સુધારા-વધારા કરવા પડે એમ હોય તો પણ એ કરવા માટે યોગ્ય કોણ? ધર્મગ્રંથોના શબ્દોને નહીં, એની ભાવનાને, એના ઉપદેશને અનુસરવાનાં હોય
કમ ઑન જિંદગી
પ્રાચીન ગ્રંથોની સમીક્ષા સંભવ છે ખરી?
વેદ, કુરાન, બાઇબલ કે ધમ્મપદમાં સુધારા–વધારા કરવામાં આવે તો ચાલે? ચલાવી લેવાય? યોગ્ય કહેવાય? કરી શકાય? આ પ્રશ્નોના જવાબ મોટા ભાગના લોકો નકારમાં આપશે; અમુક હકારમાં આપશે, પણ એમાં શરતો રાખશે. હમણાં સંઘના વડા મોહન ભાગવતે એવું કહ્યું કે પુરાતન ધર્મગ્રંથોની સમીક્ષા થવી જોઈએ. આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે રામચરિત માનસની એક ચોપાઈ બાબતે વિવાદ વકરી ચૂક્યો હતો અને કેટલાક ખાટસવાદિયા લોકોએ રામચરિત માનસની પ્રતો સળગાવી હોવાના આક્ષેપ થયા, સ્વામી પ્રસાદ મૌર્ય નામના એક નવબૌદ્ધ રાજકારણીએ રામચરિત માનસ બાબતે પોતાની વિકૃત માનસિકતા છતી કરી. આ બધું માંડ થાળે પડી રહ્યું હતું ત્યાં ભાગવતનું નિવેદન આવ્યું. ભાગવતના નિવેદનથી બહુ વિવાદ ન થયો, પણ બૌદ્ધિક ચર્ચા જરૂર શરૂ થઈ. ભાગવતનો મૂળ મુદ્દો જોકે પ્રાચીન ગ્રંથોની સમીક્ષાનો નહોતો. તેમનું કહેવું તો એવું હતું કે ભારતનું પ્રાચીન જ્ઞાન વૈજ્ઞાનિક છે. એ જ્ઞાન અગાઉ સ્મૃતિ દ્વારા એકબીજાને આપવામાં આવતું હતું ત્યારે ગ્રંથો નહોતા. ગ્રંથો આવ્યા પછી ઘણા સ્વાર્થી લોકોએ એમાં પોતાના હિત માટે ઘણું ઉમેરણ કર્યું છે. ભાગવતની વાત ખોટી નથી. પ્રાચીન ગ્રંથોમાં એટલું બધું ઉમેરણ થયું છે કે અમુક ગ્રંથોમાં તો મૂળ કન્ટેન્ટ કેટલું બચ્યું હશે એ જ સમજી શકાય એમ નથી.
પોતપોતાના સંપ્રદાયો અને માન્યતાઓને બળ આપવા માટે પોતપોતાની રીતે મૂળ ગ્રંથોમાં પરિવર્તન કરવાનો સિલસિલો છેક ગઈ સદી સુધી ચાલ્યો. મહાભારતમાં તો ઉમેરણ દૂર કરતાં ભાંડારકર ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટને પચાસ વર્ષ લાગ્યાં હતાં. આપણો મુદ્દો અહીં એ છે કે પ્રાચીન ગ્રંથોમાં કોઈ સુધારા–વધારા કે કાપકૂપ કરવાં જોઈએ ખરાં? અને કદાચ એવી કાપકૂપ કરવામાં આવે તો પણ એ ગ્રંથ બદલાઈ જશે ખરો? એ કપાયેલો ભાગ લોકોને યાદ નહીં હોય? લોકો નવી પ્રત જ યાદ રાખશે? અને છેલ્લે, આવા એડિટિંગનો ફાયદો શું થાય?
ADVERTISEMENT
રામચરિત માનસમાંથી શૂદ્ર અને નારીની પ્રતાડનાની ચોપાઈ કાઢી નાખવી જોઈએ એવું કહેનારાઓ વાજબી માગણી કરી રહ્યા છે? રામાયણમાંથી શંબુકવધનો પ્રસંગ કાઢી નાખવો જોઈએ એવું માનનારા પણ ઘણા છે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી. પણ લોકો ભૂલી જશે ખરા કે રામચરિત માનસમાં શૂદ્ર અને નારી વિશે એવું લખવામાં આવ્યું હતું અથવા વાલ્મીકિ રામચરણમાં શૂદ્ર શંબુકના વધનું ચિત્રણ થયું હતું?
એક વેપારીનું નામ ફોગટલાલ. તેનાં ફોઈએ કોણ જાણે શું વિચારીને ફોગટલાલ નામ પાડ્યું હશે, પણ ફોગટલાલને પોતાનું નામ ગમતું નહીં. પોતે ગામનો નગરશેઠ અને નામ ફોગટલાલ? એટલે તેને થયું કે નામ જ બદલી નાખું. તેણે પોતાનું નામ બદલીને નવનીતલાલ કરી નાખ્યું. જોકે ગામમાં કોઈ તેને નવનીતલાલ કહીને બોલાવે જ નહીં. બધા ફોગટલાલ જ કહે. ફોગટલાલ તેમને ટોકે તો એ પૂરતું નવનીતલાલ કહે, પણ લોકોની જીભે નવનીતલાલ નામ ચડે જ નહીં. મૂંઝાયેલા ફોગટલાલે, સૉરી, નવનીતલાલે ડાહ્યા માણસોની સલાહ લીધી કે હવે કરવું શું? એક શાણા માણસે સલાહ આપી કે તમે આખા ગામને ધુમાડાબંધ જમાડો, મોટો મહોત્સવ કરો તો બધાને નવનીતલાલ નામ યાદ રહી જાય. ફોગટલાલે ધામધૂમથી ગામને ધુમાડાબંધ જમાડ્યું. પૂરો ખર્ચ કર્યો. ગામમાં નવનીતલાલની વાહ–વાહ થઈ ગઈ. લોકો ફોગટલાલને બદલે નવનીતલાલ નામ બોલવા માંડ્યા. જોકે એમાંય સમસ્યા થઈ. નવનીતલાલ નામથી શેઠને કોઈ ઓળખે નહીં એટલે પૂછે કે એ નવનીતલાલ કોણ? જવાબ મળે કે પેલો ફોગટલાલ, જેણે પોતાનું નામ બદલ્યું એ જ. લોકો ફોગટલાલને તો ન જ ભૂલ્યા.
પુરાતન ગ્રંથોમાં સુધારા કરાયા પછી પણ આવું જ હશે. જે બાબત ઉમેરવામાં આવી હશે એ અથવા હટાવવામાં આવી હશે એને યાદ તો રાખવામાં આવશે જ. અગાઉના સમયમાં તો ગ્રંથોની સંખ્યા ઓછી હતી એટલે વિજેતા શાસકો દ્વારા ગ્રંથાલયો સળગાવી દેવામાં આવતાં. અત્યારના સમયમાં કોઈ લખાણને સંપૂર્ણપણે મિટાવી દેવું સંભવ જ નથી. રામાયણ માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ પ્રાચીનકાળથી પ્રચલિત છે અને એનાં અનેક વર્ઝન મળે છે. આદિવાસીઓનું રામાયણ તેમની સ્ટાઇલમાં કહેવામાં આવે છે, દક્ષિણ ભારતનું રામાયણ અલગ છે અને બાલીનું રામાયણ અલગ. મૂળ વાતનો તંતુ યથાવત્ રહે, બાકીનું ઘણું બદલાઈ જાય એવું બન્યું છે. સ્થળ પ્રમાણે આવું પરિવર્તન આવે એ તો સ્વાભાવિક છે; પણ વિવિધ સંપ્રદાયો, પંથો અને અમુક ધર્મેાએ પણ હિન્દુ ધર્મના ગ્રંથોમાં અત્યંત ભેળસેળ કરી છે. પોતાનો સંપ્રદાય જૂનો છે, સાચો છે એવું સાબિત કરવા માટે રામાયણ અને મહાભારત જેવા લોકપ્રિય ગ્રંથોમાં પોતાને ફાવતા ઉમેરા કરી દેવામાં આવ્યા છે. કોઈ એક પંથ કે સંપ્રદાય નહીં, મોટા ભાગનાએ આવું કર્યું છે. વૈષ્ણવ ધર્મની પ્રતિષ્ઠા માટે મહાભારતમાં એક આખા પર્વ જેટલું ઉમેરણ કરવામાં આવ્યું હતું. જૈનોએ કૃષ્ણના ચરિત્ર સમાન હરિવંશને પોતાની રીતે લખ્યું છે જેને કોઈ કૃષ્ણપ્રેમી સ્વીકારી શકે નહીં. જૈનોએ રામાયણ પણ પોતાની રીતે લખ્યું છે. એમાં રામને બલભદ્ર કહેવામાં આવ્યા છે, લક્ષ્મણને વાસુદેવ તથા રાવણને પ્રતિવાસુદેવ કહેવામાં આવ્યા છે. જૈનોમાં અમુક લોકો રાવણને પૂજે પણ છે. જૈન રામાયણનાં અમુક વર્ઝનમાં તો સીતાને રાવણની પુત્રી ગણાવાઈ છે અને અમુકમાં મંદોદરીને જનકની દીકરી ગણાવી છે. આ બધું સદીઓ અગાઉ થઈ ગયું છતાં મૂળ રામાયણ કે મહાભારત કે હરિવંશને કોઈ આંચ આવી નથી. એ પર્વર્તિત રામાયણ કે હરિવંશને કોઈએ ગંભીરતાથી લીધું નહીં.
જો પુરાણા ગ્રંથોમાં સુધારા–વધારા કરવામાં આવે તો એ કોણ કરે અને કયા ઉદ્દેશથી કરે એ પ્રશ્ન મહત્ત્વનો બની રહે છે. પ્રાચીન ગ્રંથોમાં સુધારા કરવાનો ઉદ્દેશ શું હોઈ શકે? અત્યારે જે વાતને યોગ્ય ગણવામાં નથી આવતી એને હટાવીને ટીકાથી બચવાનો, જે-તે ગ્રંથના નાયક એવા અવતાર કે દેવતા અંગેની અત્યારે બંધબેસતી ન લાગતી બાબત હટાવીને શરમથી બચવાનો, જે-તે દેવ કે ઇષ્ટદેવની છબિ વધુ ઊજળી બનાવવાનો કે જે-તે સંપ્રદાયને વધુ સારો બતાવવાનો ઉદ્દેશ હોઈ શકે. જોકે આ કોઈ પણ ઉદ્દેશથી ગ્રંથોમાં ફેરફાર કરવો યોગ્ય છે? અને આ યોગ્યતા કોણ નક્કી કરશે? એ નક્કી કરવા માટેના માપદંડો શું હશે? આજના જમાનામાં જ્યારે ધર્મના જ માપદંડો બદલાઈ ગયા છે ત્યારે તો મુશ્કેલી ઑર વધી જાય. સુધારા કરવાયોગ્ય કોણ? એવી કઈ વ્યક્તિ હોય જે વેદમાં સુધારા કરવા માટેની યોગ્યતા ધરાવતી હોય? વેદમાં તો એટલી બધી એવી બાબતો છે જે આજના જમાના સાથે બંધબેસતી નથી. તો એને કાઢી નાખવી? કઈ બાબત રાખવી અને કઈ કાઢવી એ કેમ નક્કી કરવું? કૃષ્ણના ચરિત્રમાંથી કશુંક કાઢી નાખવા માટેની યોગ્યતા ધરાવનાર માણસ કોણ હોઈ શકે? ધર્મગ્રંથોમાં એડિટિંગ એ જ વ્યક્તિ કરી શકે જે ધર્મથી પર થઈ ગઈ હોય, જે પરમ તત્ત્વને જાણી ગઈ હોય, જે સૃષ્ટિમાં તમામને સમાન દૃષ્ટિથી જોઈ શકતી હોય, શ્વાન, ચાંડાલ, ગાય અને બ્રાહ્મણ બધા તરફ સમાન જ ભાવથી જોઈ શકતી હોય, પોતાના ધર્મને અને અન્યના ધર્મને એક જ દૃષ્ટિથી જોઈ શકતી હોય, ન કોઈ પ્રત્યે દ્વેષ હોય કે ન કોઈ પ્રત્યે આસક્તિ. આવો માણસ જો સુધારા કરે તો કદાચ યોગ્ય હોય. જોકે આવો કોઈ માણસ મળી જાય તો પણ અનાસક્ત, ઉદાસીન માણસ શા માટે આવી ભાંજગડમાં પડે? અને જે લોકોને પ્રાચીન ગ્રંથોમાં સુધારો કરવાની આવશ્યકતા લાગે છે તેઓ પણ આવી કોઈ નિ:સ્પૃહી વ્યક્તિને એ કામ સોંપે નહીં, કારણ કે તેમની અપેક્ષા મુજબનું કામ આવો માણસ કરે નહીં.
જૂના ગ્રંથોમાં એવી કેટલીક બાબતો હોઈ શકે જે આજે યોગ્ય લાગતી ન હોય. એવું પણ કેટલુંક હશે જેને સંપૂર્ણપણે સ્વીકારવું સંભવ ન હોય. જોકે એટલા કારણથી ગ્રંથોમાંની કોઈ બાબતને કાઢવાનું કે એમાં ઉમેરો કરવાનું યોગ્ય નથી. જે બાબતો અત્યારે યોગ્ય ન લાગતી હોય એને અનુસરવી નહીં, એને કોરાણે મૂકી દેવી એ જ સાચો રસ્તો છે. ધર્મગ્રંથોના શબ્દોને નહીં એની ભાવનાને, એના ઉપદેશને અનુસરવાના હોય એટલી સાદી સમજ હોવી અનિવાર્ય છે.