માણસ એમ કહે છે કે તેણે બૌદ્ધિકતા અને વૈચારિકતાથી ટોળીઓનો વસવાટ, અંધારી ગુફાઓનું રક્ષણ, ઝાડપાનના આશ્રયે જીવન આ બધાનો વિકાસ કર્યો અને આજે માણસે પોતાની જિંદગી સાવેસાવ બદલી નાખી છે
પ્રતીકાત્મક તસવીર
જીવસૃષ્ટિનો વૈશ્વિક સ્તરે વિકાસ થયો એને કેટલાં વરસ થયાં હશે એ તો કોઈ કહી શકે એમ નથી. દસ-વીસ-હજાર વરસ કહી શકો અને એક લાખ વરસ એમ પણ કહી શકો. બન્ને મત પોતાના સમર્થનમાં જરૂર પૂરતો તર્ક આપી શકે એમ છે. માણસ એક એવું પ્રાણી છે જેના વિશે તે પોતે જ ખાતરીપૂર્વક કશુંક કહી પણ શકે. માણસ એમ માને છે કે જીવસૃષ્ટિમાં પોતે એક જ એવું પ્રાણી છે જેનામાં બુદ્ધિ અને વિચારશક્તિ રહેલી છે. આ માણસનો પોતાનો દાવો છે. અન્ય પ્રાણીઓમાંથી કોઈએ આવા દાવા કર્યા નથી કે આવા દાવા નકાર્યા નથી, પણ આવા દાવાને યથાતથ સ્વીકારવો સહેલો પણ નથી.
સંખ્યાબંધ પ્રજાતિઓ પેદા થઈ અને એ પૈકી સંખ્યાબંધ નષ્ટ પણ થઈ ગઈ છે. માછલી, કાગડો કે માણસ હજારો વરસ પહેલાં હતાં અને હજી છે. માણસની જેમ જ માછલી કે કાગડો વિચાર નથી કરી શકતાં એવું આપણે કહીએ છીએ, પણ કાગડાની ચતુરાઈ કે ફળિયામાં ચણી રહેલા કબૂતરની સજ્જતા ભૂલવા જેવા નથી. ચણી રહેલા કબૂતર કે અન્ય પક્ષી પાસે ઊભા રહીને તમે જ્યારે વાંકા વળો છો ત્યારે ચણી રહેલું પક્ષી ફરરર કરતું ઊડી જાય છે. આ એની વિચારશક્તિ છે, આ એની બૌદ્ધિકતા છે, આ એની અનુભવગાથા છે. ભૂતકાળમાં એમણે પેઢીઓથી જોયું છે કે ઊભેલો માણસ વાંકો વળીને પથ્થર ઉપાડે છે અને પછી એ ચણી રહેલા પંખી પર ફેંકે છે. આ જ્ઞાન પેઢી દર પેઢી આગળ વધતું રહે છે.
ADVERTISEMENT
માણસ એમ કહે છે કે તેણે બૌદ્ધિકતા અને વૈચારિકતાથી ટોળીઓનો વસવાટ, અંધારી ગુફાઓનું રક્ષણ, ઝાડપાનના આશ્રયે જીવન આ બધાનો વિકાસ કર્યો અને આજે માણસે પોતાની જિંદગી સાવેસાવ બદલી નાખી છે. બીજા કોઈ પશુ કે પંખીએ એવું કર્યું નથી. હજારો વરસ પહેલાં આ પ્રજાતિઓ જેમ જીવતી એમ જ આજે પણ જીવે છે. કાગડાએ કોઈ દિવસ પોતાનો કાળો રંગ બદલવાની કોશિશ ક્યારેય કરી નથી.
અને માણસે તો...
માણસ : ગઈ કાલે અને આજે
માણસનું બાળક જન્મે છે એ જ ક્ષણે જ્ઞાન-વિજ્ઞાનનો અપાર અને અખૂટ ખજાનો તેના પૂર્વજો દ્વારા તેના ખભા પર ઠલવાઈ જાય છે. અપાર જ્ઞાન-વિજ્ઞાન તેને અકબંધ સોનાની થાળીમાં છપ્પનભોગની જેમ પીરસાઈ જાય છે, પણ આ છપ્પનભોગ એટલે...
બહુ લાંબું ન જઈએ તોય બે હજાર વરસ પહેલાંના માણસનો ઇતિહાસ તો આપણને અકબંધ મળે છે. ઈશુ નામના એક માણસને તેના સમાજે વધસ્તંભ પર ખીલા ઠોકીને જડી દીધો હતો. તેનો અપરાધ એ હતો કે તે તેનો તત્કાલીન સમાજ જે કહેતો હતો એનાથી કંઈક જુદું અને વિશેષ કહેવા માંડ્યો. તત્કાલીન સમાજ જે માનતો હોય (એ ખોટું હોય તો પણ) એનાથી અલગ પ્રકારનું જ્યારે કહેવાય છે ત્યારે એ સાંભળી કે સહી શકતો નથી. ઈશુને લોકોએ સહન નહોતો કર્યો. તેને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યો. બે હજાર વરસ પછી આજે તેનાં ધર્મસ્થાનકો બનાવીને તેની પૂજા કરે છે.
બ્રૂ નામના એક વૈજ્ઞાનિકે જ્ઞાનના વૃક્ષ પર એક નવી શાખા પેદા કરી અને કહ્યું કે સૂર્ય પૃથ્વીની આસપાસ નથી ફરતો પણ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. તત્કાલીન સમાજ ખ્રિસ્તી ધર્મ પ્રેરિત કથાનકને સ્વીકારતો હતો અને એમાં સૂર્યને જ પૃથ્વી ફરતો દર્શાવાયો હતો. બ્રૂની વાત સાચી હતી છતાં સમાજે એનો સ્વીકાર ન કર્યો અને બ્રૂને ધર્મવિરોધ કરવા માટે દેહાંતદંડની સજા કરવામાં આવી હતી. બ્રૂ પછી ગૅલિલિયોએ જ્યારે આવી કેટલીક વાત કરી ત્યારે કોઈએ તેની વાત સ્વીકારી નહોતી અને ત્યારે તેને ફાંસીની સજામાંથી બચવા માટે માફીપત્ર લખવાનું કહેવામાં આવ્યું. ગૅલિલિયોએ લખી આપ્યું કે હું માફી માગું છું; પણ સૂર્ય અને પૃથ્વી તો જે સત્ય છે એમ જ ફર્યા કરશે, મારા કે તમારા કહેવાથી નહીં.
ઇતિહાસમાં આ બધા સમ્રાટો કહેવાય છે
અહીં પણ બહુ દૂર ન જઈએ અને તૈમુર કે કુબ્લાઈ ખાનને સંભારીએ. આ બન્નેએ સંખ્યાબંધ શહેરોનો નાશ કર્યો અને સેંકડો નગરવાસીઓની કોઈ કારણ વિના હત્યા કરી. આ હત્યાઓને કારણે નગરના રાજમાર્ગો જ્યારે લોહીના પ્રવાહથી ખરડાઈ ગયા ત્યારે આ બન્ને સમ્રાટો રાજીના રેડ થઈ ગયા હતા. હિટલર નામના ભેજાના ફરેલ એક માણસે લાખો માણસોને સાવ અકારણ એક કોટડીમાં પૂરીને મારી નાખ્યા હતા. માલસામાનની ગૂણીઓની જેમ કોઈક કોટડીમાં માણસોને દબાવી-દબાવી ખડકી દેવામાં આવ્યા અને પેલા પીડિતો તરફડીને મૃત્યુ પામ્યા એનો આનંદ હિટલર માણતો હતો. આજે-અત્યારે જ પૅલેસ્ટીનની ગાઝા પટ્ટીમાં હજારો માણસો - ખાસ કરીને સાવ નાનાં બાળકો મૃત્યુ પામ્યાં છે અને આને આપણે રાષ્ટ્રવાદ, ધર્મ, સ્વાભિમાન એવા બધા શબ્દોથી ઓળખાવીએ છીએ. ગાઝા, હમાસ કે ઇઝરાયલ - આપણે એમનાં રાજકીય કારણોમાં પડવું નથી. અહીં જોકે અઢાર દિવસમાં અઢાર અક્ષૌહિણીનો પરસ્પર વિનાશ કરતા મહાભારતની કથા પણ યાદ આવે. મહાભારત અને રામાયણ આ બે ગ્રંથોએ માનવીના અમરત્વની કથા કહીને આપણને માણસ તરીકે કેમ જીવવું એની કેડી દર્શાવી છે ખરી, પણ યાદ રાખવા જેવી વાત એ છે કે આ બન્ને કથાનકોમાં માણસજાતના તમામ દુર્ગુણો અને એ સાથે જ માણસના અસ્તિત્વમાં રહેલાં હલકાં તત્ત્વોનાં પોટલાં બાંધીને આપણને આપ્યાં છે. શ્રીકૃષ્ણની ગીતા અહીં છે, પણ એ ગીતાનું આચરણ આપણે કરી શકતા નથી. એ વાંચીએ છીએ, એના વિશે લખીએ છીએ, અભ્યાસક્રમો કરીએ છીએ, પરિસંવાદો કરીએ છીએ; પણ આચરણ કરવાનું આવે ત્યારે ઉત્તરાના ગર્ભનો નાશ કરનારો અશ્વત્થામા કે પછી દુઃશાસનની છાતી ચીરીને એનું રક્તપાન કરનારો ભીમ કે પછી ભરીસભામાં દ્રૌપદીનું વસ્ત્રહરણ આપણા અસ્તિત્વમાં વસી જાય છે.
ફરી પાછો પાષાણ યુગ?
અખબારોમાં રોજેરોજ આપણે નવાં-નવાં કથાનકો વાંચીએ છીએ ત્યારે માણસે પોતે પોતાની જે બૌદ્ધિકતા કે વૈચારિકતાને અન્ય પ્રજાતિઓથી વિશેષ કહી છે એનું અહીં એક ઉદાહરણ જોઈએ.
હમણાં આપણા દેશમાં ચૂંટણીઓ પૂરી થઈ. નવી સરકાર સત્તા પર આવી. રાજકીય પક્ષો અને તેમના કાર્યકરો કેટલા બધા વેરઝેરમાં ડૂબેલા છે એનું જીવંત ઉદાહરણ અમદાવાદમાં નજરે પડ્યું. અહીં કૉન્ગ્રેસ અને BJP બન્ને પક્ષોના કાર્યકરોએ પરસ્પર સામસામો પથ્થરમારો કર્યો. માણસે આદિકાળમાં પથ્થરમારાથી જ પોતાનું રક્ષણ કર્યું હતું અને જેને પ્રગતિ કહેવામાં આવે છે એ પ્રગતિમાં પથ્થરથી અણુયુગ સુધી યાત્રા થઈ ચૂકી છે. લાગે છે એવું કે આપણે ફરી એક વાર પાષાણયુગ તરફ ગયા છીએ. આનો અર્થ એવો નથી કે માણસજાતે આ હજારો વરસમાં નિષેધાત્મક યાત્રા જ કરી છે. વખતોવખત મુઠ્ઠીઊંચેરા માણસે, કોઈક ઈશુએ તો કોઈક શ્રીકૃષ્ણએ આંગળી ચીંધી છે; પણ આપણે એ ચીંધાયેલી આંગળીએ જે દેખાડ્યું છે એ જોવાને બદલે માત્ર આંગળી જ જોયા કરીએ છીએ.

