° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

બાળક જન્મજાત બહેરાશ ધરાવે છે? તો બે વર્ષ પહેલાં જ તેની સારવાર કરાવી લો

03 March, 2021 11:12 AM IST | Mumbai | Jigisha Jai

બાળક જન્મજાત બહેરાશ ધરાવે છે? તો બે વર્ષ પહેલાં જ તેની સારવાર કરાવી લો

બાળક જન્મજાત બહેરાશ ધરાવે છે? તો બે વર્ષ પહેલાં જ તેની સારવાર કરાવી લો

બાળક જન્મજાત બહેરાશ ધરાવે છે? તો બે વર્ષ પહેલાં જ તેની સારવાર કરાવી લો

જન્મજાત બાળકને જ્યારે બહેરાશની તકલીફ હોય છે ત્યારે હિયરિંગ એઇડ કે કૉક્લિયર ઇમ્પ્લાન્ટની જરૂર રહે છે, પરંતુ જો આ માટેની સર્જરી બે વર્ષની ઉંમર પછી કરાવવામાં આવે તો એનો કોઈ અર્થ જ નથી; કારણ કે એ ઉંમર વીતી ગયા પછી બાળકનું ડેવલપમેન્ટ
અધૂરું રહી જાય છે. આજે વર્લ્ડ હિયરિંગ ડેના દિવસે નવજાત બાળકોમાં બહેરાશના પ્રશ્નને સારી રીતે સમજવા માટે મળીએ જન્મથી જ બહેરાશ ધરાવતા ૧૦ વર્ષના તત્ત્વ મહેતા અને તેના પેરન્ટ્સને. સમયસરના ઇલાજને કારણે આજે તે એક નૉર્મલ બાળક જેવું જીવન જીવે છે

‘તમારું બાળક સાંભળી શકતું નથી એ વાત સમજવી જેટલી અઘરી છે એનાથી ઘણી વધારે સ્વીકારવી અઘરી બને છે. તમને સ્વપ્નેય વિચાર ન હોય એવી તકલીફ જ્યારે તમારા બાળકમાં હોય ત્યારે જાગૃતિના અભાવે એનો સ્વીકાર અને એનો ઇલાજ બન્નેમાં તકલીફ પડે છે, પરંતુ મહત્ત્વનું એ છે કે માતા-પિતા તરીકે ગમેતેટલી તકલીફ પડે, એમાં હિંમત હરાય નહીં; કારણ કે એ તમારા બાળકના જીવનનો સવાલ છે.’
આ શબ્દો છે કાંદિવલીમાં રહેતા ૧૦ વર્ષના તત્ત્વ મહેતાનાં માતા-પિતા રિતેશ મહેતા અને સોનિયા મહેતાના. તત્ત્વને જન્મથી બન્ને કાનમાં ૧૦૦ ટકા બહેરાશ હતી અને આજે તે કૉક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવ્યા પછી એકદમ નૉર્મલ બાળકની જેમ સ્કૂલ જાય છે, ભણવામાં હોશિયાર છે અને અંગ્રેજી અને ગુજરાતી ભાષા બન્ને સારી બોલી જાણે છે. આજે જાણીએ તત્ત્વના જન્મથી લઈને કૉક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવ્યા સુધીની
સફર વિશે.
૨૦૧૧માં મહેતાપરિવારમાં જન્મેલો તત્ત્વ ૪-૫ મહિનાનો થયો ત્યારે તેનાં મમ્મી સોનિયાબહેનને લાગ્યું કે તત્ત્વને કોઈ તકલીફ તો છે. તેમના સમગ્ર પરિવારમાં એક પણ વ્યક્તિને કે બાળકને બહેરાશની કોઈ તકલીફ નથી એટલે તેમના માટે એ વિચારવું કે તત્ત્વને આવી કોઈ તકલીફ હોઈ શકે એ અઘરું હતું. છતાં તેમને લાગતું હતું કે તત્ત્વ અવાજને બરાબર રિસ્પૉન્ડ કરતો નથી. ડૉક્ટરને દેખાડ્યું. તત્ત્વનું ચેક-અપ કરીને, જરૂરી ટેસ્ટ કરીને કડવું સત્ય સામે આવ્યું કે તત્ત્વને બન્ને કાનમાં ૧૦૦ ટકા બહેરાશની તકલીફ છે. પોતાનું બાળક બહેરું જન્મ્યું છે એ વાત સહન કરવી સહેલી તો નહોતી. આ દુઃખ સાથે ઘરના બધા જ લોકો ઘણું રડ્યા, પરંતુ રડીને બેસી રહેવાનું તો નહોતું. તત્ત્વને સૌથી પહેલાં એક હિયરિંગ એઇડ પહેરાવવામાં આવ્યું. થોડા મહિના જોવામાં આવ્યું કે એનાથી તત્ત્વને કોઈ ફાયદો છે કે નહીં. પરંતુ હકીકતમાં હિયરિંગ એઇડથી કોઈ ખાસ ફાયદો થયો નહોતો. એટલે ડૉક્ટરે સજેસ્ટ કર્યું કે તત્ત્વ માટે કૉક્લિયર ઇમ્પ્લાન્ટ જ જરૂરી બનશે.
કૉક્લિયર ઇમ્પ્લાન્ટ જેટલું નાનાં બાળકો પર કરો એટલું વધુ કામ લાગે. બાળક બે વર્ષનું થાય એ પહેલાં જ જો આ ઇમ્પ્લાન્ટ થઈ જાય તો એનાં રિઝલ્ટ ઘણાં સારાં મળે છે. એટલે ઇમ્પ્લાન્ટ જલદી કરવું જરૂરી હતું. પહેલાં તો આટલા નાના બાળક પર આ પ્રકારની સર્જરી માટે ઘરના લોકો તૈયાર નહોતા. બધાને ડર લાગતો હતો, પરંતુ ડૉક્ટરના સમજાવ્યા પછી એ વાત ક્લિયર હતી કે સર્જરી ખૂબ જરૂરી છે. એ સમયની વાત કરતાં તત્ત્વના પિતા રિતેશભાઈ કહે છે, ‘તત્ત્વને જીવનભર બહેરાશ સાથે તો નથી જીવવા દેવાના એ વાત અમે મનમાં દૃઢ કરી હતી. આ બાબતે મેં ઘણું મારી રીતે રિસર્ચ કર્યું. ડૉક્ટરને મળ્યો અને ઉપાયરૂપે મેં વિચાર્યું કે તત્ત્વનું કૉક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવીએ. એના માટે બેસ્ટ મશીન જે એ સમયનું લેટેસ્ટ મૉડલ હતું એ જ નાખવાનું અમે વિચાર્યું હતું, પણ મોટી તકલીફ હતી એ માટેના પૈસાની કમી.’
એ સમયે રિતેશભાઈ ઑપ્ટિક્સનું કામ કરતા હતા. મિડલક્લાસ પરિવાર પાસે તત્ત્વના કૉક્લિયર ઇમ્પ્લાન્ટ માટે જરૂરી સાડાઅગિયાર લાખ રૂપિયા ભેગા કરવા કપરા હતા, પરંતુ ઈશ્વર પર શ્રદ્ધા રાખીને તેમણે સમાજના જાણીતાં ટ્રસ્ટો અને દાનવીરો પાસે મદદની વિનંતી કરી. તત્ત્વના નસીબે અને તેનાં મમ્મી-પપ્પાના પ્રયાસોના ફળરૂપે તેમને મદદરૂપે ૮૪ ચેક મળ્યા.
આખરે તત્ત્વના બીજા જન્મદિવસના બે દિવસ પછી તત્ત્વનું કૉક્લિયર ઇમ્પ્લાન્ટ થયું અને એ પછી તેની ટ્રેઇનિંગ શરૂ થઈ. કોઈ એક સામાન્ય બાળકને પણ ૯-૧૦ મહિના સતત સાંભળ્યા પછી બોલવાની શરૂઆત થાય છે. જે બાળકોનું કૉક્લિયર ઇમ્પ્લાન્ટ થાય તેમને પણ એટલો સમય તો આપવો જ પડે છે. ધીરજ રાખવી પડે છે. કમ્યુનિકેશન સધાય, તે સાંભળી શકે અને વ્યવસ્થિત બોલી શકે એ માટે સ્પીચ થેરપીની જરૂર રહે છે. તત્ત્વને ઇમ્પ્લાન્ટ પછી તેના સ્પેશ્યલ ક્લાસિસમાં મૂકવામાં આવ્યો જ્યાં તે સાંભળતાં, સમજતાં અને પાછળથી બોલતાં શીખ્યો. ઇમ્પ્લાન્ટ પછીના ૬-૮ મહિનામાં તે નાના શબ્દો બોલતો થઈ ગયો હતો. પાંચ વર્ષની ઉંમર સુધીમાં એ એક નૉર્મલ બાળક જેટલું જ બોલતો-સાંભળતો થઈ ગયો અને એક નૉર્મલ સ્કૂલમાં જવા પણ લાગ્યો.
તત્ત્વ વિશે વાત કરતાં તેનાં મમ્મી સોનિયાબહેન કહે છે, ‘અમને તકલીફ પડી, કારણ કે અમે આ બાબતે કંઈ જ જાણતા નહોતાં. લોકો સુધી આ જાણકારી પહોંચવી જોઈએ. તત્ત્વ પછી અમે ઘણાં માતા-પિતાને આ રીતે અવગત કર્યાં છે કે બાળકને જન્મજાત જો તકલીફ હોય તો વહેલી તકે ડૉક્ટરની સલાહ મુજબ કૉક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવી લેવું જેથી તેનો વિકાસ અટકે નહીં. અમારી પાસે નહોતી માહિતી કે નહોતા પૈસા. જે હતી એ હતી ફક્ત હિંમત અને અમારા બાળક માટેની આસ્થા, જેણે અમને પાર લગાડ્યાં.’

બે વર્ષ પહેલાં કૉક્લિયર ઇમ્પ્લાન્ટ થાય તો જ કામનું

તત્ત્વનાં ડૉક્ટર અને કેઈએમ હૉસ્પિટલનાં ઈએનટી ડિપાર્ટમેન્ટનાં હેડ ડૉ. હેતલ મારફતિયા પાસેથી જાણીએ નવજાત શિશુમાં આવતી બહેરાશ અને એના ઉપાય વિશે તેમના જ શબ્દોમાં.
આપણી પાસે મુંબઈ કે ભારત સંબંધિત આંકડાઓ નથી, પરંતુ આપણે ત્યાં પણ જન્મજાત બહેરાશના કેસ ઘણા જોવા મળે છે અને એ બાબતે જાગૃતિ એકદમ નહીંવત છે. એટલા માટે જ ખૂબ જરૂરી છે કે આપણે ત્યાં નવજાત બાળકોનું હિયરિંગ ટેસ્ટ કરવા માટે એક સ્ક્રીનિંગ પ્રોગ્રામ ચાલુ થાય. ઘણા આધુનિક દેશોમાં આ પ્રકારના સ્ક્રીનિંગ પ્રોગ્રામ ચાલતા હોય છે. ભારતમાં પણ કેરલા એક એવું રાજ્ય છે જ્યાં આ બાબતે ઘણી જ જાગૃતિ જોવા મળે છે. કેરલામાં એ નિયમ છે કે જે બાળક બહેરાશ ધરાવે છે તે બે વર્ષનું થાય ત્યાં સુધીમાં તેનું કૉક્લિયર ઇમ્પ્લાન્ટ કરી નાખવામાં આવે.
આ જાગૃતિ અને આ પ્રકારના નિયમો કેમ જરૂરી છે એ સમજવા જેવું છે. વૈજ્ઞાનિક રીતે પણ સાદી ભાષામાં સમજીએ તો મગજમાં કાન અને આંખના સિગ્નલ્સને રિસીવ કરવાની એક જગ્યા નિશ્ચિત છે. હવે જો લાંબો સમય સુધી કાન પાસેથી કોઈ ઇનપુટ મગજને મળે નહીં તો ઑટોમૅટિકલી એ જગ્યા મગજ દ્વારા આંખ માટે ફાળવવામાં આવે છે. આમ એક ઉંમર પછી જ્યારે બાળકમાં આપણે કૉક્લિયર ઇમ્પ્લાન્ટ કરીએ તો અવાજ મગજ સુધી પહોંચે છે ખરો પરંતુ રિસીવ વ્યવસ્થિત થઈ શકતો નથી. આવું બાળક કમ્યુનિકેશનમાં કાચું રહી જાય છે. એટલે તે બોલી પણ શકતું નથી અને સામાન્ય બાળકની જેમ સમજી પણ શકતું નથી. હકીકતમાં બે વર્ષ પછી ઇમ્પ્લાન્ટ કરાવવાનો કોઈ ફાયદો જ નથી. બાળકનો વિકાસ એ પછી થઈ શકતો નથી. ઘણી જગ્યાએ ૬ મહિના જેટલી નાની ઉંમરમાં પણ કૉક્લિયર ઇમ્પ્લાન્ટ થતું હોય છે. એ બાળકના વિકાસ માટે ઘણું જ ઉપયોગી સાબિત થાય છે.
સમજવા જેવી બાબત એ છે કે નવજાત બાળકના ડેવલપમેન્ટમાં હિયરિંગ ખૂબ મોટો ભાગ ભજવે છે. બાળક જન્મે એ પછીના કેટલાય મહિનાઓ તે ફક્ત સાંભળે છે. સાંભળી-સાંભળીને તે મહિનાઓ પછી થોડું-થોડું બોલવાનું શરૂ કરે છે. હવે આ સાંભળવાની પ્રોસેસ જેટલી મોડી થશે એટલું તેનું ડેવલપમેન્ટ મોડું થશે. એટલે એ ખૂબ જ જરૂરી છે કે બાળકનું કૉક્લિયર ઇમ્પ્લાન્ટ જેટલું જલદી થઈ શકે કરાવી લેવું.
ઘણી વખત એવું થાય છે કે સ્ક્રીનિંગ પ્રોગ્રામના અભાવે માતા-પિતાને ૬-૮ મહિને ખબર પડે છે કે તેમના બાળકને કોઈ તકલીફ છે. પછી ડૉક્ટર સુધી પહોંચતાં અને સત્યને સ્વીકારતાં સમય લાગી જાય છે. વળી લાખો રૂપિયા ભેગા કરવા માટે પણ સમય જરૂરી રહે છે. આમ આદર્શ રીતે જન્મજાત શિશુનું સ્ક્રીનિંગ થાય એ જરૂરી છે.

કૉક્લિયર ઇમ્પ્લાન્ટ કઈ રીતે કામ કરે છે?

કૉક્લિયર એક ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ છે જે કૉક્લિયર નર્વ, જે સાંભળવા માટે અત્યંત જરૂરી નર્વ છે, એને સ્ટિમ્યુલેટ કરે છે. એનો એક ભાગ કાનની અંદર સર્જરી વડે ફિટ કરવામાં આવે છે અને બીજો ભાગ બહાર કાનની પાછળના ભાગમાં ફિટ થાય છે જે થોડો બ્લુ-ટૂથ ડિવાઇસ જેવો દેખાતો હોય છે. જે ભાગ બહાર હોય છે એ ભાગ બહારનો અવાજ પકડે છે અને એને અંદરના ડિવાઇસ સુધી મોકલે છે. અંદરના ડિવાઇસ સાથે જોડાયેલો તાર કૉક્લિયર નર્વને સિગ્નલ આપે છે, જે મગજને અવાજની સૂચના આપે છે અને મગજ અવાજ સંબંધિત સેન્સેશન ઉત્પન્ન કરે છે અને વ્યક્તિને સંભળાય છે. ભારતમાં આ પ્રકારનાં ઇમ્પ્લાન્ટ ફક્ત બાળકોમાં થાય છે, જ્યારે વિદેશમાં આ પ્રકારનાં ઇમ્પ્લાન્ટ પુખ્ત વયે જે લોકોને બહેરાશ આવી ગઈ હોય છે તેમનામાં પણ થતાં જોવા મળે છે. હિયરિંગ એઇડ અને કૉક્લિયર ઇમ્પ્લાન્ટમાં મોટો ફરક એ છે કે હિયરિંગ એઇડ જે અવાજ આવે છે એને મોટો કરે છે જેથી સાંભળવામાં સરળ રહે, પરંતુ કૉક્લિયર ઇમ્પ્લાન્ટમાં અવાજ પ્રોસેસ થઈને મગજ સુધી પહોંચે છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા બહાર પડેલા આંકડાઓ મુજબ દર ૧૦૦૦ બાળકોએ આટલા બાળકો બહેરાશ સાથે જન્મે છે

જન્મથી જ સાંભળી ન શકતા અંધેરીના દસ વર્ષના તત્ત્વ મહેતાને બે વર્ષની વયે જ કૉક્લિયર ઇમ્પ્લાન્ટ  કરવામાં આવેલું એને કારણે હવે તે નૉર્મલ બાળકની જેમ જ સાંભળી-બોલી શકે છે.

03 March, 2021 11:12 AM IST | Mumbai | Jigisha Jai

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK