ગવર્નમેન્ટ અધિકારી બનીને એવા ડિપાર્ટમેન્ટનું નામ આપે જે નામથી જ આપણને કૉમન મૅન તરીકે સહેજ ડર લાગવા માંડે. પરમ દિવસે મારી સાથે પણ એવું જ થયું અને હું સ્કૅમર્સનો શિકાર બનતાં-બનતાં બચ્યો
પ્રતીકાત્મક તસવીર
સ્કૅમ.
આ શબ્દ યાદ આવે કે તરત જ મને પ્રતીક ગાંધી અને હંસલ મહેતાની આ જ ટાઇટલવાળી વેબ-સિરીઝ યાદ આવી જાય. બહુ સરસ બનેલી આ વેબ-સિરીઝ જો જોઈ ન હોય તો એક વાર જોજો. બહુ સરસ કામ થયું છે. આ થઈ એક વાત. બીજી વાત. આજે આપણે એ વેબ-સિરીઝની વાત પણ નથી કરવાની. આજે આપણે વાત કરવાની છે અત્યારે ચાલી રહેલાં જાતજાતનાં સ્કૅમમાંના એક સ્કૅમની. મારી સાથે કંઈ પણ સારું કે ખરાબ થાય તો મને એ વાત તમારી સાથે કરવાનું મન થાય. મારો અને તમારો સંબંધ એક પરિવાર જેવો બની ગયો છે એટલે જ મને થયું કે હું તમને એક એવા સ્કૅમની વાત કરું જે હમણાં જ મારી સાથે થતાં-થતાં રહી ગયું.
બન્યું એવું કે પરમ દિવસે સવારે મને એક ફોન આવ્યો. મને ઘણી વાર બૅન્કમાંથી અનનોન નંબર પરથી ફોન આવતો હોય છે. મેં કોઈને મોટી અમાઉન્ટનો ચેક આપ્યો હોય તો ક્રૉસ વેરિફાય કરવા કે પછી સિગ્નેચર ડિફર થઈ હોય કે એવી કોઈ બાબત માટે તો હું સવારના સમયે જાણીતા લાગતા અનનોન નંબર કોઈ-કોઈ વાર ઉપાડી લેતો હોઉં છું. પરમ દિવસે સવારે આવેલો ફોન પણ મેં ઊંચકી લીધો કે તરત મને એકદમ કડક અવાજે અને પૂરેપૂરી ઑથોરિટી સાથે પૂછવામાં આવ્યું કે અમારી વાત જમનાદાસ મજીઠિયા સાથે થઈ રહી છે. હિન્દીભાષી તે માણસે મને પોતાની ઓળખાણ આપતાં કહ્યું કે તે દિલ્હી કસ્ટમ્સમાંથી વાત કરે છે. વાત આગળ વધારતાં પહેલાં તમને કહી દઉં કે ઘણી વાર એવું બને કે અમુક ડિપાર્ટમેન્ટનું નામ આવે એટલે આપણે થોડા બૅકફુટ થઈ જઈએ. ફોન કરનારી વ્યક્તિએ મને પૂછ્યું કે ગયા અઠવાડિયે તમે મુંબઈથી એક પાર્સલ કમ્બોડિયા મોકલ્યું હતું. મેં ના પાડી તો મને કહે કે ખોટી વાત રહેવા દો, તમારે ત્યાંથી પાર્સલ રવાના થયું છે અને અમારી પાસે પ્રૂફ છે; તમે એક કામ કરો, તમારા આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા જલદી આપો. અને મને ટ્યુબલાઇટ થઈ. મેં તેમને કહ્યું કે મેં કોઈ પાર્સલ મોકલ્યું નથી અને ધારો કે તમે કહો છો એ સાચું છે તો તમે મને રાઇટિંગમાં મોકલો. તે વ્યક્તિએ તરત જ મને કહ્યું કે તમને અગાઉ અમે ૧૮ માર્ચે ઑલરેડી અમે ઈ-મેઇલ કરી છે, તમે એનો જવાબ નથી આપ્યો. મેં કહ્યું કે હું મેઇલ ચેક કરી લઉં છું, તમે મને થોડી વાર પછી ફોન કરો. જોકે તે વ્યક્તિ ફોન મૂકવા રાજી જ નહોતી. રોફ અકબંધ અને એકદમ કડક થઈને જ વાત કરે કે એવું ન ચાલે. તમે સમજો શું, સરકારી અધિકારી તરીકે અમે કંઈ તમારી રાહ ન જોઈએ વગેરે-વગેરે... મેં તેમને કહ્યું કે એક મિનિટ ફોન કટ કરીને મને મેઇલ ચેક કરવા દો; પણ તેણે ના પાડી દીધી અને કહી દીધું કે આપણો ફોન કટ નહીં થાય, તમે એમ જ ચેક કરવું હોય તો કરો. એટલે મેં તેને કહ્યું કે ભાઈ, હું આવું બધું મારી સિરિયલોમાં બહુ દેખાડું છું એટલે તમે એમ નહીં માનો કે હું તમારા સ્કૅમમાં આવી જઈશ. મારી વાત સાંભળીને ભાઈને તો વધારે ચાનક ચડી. તેણે કહ્યું કે તમે ગવર્નમેન્ટ ઑફિસરને સ્કૅમર કહો છો? એટલે મેં કહ્યું કે તમે નહીં હો તો હું માફી માગી લઈશ, પણ અત્યારે તો હું ફોન કટ કરું છું. અને મેં તરત ફોન કાપી નાખ્યો. જોકે વાત અહીં પૂરી નહોતી થતી.
ADVERTISEMENT
મેં ફોન કટ કર્યો કે તરત જ ફરીથી એ જ નંબર પરથી ફોન આવવાના શરૂ થઈ ગયા અને પાંચ મિનિટમાં તો મારા નંબર પર અલગ-અલગ નંબર પરથી પાંચ-સાત ફોન આવી ગયા એટલે મને વધારે શંકા ગઈ અને મેં મારા કુકનો ફોન લઈને એમાંથી એ દરેક નંબર પર ફોન કરવાના શરૂ કર્યા તો એ બધા જ નંબર મને સ્વિચ્ડ-ઑફ મળે. અહીં હું એક વાત કહી દઉં. ફોનમાં એવું સેટિંગ હોય છે કે તમે અમુક નંબરોને બાદ કરતાં બાકીના બધા નંબરોને તમારો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ મળે એવું સેટિંગ કરી શકો છો. ઍનીવે, મને સમજાઈ ગયું કે હું એક સ્કૅમનો ભોગ બનતાં અટકી ગયો.
આ જે સ્કૅમ છે એને જરાક સમજવાની જરૂર છે. તમને કોઈ સિનિયર ઑફિસરનો ફોન આવે અને તે પોતાના ડિપાર્ટમેન્ટનું એ નામ આપે જે નામથી કૉમન મૅન સહેજ ડરતો હોય. તે પોતાની ઓળખાણ આપે અને પછી તમારો ફોન ચાલુ રાખે. બીજો સુધારો એ લોકો એ કર્યો છે કે તેઓ આધાર કાર્ડનો આખો નંબર નથી માગતા, છેલ્લા ચાર ડિજિટ જ માગે એટલે તમને એવું જ લાગે કે આ તો ગવર્નમેન્ટના નિયમ મુજબ જ ચાલે છે; પણ હકીકતમાં નંબર માગવાનું તો એક નાટક હોય છે. ફોન ચાલુ રાખીને તેઓ તમારા મોબાઇલમાં રહેલો બધો ડેટા ચોરી લે છે. આજે જેમ આપણે એવું કહીએ છીએ કે મોબાઇલ હવે કમ્પ્યુટર બની ગયો છે તો એ અધૂરી વાત છે. મોબાઇલ હવે તમારા બૅન્ક-અકાઉન્ટનો પણ મિરર છે. મોબાઇલ ઍપ્સમાં રહેલા પાસવર્ડથી માંડીને બીજી અનેક એવી ડીટેલ્સ મોબાઇલમાં હોય છે જે મોબાઇલ ડેટા સાથે સામેની વ્યક્તિ પોતાની પાસે લઈ શકે છે અને એનો મિસયુઝ કરી શકે છે. એવું પણ બને કે યંગ કપલ હોય તો મોબાઇલમાં પર્સનલ ફોટોગ્રાફ્સ પણ હોય તો મોબાઇલનો ડેટા ચોરી કર્યા પછી અમુક લોકો બ્લૅકમેઇલ કરવાના રસ્તે પણ આગળ વધે છે.
પરમ દિવસે બનેલી આ ઘટનાની વાત મેં મારા પાર્ટનર અને રાઇટર આતિશ કાપડિયાને કહી તો તેણે પણ મને કહ્યું કે ચારેક દિવસ પહેલાં તેને પણ આ જ પ્રકારનો ફોન આવ્યો હતો તો પછી તો મને બીજા પણ ઘણા ફ્રેન્ડ્સે કહ્યું કે તેમની સાથે પણ આવું છેલ્લા આઠ-દસ દિવસમાં બન્યું હતું. મુદ્દો એ છે કે આ જે સ્કૅમ છે એનાથી બચવું કેવી રીતે? મારી વાત કરું તો હું અલર્ટ થઈ ગયો અને બીજી વાત, મેં મારું કામ એકદમ ચોખ્ખું રાખ્યું છે. બિઝનેસથી માંડીને હું મારી પર્સનલ લાઇફમાં પણ બહુ ટ્રાન્સપરન્ટ રહું છું. ટૅક્સ-સેવિંગ્સની બાબતમાં પણ મેં એ જ રસ્તા વાપર્યા હોય જે એકદમ લીગલ હોય. અફકોર્સ બધા એવું જ કરતા હોય, પણ હું તો એ પછી પણ નાનકડી અમસ્તી છટકબારી પણ શોધવા નથી જતો કે મારા અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં પણ કોઈને એ છટકબારી વાપરવા નથી દેતો. સ્વાભાવિક છે કે તમે સ્પષ્ટ હો તો ક્યાંય ખોટું થયું છે એવું કોઈ કહે એટલે તરત તમારું ઍન્ટેના ઊભું થાય કે આવું તો આપણે કર્યું જ નથી.
તમે એમ માનતા હો કે આપણે ગવર્નમેન્ટની સ્ટૅચ્યુટરી નોટિસ અને રૂલ્સ ક્યારેય નથી ચૂકતા તો એ ભૂલભરેલું છે. ઇરાદાપૂર્વક નહીં તો ઘણી વાર અજાણતાં અને બેદરકારીમાં ભૂલ થઈ જતી હોય છે. જાણતા ભૂલ કરતા હોઈએ તો મનમાં એક પ્રકારનો ભય હોય કે આપણે પકડાઈ ન જઈએ અને અજાણતા કરતા હોઈએ તો એવો ભય હોય કે ભગવાન કરે કોઈ ગરબડ ન થઈ જાય. આ ભયની ચરમસીમા ત્યારે વધે જ્યારે આપણને ગવર્નમેન્ટના કોઈ ડિપાર્ટમેન્ટમાંથી ફોન કે ઇન્ક્વાયરી આવે. એવું બને ત્યારે સહેજ પણ ગભરાઓ નહીં. પેલું ગુજરાતીમાં કહેને કે હાંફળા-ફાંફળા ન થાઓ. એકદમ શાંતિથી વાત સાંભળો અને સ્વસ્થતા સાથે જવાબ આપો. રિપીટ કરું છું કે સામેવાળાની વાત ધ્યાનથી સાંભળીને શાંતિથી જવાબ આપવો બહુ જરૂરી હોય છે, કારણ કે તમારી આ સ્વસ્થતા સામેવાળાને પણ વિશ્વાસ અને અવિશ્વાસની વચ્ચે ઝુલાવે છે અને તેમના અભિપ્રાય બંધાય છે જેના પર આગળનાં પગલાં લેવાય છે. આ તો થઈ ઑફિશ્યલી આવેલી ઇન્ક્વાયરીની વાત, પણ આજકાલ આવા અનઑફિશ્યલી કૉલ વધારે આવે છે. આ અનઑફિશ્યલ કૉલને ઓળખવા બહુ જરૂરી છે અને જો ન ઓળખી શકો તો તમને એક સરળ રસ્તો આપું.
દેશના એક પણ ડિપાર્ટમેન્ટને એવો અધિકાર નથી કે એ ફોન કરીને તમારી પાસે પૅન (PAN – પર્મનન્ટ અકાઉન્ટ નંબર) કાર્ડ કે આધાર કાર્ડનો નંબર માગે. હા, આ નિયમ છે. વધીને તે તમને આધાર કે પૅન કાર્ડ લઈને રૂબરૂ ઑફિસે બોલાવી શકે, પણ જો રૂબરૂ બોલાવે તો-તો એ ખાતરી થઈ ગઈ કે તે માણસ ફ્રૉડ નથી. બાકી જ્યારે પણ કોઈ ફોનમાં તમારી પાસે પૅન કાર્ડ, આધાર કાર્ડ અને ત્રીજું ઓટીપી માગે ત્યારે સમજી જવાનું કે જો હવે આગળ વધ્યા તો તમે સ્કૅમનો ભોગ બન્યા. હજી એક અગત્યની વાત. જો કોઈ ખોટી વાત લંબાવી-લંબાવીને કરે તો પણ સમજી જોવાનું કે હવે એકેએક સેકન્ડ મહત્ત્વની છે. તે તમારા ફોનનો ડેટા ચોરી કરતો હોઈ શકે એટલે બિનજરૂરી રીતે અજાણ્યા લોકો સાથે લાંબી વાત કરવી એ પણ સ્કૅમર્સને ઇન્વાઇટ કરવા જેવું છે. બીજું તો શું કહું હવે?
જાણકાર રહીએ, સુરક્ષિત રહીએ.
આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

