Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > સરકાર, દરબાર અને પરચા

સરકાર, દરબાર અને પરચા

Published : 26 March, 2023 03:20 PM | IST | Mumbai
Kana Bantwa

સમયના રથ પર ચડીને દેશ-દેશાવરમાં ફરતાં-ફરતાં શબ્દોના ચહેરા પણ કેટલા બદલાઈ જાય છે

સરકાર, દરબાર અને પરચા

કમ ઑન જિંદગી

સરકાર, દરબાર અને પરચા


સરકાર અને દરબાર આ બે શબ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે. એક બાબા બાગેશ્વર સરકારના નામે દરબાર લગાવે છે, બીજા બાબા સંતોષ ભદોરિયા કાનપુર નજીક કરૌલી સરકારના નામથી દરબાર લગાવે છે. બેય બાબા દુ:ખ-દર્દ દૂર કરવાના દાવા કરે છે. સરકાર અને દરબાર શબ્દોની જબરી ગુંજ છે. બન્ને બાબા સનાતન ધર્મની દુહાઈ દે છે. પોતાનો વિરોધ કરનારને ધર્મનો વિરોધ કરનાર ગણાવી દઈને તેઓ પોતે સલામત બની જાય છે. સનાતન ધર્મના નામે પાલી ચલાવનારાઓ દરેક વાતમાં સંસ્કૃતિની વાત ઘુસાડતા હોય છે, પણ આ બેય બાબાને કદાચ ખબર નહીં હોય કે સરકાર અને દરબાર બેમાંથી એક પણ શબ્દ ભારતીય નથી. બન્ને શબ્દ ફારસીમાંથી આવ્યા છે.


આપણે સરકાર શબ્દનો સીધો અર્થ ગવર્નમેન્ટ કરીએ છીએ. ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા પણ એનો તરજુમો ભારત સરકાર એવો કરે છે. વાસ્તવમાં ગવર્નમેન્ટનો અનુવાદ શાસન અથવા શાસન કરનાર લોકોનું જૂથ અથવા શાસન કરનાર તંત્ર એવો થાય છે અને સરકાર શબ્દનો અર્થ મુખ્ય વ્યક્તિ,  કોઈ જૂથના વડા, કોઈ સમર્થ વ્યક્તિ, સત્તાશાળી વ્યક્તિ અથવા સંસ્થા એવો થાય છે. મૂળ ફારસી સર અને કાર એ બે શબ્દો મળીને આ શબ્દ બન્યો છે. સરના ફારસીમાં અર્થ સૌથી ઉચ્ચ, સૌથી ઉપરનું, ઉપરનું, મુખ્ય, નિયંત્રણ, માથું એવા થાય છે અને કારનો અર્થ છે કામ, કરનાર, ભોગવનાર વગેરે. કામ કે શાસન કે નિયંત્રણમાં જે સર્વોચ્ચ સત્તાધારી હોય એ સરકાર. ‘ભરી બરસાત મેં કોયલ કિસી સર સબ્જ ટહની પર, પુકારે જબ કહીં કુકુ, મેરે પ્યારે મેહબૂબ મુઝે તુમ યાદ આતે હો.’ આમાં સર સબ્જનો અર્થ છે સૌથી વધુ લીલી. લીલીછમ. (નુસરત ફતેહ અલી ખાનના અવાજમાં ‘મુઝે તુમ યાદ આતે હો’ સાંભળજો, જો સંગીતમાં તલ્લીન થઈ જવું હોય તો) ફારસીમાં સરકારના અર્થ સમર્થ વ્યક્તિ, બળૂકો વ્યક્તિ, સત્તાધારી વ્યક્તિ,  મુખિયા,  રાજ્ય, પ્રાંત એવા થાય છે. એટલે સરકાર શબ્દનો અર્થ થોડો દબંગ છે. 



આપણે ત્યાં ગવર્નમેન્ટ ઉપરાંત ઉચ્ચ, શક્તિશાળી ઉચ્ચ સત્તાધીશ એવા અર્થમાં પણ સરકાર શબ્દ વપરાય છે. બાબાઓ જે બાગેશ્વર સરકાર કે કરૌલી સરકાર એવાં નામ આપે છે એમાં આ સમર્થ,  શક્તિશાળી એવો અર્થ છે. ભારતમાં મુઘલોના શાસન વખતે ફારસી ભાષા રાજભાષા બની ગઈ હતી. તમામ રાજવહીવટ ફારસીમાં જ ચાલતો. ગુજરાત રાજ્ય પણ ઘણા સમય સુધી મુસ્લિમ અમલ નીચે રહ્યું અને રાજકાજની ભાષા ફારસી હતી એટલે ગુજરાતીમાં અસંખ્ય શબ્દ ફારસીમાંથી આવ્યા છે. એ જ રીતે ભારતની મોટા ભાગની ભાષાઓમાં ફારસી શબ્દોનું ચલણ થયું અને એ શબ્દો પછીથી સ્થાનિક ભાષાનો એક ભાગ બની ગયા. એટલે જ હિન્દુ હોય કે મુસ્લિમ કે સિખ, આ શબ્દો તેના ધાર્મિક શબ્દભંડોળમાં પણ ઉમેરાઈ ગયા. સામાન્ય રીતે એક ધર્મના શબ્દભંડોળમાં બીજા ધર્મની મુખ્ય ભાષાના શબ્દો વાપરવામાં સંકોચ થતો દેખાય છે. હિન્દુ ધર્મના શબ્દભંડોળમાં ઈશ્વર માટે પરવરદિગાર જેવા શબ્દો વપરાશે નહીં, અર્થ ભલે એક જ હોય. એ જ રીતે ઇસ્લામના શબ્દભંડોળમાં અલ્લાહ માટે ભગવાન કે બ્રહ્મ શબ્દ વપરાશે નહીં, અર્થ બરાબર એ જ હોવા છતાં.


  ભારતમાં સરકાર શબ્દ કોઈ વ્યક્તિને આદર આપવા માટે વપરાતો હતો. મુઘલ શાસન વખતે જિલ્લા અને રાજ્યોને સરકાર કહેવામાં આવતાં હતાં. એક પ્રાંત કે જિલ્લાનો વહીવટ સંભાળનાર મુખ્ય અધિકારીને ફોજદાર કહેવામાં આવતો હતો. અત્યારે ફોજદારનો અર્થ પોલીસ-ઇન્સ્પેક્ટર એવો થવા માંડ્યો છે. આખા પ્રાંતની ફોજ જેના નિયંત્રણમાં છે તે ફોજદાર. મુઘલોના સમયે ભારતમાં આવેલા અંગ્રેજોએ પણ સરકાર શબ્દ અપનાવી લીધો, એના મુઘલિયા અર્થમાં જ. અંગ્રેજીમાં Circar અને Sircar શબ્દ છે જે ભારતમાં અંગ્રેજી શાસન વખતે વપરાતો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટ દરમ્યાન બંગાળ પ્રાંતમાં જે જમીનદારો હતા તેમને સરકાર કહેવાનો રિવાજ ચાલુ રહ્યો હતો. બંગાળમાં માલિક અથવા જમીનદાર અથવા ઉમરાવ માટે તો સરકાર શબ્દ વપરાતો જ હતો, નોકર માટે અને વહીવટી કામ કરતા મુનિમ માટે પણ સરકાર શબ્દનો ઉપયોગ થતો હતો. એ પછી સરકાર શબ્દ ત્યાં સરનેમ, અટક બની ગયો. અહીં પણ હિન્દુ અને મુસ્લિમનો ભેદ રહ્યો નહીં. સરકાર અટક હિન્દુ અને મુસ્લિમ બન્નેમાં જોવા મળે છે. શુક્રવારે જ પ્રદીપ સરકાર નામના જાણીતા દિગ્દર્શકનું નિધન થયું.

દરબાર શબ્દનું પણ આવું જ છે. દરબાર શબ્દ પણ ફારસી છે, એનો અર્થ થાય છે કચેરીમાં. દર અર્થાત્ અંદરમાં અને બાર એટલે કચેરી. જ્યાંથી રાજ્યનું કામકાજ ચાલવાનું હોય એ દરબાર. દિલ્હીની કચેરીને મુઘલ અને અંગ્રેજ અમલ વખતે દિલ્હી દરબાર કહેવામાં આવતી. અંગ્રેજ શાસન વખતે દિલ્હીમાં ત્રણ વખત ભવ્ય દરબારનું આયોજન થયું હતું, જેમાં ૧૯૧૧માં રાજા જ્યૉર્જ પાંચમાનો દરબાર સૌથી ભવ્ય અને સૌથી મહત્ત્વનો ગણાય છે. જ્યૉર્જ પંચમ અને તેની રાણી ક્વીન મૅરીને ભારતનાં સમ્રાટ અને સમ્રાજ્ઞીનો ખિતાબ આ દરબારમાં આપવામાં આવ્યો હતો. એ દરબારમાં ભારતના તમામ રાજાઓ અને ઠાકોરો ફરજિયાત હાજર રહ્યા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્યારે કિંગ જ્યૉર્જનું અભિવાદન કરતી વખતે હીરા-ઝવેરાત પહેર્યા વગર સાદા કપડામાં ગયા અને  માત્ર જરા નમીને અને પછી પાછા ફરીને નીકળી ગયા. એ સમયે રાજાને પીઠ દેખાડવી એ તેમનું અપમાન કર્યું ગણાતું હતું. રાજા સામે કુર્નિશ બજાવવી પડે અને પાછા પગે ચાલતાં-ચાલતાં કચેરીમાંથી નીકળવું પડે. સયાજીરાવ ગાયકવાડે પોતાના સન્માન માટે જે કર્યું એનાથી તેઓ અંગ્રેજોના અળખામણા થઈ ગયા. વિક્ટોરિયાને ભારતની રાણી જાહેર કરવામાં આવ્યાં ત્યારે પ્રથમ દિલ્હી દરબાર યોજાયો હતો. જોકે વિક્ટોરિયા પોતે ઉપસ્થિત રહ્યાં નહોતાં. બીજો દરબાર ૧૯૦૩માં યોજાયો હતો, જેમાં કિંગ એડ્વર્ડ સપ્તમને રાજા જાહેર કરવામાં આવ્યા હતા, તેઆ દરબારમાં હાજર રહ્યા નહોતા. લૉર્ડ કર્જન અને લેડી કર્જને સલામી ઝીલી હતી. ચોથો દરબાર ૧૯૩૭માં યોજાવાનો હતો, પણ એક મજેદાર કારણસર એ મોકૂફ રહ્યો હતો.


આ પણ વાંચો:  સત્ય મહત્ત્વનું કે દલીલ કે વાક્પટુતા?

૧૯૩૬માં રાજા બનેલા એડ્વર્ડ (આઠમા) ૩૭મા ભારતમાં દરબાર ભરવાના હતા. રાજા એડ્વર્ડ અમેરિકન સેલિબ્રિટી વેલિસ સિમ્પસનના પ્રેમમાં પડ્યા. સિમ્પસને એક વખત છૂટાછેડા લઈ લીધા હતા અને બીજા પતિથી ફારગતી લઈને એડ્વર્ડ સાથે પરણવા માગતાં હતાં. એડ્વર્ડ સિમ્પસનને પરણે એની સામે સામે બ્રિટનની સરકારે, ચર્ચે અને લોકોએ વિરોધ કર્યો. બધાં એવું માનતાં હતાં કે સિમ્પસન માત્ર પૈસા અને પદ માટે જ એડ્વર્ડને પરણવા તૈયાર થયાં છે. ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડના વડા તરીકે ત્યારે હોદાની રૂએ એડ્વર્ડ જ હતા, પણ ચર્ચનો એવો નિયમ હતો કે કોઈ વ્યક્તિ છૂટાછેડા લે તો જ્યાં સુધી તેનો ભૂતપૂર્વ પતિ કે પત્ની જીવંત હોય ત્યાં સુધી પુનર્લગ્ન કરી શકાય નહીં. એડ્વર્ડે કોઈ વિરોધને ગણકાર્યો નહીં અને સિમ્પસન સાથે લગ્ન કરવા માટે રાજાનું પદ છોડી દીધું. જે સિમ્પસન માટે એમ કહેવાતું કે તે પૈસા અને પ્રતિષ્ઠા માટે એડ્વર્ડ સાથે પરણી રહ્યાં છે તેમણે જીવનભર એડ્વર્ડનો સાથ નિભાવ્યો. એડ્વર્ડના ભાઈ રાજા બન્યા અને તેઓ દિલ્હી દરબારમાં હાજર રહેવાના હતા, પણ તબિયત અને ઇંગ્લૅન્ડમાં ગેરહાજરી યોગ્ય ન હોવાનું બહાનું આપીને સરકારે ૩૭નો દરબાર મોકૂફ રાખ્યો, જે પછી ક્યારેય યોજાયો જ નહીં.

ગુજરાતમાં દરબાર શબ્દ રાજકચેરી માટે વપરાતો હતો એ પછીથી શહેરના સૂબા કે ઠાકોર માટે પણ વપરાવા માંડ્યો. માણાવદર દરબાર, પાજોદ દરબાર વગેરે. એ પછી અમીર-ઉમરાવ માટે પણ દરબાર શબ્દનો ઉપયોગ શરૂ થયો. અત્યારે ક્ષત્રિય રાજપૂતોને દરબાર કહેવાનો રિવાજ છે. મુસ્લિમોમાં પણ દરબાર અટક છે. બાગેશ્વરબાબા કોઈનાં દુઃખદર્દ અગાઉથી જ જે પર્ચામાં લખી રાખે છે એ શબ્દ પણ ફારસી છે. ફારસીમાં પર્ચાનો અર્થ થાય છે ટુકડો. કાગળના ટુકડાને હિન્દીમાં પર્ચા કહેવામાં આવે છે. ઉમેદવારી ભરવાને પણ પર્ચા ભાર એમ કહેવાય છે.

ગુજરાતીમાં પરચો દેખાડવો એવો શબ્દ છે તે આ પર્ચા પરથી આવ્યો છે કે પરિચય પરથી? બાબાઓ જે દરબાર ભરે છે એ પણ હવે તો રાજાના દરબાર જેવા જ બની ગયા છે. એવાં જ સિંહાસનો અને એવી જ અરજીઓ. સમય સાથે શબ્દોના, શાસનના, વ્યક્તિઓના ચહેરા કેવા બદલાઈ જાય છે.

સામાન્ય રીતે એક ધર્મના શબ્દભંડોળમાં બીજા ધર્મની મુખ્ય ભાષાના શબ્દો વાપરવામાં સંકોચ થતો દેખાય છે. હિન્દુ ધર્મના શબ્દભંડોળમાં ઈશ્વર માટે પરવરદિગાર જેવા શબ્દો વપરાશે નહીં, અર્થ ભલે એક જ હોય. એ જ રીતે ઇસ્લામના શબ્દભંડોળમાં અલ્લાહ માટે ભગવાન કે બ્રહ્મ શબ્દ વપરાશે નહીં, અર્થ બરાબર એ જ હોવા છતાં.

ભારતમાં મુઘલોના શાસન વખતે ફારસી ભાષા રાજભાષા બની ગઈ હતી. તમામ રાજવહીવટ ફારસીમાં જ ચાલતો. ગુજરાત રાજ્ય પણ ઘણા સમય સુધી મુસ્લિમ અમલ નીચે રહ્યું અને રાજકાજની ભાષા ફારસી હતી એટલે ગુજરાતીમાં તો અસંખ્ય શબ્દ ફારસીમાંથી આવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

26 March, 2023 03:20 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK