સાંતાક્રુઝના ધ્યાન આશરે તાજેતરમાં જગન્નાથપુરીની રથયાત્રા રીક્રીએટ કરી હતી જેમાં ઑટોમેશન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને એ રથ ચાલે એવી સિસ્ટમ પણ ગોઠવી છે. ગયા વર્ષે હાથ હલાવીને ગણપતિની આરતી કરતો હોય એવો લેગોનો રોબોટ તેણે બનાવ્યો હતો.
ધ્યાન શાહ
માત્ર ત્રણ વર્ષની ઉંમરે પપ્પાને તેમના પપ્પાએ ગિફ્ટમાં આપેલી લેગો ગેમ્સ સાંતાક્રુઝમાં રહેતા ધ્યાન આશરના હાથમાં આવી. આજે એ વાતને દસ વર્ષ થઈ ગયાં છે. તેર વર્ષનો ધ્યાન અત્યારે એકથી એક લેગોનાં મૉડલ બનાવે છે. લેગો એટલે કે વિવિધ ચોકઠાંઓને ભેગાં કરીને એમાંથી કંઈક સર્જન કરવું. આ વર્ષે અષાઢી બીજ નિમિત્તે ધ્યાનને તેના એક સંબંધીએ જગન્નાથપુરીની રથયાત્રા લેગો દ્વારા બનાવવાનો પડકાર આપ્યો. ધ્યાને એ સ્વીકારી લીધો અને તેણે એકદબ આબેહૂબ લાગે એવી લેગોની રથયાત્રા રીક્રીએટ કરી અને એ રથ પોતાની મેળે ચાલે એવી ટેક્નૉલૉજી પણ એમાં ઍડ કરી. કોઈ પણ વસ્તુ જોયા પછી લેગોના બ્રિનક્સ દ્વારા ગોઠવી-ગોઠવીને બનાવવાની આ આવડત કેવી રીતે ડેવલપ થઈ અને આ ગેમને કારણે હવે કરીઅર પ્લાનિંગમાં ધ્યાન આશર શું વિચારે છે એ વિશે વાત કરીએ. નાનકડી ગેમે આ બાળકના ઘડતરમાં કેવડો મોટો રોલ અદા કર્યો છે એ જાણવું રસપ્રદ રહેશે

ટ્રેઇનિંગ અને વિનિંગ | અત્યાર સુધીમાં સેંકડો વસ્તુઓ ધ્યાને લેગો બ્રિલક્સ દ્વારા બનાવી હશે. ધ્યાનની મમ્મી નિરાલી કહે છે, ‘અમે જ્યારે તેના હાથમાં લેગોની ગેમ આપી ત્યારે અમને પણ કલ્પના નહોતી કે તે આટલો ઊંડો ઊતરી જશે એમાં. પહેલાં તે જાતે શીખ્યો અને પછી એને લગતી કૉમ્પિટિશનમાં પણ પાર્ટિસિપેટ કરી ચૂક્યો છે. લેગોને મોટરાઇઝ્ડ કરી શકાય એ માટે તેણે ઑટોમેશનનો એક કોર્સ પણ કર્યો છે. વર્લ્ડ રોબોટિક ઑર્ગેનાઇઝેશન દ્વારા યોજાતી જુનિયર રોબોટિક ઑલિમ્પિયાડમાં ગયા વર્ષે તે નૅશનલ લેવલ સુધી રમ્યો હતો.’
ધ્યાનની હવે યુટ્યુબ ચૅનલ પણ છે જેના પર તે પોતાના પ્રોજેક્ટના વિડિયો અપલોડ કરે છે. ગણપતિની આરતી કરતો હોય એવો રોબોટ લેગો બ્રિનક્સમાંથી બનાવવો સૌથી યુનિક ક્રીએશન હતું ધ્યાનનું.
ADVERTISEMENT

પ્રૅક્ટિકલ ઉપયોગ | લેગો દ્વારા કોઈ પણ રિયલ લાઇફમાં જોયેલી વસ્તુ બનાવવી આપણે વિચારીએ છીએ એટલું સરળ નથી એમ જણાવીને ધ્યાનના પપ્પા ઉત્પલ કહે છે, ‘તમારે થ્રી-ડાઇમેન્શન લેવલ પર વિચારવું પડે, કારણ કે લેગોના લિમિટેડ બ્રિક્સને રિયલ દેખાડવા માટે તમારામાં પ્રૉબ્લેમ સૉલ્વિંગ એબિલિટી હોવી જોઈએ. અમે જ્યારે ધ્યાનને લેગો આપ્યા ત્યારે તેનામાં આ ગેમના માધ્યમે પ્રૉબ્લેમ સૉલ્વિંગ ક્વૉલિટી ડેવલપ થશે એ એક જ ધારણા હતી. જોકે હવે જોઈએ છીએ તો એમ લાગે છે કે એ એમાં ઘણો આગળ નીકળી ગયો છે. તેનું વિઝન ઊઘડ્યું છે. ક્રીએટ કરી શકાય એ બાબતમાં તેનામાં જબરો કૉન્ફિડન્સ આવ્યો છે. તમારી પાસે રહેલી વસ્તુઓનો શ્રેષ્ઠ ઉપયોગ કેમ કરવો એ આવડત તેનામાં ડેવલપ થઈ છે. ઇવી થ્રી, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, ઑટોમેશન જેવી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરતાં તે શીખ્યો છે.’
સૌથી ડિફિકલ્ટ ટાસ્ક
ધ્યાનને જ્યારે પૂછવામાં આવ્યું કે લેગો બનાવવામાં સૌથી ડિફિકલ્ટ ટાસ્ક કયું હોય છે એના જવાબમાં ધ્યાન આશર કહે છે, ‘કોઈ પણ ઇમેજ જોયા પછી આને લેગોમાં વિઝ્યુલાઇઝ કરવું એ સૌથી ડિફિકલ્ટ ટાસ્ક છે. કેવી રીતે બનાવીશ અને બનાવતી વખતે પણ વિઝ્યુલાઇઝ કરેલું મૅચ ન થાય તો પછી પાછા એમાં ચેન્જ કરવાના. થિન્કિંગ અને વિઝ્યુઅલાઇઝેશન સૌથી ડિફિકલ્ટ ટાસ્ક છે. જોકે એમાં મને મજા આવે છે એટલે જ મારે સિવિલ એન્જિનિયર બનવું છે, કારણ કે એમાં તમે પ્લાન કરતા હો છો. બિલ્ડિંગ પ્લાન કરો, ટાઉનશિપ પ્લાન કરો, સ્માર્ટ સિટી બનાવ. આ બધું મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. ક્રીએશનની મને બહુ મજા આવે છે.’ લેગો ઉપરાંત સાઇક્લિંગ, ટ્રેકિંગ, કોડિંગ ઍન્ડ પ્રોગ્રામિંગ પણ ધ્યાનના ફેવરિટ છે. તે બન્ને હાથથી લખી શકે છે એ પણ તેની એક ખાસિયત છે.
અમે ધ્યાનને લેગો આપ્યા ત્યારે તેનામાં પ્રૉબ્લેમ સૉલ્વિંગ ક્વૉલિટી ડેવલપ થશે એવી ધારણા હતી. જોકે હવે જોઈએ છીએ તો એમ લાગે છે કે એ એમાં ઘણો આગળ નીકળી ગયો છે. ઉત્પલ આશર, ધ્યાનના પપ્પા


