માતાપિતા માટે મંત્ર હોવો જોઈએ કે ગુજરાતી ભણતર સાથે અંગ્રેજીનો સ્વીકાર
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કવિ વિપિન પરીખે લખ્યું છે, ‘મને તારી માતૃભાષા ગમે છે, કારણ કે હું મારી બાને ‘બા’ કહી શકું છું. માતૃભાષાનું મૃત્યુ એટલે આપણી સંસ્કૃતિનું મૃત્યુ. આપણી માતૃભાષા પ્રત્યેની ઉદાસીનતા એ એક પ્રકારનો સાંસ્કૃતિક આપઘાત જ છે.’
લોકપ્રિય લેખિકા વર્ષા અડાલજા લખે છે, ‘માતાપિતા માટે મંત્ર હોવો જોઈએ કે ગુજરાતી ભણતર સાથે અંગ્રેજીનો સ્વીકાર. વિલ કરીને સંપત્તિનો વારસો આપી શકાય, સંસ્કારનો નહીં. સંસ્કારનું પોષણ બાળકના જીવનને સમૃદ્ધ કરશે. બાકી સાહિત્યના કાર્યક્રમોમાં હાજરી આપી ગુજરાતી ગીતો સાંભળીને ઘરભેગા થઈ જવાથી માતૃભાષાને જીવતદાન નહીં મળે.’
ADVERTISEMENT
હાસ્યલેખિકા ડૉ. નલિની ગણાત્રા લખે છે, ‘થોડાં વર્ષો પછી કદાચ એવી જાહેરાત પણ જોવા મળી શકે છે કે ‘જોઈએ છે એક કક્કાહારી ગુજરાતી ગ્રૅજ્યુએટ.’ અત્યારે ગુજરાતી મીડિયમ આખું મંદીમાં ચાલી રહ્યું છે, પણ શૅર ખરીદવા માટે મંદીની સીઝન હૉટ ગણાય અને ધંધો કરતાં આવડે તેને તો મંદી જ માલામાલ બનાવે.’
એટલે જ કહું છું કે મંદીનો લાભ લઈ તમારાં બાળકોને આજે ગુજરાતી ભાષા શીખવાડી દો (આ ઑફર તમારી આંખ ઊઘડે ત્યાં સુધી જ ચાલુ છે), કારણ કે ઇંગ્લિશ મીડિયમની શાળાઓમાં થતી ધક્કામુક્કી જોતાં એવું લાગે છે કે એક સમય એવો આવી શકે છે કે ગુજરાતમાં કે મુંબઈમાં બધું મળશે, પણ શુદ્ધ ગુજરાતી આવડે એવો ગુજરાતી નહીં મળે અને આવી દુર્લભ વ્યક્તિઓની જ ડિમાન્ડ હશે. આજકાલ સારું ગુજરાતી બોલી શકતા સંચાલકોના ભાવ એટલે જ ઊંચા જઈ રહ્યા છે. છાપાના તંત્રીઓને પણ સારું ગુજરાતી જાણતા પત્રકારો-પ્રૂફરીડરો સહેલાઈથી મળતા નથી. આપણી માતૃભાષા વ્યક્તિને સર્જનાત્મકતા આપે છે, આત્મવિશ્વાસનું વરદાન આપે છે. વિકટ સંજોગોમાં ટકી રહેવાનું બળ આપે છે અને સારા દિવસોમાં છકી ન જવાય એવી નમ્રતા પણ પ્રદાન કરે છે. આપણી માતૃભાષાનું ચલણ મરવા તો નથી પડ્યું, પણ ઘાયલ જરૂર થયું છે. એ માટે આપણા વાલીઓ જ જવાબદાર છે અને બીજું કારણ છે અંગ્રેજી શાળાના સંચાલકો-માલિકોની શિક્ષણ આપીને અઢળક પૈસા કમાવાની લાલસા. જો આપણે એવો આગ્રહ રાખીએ કે આપણું સંતાન માતૃભાષા શીખે તો દુનિયાની કોઈ તાકાત તમને એમ કરતાં રોકી શકે એમ નથી. અહીં એટલું જણાવવાનું જરૂરી સમજું છું કે મારાં બન્ને સંતાનો ગુજરાતી માધ્યમની શાળામાં જ ભણ્યાં છે અને તેમની કારકિર્દીમાં ખૂબ સફળ થયાં છે. આપણને પારકી ભાષાનો લાડુ મોટો લાગે છે, પણ આ મોટો લાડુ પચશે નહીં ત્યારે ઉપદ્રવ ઊભા થશે, પણ એનું ભાન થાય ત્યારે મોડું થઈ ગયું હશે... મોડું ભલે થયું, હવે બહુ મોડું ન થાય તોયે ઘણું.

