આવી હાલતમાં જો કઠણ-લગન આવી જાય તો મા’ણાની કેવી માઠી બેસે એય વિચારવા જેવું અને અનુભવ થાય તો જીવી લેવા જેવુંયે ખરું. આજે મારો અનુભવ તમને કઉં
સાંઈરામ દવે
આપણી ગુજરાતી ભાષામાં કદાચ એક ‘કઠણ’ શબ્દ જ એવો છે જે કોઈ પણ જાતિ માટે, વ્યક્તિ માટે, વસ્તુ કે ઘટના માટે પણ પ્રયોજી શકાય. કઠણની વાઇફનું નામ કઠણાઈ છે. જીવનમાં શું-શું કઠણ છે? લોકસાહિત્યનું એક હળવુંફૂલ ઓઠું મમળાવોઃ
ઋતુઓમાં શરદ કઠણ, દિલનાં દરદ કઠણ,
કાંકરેજી બળદ કઠણ, પાચનમાં અળદ કઠ
ADVERTISEMENT
અમારી સોસાયટીનો કૉલેજિયન શરદ પાડોશમાં રહેતી ઋતુ સાથે પ્રેમપ્રકરણમાં છૂમંતર થઈ ગયો. સોસાયટીમાં આ રીતે ‘શરદ-ઋતુ’ ઊજવાણી. અતુલ મને કહે કે સાંઈ, ‘આપણા ગોંડલના ત્રણેક શરદભાઈને હું ઓળખું છું. એ ત્રણેયને લગભગ બારેમાસ શરદી હોય છે! ઋતુના નામમાં આટલી તાકાત?’ મેં કહ્યું, ‘અલ્યા અતુલ, એવું ના હોય. હુંય બે ગ્રીષ્માબહેનને ઓળખું છું જે કામેકાજે સાવ ટાઢાબોળ છે એટલે ઋતુ બધી જ જગ્યાએ પ્રભાવક ન પણ હોય.’
શિયાળાની ટાઢમાં લગ્નનાં આયોજનો જોર પકડે છે પરંતુ બહારગામ જાન જવાની હોય ત્યારે જાનૈયાને વે’લા ઉઠાડવામાં અને નવડાવવામાં વરના પિતાશ્રીને કઠણાઈ આવી જાય છે. પ્રેમનાં દરદ પૅરાસિટામોલથી મટતાં નથી. કાંકરેજનો બળદ તમને શિંગડેથી ઉપાડે એટલે તમે સીધા યમરાજના શિંગડા પર જ લૅન્ડ થાઓ. એ તો અનુભવ થયો હોય તેને પૂછજો. તો વળી અડદ ન પચે તો તમે બળદની જેમ ઘૂમરિયું માર્યા કરો.
તમંચાની ગોળી કઠણ, મુંબઈની ખોલી કઠણ,
સુરતની બોલી કઠણ, કચ્છનો ઢઢેલી કઠણ
હરસુર ગઢવી સૅટાયરમાં કહેતા કે બંદૂક ભરેલી હોય તો એક જણો ડરે છે, પણ ખાલી હોય ત્યારે બેયને બીક લાગે. સામેવાળાને ડર હોય કે આ બંદૂકવાળો પતાવી દેશે ને બંદૂકધારીને ખબર હોય કે આમાં કાંઈ છે નહીં ઈ જો સામેવાળાને ખબર પયડી તો...
દેશી તમંચો ઘણી વાર ઊંધો ફૂટે તો ફોડનારાના હાથને જ ભરખી જાય, તેથી લોકસાહિત્ય તમંચાની ગોળીને કઠણ કહે છે. ઑસ્ટ્રેલિયા કે ન્યુ ઝીલૅન્ડની જેટલી વસ્તી છે એટલા લોકો તો મુંબઈની ખોલીઓમાં વસે છે. આ દેશની સિત્તેર ટકા પ્રજા કોઈ પણ પરિસ્થિતિ કે સંકડામણમાં મોજથી જીવવા ટેવાયેલી છે. અવ્યવસ્થા એ જ તેમની વ્યવસ્થા છે. આપણા દેશમાં ઝૂંપડાવાળા જેટલા ઉત્સવો રોડ પર એન્જૉય કરે છે, બંગલાવાળાઓને એનાથી પચાસ ટકા આનંદ માંડ મળે છે. અસ્સલ સુરતી વ્યક્તિ દર ત્રીજા વાક્યમાં લબૂક દઈને સહજ રીતે ગાળ બોલે છે. સૌરાષ્ટ્રમાં કોઈ અજાણ્યો ગાળ બોલે તો મર્ડર થઈ જાય. એવી ગાળ સુરતીઓ ચણા-મમરાની જેમ સેવ-મમરા ખાવા માટે આપી દે છે. તો વ્રજવાણી (રાપર-કચ્છ)ના ઢોલથી લઈ હેલ્લારાના ઢોલી સુધી કચ્છ જેવો તાલ નહીં અને સૌરાષ્ટ્ર જેવો મીઠો સૂર નહીં.
ઊંટની ચાલ કઠણ, કાચબાની ઢાલ કઠણ,
ચૌતાલનો તાલ કઠણ, સન્માનની શાલ કઠણ
‘શું ઊંટિયાની જેમ ઉલારા મારશ?’ આ સૌરાષ્ટ્રની ફરાળી ગાળ છે. ‘મારા રોયા’ અને ‘તારી સાસુને તેલ ને ઢોકળાં ભાવે’ પણ ફરાળી લિસ્ટમાં જ આવે છે. રણમાં ઊંટની ચાલને લશ્કર પણ ન આંબી શકતું એ રીતે અહીં કઠણ ગણવામાં આવી છે. અમુક વહુઓ સાસુની સામે કાચબાની થિયરી અપનાવે છે. તેમ જ શાસ્ત્રીય સંગીતના વિલંબિત ચૌતાલ સાંભળવાની જો ધીરજ ન હોય તો તમને ચાલુ તાલે નીંદર આવી જવાની પૂર્ણ શક્યતાઓ છે. કલાકારો-નેતાઓ-કથાકારો કે સર્જકોના ઘરે આખી જ્ઞાતિનું શાલથી સન્માન થઈ શકે એટલી શાલું (?)નાં કબાટ ભરેલાં હોય છે. કોઈ અમને કહે કે અમે તમારું સન્માન કરવા માગીએ છીએ એટલે ત્યારે ‘અમે પેમેન્ટ આપવા નથી માગતા’ એ વાત સાઇલન્ટ હોય છે.
શ્રીફળની છાલ કઠણ, વાયદાની કાલ કઠણ,
જુવાનીમાં ટાલ કઠણ, બે નંબરનો માલ કઠણ
ત્રણ જણ ગપ્પાં મારતા હતા. એક કહે, ‘મારા દાદાના દાંત એટલા મજબૂત હતા કે તે એકઝાટકે દાંતમાં સોપારી મૂકીને ૧૩પના માવા માટે પત્રી કરી નાખતા.’ બીજો ગપ્પીદાસ કહે, ‘મારા દાદા દાંતમાં રાખી આખું શ્રીફળ વધેરી નાખતા.’ આ બેયને સાંભળીને ત્રીજો કહે, ‘પણ તમારા બેયના દાદા તો બોખા હતા, એનાં ચોકઠાં મારા દાદા બનાવતા હતા.’
મારી સોસાયટીમાં એક વરઘોડો નીકળ્યો. વરરાજાએ ટાલ ઢાંકવા માથે વિગ પહેરી હતી. અકોણા જાનૈયાએ હરખના માર્યા વરરાજાના ઘોડા આગળ સૂતળી બૉમ્બ ફોડ્યો. સળગતી સૂતળી વરરાજાની વિગ માથે પડી. ફાઇવસ્ટાર હોટેલનું સિઝલર કિચનમાંથી ધુમાડા કરતું આવે એવો ધુમાડો વરરાજાના માથે થયો. ગૅલરીમાં આ દૃશ્ય જોઈને મેં રાડ પાડી પણ DJના દેકારામાં મારો અવાજ કોઈ સુધી ન પહોંચ્યો. ગણતરીની મિનિટોમાં વરરાજાનું માથું સળગ્યું. તાળવું ગરમ થાતાં વરરાજાએ સળગતી વિગનો ઘા કર્યો. એ વિગ શેરીના ખૂણે શાંત બેઠેલા કૂતરા પર પડવાથી એ ભડક્યું. કૂતરાએ અજાણ્યા અગ્નિદાયક હુમલાના વળતા જવાબમાં નજીક હતા એ વરરાજાના ફાંદાળા પિતાશ્રીની પિંડીમાં જોરથી બચકું ભર્યું. મારો અવાજ ભલે સંભળાયો નહીં પણ મારે બચાવકાર્ય કરવું જ જોઈએ એવી સદ્ભાવના સાથે મેં ગૅલરીમાંથી વરરાજાનું માથું ઠારવા પાણીની ડોલ રેડી. ડોલ બે મિનિટ મોડી પડતાં વરરાજો સદેહે ધોવાઈ ગયો. વરરાજાની ટાલ ઝગારા મારવા લાગી. વરની ટાલ જોઈને કન્યા વાડીની અટારીએથી વરમાળાનો ઘા કરીને ઓરડામાં ગુસ્સે થઈને ચાલી ગઈ. વાડીની નીચે ઊભેલા ગધેડાના ગળામાં એ વરમાળા પહોંચી ગઈ. હવે એકની એક કન્યા બીજા ગધેડા સાથે તો કેવી રીતે પરણે? કન્યાનાં નસીબ જ કઠણ છે. આપણાથી આ પ્રૉબ્લેમ સૉલ્વ નહીં થાય એમ માની મેં ધડામ કરતી ગૅલરીની બારી બંધ કરી અને આંયા આ લેખનીયે બારી બંધ કરી.
એમાં છે એવુંને, ભીનું સંકેલવાનું આપણને બોવ ફાવતું નથી!
આવજો.


