લતાના જીવન પર એક મરાઠી ફિલ્મ પણ બની છે, નામ છે ‘લતા ભગવાન કરે’, માનશો? એ ફિલ્મમાં હિરોઇન પણ ૬૮ વર્ષની લતા જ હતી.

‘લતા ભગવાન કરે’નો સીન
લતાના જીવન પર એક મરાઠી ફિલ્મ પણ બની છે, નામ છે ‘લતા ભગવાન કરે’, માનશો? એ ફિલ્મમાં હિરોઇન પણ ૬૮ વર્ષની લતા જ હતી. મરાઠીમાં ફિલ્મ નવીન દેશાબોઇનાએ બનાવી હતી. એક ઇન્ટરવ્યુમાં લતાએ કહ્યું કે ‘મારું ધ્યેય તો બસ પતિની સારવાર માટે પૈસા કમાવાનું જ હતું, મેં ક્યારેય કલ્પના કરી નહોતી કે હું ફિલ્મની હિરોઇન બનીશ.’
કેટલીક વ્યક્તિઓની નામના પાછળ કુરબાનીની કથા હોય છે. આપણા દેશમાં ત્યાગ, સમર્પણ, કુરબાનીની કથાઓમાં પુરુષો કરતાં મહિલા પાત્રોની ખૂબ બોલબાલા રહી છે. ખાસ કરીને પૌરાણિક કે ઐતિહાસિક કથાઓમાં. એમાં પણ સતી સાવિત્રી કે સતી સીતા જેવી પતિવ્રતા નારી તો ઘર-ઘરનો આદર્શ બની ચૂકી છે, પરંતુ આજના આધુનિક જમાનામાં પણ આવી પતિપરાયણ સ્ત્રી હોઈ શકે એવું માની શકાય? છે જ, હશે જ. પણ ન માનવાનું કારણ એક જ છે કે આજકાલ રોજ સવારે અખબાર ખોલો કે પત્નીની બેઈમાની, બેવફાઈ, બેવકૂફી કે બદનામીની બે-ચાર કહાણીઓ વાંચવા મળે જ.
જગત એટલે સદ્-અસદ્નું મિશ્રણ. તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ. કોઈ આવળ, કોઈ બાવળ, કોઈ બોરડી. આવળ ને બાવળ ડગલે ને પગલે ભટકાય. બોરડી શોધવી પડે. મને એ બોરડી અનાયાસ જડી ગઈ એટલે એના વિશે જાણવા મળ્યું. જાણ્યા પછી કૌતુક થયું. આ જમાનામાં આપણા દેશમાં આવી નારી પણ છે અને એનાથી હું અજાણ હતો એ વાતની શરમ અનુભવી. પછી તો એના વિશે ઘણી વિગતો મેળવી ને આજે હું કલમ દ્વારા ઉતારું છું.
નામ છે ‘લતા ભગવાન કરે.’ ભણેલી નહીં, પણ ગણેલી. ગામડાની નાર, પણ શહેરની મહિલાને શરમાવે એવો ખુમાર. શરીરે ખડતલ, ચાલ રેવાલ, ઉંમર વર્ષ ૬૮, પણ પંચાવનની લાગે, ચિત્તાની ઝડપે ભાગે. તેની સાથે ચાલનારો ૨૦ વર્ષનો યુવાન પણ પાછો પડે.
વાત છે ૨૦૧૪ના વર્ષની. લતા અને ભગવાન મૂળ તો લુધિયાણાનાં, પણ કામકાજ સંદર્ભે મહારાષ્ટ્રના બારામતી જિલ્લાના એક ગામમાં સ્થાયી થયેલાં. ભગવાન સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતો અને લતા ખેતમજૂર તરીકે. બે દીકરીઓને નાની ઉંમરમાં પરણાવી ઠેકાણે પાડી દીધી હતી. બધાં પોતપોતાની રીતે સુખી હતાં.
‘એકસરખા સુખના દિવસો કોઈના જાતા નથી...’ લતાના સુખના દિવસોની એક્સપાયરી ડેટ નજીક આવી ગઈ હોય એમ અચાનક ભગવાનની તબિયત કથળવા માંડી. સિક્યૉરિટી ગાર્ડની સિક્યૉરિટી જોખમમાં મુકાઈ ગઈ. અવારનવાર છાતીમાં બળતરા થવા માંડી, ચક્કર આવવાની ફરિયાદો વધવા માંડી, શરીર ગળવા માંડ્યું. લતા મૂંઝાઈ ગઈ. બે દીકરીઓ દૂર પરગામ હતી, પોતાનું માંડ-માંડ સંભાળતી, સૌથી નાનો દીકરો યુવાન તો થઈ ગયો હતો, પણ કામધંધાનાં કોઈ ઠેકાણાં નહોતાં. લતા એકલપંડે પતિના ઇલાજ માટે દવાખાનાનાં ચક્કર લગાવવા માંડી. દવાથી કોઈ ફરક ન પડવાથી ભૂવા-ડાકલિયા, દોરા-ધાગાને શરણે ગઈ, હકીમ-વૈદ્યના ઉંબરા ઘસ્યા. કાંઈ વળ્યું નહીં.
આખરે શહેરના ડૉક્ટરે રોગ પારખ્યો. ડૉક્ટરે એમઆરઆઇ કરાવવાનું સૂચવ્યું. ખૂબ જરૂરી હતું. ડૉક્ટરે ૫૦૦૦ રૂપિયા ખર્ચનો અંદાજ આપ્યો, જે લતા માટે અશક્ય હતું. કોઈની પાસે હાથ લંબાવવા તે સંકોચ અનુભવતી હતી. સામે ચાલીને કોઈ મદદે આવે એ આશા તો રાખવાની જ ન હોયને.
કહે છેને કે ભોળાનો ભગવાન છે. ફિલ્મ કે વાર્તામાં બને એવી ઘટના ઘટી. એ સમયે મૅરથૉન રેસનું આયોજન થવાનું હતું. લતાની રેવાલ ચાલ તો ગામમાં જાણીતી હતી. ગામના કેટલાક લોકોએ લતાને મૅરથૉન રેસમાં ભાગ લેવાનું સૂચવ્યું. મોટું ઇનામ હતું. ઇનામની વાત સાંભળી લતા લલચાઈ. ડૂબતો માણસ તરણું શોધે એ રૂએ લતાને જાણે તરણું મળી ગયું.
અભણ-અશિક્ષિત લતાએ મૅરથૉન વિશેની તમામ જાણકારી મેળવી લીધી. પતિનો જીવ બચાવવા ૬૮ વર્ષની લતાએ સાવિત્રી બનવાનું થાની લીધું. મૅરથૉનની રેસ માટે નામની નોંધણી કરાવી. અઠવાડિયા સુધી તનતોડ પ્રૅક્ટિસ પણ કરી.
આખરે રેસનો દિવસ આવી ગયો. દોડ શરૂ થઈ. લતા દોડી, હરણફાળ દોડી, મન મૂકીને દોડી, એક લક્ષ્ય ખાતર દોડી, પ્રાણનાથના પ્રાણ બચાવવા દોડી, ભાન મૂકીને દોડી, દોડતાં-દોડતાં પગરખાં તૂટી ગયાં તો ઉઘાડા પગે દોડી, પગમાં છાલા હતા, પણ મનમાં જીતવાનું સપનું લઈને દોડી, સત્કાર્ય માટે દોડી ને સત્કાર્યનું ફળ હંમેશાં સારું જ મળે છે ને એ મળ્યું પણ ખરું. લતા પ્રથમ નંબરે જીતી. ચારે બાજુ જયઘોષ થયો. ૨૦૧૪ સુધી જે લતા ગુમનામ હતી એ તેના કર્તુત્વને કારણે દેશભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ. એટલું જ નહીં, અનેક લોકોની પ્રેરણા બની ગઈ.
જીતનો એક આગવો નશો હોય છે. લતા પહેલી વાર તો પતિના ઇલાજ માટે દોડી હતી, પણ પછી તો તેણે અન્ય રેસમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું અને અનેક ઇનામ મેળવ્યાં!
લતાના જીવન પર એક મરાઠી ફિલ્મ પણ બની છે, નામ છે ‘લતા ભગવાન કરે’, માનશો? એ ફિલ્મમાં હિરોઇન પણ ૬૮ વર્ષની લતા જ હતી. મરાઠીમાં ફિલ્મ નવીન દેશાબોઇનાએ બનાવી હતી. એક ઇન્ટરવ્યુમાં લતાએ કહ્યું કે ‘મારું ધ્યેય તો બસ પતિની સારવાર માટે પૈસા કમાવાનું જ હતું, મેં ક્યારેય કલ્પના કરી નહોતી કે હું ફિલ્મની હિરોઇન બનીશ.’
‘મન હોય તો માળવે જવાય’ એ કહેવત લતાએ સાર્થક કરી બતાવી. સફળતાની સવાર માગવાથી નથી પડતી, જાગવાથી પડે છે. મજબૂત મનોબળ અને દૃઢ સંકલ્પ સિદ્ધિનું સોપાન છે એ લતાએ સાબિત કરી આપ્યું.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)