મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી (જેમાં ઉદ્ધવસેનાનું વર્ચસ્વ છે) એક વર્ષ માટે પાછળ ઠેલવાનું મૂળ કારણ એ છે કે શિંદેસેના અને બીજેપીને ભરોસો નથી કે મતદારો મતદાનમથકમાં તેમના પર ભરોસો મૂકશે. એવી જ ચિંતા રાજ્ય વિધાનસભાની ચૂંટણીને લઈને છે.
પ્રતીકાત્મક તસવીર
૧૫ મહિના પછી મહારાષ્ટ્રમાં ચૂંટણી છે. તડજોડ કરીને સગવડિયાં નાતરાં ઊભાં કરી દેવાં એક વાત છે અને એના પર બહુમતી મતદારોનો સ્ટૅમ્પ વાગવો એ બીજી
મતદારો જો ‘એક્સ’ નામની પાર્ટીને મત આપતા હોય અને ‘વાય’ નામની પાર્ટીને એ તમામ મત જોઈતા હોય તો બે વિકલ્પ છે : ‘એક્સ’ જો ‘વાય’ સાથે ભળી જાય તો ‘એક્સ’ અને ‘વાય’ના મત એક થઈ જાય અથવા ‘એક્સ’નું અસ્તિત્વ જ ન હોય તો બધા મત આપોઆપ ‘વાય’ પાસે આવી જાય. મહારાષ્ટ્રમાં પહેલો વિકલ્પ સંભવ નહોતો.
ADVERTISEMENT
એક મકાનમાલિકે તેના બે માળના ઘરમાંથી ઉપરનો માળ ભાડે આપ્યો. ભાડૂત એક કારખાનામાં સેકન્ડ શિફ્ટમાં કામ કરતો હતો. ૪ વાગ્યે કામ પર જાય અને રાતે ૧૨ વાગ્યે પાછો આવે.
રોજ રાતે તે થાકીને આવે અને કમરામાં પેસતાવેંત ખાટલામાં ફસડાઈ પડીને પગમાંથી જૂતાં કાઢીને ધડામ કરતો ખૂણામાં ફેંકે.
બરાબર એ જ કમરા નીચે આવેલા કમરામાં માલિક સૂઈ જાય. ભાડૂત રોજ રાતે ધડામ કરતાં એક પછી એક જૂતાં ફેંકે એ સાથે તેના અવાજથી માલિક ગભરાઈને ઊંઘમાંથી ઊઠી જાય.
આવું થોડા દિવસ ચાલ્યું એ પછી માલિક પરેશાન થઈ ગયો. એક દિવસ ભાડૂત કામ પર જવા નીચે ઊતર્યો એટલે માલિકે રોકીને તેને કહ્યું, ‘ભ’ઈસાબ, રાતે ઘરમાં આવો ત્યારે જૂતાંને કાઢીને ધીમેકથી મૂકતા હો તો સારું. તમે એને ધડાધડ ફેંકો છો એમાં મારી ઊંઘ ઊડી જાય છે.’
ભાડૂતને ભૂલ સમજાઈ ગઈ. તેણે કહ્યું, ‘હવે ધ્યાન રાખીશ.’
એ રાતે તે પાછો આવ્યો અને હંમેશની જેમ થાકીને લોથ વળી ગયો હતો. ફૅક્ટરીમાં મશીન પર કામ કરીને દમ નીકળી ગયો હતો.
અંદર આવીને તે ખાટલામાં ફસડાઈ પડ્યો અને જૂતાંની દોરી છોડીને એક જૂતું ધડામ કરતું ખૂણામાં ફેંક્યું.
અચાનક તેને મકાનમાલિકે કહેલી વાત યાદ આવી ગઈ. તેને અફસોસ થયો અને બીજું જૂતું ઉપાડીને હળવેકથી ખૂણામાં મૂકી દીધું.
બીજા દિવસે તે કામ પર જવા નીકળ્યો એટલે મકાનમાલિકે રોક્યો, ‘રાતે તમે ભારે કરી!’
ભાડૂતે માફી માગી અને કહ્યું કે ભૂલમાં જૂતું ફેંકાઈ ગયું હતું.
માલિકે કહ્યું, ‘ભલા માણસ, એક જૂતાનો અવાજ આવ્યો એ પછી હું ‘હમણાં બીજું જૂતું પડશે, હમણાં બીજું જૂતું પડશે’ની ચિંતામાં ને ચિંતામાં આખી રાત ઊંઘી ન શક્યો. ફેંકી દેવું હતુંને!’
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી પાછી જે ઊથલપાથલ થઈ છે એના કેન્દ્રમાં આ જોક છે. જૂન ૨૦૨૨માં રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના દેવેન્દ્ર ફડણવીસે સત્તારૂઢ મહા વિકાસ આઘાડી સરકારની ભાગીદાર શિવસેનામાં ઊભી તિરાડ પાડીને એકનાથ શિંદે જૂથ સાથે સરકાર બનાવી લીધી ત્યારથી તેમની વચ્ચે એક ખટરાગભર્યાં લગ્નની શરૂઆત થઈ હતી.
આ સગવડિયાં લગનનો ટૂંકા ગાળોનો ઉદ્દેશ સત્તા મેળવવાનો હતો, પરંતુ લાંબા ગાળાનો ઉદ્દેશ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ખતમ કરવાનો હતો, જેથી મતદારો પાસે એ વિકલ્પ જ ન બચે. રાજકારણમાં પ્રતિસ્પર્ધીઓને ખતમ કરવા પાછળનો મુખ્ય હેતુ ઈર્ષ્યા કે દુશ્મની નથી હોતો (કહેવત છેને કે રાજકારણમાં કોઈ ન તો કાયમી દોસ્ત છે કે ન કાયમી દુશ્મન), પરંતુ ચૂંટણી વખતે મતદારોના વિકલ્પને સીમિત કરવાનો હોય છે.
મતદારો જો ‘એક્સ’ નામની પાર્ટીને મત આપતા હોય અને ‘વાય’ નામની પાર્ટીને એ તમામ મત જોઈતા હોય તો બે વિકલ્પ છે ઃ ‘એક્સ’ જો ‘વાય’ સાથે ભળી જાય તો ‘એક્સ’ અને ‘વાય’ના મત એક થઈ જાય અથવા ‘એક્સ’નું અસ્તિત્વ જ ન હોય તો બધા મત આપોઆપ ‘વાય’ પાસે આવી જાય. મહારાષ્ટ્રમાં પહેલો વિકલ્પ સંભવ નહોતો.
એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને આગ્રહ કરતા રહ્યા હતા કે શિવસેનાએ આઘાડી ગઠબંધન છોડીને બીજેપી સાથે જતા રહેવું જોઈએ, પણ ઉદ્ધવે બીજેપી સાથે વૈચારિક અંતર કેળવી લીધું હતું એટલે શિંદે અને ફડણવીસે બીજો વિકલ્પ અમલમાં મૂક્યો; શિંદે શિવસેનાના વિધાનસભ્યો અને સિમ્બૉલ સાથે ઉચાળા ભરીને બીજેપીના બૅન્ડવૅગનમાં બેસી જાય એ કેવું?
વિધાનસભાની ચાર દીવાલો વચ્ચે તો એવું થયું, પરંતુ જમીન પર, એટલે કે મહારાષ્ટ્રમાં ઠાકરેસેના પ્રત્યે પ્રતિબદ્ધ મતદારોમાં એની ઝાઝી અસર ન પડી. બીજેપીને એકનાથ શિંદેની વફાદારી તો મળી, પરંતુ મતદારોનો પ્રેમ નથી મળ્યો. બીજેપીનો આંતરિક સર્વે કહે છે કે શિંદેએ પાટલી બદલી એનાથી મતદારોમાં તેમને માટે નારાજગી અને ઠાકરે માટે સહાનુભૂતિ વધી છે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી (જેમાં ઉદ્ધવસેનાનું વર્ચસ્વ છે) એક વર્ષ માટે પાછળ ઠેલવાનું મૂળ કારણ એ છે કે શિંદેસેના અને બીજેપીને ભરોસો નથી કે મતદારો મતદાનમથકમાં તેમના પર ભરોસો મૂકશે. એવી જ ચિંતા રાજ્ય વિધાનસભાની ચૂંટણીને લઈને છે. ૧૫ મહિના પછી મહારાષ્ટ્રમાં ચૂંટણી છે. તડજોડ કરીને સગવડિયાં નાતરાં ઊભાં કરી દેવાં એક વાત છે અને એના પર બહુમતી મતદારોનો સ્ટૅમ્પ વાગવો એ બીજી.
બીજેપીની સ્થિતિ અત્યારે પેલા મકાનમાલિક જેવી છે. શિંદે અને ફડણવીસે સત્તાનું એક જૂતું તો કબજે કરી લીધું છે, પરંતુ ચૂંટણીમાં મતોનું બીજું જૂતું હાથમાં આવશે કે માથામાં વાગશે, એની ચિંતામાં તેમને ઊંઘ નથી આવતી.
મહા વિકાસ આઘાડી ગઠબંધનની ત્રીજી હિસ્સેદાર, શરદ પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી સાથે. શિવસેનાવાળી જ કરવા પાછળ આ ચિંતા મુખ્ય કારણ છે. શિંદે-ફડણવીસ સત્તાના એવા સિંહ પર બેસી ગયા છે જેના પરથી ઊતરવું કોઈ કાળે પોસાય એમ નથી (અને આ ક્ષણે ચૂંટણી યોજાય તો ઊથલી જવાના પૂરા ચાન્સ છે). તેમને માટે આગામી ચૂંટણી જીતવી અત્યંત અનિવાર્ય છે.
એને માટે ઉદ્ધવસેના, એનસીપી અને કૉન્ગ્રેસ નબળાં પડે એ જરૂરી છે. એમાં અડધું કામ શિંદેએ કર્યું હતું. કૉન્ગ્રેસને તોડવી એટલા માટે અઘરી છે કે વૈચારિક રીતે એ એકદમ છેડા પર છે અને એના વિધાનસભ્યો જો બીજેપી સાથે જાય તો તેમના મતવિસ્તારમાં તેમની રાજકીય કારકિર્દી કાયમ માટે ખતમ થઈ જાય. એના પ્રમાણમાં, એનસીપીમાં બળવો કરવો સરળ હતો, કારણ કે પવારના ઘરમાં જ (દીકરી સુપ્રિયા સુળે અને ભત્રીજા અજિત પાવર વચ્ચે) પાવર-સ્ટ્રગલ ચાલે છે.
૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પછી આ જ અજિત પવાર બીજેપીના ટેકાથી ૮૦ કલાક માટે નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા (મંગળવારે એ પાંચમી વાર નાયબ મુખ્ય પ્રધાન બન્યા). એ વખતે સિનિયર પવારની કુનેહથી તેઓ પાછા પાર્ટીમાં આવી ગયા હતા, પરંતુ એ દિવસથી આંતરિક ખટપટ વધી ગઈ હતી. ‘શોલે’માં સંજીવકુમાર જય-વીરુને કહે છે એમ, બીજેપી માટે હથોડો મારવા માટે એનસીપીનું લોઢું ગરમ હતું.
એનસીપીના જે ૯ નેતાઓએ શિંદે-ફડણવીસની સરકારમાં શપથ લીધા છે એમાંથી ઓછામાં ઓછા ચાર (અજિત પવાર, છગન ભુજબળ, અદિતિ તટકરે અને હસન મુશ્રીફ) જણ સામે મની-લૉન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) અથવા સીબીઆઇની તપાસ ચાલી રહી છે. રાજકીય વર્તુળોમાં એવું દૃઢપણે મનાય છે કે ઈડી વિરોધ પક્ષના નેતાઓ સામે તપાસ જ એટલા માટે કરે છે જેથી તેમને નબળા પાડી શકાય. બળવો થયો એ પછી શરદ પવારે કહ્યું પણ હતું કે ‘ઈડીની તપાસથી પાર્ટીના ઘણા નેતાઓ ચિંતામાં હતા અને હવે એ લોકો અજિત પવાર સાથે ચાલ્યા ગયા છે.’
વિડંબના જુઓ કે એનસીપીના આ નેતાઓ એક તરફ વિધાનસભામાં શપથ લઈ રહ્યા હતા એ જ વખતે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ અને દેશના ભૂતપૂર્વ સસૉલિસિટર જનરલ હરીશ સાળવે એક ખાનગી કેસમાં કોર્ટને ઈડીની શક્તિ પર લગામ કસવાની અપીલ કરી રહ્યા હતા. રિયલ્ટી ગ્રુપ એમ3એમના ડિરેક્ટરોની ધરપકડને લઈને દલીલ કરતાં સાળવેએ કહ્યું કે ‘મની-લૉન્ડરિંગના કેસની તપાસ કરવા માટે ઈડી પાસે અમાપ શક્તિઓ છે. એને જો નિયંત્રિત કરવામાં નહીં આવે તો આ દેશમાં કોઈ સલામત નથી.’
શરદ પવારે જ્યારે વડા પ્રધાન મોદીના એક બયાનને ટાંકીએ ટોણો માર્યો એ આ જ વિડંબનાને દર્શાવતો હતો. તેમણે કહ્યું હતું કે ‘બે દિવસ પહેલાં વડા પ્રધાન એનસીપી વિશે બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે નૅશનલિસ્ટ કૉન્ગેસ પાર્ટી (એનસીપી) પતી ગયેલી પાર્ટી છે. તેમણે સિંચાઈ કૌભાંડ અને ભ્રષ્ટાચારના આરોપનો ઉલ્લેખ કર્યો હતો. મને ખુશી છે કે મારા સાથીઓએ શપથ લીધા છે એના પરથી સ્પષ્ટ થાય છે કે તેમનાં પાપ ધોવાઈ ગયાં છે. હું વડા પ્રધાનનો અભાર માનું છું.’
મહારાષ્ટ્રના રાજકારણમાં આ અંતિમ અધ્યાય નથી. ચૂંટણી સુધી હજી ઘણાં જૂતાંના અવાજ સંભળાવાના છે.
લાસ્ટ લાઇન : રાજકારણમાં નૈતિકતા નથી જોવાતી, ફાયદો જોવાય છે. એક બદમાશ પણ એટલા માટે જ આપણા કામનો હોઈ શકે, કારણ કે તે બદમાશ છે. - વ્લાદિમીર લેનિન


