ફોર્ટમાં આવેલા કાલા ઘોડાના સ્ટૅચ્યુએ પહેર્યો છે રૂપેરી તાજ કારણ કે આર્ટ, કલ્ચર અને ક્રીએટિવિટીને ઊજવતા મુંબઈના સૌથી લોકપ્રિય કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલનું આ વર્ષે રજત વર્ષ છે.
કાલા ઘોડાને માથે રૂપેરી તાજ
ફોર્ટમાં આવેલા કાલા ઘોડાના સ્ટૅચ્યુએ પહેર્યો છે રૂપેરી તાજ કારણ કે આર્ટ, કલ્ચર અને ક્રીએટિવિટીને ઊજવતા મુંબઈના સૌથી લોકપ્રિય કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલનું આ વર્ષે રજત વર્ષ છે. દર વર્ષે ૯ દિવસ સુધી ઊજવાતા આ ઉત્સવના આ વર્ષના છેલ્લા બે દિવસ બચ્યા છે ત્યારે આ વીક-એન્ડમાં ફોર્ટનો પ્લાન તો કરવો ખપે. વિઝ્યુઅલથી લઈને પર્ફોર્મિંગ આર્ટ સુધીનાં બધાં જ આર્ટ ફૉર્મને આવરી લેતો આ ફેસ્ટિવલ હૅન્ડલૂમ-હૅન્ડિક્રાફટનું શૉપિંગ કરવા માટેનું પણ બેસ્ટ સ્થળ છે
ADVERTISEMENT
૨૫ વર્ષની ઉજવણી હોય અને કેક ન હોય? આ છે રજત વર્ષની જાયન્ટ કેક.
કાલા ઘોડા જવા માટે મુંબઈના છેક દક્ષિણ ખૂણે જવું પડે. વેસ્ટર્ન લાઇન હોય તો ચર્ચગેટ સુધી અને સેન્ટ્રલ લાઇન હોય તો CST સુધી પહોંચ્યા પછી અને સ્ટેશનની બહાર નીકળતાં જ તમારું સ્વાગત કરતા હોય એમ શૅરિંગ ટૅક્સીવાળા કાલા ઘોડા-કાલા ઘોડાની બૂમો પાડતા જોવા મળે. એક ટૅક્સીમાં ૮-૯ લોકો ભરાઈ જતાં બે મિનિટ પણ ન થાય ત્યારે તમને સમજાઈ જાય કે ભાઈ, આ તો ખાસ્સો પ્રચલિત ફેસ્ટિવલ છે. દર વર્ષે એની પૉપ્યુલરિટી વધતી જ જાય છે. આ વર્ષે ૨૫ જાન્યુઆરીથી શરૂ થયેલો આ ફેસ્ટિવલ પૂરો થવાને છેલ્લા બે દિવસ બચ્યા છે અને એ પણ શનિવાર-રવિવાર. એટલે ભીડ તો ચોક્કસ મળશે જ એવું ધારીને જ જજો, પણ ભીડ હશે એટલે ત્યાં નથી જવું એવું કરીને માંડી વાળશો તો ચોક્કસ ઘણું ગુમાવશો. મુંબઈના માણસને આમ પણ ભીડથી શું તકલીફ હોઈ શકે? તમતમારે શનિ-રવિ કાલા ઘોડા ફરી જ આવો. જો હજી આટલું ઓછું પડતું હોય અને મન હચુડચુ થતું હોય કે જવું કે નહીં તો આ ફેસ્ટિવલ વિશેની વધુ માહિતી પણ જાણી લો.
મારા પગ ધ્યાનથી જોયા? એમાં કીબોર્ડની કી લગાડેલી છે. હું છું હૉર્સ ઑફ કોડિંગ.
રજત જયંતી
આમ તો આ ફેસ્ટિવલમાં ઘણુંબધું છે. મ્યુઝિક, ડાન્સ, ડ્રામા, બાળકો માટેના જુદા-જુદા પ્રોગ્રામ, હેરિટેજ વૉક જેમાં દક્ષિણ મુંબઈના જુદા-જુદા એરિયાની એક ગાઇડેડ ટૂર મળશે, લિટરેચરનાં સેશન્સ, વાર્તાકારો સાથે મુલાકાત, જ્ઞાનીઓ સાથે ગોષ્ઠી, લોકકલાકારોના પર્ફોર્મન્સ, આર્કિટેક્ચર અને ડિઝાઇનિંગના કાર્યક્રમો જેવા અઢળક પ્રોગ્રામ્સ યોજાય છે. મુંબઈ અને એની બહારના કલાકારો હોંશે-હોંશે આ ફેસ્ટિવલમાં ભાગ લે છે. આ વર્ષ ખૂબ જ ખાસ છે કારણ કે આ વર્ષે આ ફેસ્ટિવલનું પચીસમું વર્ષ છે. આ રજત જયંતીની ઉજવણી રૂપે તેમણે ફોર્ટમાં આવેલા કાલા ઘોડાના સ્ટૅચ્યુને સિલ્વર કલરનો તાજ પહેરાવ્યો છે એટલું જ નહીં, આ વખતની થીમ જ સિલ્વર રાખવામાં આવી છે. દરેક કલાને સિલ્વરની છાંટ આપવામાં આવી છે.
પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવેલો આ ઘોડો કહે છે પ્લાસ્ટિક છોડો, સ્ટીલ અપનાવો.
આર્ટ ઇન્સ્ટૉલેશન
કાલા ઘોડા પાસે આવેલી એ આખી સ્ટ્રીટને કવર કરીને આ ફેસ્ટિવલમાં સ્ટૉલ્સ રાખવામાં આવે છે જ્યાં કેટલાંક આર્ટ ઇન્સ્ટૉલેશન્સની વચ્ચે શૉપિંગનો માહોલ ઊભો કરવામાં આવે છે. આ આર્ટ ઇન્સ્ટૉલેશનમાં દરેક ફાઇન આર્ટિસ્ટ પોતાની કલ્પનાના ઘોડા દોડાવે છે અને જુદા-જુદા મટીરિયલનો પ્રયોગ કરીને ઘોડાને, મુંબઈને અને આ ફેસ્ટિવલને અનુરૂપ આર્ટપીસ બનાવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘોડાને ધ્યાનમાં રાખીને બનાવેલાં અઢળક આર્ટવર્ક ત્યાં જોવા મળશે. ચારે તરફ નજર કરો ત્યાં ઘોડા જ ઘોડા, પણ આ બધા એકબીજાથી એકદમ જુદા. દરેક આર્ટ ભલે હોય એ ઘોડો, પણ પોતાની અલગ જ વાત કહેતો હોય. આ બધા ઘોડાઓમાં આપણી કચ્છી સંસ્કૃતિ અને કળાના પ્રતીક એવા મડ-મિરર વર્ક એટલે કે લીંપણકામથી શણગારેલો સફેદ ઘોડો આપણો ફેવરિટ હોય એ સહજ છે. એ સિવાય અરીસા સામે ખુદને નિહાળતા સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનાવાયેલા ઘોડાવાળું આર્ટવર્ક પણ ખૂબ સુંદર છે જેમાં અરીસામાં એ ખુદને તો નિહાળી જ રહ્યું છે અને સાથે સ્ટીલથી બનાવેલા ઘોડાને પણ જોઈ રહ્યું છે. એ આર્ટવર્ક પ્લાસ્ટિક છોડી સ્ટીલ અપનાવીને સસ્ટેનેબલ લિવિંગનો સંદેશ આપી રહ્યું છે એ પણ ખૂબ ગમી જાય એવું છે.
લાકડા પર હૅન્ડ-પેઇન્ટિંગ દ્વારા તૈયાર થયેલા વૉલ આર્ટ પીસ.
ફોટો-મેનિયા
સોશ્યલ મીડિયા પર આ ફેસ્ટિવલના ફોટોઝની ભરમાર તો તમે જોઈએ જ હશે. એક આખો વર્ગ તો એવો જ છે જે કાલા ઘોડા ફોટોઝ પડાવવા જ જતો હોય. જે લોકો ત્યાં ફોટોના શોખીન નથી તેઓ પણ બીજા બધાને ફોટો પાડતા જોઈને આ આર્ટ ઇન્સ્ટૉલેશન્સ પાસે ઊભા રહીને ફોટા પડાવી જ લે છે. જોકે એ મોટા આર્ટ ઇન્સ્ટૉલેશનની બાજુમાં જ એનું લખાણ લખેલું હોય છે. એ લખાણ એટલે હોય છે કે આર્ટિસ્ટે કયા ભાવ સાથે આ બનાવ્યું છે અને આ આર્ટ પીસ શું કહેવા માગે છે એ સમજાય. ત્યાં હજારોની ભીડ ફોટો પાડતી ચોક્કસ દેખાશે પણ એ લખાણ વાંચતા એકલદોકલ લોકો જ જોવા મળશે. તમે જાઓ તો ફોટો પડાવો એમાં વાંધો ન હોઈ શકે પણ ૧ મિનિટ વધુ કાઢીને ચોક્કસ એ લખાણ વાંચજો જેથી ખરા અર્થમાં એ આર્ટ તમારા સુધી પહોંચે.
ચાર ઘોડે સવાર મલ્ટિટાસ્કિંગ કરતી નારી સ્ત્રી-સશક્તીકરણનું પ્રતીક.
શું ખરીદશો?
કાલા ઘોડાની જે આ ગલી છે એમાં અઢળક નાના-નાના સ્ટૉલ્સ છે. હસ્તકળામાં નિપુણ કારીગરો અહીં આવે છે અને પોતાની પ્રોડક્ટ્સ વેચે છે. ઘણી સમાજસેવી સંસ્થાઓ પણ પોતાની પ્રોડક્ટ્સ લઈને અહીં આવે છે. અમુક સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ વેચતી નાની-મોટી બ્રૅન્ડ્સ, ઇકો-ફ્રેન્ડ્લી વસ્તુઓ, હાથશાળની બનાવેલી, હૅન્ડલૂમ-હૅન્ડિક્રાફ્ટની વસ્તુઓ અહીં મળે છે. ભાવ તો ઊંચા હોવાના જ કારણ કે વસ્તુ હાથથી બનેલી છે, પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે અહીં વેચાતી વસ્તુઓ સરળતાથી બજારમાં નહીં મળે. ઑનલાઇન ખરીદી શકાય પણ અહીં તમને અમુક નવી બ્રૅન્ડ્સ પણ જાણવા મળશે જેઓ ખૂબ અલગ પ્રકારની વસ્તુઓ બનાવી રહ્યા છે. જેમ કે અહીં એક જ્વેલરી બ્રૅન્ડ છે જે પ્રાચીન કલાઓ જેમ કે ગોંડ આર્ટની ડિઝાઇન્સ લઈને બ્રાસની ઉપર જ્વેલરી બનાવીને વેચી રહી છે. આ ઘણો જ યુનિક કન્સેપ્ટ છે. અહીં હાથથી પેઇન્ટ કરેલી બૅગ્સ, મૉડર્ન અને એથ્નિક સ્ટાઇલનું મિશ્રણ લાગે એવા ખૂબ જ સુંદર પ્રિન્ટેડ ફૅબ્રિકના બેલ્ટ્સ પણ ઘણા યુનિક છે. ટ્રેડિશનલ બ્લૉક પ્રિન્ટિંગની ડિઝાઇન, પ્યૉર કૉટન કાપડ અને નૅચરલ ડાઇમાંથી બનાવેલા કપડામાંથી આટલા વ્યાપક પ્રમાણમાં રેડીમેડ ડિઝાઇનર વેઅર અહીં જ મળી શકે.
માનવ અને ઘોડા બન્નેને જોડતી પ્રતિકૃતિ
ખાસિયતો અનેક
અહીં હાથનું ભરતકામ કરેલી સાડીઓ અને હૅન્ડલૂમ સાડીઓ, અજરખની સાડીઓ, સિલ્કની બાંધણીઓ, ચંદેરી દુપટ્ટા પણ ખૂબ સુંદર છે જે તમને લઈ જ લેવાનું મન થઈ આવશે; પણ પછી બજારમાં આના કરતાં સસ્તું મળે એમ વિચારીને તમે એને મૂકી પણ શકો છો. હોમ ડેકોર માટે ટેક્સચર આર્ટનું પેઇન્ટિંગ કરેલી વૉલ પ્લેટ્સ, બંગાળની ટ્રેડિશનલ હૅન્ડ પેઇન્ટિંગ કરેલી પ્લેટ્સ અને કોસ્ટર્સ, ડિજિટલ પ્રિન્ટિંગવાળી ક્લૉક્સ, પટ્ટચિત્રો, કાપડમાંથી બનાવેલી ઢીંગલીઓ અને પ્રાણીઓનાં રમકડાં તમને એટલાં ગમી જશે કે એકાદ તો લઈ જ લેશો. આ સિવાય કિચનના યુઝ માટે બામ્બુ ફાઇબરમાંથી બનેલી પ્લેટ્સ અને ગ્લાસ પણ અહીંથી ચોક્કસ લઈ શકાય. આખા ફેસ્ટિવલમાં સૌથી વધુ ભીડ તમને આ પ્રકારના સ્ટૉલ્સ પર જોવા મળશે જે છે સ્ત્રીઓના શણગાર માટેના સ્ટૉલ્સ. અહીં લાકડા અને અપસાઇકલ્ડ ફૅબ્રિકમાંથી બનાવેલી જ્વેલરી, ફક્ત કાપડ અને બીડ્સમાંથી બનાવેલી જ્વેલરી, બ્રાસમાંથી બનાવેલી જ્વેલરી, ટેરાકોટાની જ્વેલરી ઘણી જ અલગ અને સુંદર લાગતી હતી. એ ચોક્કસ ટ્રાય કરી શકાય અને ગમે તો લઈ જ લેજો કારણ કે તમે જ્યારે એ પહેરીને નીકળશો તો ચોક્કસ લોકો પૂછશે કે આ ક્યાંથી લીધું? તો તમે કહી શકશો કે આ તો હું કાલા ઘોડા ગઈ હતીને...ત્યાંથી લાવી!
કચ્છની માટીમાંથી આવેલું લીંપણ એટલે કે મડ-મિરર વર્કથી રંગાયેલો શ્વેત ઘોડો
શનિવાર-રવિવારે માણવાલાયક અઢળક કાર્યક્રમોમાંથી કેટલાક ખાસ કાર્યક્રમ
વાંસમાંથી બનાવેલી ટ્રે
બાળકો માટે - CSMVS ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ ખાતે
૧ ફેબ્રુઆરી- અ ટેલ ઑફ ટૂ વર્લ્ડસ) - વેર ધ જંગલ મીટ્સ ધ ઝૂ - સાંજે ૬થી ૭.૧૫
૨ ફેબ્રુઆરી - ઈરીસ ક્રીએટિવ પ્રેઝન્ટ્સ પપેટરી વર્કશૉપ અને પપેટ શો - બપોરે ૩.૩૦થી ૫
ડાન્સ- ક્રૉસ મેદાન ખાતે
૧ ફેબ્રુઆરી – કલૌત્સવ ડાન્સ ઍકૅડેમી - ગુર્જર ગરબા- ૯.૨૫થી ૯.૪૫
૨ ફેબ્રુઆરી - એનાક્ષી કોટવાલ - બેલી ડાન્સિંગ - ૬.૫૫થી ૭.૧૫
મ્યુઝિક - એશિયાટિક લાઇબ્રેરી સ્ટેપ્સ
૧ ફેબ્રુઆરી - ટ્રિબ્યુટ ટુ ઝાકિર હુસેન - ૬થી ૭.૩૦
૨ ફેબ્રુઆરી - મામે ખાન ગ્રાન્ડ રાજસ્થાની ફ્યુઝન - ૬-૭.૩૦
ફૂડ - બૉમ્બે સ્વીટ શૉપ, કાલા ઘોડા ખાતે
૨ ફેબ્રુઆરી - મીઠાઈ મેકઓવર્સ - પેંડાને તમારી જાતે ડિઝાઇન કરવાની તક - સવારે ૮.૩૦-૧૦.૩૦
હેરિટેજ વૉક
ફોર્ટ દર્શન - AC ડબલ-ડેકર બસમાં - ૫થી ૬.૩૦
મુંબઈ મેરી જાન - મુંબઈ કી કહાની હિન્દી કી ઝુબાની - ૫ થી ૬.૩૦
નાટક - યશવંત રાવ ચવાણ સેન્ટર, રંગસ્વર ઑડિટોરિયમ
સુજાતા રંગ રંગીલી- સુજાતા મહેતા દ્વારા અભિનીત પ્રખ્યાત નાટક- ૫- ૬.૩૦
વર્કશૉપ - ધ આર્ટ ઑફ સ્ટોરી ટેલિંગ - YWCA, ફોર્ટ ખાતે - ૧.૩૦થી ૩.૩૦

