Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સાચું બોલવું... - (લાઇફ કા ફન્ડા)

સાચું બોલવું... - (લાઇફ કા ફન્ડા)

11 August, 2020 06:22 PM IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

સાચું બોલવું... - (લાઇફ કા ફન્ડા)

સાચું બોલવું... - (લાઇફ કા ફન્ડા)


ગુરુજી પ્રાર્થના પછી શિષ્યો સાથે વાતો કરી રહ્યા હતા. તેમણે કહ્યું, ‘જીવનમાં બધા જ કહેતા હોય છે કે કેળવવો જરૂરી છે, પણ જેને કેળવવામાં સૌથી વધારે મુશ્કેલી પડે એવો કોઈ ગુણ હોય તો એ છે સાચું બોલવું. હા, બધાને જ નાનપણથી શીખવવામાં આવે છે કે હંમેશાં સાચું બોલવું; દુનિયાદારીનો સ્પર્શ ન પામેલું નિર્દોષ બાળક હંમેશાં સાચું જ બોલે છે, પણ જ્યારે તે જુએ છે કે મને સાચું જ બોલવું એમ શીખવતા બધા મોટા લોકો ક્યારેક ને કયારેક ખોટું બોલે જ છે. ત્યારે શરૂઆતમાં બાળક મૂંઝાય છે, પછી પ્રશ્ન પૂછે છે અને પછી ધીમે-ધીમે મોટું થતાં તે પણ સમજી જાય છે કે સ્વાર્થ માટે ખોટું બધા જ બોલે છે. પણ દુનિયાનો નિયમ છે કે બધાને કહેવું કે હંમેશાં સાચું બોલો.’
‘આ સત્ય હંમેશાં કડવું હોય છે. સત્ય ક્યારેય છૂપું રહેતું નથી. સાચું બોલનારે યાદશક્તિ સારી રાખવી પડતી નથી. ખોટું બોલનારે એક ખોટું છુપાવવા અનેક વાર ખોટું બોલવું પડે છે. સાચું બોલવું સારું જ છે અને જરૂરી પણ છે, પરંતુ સાચું કેવી રીતે બોલવું જોઈએ.’
એક શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, હું તો બાળપણથી માતાએ શીખવ્યું ત્યારથી સાચું જ બોલું છું અને સાચું તો જે હોય તેમ જ બોલાય અને એમાં વળી શું રીત?’
ગુરુજી બોલ્યા, ‘સાચું બોલવું સારું છે, પણ એ હંમેશાં કડવું જ શું કામ લાગે? સાચું બોલવું એવું હોવું જોઈએ કે એ સુંદર પણ લાગે. અત્યારે હું તમને એવા સંજોગોની વાત સમજાવું છું જે સંજોગોમાં તમારે સત્ય બોલવાનું ટાળવું જોઈએ.’
બીજા શિષ્યએ તરત પૂછ્યું, ‘એટલે ગુરુજી ત્યારે ખોટું બોલવાનું ?’
ગુરુજીએ કહ્યું, ‘હું એમ નથી કહેતો કે તમારે ખોટું બોલવું, પણ સત્ય બોલવા પહેલાં જાતને ચકાસી લેવી, જ્યારે તમે સાચું બોલો, પણ તમારા મનમાં ગ્લાની થાય, મનના છાને ખૂણે એમ થાય કે આ સત્ય ન બોલ્યો હોત તો સારું થાત, એ સત્ય ન બોલવું. જ્યારે તમે સાચું બોલી રહ્યા હો અને તમારા સત્ય બોલવાથી બીજાને નુકસાન થવાનું હોય, સજા થવાની હોય, બીજાના સંબંધો પર ખરાબ અસર થવાની હોય અને તમારા મનના છાને ખૂણે તમને એ સત્ય બોલવાની મજા આવી રહી હોય, કોઈ છૂપો આનંદ મળી રહ્યો હોય ત્યારે એ સત્ય ન બોલવું અને જો કોઈ પણ સંજોગોમાં સત્ય બોલવાનું ટાળી કોઈને થતું નુકસાન બચાવી શકાય અથવા સત્યને સાચા સમયે બહાર લાવવાથી બધાને હકીકત બરાબર સમજાય એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે સત્ય બોલવાનું મોકૂફ રાખવું.’
ગુરુજીએ આગળ ઉમેર્યું, ‘હું એમ નથી કહેતો કે સત્ય ન બોલી અસત્યના આશરે જાઓ. પણ હા, સત્યને કડવું નહીં; પણ સુંદર બનાવો, એને ચકાસીને બોલો.’  સત્ય બોલવાની સાચી સમજ ગુરુજીએ આપી.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2020 06:22 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK