ગૂંચવાયેલાં ગઠબંધનો વચ્ચે મતદારો માટે રસ્તો મુશ્કેલ છે
દીપેશ છેડા કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના અગ્રણી છે
મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કૉર્પોરેશનોની ચૂંટણીઓની તારીખ જાહેર થયા બાદ બધા જ રાજકીય પક્ષો ઍક્ટિવ થઈ ગયા છે. સામાન્ય રીતે BJP, શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજિત પવાર) આ ત્રણેય સાથે હતા; જ્યારે શિવસેના (ઉદ્ધવ ઠાકરે), કૉન્ગ્રેસ અને NCP (શરદ પવાર) સાથે હતા. જોકે બેઠકોની વહેંચણીઓના વિવાદ વચ્ચે ચૂંટણીમાં નવાં રાજકીય સમીકરણો ઊભરી આવ્યાં છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન સ્તરે રાજકીય પક્ષોએ ગઠબંધનના સિદ્ધાંતો પર નહીં પણ જે-તે વિસ્તારમાં પોતાના હિત પ્રમાણે વાટાઘાટો કરી છે. બે-બે શિવસેના, બે-બે NCP, BJP અને કૉન્ગ્રેસ કેટલાક વિસ્તારોમાં સાથે મળીને લડી રહ્યાં છે તો કેટલાકમાં એકબીજાની સામે લડી રહ્યાં છે. જેમ કે કોઈ ઠેકાણે BJP અને શિવસેના (એકનાથ શિંદે) બન્ને સાથે મળીને કૉન્ગ્રેસને પડકારી રહ્યા છે તો કોઈક જગ્યાએ એ બન્ને પક્ષ જ સામસામે એકબીજાને પડકારી રહ્યા છે. કોઈક જગ્યાએ કૉન્ગ્રેસ અને NCP (શરદ પવાર) સાથે છે, જ્યારે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અલગથી MNS સાથે છે. તો ક્યાંક વળી બન્ને NCP સાથે આવીને BJPને પડકારી રહી છે. છેલ્લા થોડા દિવસોથી તો દરરોજ પેપરમાં કોઈ ને કોઈ વિસ્તારમાં કોણે કોની સાથે ગઠબંધન જોડ્યું અને કોની સાથે તોડ્યું એના સમાચારો આવી રહ્યા છે. એવામાં ચૂંટણીનું ચિત્ર ભયંકર રીતે ગૂંચવાયેલું લાગે છે.
ગૂંચવાયેલાં ગઠબંધનો વચ્ચે મતદારો માટે રસ્તો મુશ્કેલ છે. આમાં જનતાને ખબર પડી રહી નથી કે વોટ આપવો કોને? સીટ જીતવા માટે બધા પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જનરલી લોકો પાર્ટી જોઈને વોટ આપતા હોય છે. જોકે ચૂંટણી માટે રાજકીય પક્ષો વચ્ચે જે રીતનાં જોડાણો થયાં છે, જે રીતે ભેળસેળિયું રાજકારણ રમાઈ રહ્યું છે એનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ચૂંટણીમાં કોઈ કોઈનું નથી. એ જોતાં લાગે છે કે આ વખતે પાર્ટી જોઈને નહીં પણ વ્યક્તિ જોઈને વોટ આપવો પડશે. હવે મતદારે નક્કી કરવું પડશે કે ઉમેદવારે પોતાના મતવિસ્તાર માટે શું કામ કર્યું છે.
ADVERTISEMENT
પહેલાં લોકો વિચારધારાના આધારે વોટ આપતા હતા, પણ હવે જ્યારે વિરોધી ગણાતા પક્ષો જ સત્તા માટે હાથ મિલાવી રહ્યા છે ત્યારે વિચારધારા ગૌણ બની ગઈ છે. મતદારોએ હવે એ સમજવું પડશે કે પક્ષ ગમે તે હોય, પણ શું ઉમેદવારની પોતાની કોઈ નૈતિકતા છે ખરી? મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ જેવા પાયાના પ્રશ્નો મુખ્ય હોય છે. જ્યારે ગઠબંધનો ગૂંચવાયેલાં હોય ત્યારે પક્ષનું નિશાન જોવાને બદલે ઉમેદવારનો રિપોર્ટ-કાર્ડ જોવો જરૂરી છે.


