ચંબલની છેલ્લી મહિલા ડાકુ કુસુમા નાઇનનું ગયા શનિવારે હૉસ્પિટલમાં ટીબીની સારવાર દરમ્યાન મૃત્યુ થયું
મહિલા ડાકુ કુસુમા નાઇન
ફૂલનદેવી પણ જેના નામથી ધ્રૂજતી અને જેનાથી અંતર રાખતી એવી ચંબલની છેલ્લી મહિલા ડાકુ કુસુમા નાઇનનું ગયા શનિવારે હૉસ્પિટલમાં ટીબીની સારવાર દરમ્યાન મૃત્યુ થયું અને ઉત્તર પ્રદેશનાં અનેક ગામોના ઘરમાં દીવા થયા. કોઈના મોત પર તહેવારની જેમ ઉજવણી થાય તો સહજ રીતે સમજાઈ જાય કે જેનું મોત થયું તે કેવી ભયાનક વ્યક્તિ હશે. કુસુમા નાઇન પણ એવી જ હતી. ડાકુજીવન દરમ્યાન સિત્તેરથી વધુ લોકોને મારનારી અને ત્રણસોથી વધારે લૂંટ ચલાવનારી કુસુમા નાઇનનું જીવન હિન્દી ફિલ્મથી સહેજ પણ ઊતરતું નથી
ADVERTISEMENT
કુસુમા નાઇન
દુશ્મનનું મોત થાય તો પણ મલાજો રાખવામાં આવે, પણ એવું થયું નહીં. ગયા શનિવારે લખનઉની સરકારી હૉસ્પિટલમાં ૬૧ વર્ષની કુસુમા નાઇન નામની મહિલાનું મોત થયું એના બીજા દિવસે એટલે કે રવિવારે ઉત્તર પ્રદેશનાં સોથી પણ વધુ ગામોના સેંકડો લોકોએ ઘરમાં ઘીના દીવા કર્યા તો અનેક લોકોએ પોતાની માનતા પૂરી કરી. આ કુસુમા નાઇન બીજું કોઈ નહીં પણ ચંબલની છેલ્લી મહિલા ડાકુ હતી. એ મહિલા ડાકુ, જેનાથી ફૂલનદેવીના પણ છક્કા છૂટતા અને ફૂલન તેનાથી દૂર રહેતી. ફૂલનદેવી સાથે બનેલી કેટલીક ઘટના અને તેની લાઇફ પરથી બનેલી ફિલ્મના કારણે ફૂલનને મીડિયામાં વધારે માઇલેજ મળ્યું, બાકી ક્રૂરતાની દૃષ્ટિએ જોવા જઈએ તો કુસુમા નાઇન બધી રીતે ફૂલનદેવીની બાપ હતી. જૂજ લોકોને ખબર છે કે ૧૯૮૧નું વર્ષ પૂરું થતું હતું ત્યારે એક ઘટનાને કારણે ફૂલનદેવીને મારવાના સોગન કુસુમા નાઇને લીધા અને એ પછી તેણે ચંબલની ખીણમાં ફૂલનને શોધવાના અને તેના પર હુમલો કરવાના અનેક પ્રયાસો પણ કર્યા. એક તબક્કે ફૂલનને લાગ્યું કે હવે કુસુમાથી બચવું અઘરું છે એટલે તેણે સરકાર સામે સમર્પણ કરી લીધું.
ફૂલનદેવી
સિત્તેરથી વધારે હત્યા અને ત્રણસોથી વધારે લૂંટ કરનારી કુસુમાએ બે લગ્ન કર્યાં અને પાંચ વખત પ્રેમમાં પડી. આ પ્રેમ જ કુસુમાને ડાકુ બનાવવાનું કામ કરી ગયો એવું કહેવું જરા પણ અતિશિયોક્તિ નહીં કહેવાય. જોકે આ વાત જાણવા-સમજવા કુસુમાની લાઇફમાં ડોકિયું કરવું પડશે.
ઉસ વક્ત માર દેતે...
એક ઇન્ટરવ્યુમાં કુસુમાએ આ શબ્દો સાથે કહ્યું હતું, ‘જો મારા બાપની મોટામાં મોટી કોઈ ભૂલ હોય તો એ કે તેણે મને મારી નહીં. હું જન્મી ત્યારે જ તેણે મને મારી નાખવાની જરૂર હતી.’
હા, જો આ કામ ટીકરીના સરપંચ અને કુસુમાના પિતા દારુ નાઇને ત્યારે કરી લીધું હોત તો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશે કુસુમાનો આતંક જોવો ન પડ્યો હોત. ઉત્તર પ્રદેશના જારુન જિલ્લાના ટીકરી નામના ગામમાં જન્મેલી કુસુમા પરિવારનું એકમાત્ર સંતાન હતી. એકનું એક સંતાન અને બાપ ગામનો સરપંચ એટલે સ્વાભાવિકપણે કુસુમા નાનપણથી જ જોરૂકી બની ગઈ હતી. પાડોશમાં રહેતા માધવ મલ્લાહ સાથે ૧૨ વર્ષની ઉંમરે તેને પ્રેમ થયો અને ૧૩ વર્ષેની ઉંમરે ફૅમિલીની ઇચ્છાની વિરુદ્ધ તેણે માધવ સાથે ઘરેથી ભાગીને ગાંધર્વ વિવાહ કરી લીધા. બન્નેને એમ કે હવે કોઈ તેમને શોધશે નહીં. બે વર્ષ જેટલો સમય પસાર થયો અને એક દિવસ કુસુમાએ સામેથી જ તેની માને લેટર લખી મૅરેજની જાણ કરી અને કહી પણ દીધું કે પોતે દિલ્હીમાં મંગોલપુરી એરિયામાં રહે છે. પત્યું. ઊતરતી જ્ઞાતિ સાથે દીકરીએ લગ્ન કર્યાં એ વાત હજી પણ બાપ પચાવી નહોતો શક્યો એટલે તે પોલીસ સાથે કુસુમાએ આપેલા ઍડ્રેસ પર પહોંચ્યો અને કુસુમા-માધવે ઘરેથી ભાગતાં પહેલાં ઘરમાં ચોરી કરી હતી એવા કેસમાં બન્નેની અરેસ્ટ કરાવી. ત્રણ મહિના પછી બન્ને છૂટ્યાં અને કુસુમા બાપ સાથે ફરી ટીકરી આવી ગઈ. ટીકરીમાં કુસુમાના બાપે તેનાં મૅરેજ કેદાર નાઇન સાથે કરાવ્યાં અને અહીંથી વહાલનો વલોપાત શરૂ થયો.
રાજ બહાદુર (નીચે) અને સંતોષ. કુસુમા નાઇને જેમની આંખો ફોડી નાખેલી.
સરદાર, આપ સાથ દો...
કુસુમાના પ્રેમી માધવ મલ્લાહને સમાચાર મળ્યા અને માધવ પહોંચ્યો મલ્લાહ જ્ઞાતિના પિતામહ અને ચંબલના કુખ્યાત ડાકુ વિક્રમ મલ્લાહ પાસે. વિક્રમ મલ્લાહ માધવને હેલ્પ કરવા તૈયાર થયો અને માધવે વિક્રમની ડાકુ ટોળી જૉઇન કરી લીધી. ચારેક મહિનામાં જ વિક્રમ-માધવ અને તેની ટોળકીએ ટીકરી પર હુમલો કરી કુસુમાનું તેના સાસરેથી હરણ કરી લીધું. એ દિવસે કુસુમા ચંબલમાં ઊતરી અને એ પછી તેણે ક્યારેય સંસાર તરફ જોયું નહીં. વાત છે ૧૯૭૭-’૭૮ની.
વિક્રમ અને માધવ એ સમયે કુસુમાના પતિ કેદાર નાઇનને મારવા માગતા હતા પણ કુસુમાના કહેવાથી તેને જીવતો છોડવામાં આવ્યો. કુસુમાએ કારણ આપ્યું હતું કે કેદારે તેને આંગળીથી સુધ્ધાં સ્પર્શ નથી કર્યો. નસીબની બલિહારી જુઓ. ૧ માર્ચે કુસુમાનું મોત થયું ત્યારે આ જ કેદારના પરિવારે કુસુમાના મૃતદેહને સૌભાગ્યવતીની જેમ તૈયાર કરી, કેદારે કુસુમાનો સેંથો પૂર્યો અને પછી કેદારે જ તેના અંતિમ સંસ્કાર કર્યા. નિયતિની ઇચ્છા જ સમજો કે વિક્રમ-માધવની ગોળીથી કુસુમાએ પોતાના અંતિમ સંસ્કાર માટે કેદારને બચાવ્યો.
બહેંગી ખૂન કી નદિયાં
વિક્રમ મલ્લાહની સાથે એ સમયે ઑલરેડી ફૂલનદેવી જોડાયેલી હતી. વિક્રમ ગૅન્ગનો સરદાર હતો તો ફૂલનદેવી ગૅન્ગની ઉપકપ્તાન હતી. એવું કહેવાય છે કે વિક્રમ અને ફૂલન વચ્ચે એ સમયે પ્રેમસંબંધો હતા અને એટલે જ આખી ગૅન્ગ ફૂલનનો પણ પડ્યો બોલ ઝીલતી હતી. જોકે કુસુમાને તો એ ક્યારેય આવડ્યું જ નહોતું એટલે તે ફૂલનની કોઈ વાત માનવા તૈયાર ન થાય. શરૂઆતના દિવસોમાં ફૂલને કુસુમાને ગૅન્ગ માટે રસોઈ બનાવવાનું કામ સોંપ્યું, જેમાં કંઈ ખોટું પણ નહોતું. ટીકરી ગામેથી આવેલી કુસુમાને એક પણ હથિયાર વાપરતાં આવડતું નહોતું એટલે ગૅન્ગના બીજા કોઈ ઉપયોગમાં તે નહોતી. શરૂઆતમાં તો કુસુમાએ મોઢું ચડાવીને ફૂલનના ઑર્ડરને ફૉલો કર્યો પણ પછી તેણે સામે ચડીને ફૂલન સાથે પંગો લેવાનું શરૂ કરી દીધું અને એટલે જ ફૂલન પણ કુસુમાની સાથે આડાઈ પર ઊતરી આવી. મલ્લાહ ગૅન્ગ સાથે જોડાયેલા અને આજે પણ હયાત હોય એવા લોકોનું કહેવું હતું કે ફૂલન જેઠાણી બનીને અને કુસુમા દેરાણી બનીને ગૅન્ગમાં એકબીજા સાથે કજિયા કરતી, જે ડાકુ ટોળકી માટે બહુ જોખમી હતું.
કુસુમા નાઇનના મૃત્યુ પર ઉત્તર પ્રદેશમાં અનેક ઘરોમાં દીવા થયા.
એક ઘટના એવી ઘટી જેમાં માધવ એટલે કે કુસુમાના પ્રેમીએ પણ ખુલ્લેઆમ ફૂલનનો સાથ આપ્યો અને મધરાતે આખી ગૅન્ગ કુસુમાની વિરુદ્ધ થઈ ગઈ. કુસુમાએ રાતોરાત ગૅન્ગ છોડી દીધી. ઘરે જઈ શકાય એમ નહોતું અને ચંબલમાં એકલાં રહેવું શક્ય નહોતું પણ એક લૂંટ કરીને પાછી આવતી ડાકુ લાલારામની ગૅન્ગને અજાણતાં જ મળી ગયેલી કુસુમાને લાલારામે પોતાની સાથે જૉઇન કરી લીધી કારણ કે લાલારામ અને વિક્રમ મલ્લાહ બન્નેની ગૅન્ગ એકબીજાની દુશ્મન હતી.
ખતમ કર દો સબ કો...
આત્મસમર્પણ સમયે ફૂલનદેવીએ આ વાત એવી રીતે પોલીસમાં કહી હતી કે વિક્રમનો જ પ્લાન હતો કે કુસુમાને લાલારામની ગૅન્ગમાં મોકલવી. કુસુમા લાલારામને પ્રેમમાં પાડે અને એ ગૅન્ગની બધી ખબર વિક્રમને પહોંચાડતી રહે જેથી મોકો મળતાં વિક્રમ મલ્લાહની ગૅન્ગ લાલારામની આખી ટોળકીને ખતમ કરી નાખે. જો આ વાત સાચી હોય તો બન્યું અવળું અને કુસુમાએ વિભીષણ બનીને (લાલા)રામનો સાથ આપ્યો. લાલારામે એક દિવસ કુસુમાની સાથે વિક્રમ મલ્લાહ પર હુમલો કર્યો અને એ હુમલામાં વિક્રમ મલ્લાહનું મોત થયું તો સાથોસાથ માધવ મલ્લાહનું પણ મોત થયું.
કહે છે કે આ હુમલામાં ફૂલનદેવી પણ પકડાઈ અને કુસુમાના કહેવાથી લાલારામની આખી ગૅન્ગે ફૂલન પર સામૂહિક બળાત્કાર કર્યો. આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે ૧૯૮૦થી ૧૯૮૧ વચ્ચેનો. ફૂલનદેવીનો ઘમંડ ઉતારવા માટે જ કુસુમાએ આ પગલું લીધું હતું. અલબત્ત, લાલારામની ગૅન્ગની જો કોઈ ભૂલ તો એ કે કુસુમાની આંખ સામે ફૂલન પર રેપ કર્યા પછી તેણે ફૂલનને જીવતી છોડી દીધી.
આગ હૈ બદલે કી...
ફૂલને ફરી પોતાની (એટલે કે વિક્રમની) ગૅન્ગ ભેગી કરવાનું કામ કર્યું. હવે તેની એક જ મકસદ હતી, લાલારામની તબાહી. લાલારામની તબાહીની તે એક પણ તક જતી નહોતી કરતી. લાલારામના ખબરીઓને મારવાથી માંડીને ડાકુ લાલારામને હથિયાર સપ્લાયર કરનારાઓનાં અપહરણ કરવા સુધી તે પહોંચી જતી. જોકે લાલારામ પોતે હાથમાં નહોતો આવતો.
૧૯૮૧ની ૧૪ ફેબ્રુઆરીએ ફૂલનને બાતમી મળી કે લાલારામ અને તેની ગૅન્ગ બિસમઈ ગામે તેનાં સગાંવહાલાંઓને મળવા આવવાનાં છે. ફૂલનદેવી ત્યાં પહોંચી ગઈ પણ તેને લાલારામ કે તેના કોઈ સાથી મળ્યા નહીં એટલે ફૂલને એક કાંકરે બે પક્ષી માર્યાં. ઉચ્ચ જ્ઞાતિના કહેવાતા ક્ષત્રિયોથી પીડિત ફૂલનદેવીએ ડાકુ લાલારામનાં બાર સગાં સહિત ગામના ૨૦ ક્ષત્રિયોને લાઇનમાં ઊભા રાખી બધાને ગોળીએથી ઉડાડી દીધા, જે ન્યુઝે દેશ આખાને ધ્રુજાવી દીધો. નૅચરલી લાલારામ પણ હવે લાવારસથી ધગધગવા માંડ્યો હતો. લાલારામ અને હવે તેની ગર્લફ્રેન્ડ બની ગયેલી કુસુમાએ નક્કી કર્યું કે ફૂલનદેવીને મારીને આ ઘટનાનો બદલો લેવો, પણ...
યે લગી ધોબીપછાડ...
લાલારામ અને કુસુમા ફૂલન સુધી પહોંચે એ પહેલાં ૧૯૮૨માં ફૂલનદેવીએ આત્મસમર્પણ કરી લીધું અને કુસુમાની મનની મનમાં રહી ગઈ. અધૂરી ઇચ્છા વાસના બને અને એવું જ કુસુમ સાથે બન્યું. કુસુમાએ લાલારામની ગૅન્ગની બાગડોર પોતાના હાથમાં લઈ લીધી અને રીતસર આતંકવાદી બનીને લોકોને રંજાડવાનું શરૂ કર્યું. ૧૯૮૨ના ઑગસ્ટ મહિનામાં કુસમાએ બેતાલીસ લૂંટ કરી હતી તો એ જ વર્ષના સપ્ટેમ્બરમાં કુસુમાએ સોળ લોકોને માર્યા. આ જ મહિનામાં તે કારણ વિના પોતાના સાસરે ગઈ. કેદારને અધમૂઓ કરી નાખ્યો તો પાછા ફરતી વખતે તેણે એક ગામનાં પંદર ઝૂંપડાં સળગાવી નાખ્યાં, જેમાં એક મહિલા અને એક બાળકનું મોત થયું. ઊકળતું પાણી અને ઊકળતું લોહી જાતને દઝાડ્યા વિના ન રહે. એવું જ કુસુમા સાથે બન્યું. ફૂલનદેવી હાથમાં નહોતી આવી એ વાત કુસુમાથી સહન નહોતી થતી.
૧૯૮૪માં કુસુમાએ ઉત્તર પ્રદેશના અસ્તા નામના ગામે જઈને મલ્લાહ જ્ઞાતિના ૧૨ જણને લાઇનમાં ઊભા રાખીને મારી નાખ્યા. મલ્હાર શું કામ તો એનો જવાબ આપી દઈએ. ફૂલનદેવી મલ્લાહ જ્ઞાતિ માટે હંમેશાં તારણહાર રહી હતી. ફૂલનની ગૅન્ગમાં પણ મહત્તમ લોકો મલ્લાહ જ્ઞાતિના જ હતા. ફૂલન સુધી આ વાત પહોંચે એવા હેતુથી જ કુસુમાએ આ સ્ટેપ લીધું હતું. કુસુમાએ જ્યાં ૧૨ જણની હત્યા કરી ત્યાં મરનારની યાદમાં ઉત્તર પ્રદેશ સરકારે પછી શહીદ સ્મારક પણ બનાવ્યું.
ચંબલમાં મળી આવેલા બે મલ્લાહ કુસુમાની અડફેટે ચડી ગયા તો કુસુમાએ એ બન્નેની આંખો કાઢી લીધી. કારણ? બસ, ફૂલન પ્રત્યેનો ગુસ્સો.
ચલ લાલા, નિકલ તૂ...
લાલારામની સાથે કુસુમાનું ટ્યુનિંગ બરાબર સેટ થઈ ગયું હતું પણ એક વાર રાતે નશામાં લાલારામે કુસુમાને માસમાણી ગાળ આપી અને કુસુમા ભડકી ગઈ. કહે છે કે બન્ને વચ્ચે એ સ્તર પર ઝઘડો થયો કે લાલારામે હાથમાં બંદૂક લઈ લીધી અને કુસુમાને તરત ગૅન્ગ છોડવાનું કહી દીધું
અને કુસુમા નીકળી ગઈ. મજાની વાત એ છે કે કુસુમા સાથે એ સમયે લાલારામની ગૅન્ગના બીજા ૧૧ સાથીઓએ પણ ગૅન્ગ છોડી. આ કુસુમાનો પ્રભાવ હતો.
લાલારામની ગૅન્ગ છોડ્યાના એક જ અઠવાડિયામાં રામઆશ્રય તિવારી એટલે કે ડાકુ ફક્કડબાબાએ બિદાહી નામના એક ગામમાં ધાડ પાડી ત્યારે દુનિયાને ખબર પડી કે કુસુમાએ ડાકુ ફક્કડબાબાની ગૅન્ગ જૉઇન કરી છે. ડાકુ અને બાબા. આ બન્ને વાત હજમ ન થતી હોય તો ફક્કડબાબાની હિસ્ટરી જાણવી જરૂરી છે. ફક્કડબાબા નામ મુજબ જ ફક્કડ ગિરધારીની જેમ રહેતા. લૂંટનો પોતાનો ભાગ એ પોતાના ગામ મોકલાવી દેતા અને બાબા ઉપનામ તેમને મળવા પાછળનું બીજું કારણ, ચંબલના ડાકુઓમાં મોટિવેશનલ ભાષણો આપવાનું કામ ફક્કડબાબા કરતા. ફક્કડબાબા ધાર્મિક પણ હતા. તેમનો બદલો પૂરો થઈ ગયો હતો પણ માત્ર ગૅન્ગ ચલાવવા માટે તે ડાકુગીરી કરતા હતા. કુસુમા ગૅન્ગમાં આવતા ફક્કડબાબાની ટોળીમાં નવું જોમ આવ્યું.
દસ્તખત દેખ લે સેઠ...
ફક્કડબાબાનો સ્વભાવ અને ઘૂઘવતા દરિયા જેવી કુસુમાનો ઉત્સાહ. બાબાએ બધી જવાબદારી કુસુમાને આપી દીધી અને કુસુમાને આતંકનો છૂટો દોર મળી ગયો. આ જ તબક્કામાં કુસુમાએ અપહરણનો પણ રસ્તો ખોલ્યો. કુસુમા ચંબલની એકમાત્ર ડાકુ હતી જેણે બાકાયદા પોતાના લેટરહેડ છપાવ્યાં હતાં. અપહરણની રકમ તે એ લેટરહેડ પર લખીને મોકલતી. કુસુમાના નામે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ૧૪ અપહરણ બોલે છે પણ કુસુમાનું કહેવું હતું કે તેણે ૪૦થી વધારે અપહરણ કર્યાં, જેમાંથી મોટા ભાગનાએ પોલીસને જાણ કરવાની હિંમત સુધ્ધાં કરી નહીં.
આ અપહરણની લાઇને જ કુસુમાને પોલીસની નજરમાં મેઇન વિલન બનાવી દીધી. વાત છે ૧૯૯પની.
બન્યું એવું કે કુસુમાએ રિટાયર્ડ પોલીસ ઑફિસર હરદેવ શર્માનું અપહરણ કર્યું અને પચાસ લાખની માગ કરી અને પૈસા પહોંચાડવાની ડેડલાઇન આપી. પૈસા મળ્યા નહીં એટલે કુસુમાએ હરદેવ શર્માની હત્યા કરી લાશ ચંબલની નહેરમાં નાખી દીધી. આ ઘટના પછી ઉત્તર પ્રદેશ પોલીસમાં ધરતીકંપ આવી ગયો. ઉત્તર પ્રદેશ સરકાર પર શાર્ક અને વ્હેલ માછલીઓ ધોવામાં આવી. સરકારે રાતોરાત કુસુમા પર ૩પ,૦૦૦નું ઇનામ જાહેર કર્યું.
બાબા, યે તેરા કરમ...
આગળ કહ્યું એમ, ફક્કડબાબાને ડાકુગીરીમાં ખાસ રસ નહોતો રહ્યો. એ ગીતાપાઠ અને બીજાં ધાર્મિક પુસ્તકોનું વાંચન કરતા. બાબાની અત્યંત પ્રિય અને નજીક પહોંચી ગયેલી કુસુમા પર પણ અધ્યાત્મની અસર થવા માંડી અને તે પણ બાબાની સાથે ધર્મધ્યાનના રસ્તે વળી. ૨૦૦૪માં બાબા અને બેબી એટલે કે કુસુમાએ નક્કી કર્યું કે હવે તે ડાકુગીરી છોડીને આત્મસમર્પણ કરશે અને બન્નેને સરકારમાં શરતી સંદેશો મોકલ્યો કે એ સમયના ચીફ મિનિસ્ટર મુલાયમસિંહ યાદવની હાજરીમાં તે બન્ને આત્મસમર્પણ કરશે. ચીફ મિનિસ્ટરે હા પાડી અને નૅચરલી વિવાદ થયો કે ડાકુ માટે મુખ્ય પ્રધાન શું કામ હાથ ફેલાવે. જોકે એ વિવાદ વચ્ચે પણ મુલાયમ સિંહની હકાર અકબંધ રહી. મુલાયમ સિંહે લાસ્ટ મોમેન્ટ પર તીન એક્કા કાઢ્યા અને ઇમર્જન્સીના નામે તેમણે અધવચ્ચે જ પ્રવાસ ટૂંકાવી દીધો પણ હા, આત્મસમર્પણ થયું અને ડાકુ કુસુમાની ડાકુ કરીઅરનો અંત આવ્યો.
કુસુમા પર કેસ ચાલ્યો, જેમાંથી ૧૪ કેસમાં તે દોષી પુરવાર થઈ અને તેને આજીવન કારાવાસની સજા મળી.
કહાં હૈ રે પછતાવા?
જેલમાં કુસુમા મોટા ભાગે ધર્મધ્યાનમાં પોતાનો સમય પસાર કરતી. અલબત્ત, એ પછી પણ તેનું કહેવું હતું કે કરેલાં કર્મોનો મને કોઈ અફસોસ નથી. જેલવાસ દરમ્યાન કુસુમાને ટીબી થયો, જે ધીમે-ધીમે વકરી ગયો. ઉત્તર પ્રદેશના સ્થાનિક મીડિયાએ તો એવો દાવો પણ કર્યો છે કે કુસુમાને લંગ-કૅન્સર હતું પણ સરકારે એ છુપાવ્યું. ટીબીની સરકારી વાત કન્ટિન્યુ કરીએ તો કુસુમાના શરીરમાં એ વકરતું રહ્યું અને ફેબ્રુઆરીની પહેલી તારીખે તેને હૉસ્પિટલાઇઝ્ડ કરવામાં આવી, પણ દુનિયા સામે બાથ ભીડનારી કુસુમા યમદૂત સામે લડી શકી નહીં અને ગયા શનિવારે ૧ માર્ચે તેણે હૉસ્પિટલમાં જીવ છોડ્યો.
કુસુમાના મોત પર આંસુ કોણે વહાવ્યાં એ તો કોઈ નથી જાણતું પણ તેના મોતને ઊજવવાનું કામ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશનાં અનેક ગામોમાં થયું. કેટલાંક ગામોમાં ઘીના દીવા થયા તો અનેક ઘરોમાં લાપસી બની. બને પણ શું કામ નહીં, એક એવા આતંકનો અંત હતો જેણે અનેકના અકારણ અંત લખ્યા હતા.

