એ જમાનામાં રાતે સાડાનવ વાગ્યા પછી ભિખારીઓ વાંદરાના રસ્તાઓ પર ભીખ માગવા નીકળી પડે
લક્ષ્મણ પારધે, કોન્ડાબાઈ પારધે
નામ લક્ષ્મણ ભાગાજી પારધે. ભણતરને નામે અલ્લાયો! ગામડામાં મજૂરીના પણ સાંસા. બૈરી અને ચાર છૈયાંછોકરાંને લઈને મુંબઈ આવ્યા, કામની શોધમાં. વાંદરા (ઈસ્ટ)ના શાસ્ત્રીનગરમાં એક સગાનું ઘર. વાંદરા સ્ટેશનથી ગોઠણ સમાણા કાદવમાં ચાલીને તે ઘરે પહોંચ્યા. થોડા દિવસ ત્યાં જેમતેમ કાઢ્યા, પણ એક દિવસ યજમાન સાથે ઝઘડો થયો અને સાંજના વખતે જ એ ઘર છોડ્યું. ઉપર આભ અને નીચે ધરતી. શેરીના કૂતરા ભસતાં-ભસતાં પાછળ પડ્યા. બધાના પેટમાં કૂકડા બોલે, પણ ખિસ્સાં ખાલી. એક રડીખડી ઉડિપી હોટેલ નવી શરૂ થયેલી. મફતમાં ખાવાનું તો ન જ આપે પણ દયા આવી હશે એટલે પીવાનું પાણી આપ્યું. બીજી આગ પાણીથી ઠરે, પણ પેટની આગ? અને વળી માથે છાપરું નહીં. એક ચોકમાં, ખુલ્લામાં બધાએ રાત વિતાવી, ભૂખ્યા પેટે.



