આ ઇનોવેશનનો હેતુ કંઈ મનોરંજન કે માત્ર દુનિયાને દેખાડી દેવા માટેનો જ નથી. તમને વિશ્વના કોઈ પણ સવાલનો જવાબ આપી શકતા ચૅટજીપીટીની સામે હનુમાન માત્ર ભારતની જ ઍપ્લિકેશન હોવાને કારણે એ માત્ર ભારત સંબંધી જ વાત કહેશે
આ પ્રતીકાત્મક તસવીર એઆઇથી જનરેટ કરેલી છે.
૨૦૨૩નું વર્ષ વિશ્વઆખા માટે ટેક્નૉલૉજી ક્ષેત્રના સંદર્ભમાં જબરદસ્ત ઇનોવેટિવ વર્ષ સાબિત થયું છે. એમાંય આ વર્ષને જો કોઈ એક ટૅગ આપવો હોય તો એને ‘AI Year’નો ટૅગ આપી શકાય એટલાં ઇનોવેશન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે થયાં છે. આજનો સમય ટેક્નૉલૉજી ક્ષેત્રે એટલો ઝડપી યુગ લઈ આવ્યો છે કે કોઈ એક બાબતમાં જેવું કંઈક નવું આવ્યું નથી કે તરત તમને મૂળ શોધમાં થોડાઘણા ફેરફાર કે નવીનતા સાથે એનાં જ બીજાં અનેક સ્વરૂપ હાથવગાં થઈ જાય. જુઓને હજી તો આપણે ChatGPT શું છે એ વિશે થોડુંઘણું કંઈક જાણી જ રહ્યા હતા ત્યાં વિશ્વ-ફલક પર બાર્ડ, ટેક સોનિક અને બિન્ગ જેવાં કેટલાંય બીજાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનાં પ્લૅટફૉર્મ આપણી સેવામાં હાજર પણ થઈ ગયાં! આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એ ટેક્નૉલૉજી ક્ષેત્રે ભરાયેલી એટલી મોટી હરણફાળ છે કે આવનારા સમયમાં માણસોની રોજિંદી જિંદગી જ નહીં, અનેક ક્ષેત્રે કામ કરવાની આખેઆખી સિસ્ટમ જ બદલાઈ જશે.




