રાજનીતિ અને કાયદા-કાનૂનની વાત બાજુએ રાખીએ તો, દુનિયાના સુપરપાવર અમેરિકાના એક ભૂતપૂર્વ પ્રેસિડન્ટ એક પૉર્નસ્ટાર સાથે શારીરિક સંબંધ રાખવા બદલ અને તેનું મોઢું બંધ કરવા બદલ એક સાધારણ અપરાધીની જેમ અદાલતમાં પેશ થાય એ આ દેશ માટે શરમજનક કહેવાય. અમેરિકન....
ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકામાં વર્ષોથી એક મુદ્દા પર વાદવિવાદ થાય છે કે પ્રેસિડન્ટને અપરાધ કરવાની છૂટ હોય? મતલબ કે તેમની સામે અપરાધનો કેસ ચાલી શકે? મોટા અપરાધ અને દુરાચાર બદલ પ્રેસિડન્ટને પદ પરથી હટાવવા માટે બંધારણમાં ઇમ્પીચમેન્ટ (મહાભિયોગ)ની જોગવાઈ છે, પરંતુ તેમની સામે કોર્ટમાં અપરાધિક કેસ ચાલી શકે કે નહીં એ સંદર્ભે બંધારણ મૌન છે.
સૈદ્ધાંતિક રીતે એની મનાઈ નથી, પરંતુ અત્યાર સુધી અમેરિકાના કોઈ પ્રેસિડન્ટ સામે આવી રીતે કામ ચાલ્યું નથી એ અર્થમાં, ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સામે ન્યુ યૉર્કની જ્યુરીએ આરોપ ઘડવાનું નક્કી કર્યું અને એના પગલે તેમણે મૅનહટનની જિલ્લા કોર્ટમાં સમર્પણ કરીને ધરપકડ વહોરી એ અમેરિકાના ઇતિહાસની પહેલી ઘટના છે.
તેમની સામે આરોપ છે કે ૨૦૧૬માં પ્રેસિડન્ટના ચૂંટણીપ્રચાર દરમ્યાન સ્ટૉર્મી ડૅનિયલ્સ નામની એક પૉર્નસ્ટાર મહિલાએ દાવો કર્યો હતો કે ટ્રમ્પ સાથે મને સંબંધ હતો અને મારું મોઢું બંધ રાખવા ટ્રમ્પે મને પૈસા આપ્યા હતા. વિડંબના કેવી છે કે ૨૦૧૬માં પ્રેસિડન્ટની ચૂંટણીના પ્રચારમાં ડોનલ્ડ ટ્રમ્પનો એક વાયદો અમેરિકન જાહેર જીવનમાંથી ભ્રષ્ટાચારની નાબૂદીનો હતો અને આજે તેમણે પોતે જ ભ્રષ્ટાચારના આરોપ બદલ સમર્પણ કરીને એ વાયદો પૂરો કર્યો છે!
રાજનીતિ અને કાયદા-કાનૂનની વાત બાજુએ રાખીએ તો દુનિયાના સુપરપાવર અમેરિકાના એક ભૂતપૂર્વ પ્રેસિડન્ટ એક પૉર્નસ્ટાર સાથે શારીરિક સંબંધ રાખવા બદલ અને તેનું મોઢું બંધ કરવા બદલ એક સાધારણ અપરાધીની જેમ અદાલતમાં પેશ થાય એ આ દેશ માટે શરમજનક કહેવાય. અમેરિકન સમાજના નૈતિક પતનનું પણ આ એક તાજું ઉદાહરણ છે. આ શરમ અને પતનને સૌએ સમજવા જેવું છે.
આ એક કેસની સમાંતર, ટ્રમ્પ સામે અન્ય આરોપની તપાસ પણ લગભગ પૂરી થવામાં છે, જેમ કે ૨૦૨૦માં વર્તમાન પ્રેસિડન્ટ જો બાઇડનના જ્યૉર્જિયામાં ચુનાવી વિજયમાં ટ્રમ્પે ધાંધલી કરવાનો પ્રયાસ કર્યો હતો, ૨૦૨૧માં બાઇડનના વિજય પછી તેમણે બગાવત કરી હતી અને સમર્થકોને ઉશ્કેર્યા હતા તેમ જ ગુપ્ત દસ્તાવેજો ચોરી લીધા હતા એટલે ટ્રમ્પની કાનૂની પરેશાનીઓ વધવાની છે.
ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકન સમાજમાં સૌથી મોટું ધ્રુવીકરણ કરનારા બદનામ નેતા છે. ૨૦૧૬માં કોઈ પણ પ્રકારના સરકારી કે મિલિટરી અનુભવ વગર પ્રેસિડન્ટ બનનારા તેઓ પ્રથમ માણસ હતા. તેમની એક જ લાયકાત હતી; તેઓ એક અબજોપતિ રિયલ એસ્ટેટ ડેવલપર હતા. અનુભવ અને વિવેકબુદ્ધિના અભાવ વચ્ચે પસાર થયેલાં ચાર વર્ષના તેમના કાર્યકાળમાં અમેરિકન સમાજમાં મોટી ફાટફૂટ પડી હતી અને લોકો આત્યંતિક વિચારો, માન્યતાઓ અને અભિપ્રાયોમાં વહેંચાઈ ગયા હતા. ભાઈ-ભાઈ વચ્ચે, મિત્ર-મિત્ર વચ્ચે, કોમ-કોમ વચ્ચે આટલું વૈમનસ્ય અમેરિકાએ ક્યારેય જોયું નહોતું.
અમેરિકાના બીજા લીડરોએ રાષ્ટ્રને જોડી રાખવાનું કામ કર્યું હતું, પરંતુ ટ્રમ્પે છેક ચૂંટણીપ્રચારથી જ ફાટફૂટવાળી રાજનીતિ ચલાવી હતી. તેમણે તેમના રાજકીય ટીકાકારો, વિરોધ પક્ષના નેતાઓ, પત્રકારો, વહીવટી અધિકારીઓ અને દેશ-વિદેશના નેતાઓને દુશ્મન તરીકે ચીતર્યા હતા. તેઓ એટલા બેફામ હતા કે પ્રેસિડન્ટ તરીકે તેમણે અલગ-અલગ મુદ્દાઓ પર ૨૬,૦૦૦ ટ્વીટ્સ પોસ્ટ કરી હતી અને એ એટલી ભડકાઉ હતી કે ટ્વિટરે તેમના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
પ્રેસિડન્સીના અંતિમ દિવસોમાં તેમની સામે બે વાર ઇમ્પીચમેન્ટ (મહાભિયોગ) કરવામાં આવ્યું હતું. આ પણ એક પ્રેસિડન્ટ માટે ‘રેકૉર્ડ’ જ છે. ૨૦૧૯માં ટ્રમ્પે તેમના હરીફ (અને હાલના પ્રેસિડન્ટ) જો બાઇડન સામે તપાસ કરવા માટે યુક્રેનિયન સરકાર પર દબાણ કરવાના આરોપસર ઇમ્પીચમેન્ટ થયું હતું અને બીજી વાર ૨૦૨૧માં પ્રેસિડન્ટની ચૂંટણીનાં પરિણામ પછી તેમના સમર્થકોને કૅપિટલ હિલ પર આક્રમણ કરવા માટે ઉશ્કેરવાના આરોપસર ઇમ્પીચમેન્ટ થયું હતું. ટ્રમ્પનો અહંકાર કહો કે બાળક જેવી જીદ, અમેરિકામાં તેઓ પ્રથમ સેવાનિવૃત્ત પ્રેસિડન્ટ હતા, જેઓ તેમના ઉત્તરાધિકારી (જો બાઇડન)ના શપથમાં હાજર રહ્યા નહોતા.
અમેરિકાના પુલિત્ઝર પારિતોષિક વિજેતા પત્રકાર ડેવિડ કેય જૉનસને એક ઇન્ટરવ્યુમાં ડોનલ્ડ ટ્રમ્પની આખી કુંડળી સમજાવતાં કહ્યું હતું કે ‘ડોનલ્ડ ટ્રમ્પ વિશે લોકોએ અમુક વાતો સમજવા જેવી છે. તેઓ ક્રિમિનલ પરિવારમાંથી આવે છે. તેમના દાદા સીએટલમાં વેશ્યાઘર ચલાવતા હતા. તેમના પિતા ફ્રેડ ટ્રમ્પનો એક ધંધાદારી દોસ્ત વિલી તોમાસેલો ગેમ્બીનો નામની ગૅન્ગસ્ટર ફૅમિલીનો પાર્ટનર હતો. સરકારને હાલના ભાવના ૩૬ મિલ્યન ડૉલરમાં નવડાવવાના કેસમાં ટ્રમ્પના પિતાની યુએસ સેનેટે તપાસ કરી હતી. ડોનલ્ડે તેમની આ શોમૅનશિપ તેના બાપા પાસેથી અને આ વૈભવ સંગઠિત ક્રિમિનલ્સ પાસેથી મેળવ્યો છે. ધર્મમાં માનતા અમેરિકનોએ એ પણ જાણવું જરૂરી છે કે ડોનલ્ડની અંગત ફિલોસૉફી વેરની વસૂલાતની છે. ઈશુની ‘બીજો ગાલ ધરવા’ની શીખ આપનારને તેમણે મૂર્ખ કહ્યા છે. ટ્રમ્પ બાઇબલમાં જે છે એનાથી તદ્દન ઊલટું કહે છે. તેઓ ક્રિશ્ચિયનોને ઉતારી પાડે છે. હું ૩૦ વર્ષથી તેમને ઓળખું છું. તેઓ સહેજ પણ બદલાયા નથી. તેઓ સાંગોપાંગ રેસિસ્ટ છે. તેમણે બિન-ગોરાઓને નોકરીમાંથી બાકાત રાખ્યા છે. ટ્રમ્પ તેમના દાવાથી વિપરીત, ઝનૂની રીતે ક્રિશ્ચિયન વિરોધી છે અને તેમને સાચે જ કશી બાબતની ગતાગમ નથી.’
ટ્રમ્પ અસભ્ય પણ છે. તેમણે તેમની દીકરીથી લઈને અનેક સ્ત્રીઓ વિશે અભદ્ર વિધાન કર્યાં હતાં. ટ્રમ્પનું વ્યક્તિત્વ નાર્સિસિસ્ટિક છે, જેમાં બીજા લોકો પ્રત્યે હમદર્દી ઓછી અને પોતાની પ્રશસ્તિની જરૂરિયાત વધારે છે. તેમનામાં પોતે ‘દેવનો દીધેલ’ હોવાની ભાવના છે અને બીજા માટે ભારોભાર ઈર્ષા છે. ટ્રમ્પ હઠીલા અને અમર્યાદ સત્તાના ભૂખ્યા છે. તેઓ કોઈ પણ પ્રકારના અંકુશ કે ટીકા સહન કરી શકતા નથી. તેઓ સંકુચિત છે, જંગલમાં રહેતા આદમીની જેમ કબીલાઈ વૃત્તિવાળા છે અને બુદ્ધિ અથવા તર્કની જગ્યાએ લાગણીનો ઉપયોગ કરે છે. તેમનામાં (આપણે ત્યાંના જુનવાણી ભાયડાઓની જેમ) સ્ત્રી પ્રત્યે આદર નથી અને તેઓ સ્ત્રીને શરીરી આનંદના સાધનથી વિશેષ ગણતા નથી.
એલિઝાબેથ જીન કેરોલે નામની અમેરિકન પત્રકારે ૨૦૧૯માં ટ્રમ્પ જ્યારે ન્યુ યૉર્કમાં ખમતીધર રિયલ એસ્ટેટ ડેવલપર હતા ત્યારે તેમણે તેની સાથે રેપ કર્યો હતો એવો આરોપ મૂક્યો છે. ટ્રમ્પ સામેના આ પ્રકારના અનેક આરોપમાં એલિઝાબેથનો આ આરોપ સૌથી ગંભીર હતો. એલિઝાબેથે તેના એક પુસ્તકમાં ૬ પુરુષોએ તેની સાથે કેવી રીતે જબરદસ્તી કરી હતી એની વાતો લખી હતી.
એટલા માટે જ ટ્રમ્પ સામે કેસ ચાલે અને તેમને અંદર કરી દેવામાં આવે એ આનંદના સમાચાર બનવા જોઈએ. આ ખટલો એવા સમયે આવ્યો છે જ્યારે ટ્રમ્પે ૨૦૨૪ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં ફરીથી ઝુકાવવાનું નક્કી કર્યું છે. એને માટે તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આ કેસને પણ તેઓ રાજકીય રંગ આપવાના છે. તેમણે કહી પણ દીધું છે કે જે કોર્ટમાં તેમને હાજર થવાનું છે એનો જજ તેમને નફરત કરે છે. તેમની રિપલ્બિકન પાર્ટીએ કેસ લડવા માટે ફન્ડ પણ જમા કરી દીધું છે.
ટ્રમ્પ શું કહે છે એ અગત્યનું નથી, તેમના વકીલો શું દલીલ કરે છે એ અગત્યનું નથી, તેમની પાર્ટીના સમર્થકો શું કહે છે એ અગત્યનું નથી, કેસમાં શું થાય છે એ પણ અગત્યનું નથી. એ બધું એની જગ્યાએ છે, પરંતુ સામાન્ય લોકો માટે મહત્ત્વનું એ છે કે ટ્રમ્પે અપરાધી બનીને જજ સામે ઊભા રહેવું પડશે અને તેમની સામેના ક્રિમિનલ આરોપના જવાબ આપવા પડશે. એ બધું મીડિયામાં લોકો સામે આવશે.
ડોનલ્ડ ટ્રમ્પ માટે ભલે આ ખરાબ દિવસ હોય, પણ અમેરિકાની લડખડાતી લોકશાહી માટે આ ખુશીના સમાચાર છે. તેમની સામે આરોપ ઘડવાનું નક્કી થયું ત્યારે તેમની પુત્રી ઇવાન્કા ટ્રમ્પે સૂચક રીતે કહ્યું હતું (જે તેમના સમર્પણ વખતે કોર્ટમાં ઉપસ્થિત રહી નહોતી), ‘હું મારા પિતાને ચાહું છું, હું મારા દેશને ચાહું છું. આજે, મને બન્ને માટે પીડા છે.’


