Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈરાન અને સાઉદી દોસ્ત બન્યાં : ચીનની કામિયાબ કૂટનીતિ

ઈરાન અને સાઉદી દોસ્ત બન્યાં : ચીનની કામિયાબ કૂટનીતિ

19 March, 2023 12:09 PM IST | Mumbai
Raj Goswami

રસપ્રદ વાત એ છે કે ઈરાન અને સાઉદીના પ્રતિનિધિઓ વચ્ચે બીજિંગમાં ચાર દિવસ સુધી અઘોષિત મંત્રણા થઈ હતી

ઈરાન અને સાઉદી દોસ્ત બન્યાં : ચીનની કામિયાબ કૂટનીતિ

ક્રૉસલાઇન

ઈરાન અને સાઉદી દોસ્ત બન્યાં : ચીનની કામિયાબ કૂટનીતિ


નવમી માર્ચે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચીનના પૉલિટિકલ બ્યુરોના સભ્ય વાંગ યીની હાજરીમાં બંને દેશોએ ડિપ્લોમૅટિક સંબંધો પુન: સ્થાપિત કરવાની જાહેરાત કરી ત્યારે દુનિયાને ખબર પડી કે ચીનમાં આવું કંઈક રંધાઈ રહ્યું છે

નવમી માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઑસ્ટ્રેલિયાની ટેસ્ટમૅચના પહેલા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન ઍન્થની અલ્બાનેસ ગૉલ્ફ કાર્ટમાંથી બનાવેલા રથમાં બેસીને બંને દેશોના ‘યે દોસ્તી હમ નહીં છોડેંગે’ના ભાવની સાબિતી આપતા હતા ત્યારે ત્રણ હજાર કિલોમીટર દૂર બીજિંગમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે એક એવી દોસ્તીની ઘોષણા થઈ હતી જેણે પશ્ચિમ અને પૂર્વનાં ડિપ્લોમૅટિક મિશન્સને ઊંઘતાં ઝડપ્યાં એમ તો ન કહેવાય, પણ તેમની ઊંઘ જરૂર હરામ કરી દીધી હતી.ઊંઘ હરામ થવી પણ જોઈએ, કારણ કે આ દોસ્તી કરાવવામાં ચીનની ભૂમિકા હતી. સામાન્ય રીતે વિશ્વમાં ઝઘડતાં રાષ્ટ્રો વચ્ચે સુલેહ-શાંતિ કરવાનું કામ અમેરિકા કરતું આવ્યું છે અને સાઉદી-ઈરાન વચ્ચે એ પાછલી અડધી સદીથી મધ્યસ્થી (મધ્યસ્થી બનવામાં ઘણા લાડવા હોય) હતું, પણ આ વખતે ચીન એમાં બાજી મારી ગયું છે. મધ્યપૂર્વની ભાવિ જિયો-પૉલિટિકલ રાજનીતિમાં હવે એની ભૂમિકા અહમ્ બની ગઈ છે.


સાઉદી-ઈરાનની મગજમારીને પૂર્વનું શીતયુદ્ધ કહે છે. એમાં પરંપરાગત યુદ્ધ થઈ જવાના અનેક અવસરો આવ્યા હતા. ૧૯૭૯માં અમેરિકાના સહારે ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ આવી ત્યારથી સાઉદી અરેબિયા સાથે એના સંબંધો તંગ થયા હતા. ખાસ કરીને ઈરાની ક્રાંતિકારીઓએ મધ્યપૂર્વમાં રાજાશાહીઓ અને લોકશાહીઓને ગબડાવીને ઇસ્લામિક ગણતંત્રો સ્થપાવાની હાકલ કરી હતી એટલે રાજાશાહીવાળા અરેબિયા, ઇરાક, કુવૈત અને અન્ય પર્શિયન ખાડી દેશોમાં ખતરાની ઘંટી વાગી હતી.

સાઉદીની મુસીબત એ હતી કે શિયા બહુમતીવાળા ઈરાનમાં ધાર્મિક શાસન આવ્યું એ પહેલાં એ મુસ્લિમ દેશોનું નેતા કહેવાતું હતું. અમેરિકાએ ઈરાનમાં મુલ્લાંઓને ઊભા કરીને સાઉદીની મુસ્લિમ નેતાગીરીને ખતમ કરી નાખી. સુન્ની બહુમતીવાળા સાઉદી અરેબિયાએ ત્યારથી ઈરાન સામે મોરચો માંડ્યો હતો. એમાં ઉત્તરોત્તર ટકરાવ વધતો ગયો હતો. બંને દેશો પોતાનું વર્ચસ જાળવી રાખવા માટે ખાડીના દેશોના અલગ-અલગ ઝઘડાઓમાં ટાંગ અડાવતા રહ્યા હતા. જેમ કે સિરિયા અને યમનનું યુદ્ધ, બહેરીન, લેબૅનન, કતાર અને ઇરાકના વિવાદ. ત્યાં સુધી કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નાઇજીરિયા, ઉત્તર અને પૂર્વ આફ્રિકા, દક્ષિણ એશિયા, મધ્ય એશિયા, બાલ્કન અને કૌકાસસમાં પણ બે દેશો લાંબા થતા હતા.


આ બધામાં અમેરિકા કેન્દ્રમાં હતું. દુનિયાનો એક પણ હિસ્સો નથી જ્યાં અમેરિકા ઝઘડા કરાવતું ન હોય અને ઝઘડા શાંત પાડતું ન હોય. અમેરિકાની એ વૈશ્વિક નીતિના પગલે ઈરાન અને સાઉદી વચ્ચે છેલ્લાં સાત વર્ષથી ડિપ્લોમૅટિક સંબંધો પણ ખતમ થઈ ગયા હતા. નવમી તારીખે ચીનની સક્રિય ભૂમિકાના પગલે બંને દેશોએ એકબીજાની રાજધાનીઓમાં એમ્બેસી શરૂ કરવાની જાહેરાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે ઈરાન અને સાઉદીના પ્રતિનિધિઓ વચ્ચે બીજિંગમાં ચાર દિવસ સુધી અઘોષિત મંત્રણા થઈ હતી અને નવમી તારીખે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચીનના પૉલિટિકલ બ્યુરોના સભ્ય વાંગ યીની હાજરીમાં બંને દેશોએ ડિપ્લોમૅટિક સંબંધો પુન:સ્થાપિત કરવાની જાહેરાત કરી ત્યારે દુનિયાને ખબર પડી કે ચીનમાં આવું કંઈક રંધાઈ રહ્યું છે.

મધ્ય પૂર્વના બે કટ્ટર દુશ્મનો વચ્ચે દોસ્તી થાય અને મહાસત્તા બનવાની મહત્ત્વાકાંક્ષા રાખતું ચીન એમાં મધ્યસ્થી બને એ સમાચાર સાધારણ ન કહેવાય. એનાં અનેક વૈશ્વિક પરિણામો અને પરિમાણો છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આને માસ્ટરસ્ટ્રોક અથવા ગેમચેન્જર કહેવાય છે. ચીન પાછલા ઘણા સમયથી મધ્યપૂર્વનાં ઝઘડતાં રાષ્ટ્રો સાથે એના સંબંધો સુધારવામાં સફળ રહ્યું છે અને એમાં એની આર્થિક તાકાત બહુ કામ આવી છે.

અરબ ન્યુઝ નામના એક સમાચારપત્રમાં ટિપ્પણી કરવામાં આવી હતી કે આ સમાધાન માટે ઈરાન તૈયાર થયું અને કરાર પર જો કાયમ રહ્યું તો આ ઘટના શકલ બદલી નાખનારી સાબિત થશે. એનાથી ક્ષેત્રીય શાંતિ અને પ્રગતિની એક એવી શરૂઆત થશે જેને પાછલાં કેટલાંય વર્ષોમાં દેશોએ જોઈ નથી.

ઈરાનના અગ્રણી સમાચારપત્ર તહેરાન ટાઇમ્સે કહ્યું છે કે સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે માંડવાળી કરાવવા માટે ઇરાક અને ઓમાને પહેલ કરી હતી, પરંતુ ચીન એની ચાલને ગુપ્ત રાખીને એમાં ઘણું આગળ નીકળી ગયું.

અમેરિકા મોટા ભાગે એની લશ્કરી તાકાતથી મધ્યસ્થી કરતું રહે છે, પણ ચીને એના ડિપ્લોમૅટિક અને આર્થિક સંબંધો મજબૂત કરીને મધ્યપૂર્વમાં પોતાની જગ્યા બનાવી છે. આ સમાધાનમાં એક લવાદ તરીકે ચીનને પશ્ચિમ એશિયાની રાજનીતિમાં પગપેસારા તરીકે જોઈ શકાય છે.

ઈરાનના કુલ આંતરરાષ્ટ્રીય વેપારમાંથી ૩૦ પ્રતિશત વેપાર એકલા ચીનમાં થાય છે. સાઉદી માટે ચીન સૌથી મોટું તેલનું બજાર છે. પશ્ચિમ એશિયામાં સ્થિરતા ચીનના હિતમાં છે. તહેરાન અને રિયાધ સાથે ખરીદદાર અને ભાગીદાર તરીકે બીજિંગના સંબંધો સરસ છે. બદલાતી જિયો-પૉલિટિકલ પરિસ્થિતિમાં સાઉદી અરેબિયા એના પાડોશમાં શાંતિ ઇચ્છતું હતું અને પરમાણુ યોજનાને કારણે અમેરિકાના પ્રતિબંધો નીચે કચડાતું ઈરાન આર્થિક અવસરો શોધતું હતું. ચીને આનો ફાયદો ઉઠાવીને એની સક્રિયતા વધારી દીધી હતી.

અમેરિકાનો ઈરાન સાથે સીધો કોઈ સંપર્ક નથી, પણ ચીન ઘણા સમયથી ઈરાનમાં પોતાની જગ્યા બનાવી રહ્યું હતું અને એટલે જ અમેરિકા જે ન કરી શક્યું એ ચીને કરી બતાવ્યું છે. દુનિયાના દરેક વિવાદમાં અમેરિકાની કોઈ ને કોઈ ભૂમિકા રહેતી હોય છે, કારણ કે મહાસત્તા હોવાને કારણે વૈશ્વિક સુરક્ષા અને અર્થતંત્રમાં આપવા માટે એની પાસે કશુંક હોય છે. જોકે આ પહેલો અવસર છે જ્યાં મધ્યપૂર્વની બે સત્તાઓ વચ્ચે સુલેહ કરાવવામાં અમેરિકાની દૂર સુધી કોઈ ભૂમિકા નથી.

આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનનું મહત્ત્વ વધશે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રશિયા-યુક્રેનનું સંકટ હલ કરવામાં પણ ચીન આગળ આવશે. ચીને આમ પણ યુદ્ધ બંધ કરવા માટે ૧૨ મુદ્દાની ફૉર્મ્યુલા પેશ કરેલી જ છે.

સાઉદી અરેબિયાનું અમેરિકાથી વધુ દૂર જવું અમેરિકા માટે નુકસાનકારક છે, કારણ કે આનાથી ઓપેક દેશોનું અમેરિકાથી અંતર વધશે. તેઓ રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકાનો સાથ આપી રહ્યા નથી. તેલની કિંમતો ઓછી કરવા માટે તેલના ઉત્પાદનમાં બદલાવ કરવાનું અમેરિકા ઘણી વખત સૂચન કરી ચૂક્યું છે, પણ આ દેશો એને ગણકારતા નથી. એવા સંજોગોમાં મધ્યપૂર્વમાં ચીનનો પ્રભાવ વધે એ અમેરિકા માટે મોકાણના સમાચાર છે.

લવાદ તરીકે ચીનની આ સફળતા એવા સમયે આવી છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ત્રીજી વાર પદનો કાર્યભાર સંભાળ્યો છે. ૨૦૧૨માં સત્તાની કમાન હાથમાં લેનારા જિનપિંગ કમ્યુનિસ્ટ પાર્ટીના પહેલા નેતા છે જેમને લગાતાર ત્રીજી વાર દેશનું સંચાલન મળ્યું છે. એ પહેલાં ૨૦૨૨માં તેમણે સાઉદી અરેબિયાનો પ્રવાસ કર્યો હતો. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસ ગયા ફેબ્રુઆરીમાં ચીનની મુલાકાતે આવ્યા હતા.

જિનપિંગ તેમની આ નવી ડિપ્લોમસીને ‘ગ્લોબલ સિક્યૉરિટી ઇનિશિયેટિવ’ કહે છે. એમાં પારસ્પરિક સંબંધોને લિબરલ ડેમોક્રસીના દાયરામાંથી બહાર રાખીને જોવામાં આવે છે. મતલબ કે અમેરિકા કાયમ લિબરલ ડેમોક્રસી સ્થાપવાના ઇરાદા સાથે સુરક્ષા અને આર્થિક વિવાદોમાં સામેલ થાય છે, જ્યારે ચીનની નીતિ પ્રમાણે જે-તે રાષ્ટ્રનું શાસન ઘરમાં શું કરે છે એનાથી દૂર રહીને માત્ર આર્થિક હિતો પર જ વાત કરવી જોઈએ. જે રાષ્ટ્રો કે શાસકો લોકતાંત્રિક મૂલ્યોમાં બહુ વિશ્વાસ રાખતાં નથી એમના માટે ચીનનો અભિગમ ભાવતું’તું ને વૈદે કહ્યું જેવો છે. વિશ્વમાં જ્યાં આપખુદશાહીનું ચલણ વધતું જાય છે અને લોકશાહીઓનું પતન થઈ રહ્યું છે ત્યારે ચીનની આ નીતિ એક ડિપ્લોમૅટિક પડકાર છે જેને નજરઅંદાજ કરી શકાય એમ નથી. અમેરિકા વર્ષોથી લોકતાંત્રિક મૂલ્યો, માનવાધિકાર અને અભિવ્યક્તિની આઝાદીનું ચૅમ્પિયન રહ્યું છે. ચીન એની સામે એક નવી અને અવળી નીતિને પ્રોત્સાહન આપી રહ્યું છે.

ભારતનો સંબંધ છે ત્યાં સુધી ઈરાન-સાઉદીની દોસ્તીથી એને કોઈ ફરક પડતો નથી, કારણ તહેરાન અને રિયાધ સાથે નવી દિલ્હીના સંબંધો ઘણા સારા છે. ચિંતા ખાલી ચીનના વધતા વૈશ્વિક પાવરની છે. ચીન સાથેના સીમા-વિવાદને લઈને ભારત કોઈ નક્કર પ્રગતિ કરી શક્યું નથી. બીજી તરફ ચીન ભારતની ભૂમિ પર દબાણ કરીને બેસી ગયું છે અને હટવાનું નામ લેતું નથી. એ મોરચા પર પણ ચીને પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક ગોઠવણ કરી રાખી છે. ચીન એશિયામાં એની ભાઈબંધી વધારી રહ્યું છે એ વૈશ્વિક સ્તરે અમેરિકા માટે અને સ્થાનિક સ્તરે ભારત માટે નુકસાનકારક જ છે.

લાસ્ટ લાઇન

મધ્યપૂર્વમાં કાયમી શાંતિ માટે હિંમત જોઈએ, બંદૂક નહીં.
- જૉર્ડનનાં રાણી રાઇના

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2023 12:09 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK