Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બાઅદબ, બામુલાહિજા, હોશિયાર...

બાઅદબ, બામુલાહિજા, હોશિયાર...

09 March, 2023 05:19 PM IST | Mumbai
JD Majethia

‘હૅપી ફૅમિલીઃ કન્ડિશન્સ અપ્લાય’ વેબ-સિરીઝથી હૅટ્સ ઑફના બુકેમાં એક નવી ફૅમિલી ઉમેરાય છે, જે ચોવીસ જ કલાકમાં ધડાકેદાર એન્ટ્રી કરીને તમને એન્ટરટેઇન કરીને થકવી દેવાની છે

‘હૅપી ફૅમિલીઃ કન્ડિશન્સ અપ્લાય’ વેબ-સિરીઝ

જેડી કૉલિંગ

‘હૅપી ફૅમિલીઃ કન્ડિશન્સ અપ્લાય’ વેબ-સિરીઝ


પહેલાં એવાં ઘણાં કામો હતાં જે નહોતા કરતા અને કાં તો એ કરતાં પહેલાં બહુ વિચારતા, પણ હવે એવું નથી રહ્યું; કારણ કે એક ચેન્જ આપણે સ્વીકારી લીધો છે. આપણે હવે ફ્લેક્સિબલ થયા છીએ, સમયની સાથે ચાલતા થયા છીએ.

આ એક બહુ જ મહત્ત્વનો આર્ટિકલ છે, કારણ કે એમાં અમારો નવો એક મુકામ આવે છે તો આ આર્ટિકલ તમારા માટે પણ એટલો જ મહત્ત્વનો છે. શું કામ એ કહેતાં પહેલાં કહી દઉં કે હું હંમેશાં તમારા જીવનમાં ખુશી અને હાસ્ય ભરવા માગું છું તો સાથોસાથ તમને સુંદર રીતે જીવન જીવવાની ચાવી આપવાનો પ્રયાસ કરતા રહેવામાં માનું છું. હું તમને એમ નહીં કહું કે તમે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો સબસ્ક્રાઇબ કરો. ક્યારેય નથી કહ્યું, પણ હા, આજે કહીશ; કારણ કે તમારા પૈસાની કિંમત હું જાણું છું અને એટલે જ મારે કહેવું છે કે વૅલ્યુ ફૉર મની હોય તો જ હું તમને રેકમન્ડ કરીશ. મારે તમને જ્યારે પણ સજેશન કરવું હોય ત્યારે એ તો જ કહેવું જોઈએ જો હું તમને એવું કંઈ ઑફર કરી શકતો હોઉં. સબસ્ટાન્ડર્ડ પછી લો-સ્ટાન્ડર્ડ વાત હોય તો હું ક્યારેય ન કહું, કારણ કે તમે મારા ફૅમિલી-મેમ્બર છો.



હૅટ્સ ઑફ હવે કોઈ અજાણ્યું નામ નથી તો આતિશ કાપડિયા અને જેડી પણ તમારા માટે કોઈ નવું નામ નથી. વેબ-સિરીઝની દુનિયામાં પ્રથમ પગલું કહેવાય, અમારું પહેલું ઓરિજિનલ પગલું કહેવાય તો અમારે એ ફૅમિલી એન્ટરટેઇનરની દિશામાં જ મૂકવું જોઈએ એવું અમે દૃઢપણે માનીએ છીએ. ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ અને ‘ખિચડી’ વેબ-સિરીઝ તરીકે અગાઉ આવી ગયાં પણ એ બધાં સીક્વલ હતાં અને એ વાતનો, એ કૅરૅક્ટરનો જન્મ ટીવી પર થયો હતો જ્યાંથી વાત આગળ વધવાની હતી. પણ ઓરિજિનલ કહેવાય, નવું કહેવાય એવું કુટુંબ તો એ નહોતું જ. સાવ નવું કહેવાય એવા કુટુંબ સાથે હવે અમે તમારી સામે આવીએ છીએ, જે આજે પણ આપણા વચ્ચે એક્ઝિસ્ટ કરે છે અને છતાંય આજ સુધી તમે એ ફૅમિલીને અમારા માધ્યમથી ટીવી પર ક્યારેય નથી જોયું તો એ તમારી સામે હવે અમે રજૂ કરવા જઈએ રહ્યા છીએ, દસમી માર્ચના દિવસે. એ ફૅમિલી સાથે આવતા શોનું નામ છે ‘હૅપી ફૅમિલીઃ કન્ડિશન્સ અપ્લાય’. 


અમારી આ વેબ-સિરીઝનું ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે. એ રિલીઝ થયું ત્યારે જ મને થયું હતું કે હું તમને કહું, પણ ત્યારે થયું કે એક વખત રિસ્પૉન્સ ખબર પડી જાય પછી તમને સજેસ્ટ કરીશ. ઘણી વાર ટ્રેલર પરથી ખબર પડી જાય કે એ કેવું બન્યું છે. જે પ્રકારનો રિસ્પૉન્સ મળ્યો છે એ જોતાં તમને કહેવાનું મન થાય કે ખરેખર હૅટ્સ ઑફ અને તમારા મિત્રો એવા જેડી અને આતિશ બહુ સરસ કામ કરે છે. ઍમેઝૉન પ્રાઇમ પર આવતી વેબ-સિરીઝના ટ્રેલરને આટલો પ્રતિસાદ ભાગ્યે જ મળ્યો છે અને આ અમારું નહીં, તેમનું કહેવું છે એટલે એ લોકો પણ આતુરતાપૂર્વક આ શોની રાહ જોઈ રહ્યા છે અને હું પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું કે બધા આ જુએ.

આ શોમાં પણ એક ગુજરાતી ફૅમિલી છે, પણ જુદા જ પ્રકારની છે. થોડી મૉડર્ન પણ છે. એને જોતાં તમને પણ લાગશે કે આટલી ઑર્થોડોક્સ વાતો કરતો જેડીભાઈ, આવી ફૅમિલીને ક્યાંથી લઈ આવ્યા? પણ આવી ફૅમિલી આપણે ત્યાં આજકાલ એક્ઝિસ્ટ થતી હોય છે. એ તો આપણે પરિચિત નથી પણ આવી ફૅમિલીઓ અત્યારે છે જ. મેં એક મિત્રને ટ્રેલર મોકલ્યું તો તેણે બહુ સરસ કહ્યું કે ટ્રેલર જોઈને મને થયું કે ક્યારે કોણ ધડાકો કરશે. આ ધડાકો શબ્દ મને તેની વાતમાં બહુ રસપ્રદ લાગ્યો અને એ જ શબ્દને જોડીને હું તમને કહું છું, આ ધડાકેદાર સિરીઝ છે. ઇમોશન્સ અને હ્યુમરની સાથોસાથ તમારા મન પર છાપ છોડી જાય એવી સિરીઝ છે. હવે વાત કરું કે આની શરૂઆત કેવી રીતે અને આ ‘હૅપી ફૅમિલીઃ કન્ડિશન્સ અપ્લાય’ શું છે?


આપણા બધાના પરિવારો એકબીજાથી ભિન્ન હોય. આમ સરખા જ લાગે પણ તમે ધ્યાનથી જોશો તો દરેકેદરેક પરિવાર એકબીજાથી અલગ છે. આતિશ કાપડિયા દર વખતે આવી જ નવી ફૅમિલી લઈને આવે અને એ ફૅમિલી બધામાં પ્રિય થઈ જાય. એક દિવસ આતિશ આવ્યો અને આવીને તેણે કહ્યું કે આપણે આવો એક શો બનાવીએ, જેની ફૅમિલી આવી-આવી હશે. અત્યાર સુધીમાં હૅટ્સ ઑફમાં જે પારિવારિક શો બન્યા છે એ બધા આતિશની જ આસપાસના કે પછી કુટુંબનાં પાત્રો પરથી ઇન્સ્પાયર થયેલા છે. આતિશની એક એવી ઑબ્ઝર્વેશનની સેન્સ છે, જે તેને સતત મનમાં સ્ટોર કરવાનું કામ કરાવતી રહે છે. એ પોતાની આસપાસના લોકોમાંથી ઘણુંબધું શોધી લે. આપણા આ વેબ-શોની ફૅમિલી વિશે વધારે વાત નહીં કહું, પણ હકીકતમાં આવી પણ એક રિયલ ફૅમિલી જ છે અને આતિશ તેને ઓળખે છે પણ એના વિશે વધારે વાત નથી કરતો; કારણ કે એ ફૅમિલીની મને પરમિશન નથી મળી તો આપણે તેમને પૂછ્યા વિના એ વિશે વધારે વાત ન કરવી જોઈએ.

આ પણ વાંચો: ‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ આવશે ૧૦ માર્ચે ઑનલાઇન

અત્યારે આ શોનું ટાઇટલ ‘હૅપી ફૅમિલીઃ કન્ડિશન્સ અપ્લાય’ છે પણ પહેલાં એનું ટાઇટલ જુદું હતું અને એ ટાઇટલ મને બહુ ગમતું હતું. કહો કે એ ટાઇટલમાં શોનો કન્સેપ્ટ આખો આવી જતો હતો. એ ટાઇટલ હતું, ‘સચ અબ નએ પૅક મેં’ એટલે કે સત્ય હવે નવા પૅકિંગમાં. 

હવે તમે વિચારો કે આવું તે શું ટાઇટલ પણ એ તમે શો જોશો એટલે તમને પણ થશે કે હા યાર, આ ટાઇટલ મસ્ત હતું.

શોમાં એક-એક વર્ટિકલ જૉઇન્ટ ફૅમિલી છે જેમાં ગ્રેટ ગ્રૅન્ડ પેરન્ટ્સથી લઈને ગ્રેટ ગ્રૅન્ડ ચિલ્ડ્રન બધાં છે. આ ફૅમિલી ટ્રેડિશનલ ફૅમિલીથી આગળ છે, મૉડર્ન છે અને પૂરેપૂરી મજેદાર ફૅમિલી છે. વાત આગળ વધારતાં પહેલાં તમને કહું, સામાન્ય રીતે ઓટીટી, જેને ફૅમિલી એન્ટરટેઇનરના મીડિયમ તરીકે જોવામાં કે ગણવામાં નથી આવતું, એના પર આ પહેલી ફૅમિલી કૉમેડી છે; જેનો અમને બહુ આનંદ છે કે આ નવી શરૂઆત કરવાનું કામ પણ અમારા હસ્તે થયું છે. 

શોની વાત પર ફરી પાછા આવતાં પહેલાં મારે તમને કહેવું છે કે આ શો એવી બાબતનો શો છે જે જોતાં-જોતાં તમે તમારી જાત સાથે એને રિલેટ કરશો. 

પહેલાં એવાં ઘણાં કામો હતાં જે નહોતા કરતા અને કાં તો એ કરતાં પહેલાં બહુ વિચારતા, પણ હવે એવું નથી રહ્યું; કારણ કે એક ચેન્જ આપણે સ્વીકારી લીધો છે. આપણે હવે ફ્લેક્સિબલ થયા છીએ, સમયની સાથે ચાલતા થયા છીએ. ઉદાહરણ આપીને કહું તો તમને થોડો આઇડિયા આવશે. પહેલાં તો ઘરમાં જ છોકરીઓ કે સ્ત્રીઓ ડ્રેસ નહોતી પહેરતી. પરિણીત સ્ત્રી ઘરમાં હોય અને સસરા બેઠા હોય તો એ રૂમની બહાર ગાઉનમાં પણ આવે નહીં. ગાઉન એટલે એવાં ગાઉન નહીં, ગળાથી લઈને પગ સુધી આખું શરીર ઢંકાયેલું હોય અને એનું કપડું પણ જાડું હોય અને એમ છતાં પણ એ પહેરીને સસરા સામે આવવામાં તેને શરમ આવતી. પણ હવે એવું નથી રહ્યું, હવે રહણીકરણી બદલાઈ છે અને એ બદલાવને આપણે સહજ રીતે સ્વીકારતા પણ થયા છીએ.

‘હૅપી ફૅમિલીઃ કન્ડિશન્સ અપ્લાય’ સત્યને નવી નજરથી જોવાનું તો સમજાવે જ છે પણ એની સાથોસાથ એ પણ સમજાવે છે કે સત્યનો આજે તમે દુરાગ્રહ રાખો છો પણ એ જ સત્યનો દુરાગ્રહ ભૂતકાળમાં તમારી પાસે રાખવામાં આવ્યો ત્યારે તમે શું કર્યું હતું? બીજા જૂઠું બોલે કે બીજા ચોરી કરે એ વાત આપણને સ્વીકાર્ય નથી, પણ એનો અસ્વીકાર કરતાં પહેલાં એક વખત આપણે આપણી જાત તરફ ફરીને પણ જોવું જોઈએ. કહેવાનો અર્થ એ કે આ શો માત્ર મજા જ નથી આપવાનો, સાથોસાથ સમજણ પણ આપવાનો છે અને માત્ર સમજણની ડાહી-ડાહી વાતો પણ નથી થવાની. એ ભરપેટ મજા કરાવવાનું કામ કરતાં-કરતાં વાત આગળ વધારવાનો છે. દસ એપિસોડની આ સિરીઝનું જે કાસ્ટિંગ છે એ પણ તમને મજા કરાવી દે એવું છે પણ એ કાસ્ટિંગ અને આ શોની બીજી વાતો આપણે પછી કરીશું, કારણ કે અત્યારે મારી આંખો જબરદસ્ત ઘેરાયેલી છે અને હું તમારાથી હજારો કિલોમીટર દૂર ફૉરેનમાં શૂટ કરું છું. તમારે ત્યાં દિવસ છે, મારે ત્યાં અત્યારે મધરાત છે.

મળીએ, આવતા ગુરુવારે...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

09 March, 2023 05:19 PM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK