના સ્થાપિત ચહેરાઓ’ને કાપીને ‘કોથળામાંથી બિલાડું’ કાઢવાના ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડના અભરખા બર આવ્યા નથી.
ADVERTISEMENT
મહાયુતિની એકનાથ શિંદે છાવણી અને અજિત પવાર છાવણીની રસ્સીખેંચમાં ફસાયેલી હાઈ કમાન્ડ કોઈક ત્રીજા જ ચહેરાને મુખ્ય પ્રધાનની ખુરશીમાં જોવા ઇચ્છતી હતી, પરંતુ બહુમતી છતાં મહારાષ્ટ્રના જટિલ અને પ્રવાહી રાજકારણથી ડરેલી પાર્ટીએ હાલ તરત એવા કોઈ પ્રયોગ કરવાનું ટાળ્યું છે અને જૂની ફૉર્મ્યુલા પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર મારી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિના ઐતિહાસિક વિજયમાં BJP મુખ્ય ભાગીદાર છે, પરંતુ મુખ્ય પ્રધાનના નામ પર સહમતી સુધી પહોંચવા માટે ૧૦ દિવસ સુધી અનેક બેઠકો યોજાઈ હતી. એમાં સૌથી અઘરું કામ એકનાથ શિંદેને મનાવવાનું હતું. શિંદે ડેપ્યુટી મુખ્ય પ્રધાન બનવાને બદલે સરકારમાંથી બહાર રહીને ટેકો આપવાના મૂળમાં હતા.
લોકસભાની ચૂંટણીમાં BJPના પ્રદર્શનથી દેવેન્દ્ર ફડણવીસની તાકાત બાબતે પ્રશ્ન ઊભો થયો હતો પરંતુ તાજેતરની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસે BJPની ઝોળીમાં ૧૩૨ બેઠકો ઉમેરીને એકનાથ શિંદેને ૫૭ બેઠકો સાથે ઘણા પાછળ છોડી દીધા હતા. તેમ છતાં ફડણવીસને છેલ્લા દસ દિવસમાં મુખ્ય પ્રધાનની ખુરશી સુધી જવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
શિંદેએ એને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો હતો. ૨૮ નવેમ્બરે દિલ્હીમાં હાઈ કમાન્ડ સાથે યોજાયેલી એક બેઠકમાં શિંદેએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ચૂંટણી તેમના નેતૃત્વમાં લડાઈ હતી અને જીતી હતી એટલે તેમને નવી સરકારમાં કમ સે કમ છ મહિના સુધી મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ (જેથી તેમના કાર્યકરો ખુશ રહે), પરંતુ BJPએ આ માગને નકારી કાઢી હતી કારણ કે એનાથી વહીવટી તંત્ર પર ખરાબ અસર પડે એમ હતી અને પાર્ટીમાં એક નવો શિરસ્તો પડે એમ હતો. BJP શરૂઆતથી જ સ્પષ્ટ હતી : મુખ્ય પ્રધાન તો BJPના જ હશે.
એ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી હતું? છેલ્લાં કેટલાંક વર્ષોથી BJP જે રીતે એના મુખ્ય પ્રધાનોનાં નામ નક્કી કરે છે એ જોતાં રાજકીય વર્તુળોમાં બીજાં જ નામો ચર્ચાતાં હતાં. મધ્ય પ્રદેશમાં BJPએ જે રીતે શિવરાજસિંહ ચૌહાણને હાંસિયામાં ધકેલી દીધા, રાજસ્થાનમાં જે રીતે વસુંધરા રાજેનું પત્તું સાફ થયું, ગુજરાતમાં રૂપાણીને બહાર કરવામાં આવ્યા, એવી રીતે દેવેન્દ્ર ફડણવીસના નામ પર થોડી શંકા હતી.
પરંતુ આ બધાં રાજ્યો અને મહારાષ્ટ્રમાં એક મહત્ત્વનો ફરક છે. બીજાં રાજ્યોમાં વિરોધ પક્ષના નામે BJP સામે મેદાન સાફ છે. મહારાષ્ટ્રમાં બાળ ઠાકરે અને શરદ પવારનો રાજકીય વારસો હજી પણ એટલો જ મજબૂત છે. BJPને ભલે સૌથી વધુ બેઠકો મળી હોય પરંતુ એ હજી પણ શિંદે અને અજિતની છાવણીઓ પર નિર્ભર છે અને રાજ્યની જનતા પણ સાગમટે એની સાથે નથી. એટલે મહારાષ્ટ્રમાં BJPમાં હજી એટલો આત્મવિશ્વાસ નથી જેટલો બીજાં રાજ્યોમાં છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિ પાસે બહુમતી છે પરંતુ BJP પાસે નથી. એની પાસે ૧૧ બેઠકો ઓછી છે. એ ધારે તો અપક્ષ અને અન્ય પક્ષોનું સમર્થન મેળવી શકે છે પણ પાર્ટી મહારાષ્ટ્રમાં હવે વધુ તોડફોડ કરીને સરકાર રચવા માગતી નથી. એને સુશાસન આપીને પોતાની સ્થિતિ મજબૂત કરવી છે જેથી ભવિષ્યમાં એ એકલા હાથે સરકાર રચી શકે.
આત્મવિશ્વાસના એ અભાવના કારણે જ દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન અને એકનાથ શિંદે તેમ જ અજિત પવારને ડેપ્યુટી બનાવીને સરકારની શરૂઆત એવી રીતે કરવામાં આવી છે જાણે દૂધનો દાઝેલો છાશ ફૂંકી-ફૂંકીને પીએ. મહારાષ્ટ્ર આસાન રાજ્ય નથી. અહીંના પ્રશ્નો જટિલ છે. જાતિનાં સમીકરણો બહુ મજબૂત છે. લોકોમાં પ્રદેશવાદની ભાવના બહુ સખત છે.
ઠાકરે અને પવાર પરિવારને કમજોર આંકી શકાય એમ નથી. પાછલા અનુભવોને જોતાં પાંચ વર્ષ સરકાર સુખરૂપ ચાલશે એવું ખુદ BJP પણ છાતી ઠોકીને કહી શકે એમ નથી. મહારાષ્ટ્રમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. આવી અનિશ્ચિતતાઓની ખબર હોવાથી જ પાર્ટીએ ફડણવીસ, શિંદે અને પવારની નૌકાને તરતી રાખી છે. તેમ છતાં એ પાર ઊતરશે જ કે કેમ એ આગામી છ મહિનામાં ખબર પડી જશે.
BJP માટે હવે મુખ્ય લક્ષ્ય એ છે કે મહારાષ્ટ્ર કાયમ માટે એની પાસે રહેવું જોઈએ. ફડણવીસ એ સપનું સાકાર કરવામાં શું યોગદાન આપે છે એ જોવાનું રસપ્રદ રહેશે. એક વાત ચોક્કસ છે : ફડણવીસની રાજકીય કારકિર્દીનો એક નિર્ણાયક તબક્કો હવે શરૂ થયો છે. અને એમાં દિલ્હી સુધી જવાની તમામ સંભાવનાઓ છે.
પ્રિયંકાની એન્ટ્રી પછી સંસદમાં હવે ત્રણ ગાંધીની આંધી
પહેલી વાર લોકસભાની સભ્ય બનેલી પ્રિયંકા ગાંધીએ સંસદસભ્ય તરીકેની તેમની કામગીરીની શરૂઆત ગૃહપ્રધાન અમિત શાહને મળીને કરી છે. વાયનાડથી સંસદસભ્ય બન્યા પછી કેરલાના સભ્યો સાથે શાહને મળવા ગઈ હતી. તેમણે વાયનાડમાં તાજેતરમાં થયેલા ભૂસ્ખલન પછીની સ્થિતિ વિશે માહિતી આપી હતી અને તાત્કાલિક પગલાં લેવાની માગ કરી હતી. તેમણે કહ્યું કે ગૃહપ્રધાને તેમને તમામ મદદની ખાતરી આપી છે.
પાછળથી પત્રકારો સાથે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું હતું, ‘મેં તેમને અપીલ કરી છે કે આપણે રાજકારણથી ઉપર ઊઠીને અસરગ્રસ્ત લોકોની પીડાને સમજવી જોઈએ. કેરલાના તમામ સંસદસભ્ય તરફથી અમે તેમને (કેન્દ્રીય ગૃહપ્રધાન) આ બાબતને ગંભીરતાથી લેવાની અપીલ કરીએ છીએ.’

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓની ગરમાગરમીમાં, ગાંધી પરિવારના ત્રીજા સભ્યનો સક્રિય રાજનીતિમાં પ્રવેશ થોડો દબાઈ ગયો હતો. બન્ને રાજ્યોની સાથે જ વાયનાડમાં પેટાચુંટણી યોજાઈ હતી. કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ બેઠક ખાલી કરતાં પ્રિયંકાએ ત્યાં ઉમેદવારી કરી હતી. તેઓ ચાર લાખ મતોની સરસાઈ સાથે વિજયી નીવડ્યાં હતાં.
ગયા ગુરુવારે તેમણે લોકસભામાં સંસદસભ્યપદના શપથ લીધા હતા. આ વખતે સંસદમાં ગાંધી પરિવારના ૩ સભ્યો હાજર છે. રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીથી અને પ્રિયંકા ગાંધી કેરલાના વાયનાડથી લોકસભાનાં સંસદસભ્ય છે. સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાનાં સભ્ય છે.
પ્રિયંકા પહેલાં ગાંધી પરિવારમાંથી જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, ફિરોઝ ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, વરુણ ગાંધી અને રાહુલ ગાંધીએ સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો છે. પ્રિયંકા ગાંધી હવે દેશના દક્ષિણ ભાગથી રાજકારણની શરૂઆત કરશે. તેઓ તેમનાં દાદી અને ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી, માતા સોનિયા ગાંધી અને કાકી મેનકા ગાંધી પછી લોકસભામાં ચૂંટાયેલાં ચોથાં મહિલા છે.
પ્રિયંકા સતત ચર્ચાના કેન્દ્રમાં રહે છે. તે હંમેશાં ગરિમાપૂર્ણ વ્યવહાર કરે છે. બુધવારે તે સંસદભવન પહોંચ્યાં ત્યારે તેઓ કેટલીક મહિલાઓથી ઘેરાયેલાં હતાં અને તેમની સાથે વાત કરવા લાગ્યાં હતાં. આ દરમિયાન અમુક મહિલા સંસદસભ્યોએ તેમની પાછળથી જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
એના જવાબમાં પ્રિયંકાએ પહેલાં જય હિન્દ સાથે જવાબ આપ્યો અને પછી કહ્યું, ‘સાંભળો, અમે મહિલાઓ છીએ તો જય સિયારામ. સીતાને છોડી ન દેતાં.’ જ્યારે પ્રિયંકા ગાંધીએ આ વાત કરી ત્યારે મહિલા સંસદસભ્યો પણ હસતી જોવા મળી હતી.
પ્રિયંકા ગાંધીએ સક્રિય રાજકારણમાં બહુ મોડું પદાર્પણ કર્યું છે. અગાઉ તે માત્ર તેમનાં મમ્મી અને ભાઈ માટે પ્રચાર કરતાં હતાં. તેઓ ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં તેમનાં મમ્મી સોનિયા ગાંધીનાં પ્રચાર વ્યવસ્થાપક હતાં અને ચૂંટણી વ્યવસ્થાપનમાં તેમના ભાઈ રાહુલ ગાંધીને મદદ કરી હતી.
તેમના આવવાથી કૉન્ગ્રેસ પાર્ટીની છબીમાં સુધારો થવાની અને નવી દિશા મળવાની શક્યતા છે. પ્રિયંકાના પ્રવેશથી કૉન્ગ્રેસના કેન્દ્રીય નેતૃત્વમાં પરિવર્તન આવી શકે છે. કૉન્ગ્રેસ પાર્ટીને નવા ચહેરાઓ અને નવી વિચારસરણી સાથે પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક મળી શકે છે.
દિલ્હીની સીમા પર ખેડૂતો ફરી વીફર્યા
દિલ્હીની સીમા પર ફરીથી ખેડૂત અંદોલન ભડક્યું છે. ખેત પેદાશો માટે લઘુતમ ટેકાના ભાવ તેમ જ અન્ય માગણીઓને લઈને કેન્દ્ર સરકારે આપેલી ખાતરીઓનું પાલન ન થતાં ખેડૂતો વીફર્યા છે. ખેડૂતો ૨૮૦થી વધુ દિવસોથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની સરહદો પર પડાવ નાખી રહ્યા છે. સરકાર તેમની વાત સાંભતી નથી એટલે તેમણે છઠ્ઠી ડિસેમ્બરે દિલ્હી કૂચ કરવાનું એલાન કર્યું હતું.

એ પહેલાં અલીગઢ પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયેલા ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે સાંજે મુક્ત થયા બાદ કહ્યું કે રાજ્યભરમાં આંદોલન કરી રહેલા ખેડૂતો ગૌતમ બુદ્ધ નગરમાં કિસાન પંચાયતમાં લેવામાં આવેલા નિર્ણયનું સંપૂર્ણ પાલન કરશે. રાજ્યભરનાં ૫૦થી વધુ પોલીસ-સ્ટેશનોમાં અટકાયતમાં લેવાયેલા ખેડૂતોને પોતપોતાનાં સ્થળોએ પંચાયત યોજવાની સલાહ આપવામાં આવી છે એમ તેમણે જણાવ્યું હતું.
આંદોલનની શરૂઆત દરમિયાન ચંડીગઢમાં ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે ૪ તબક્કાની વાતચીત થઈ હતી, જેમાં કોઈ ઉકેલ આવી શક્યો નહોતો અને ત્યારથી અત્યાર સુધી કોઈ વાતચીત થઈ નથી.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ખેડૂતોના આંદોલન વિશે આકરી ટીકા કરી છે. તેમણે કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને સલાહ આપી છે કે સરકાર અને ખેડૂતો વચ્ચેના અવિશ્વાસના અંતરને દૂર કરવામાં આવે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે સરકારે પોતાના અભિગમ અને વિચાર બદલવા જોઈએ.
બીજી ડિસેમ્બરે સંયુક્ત કિસાન મોરચાનાં ૧૦ સંગઠનોએ એમની ચાર માગણીઓ સાથે દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી હતી. અધિકારીઓના આશ્વાસન પછી ખેડૂતોએ ૭ દિવસનો સમય આપ્યો હતો અને આંદોલનને નોએડામાં દલિત પ્રેરણા સ્થળ પર ખસેડ્યું હતું. આ પછી પોલીસે આંદોલનકારી ખેડૂતોને સ્થળ પર પહોંચતા અટકાવ્યા હતા. આ સાથે ૮ ખેડૂત નેતાઓ સહિત ૧૨૩ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી.
હકીકતમાં ૨૦૨૦માં વટહુકમો દ્વારા ત્રણ નવા કૃષિ કાયદાઓ ઘડવામાં આવ્યા ત્યારથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. એ દરમિયાન ખેડૂતોએ એક વર્ષ સુધી સતત આંદોલન કર્યું હતું અને એક વર્ષ પૂરું થવાના થોડા દિવસો પહેલાં વડા પ્રધાન મોદીએ ત્રણેય કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. જોકે ખેડૂતોને વળતર મળ્યું નહોતું. ખેડૂત સંગઠનો MSP પર કાનૂની ગૅરન્ટીની માગ કરી રહ્યા છે. ખેડૂતો આક્ષેપ કરે છે કે સરકારે એ સમયગાળા દરમિયાન તમામ પાકો માટે MSPની બાંયધરી આપવાનું વચન આપ્યું હતું.
MSP પર ગૅરન્ટીની માગ પર સરકારે ૨૦૨૨માં એક સમિતિની રચના કરી હતી. સરકારે હજી સુધી આ રિપોર્ટ જાહેર કર્યો નથી.


