આંકડાઓ અને એક્સપર્ટ્સનું આવું માનવું જરા પણ ગેરવાજબી નથી, વાંચશો તો તમને પણ સમજાઈ જશે
અત્યારે વૉર થાય તો પાકિસ્તાન ચાર દિવસ પણ ટકી શકે નહીં
જો અત્યારે ભારત પાકિસ્તાન પર સત્તાવાર હુમલો કરે તો હું નથી માનતો કે પાકિસ્તાન એક વીકથી પણ વધારે ટકી શકે. એક વીક પણ હું ભારતીય સેનાની સહિષ્ણુતાને ધ્યાનમાં રાખીને કહું છું. બાકી જો બધું ભૂલીને આપણે વૉર શરૂ કરી દઈએ તો પાકિસ્તાનને પછાડવામાં ચાર દિવસથી વધારે સમય ન લાગે. એનું સૌથી અગત્યનું કારણ એ છે કે પાકિસ્તાની સેના પાસે ત્રણ દિવસ ચાલે એટલો જ શસ્ત્રસરંજામ છે.
ભારતીય સેનાના રિટાયર્ડ આર્મી ઑફિસર મેજર જનરલ જી. ડી. બક્ષી ‘મિડ-ડે’ને કહે છે, ‘અત્યાર સુધીની હિસ્ટરી રહી છે કે ભારતે અટૅકનો જવાબ આપ્યો છે જેને લીધે સ્ટ્રૅટેજી તૈયાર કરવામાં અને દુશ્મન દેશની સ્ટ્રૅટેજીને સમજવામાં ચોવીસથી ૩૦ કલાકનો સમય પસાર થયો છે અને યુદ્ધમાં હંમેશાં પહેલો વાર કરનારો આગળ રહેતો હોય છે. બાકી વાત રહી ક્ષમતાની તો અત્યારે ભારતીય સેનાની ત્રણેત્રણ પાંખ એ સ્તર પર મજબૂત છે જેની કોઈ કલ્પના સુધ્ધાં ન કરી શકે.’
ADVERTISEMENT
રિટાયર્ડ મેજર જનરલ જી. ડી. બક્ષીની વાત ૧૦૦એ ૧૦૦ ટકા સાચી છે. ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ અને કારગિલ વૉરમાં ભાગ લેનારા જી. ડી. બક્ષી શબ્દો ચોર્યા વિના કહે છે, ‘છેલ્લા દશકમાં ભારતીય સેના વધારે સજ્જ થઈ છે. પહેલાંના સમયમાં સેનાને જે બજેટ આપવામાં નહોતું આવતું એટલું સરસ બજેટ મળતું થયું તો સાથોસાથ આપણી સેનાને બધી રીતે મૉડર્ન કરવામાં પણ આવી, જેને લીધે આપણે સક્સેસફુલી સર્જિકલ સ્ટ્રાઇક અને ઍર સ્ટ્રાઇક કરી શક્યા. આ વખતે જો સત્તાવાર વૉર થઈ જાય તો પાકિસ્તાનના સાચે જ છક્કા છૂટી જાય.’
મેજર જનરલના આ શબ્દોને માત્ર દેશદાઝ નહીં માનતા. બન્ને દેશોની સેનાની ક્ષમતાની ઍનૅલિસિસ જોશો તો તમે પણ સમજી જશો કે શું કામ છેલ્લા દશકામાં પાકિસ્તાન ભારતની પીઠ પાછળ ઘા કરતું રહ્યું છે અને કેમ સામી છાતીએ મર્દાનગીપૂર્વક લડવા ઊભું નથી થયું.
સરખામણીનો પહેલો તબક્કો
સેનાને સ્ટ્રૉન્ગ બનાવવા માટે મૉડર્ન ટેક્નૉલૉજી તરફ સતત નજર રાખવી પડે અને એ માટે મોટા મન સાથે બજેટ ફાળવતા રહેવું પડે. જો બહુ દૂર ન જઈએ અને અત્યારની જ વાત કરીએ તો ગ્લોબલ ફાયરવર્ક ઇન્ડેક્સમાં ભારતીય આર્મ્ડ ફોર્સ આજે દુનિયામાં ચોથા નંબરે છે, ગયા વર્ષે આપણે છઠ્ઠા ક્રમ પર હતા. મતલબ કે આપણે આગળ વધી રહ્યા છે તો એની સામે દેશનો એક નંબરનો ફટ્ટુ દુશ્મન એવું પાકિસ્તાન ગયા વર્ષે નવમા ક્રમ પર હતું, પણ આ વર્ષે એનો ક્રમ નીચે ઊતર્યો છે અને હવે એ આર્મ્ડ ફોર્સની બાબતમાં છેક બારમા ક્રમે પહોંચી ગયું છે. બન્ને દેશોના ડિફેન્સ બજેટને જોઈને હિન્દુસ્તાનની એકેએક વ્યક્તિ મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરતી થઈ જાય કે હે મારા રામ, આ અક્કલમઠ્ઠા પાકિસ્તાનને થોડીક સદ્બુદ્ધિ આપ.
ભારતનું ડિફેન્સ બજેટ ૭૯ બિલ્યન ડૉલરનું છે. જો આ આંકડાને રૂપિયામાં કહેવાનો હોય તો કહેવું પડે કે ભારતનું ડિફેન્સ બજેટ ૬.૮ લાખ કરોડ રૂપિયાનું છે, જે પાકિસ્તાનની કુલ આવક કરતાં ઑલમોસ્ટ દોઢું છે! ઠીક છે, નુક્તેચીની છોડીને વાત આગળ વધારીએ તો પણ કહેવું પડે કે ભારતના ડિફેન્સ બજેટની સરખામણીમાં પાકિસ્તાનનું ડિફેન્સ બજેટ ૧૦ ટકા (ટુ બી વેરી સ્પેસિફિક ૭.૬૧ બિલ્યન ડૉલર) પણ નથી! કહે છેને કે સરખેસરખા લડો તો સારા લાગો. આ આંકડાઓ જોયા પછી સમજાય કે ભારત શું કામ પાકિસ્તાન સાથે વૉર કરવાનું ટાળતું રહ્યું હશે! રખેને વૉર કરે અને દુનિયા કહે કે નમાલાને તો સૌ મારે!

|
હવામાં કોનું રાજ? |
||
|
|
ભારત |
પાકિસ્તાન |
|
ઍર ફૉર્સ સ્ટાફ |
૧,૩૫,૦૦૦ |
૭૦,૦૦૦ |
|
રિઝર્વ ફોર્સ |
૧,૦૦,૦૦૦ |
૮૦૦૦ |
|
ઍરક્રાફ્ટ્સ |
૨૨૨૯ |
૧૩૯૯ |

|
આર્મી અને શસ્ત્રોની તાકાતની તુલનામાં કોણ ચડે? |
||
|
|
ભારત |
પાકિસ્તાન |
|
જવાનો |
૧૪,૫૫,૫૫૦ |
૬,૫૪,૦૦૦ |
|
ટૅન્ક |
૪૨૦૧ |
૨૬૨૭ |
|
વાહનો |
૧,૪૮,૦૫૦ |
૪૯,૦૦૦ |
|
ન્યુક્લિયર બૉમ્બ |
૧૮૦ |
૧૭૦ |

|
નેવીમાં કોણ કેટલું પાણીમાં? |
||
|
|
ભારત |
પાકિસ્તાન |
|
ઍક્ટિવ નેવી ઑફિસર |
૬૭,૦૦૦ |
૩૦,૦૦૦ |
|
વૉરશિપ |
૨૯૩ |
૧૧૧ |
|
સબમરીન |
૧૮ |
૮ |
બન્ને દેશોના ડિફેન્સ બજેટમાં જેટલો ફરક છે એટલો જ ઍક્ટિવ મિલિટરી પર્સન્સ એટલે કે સેનાના જવાનોમાં છે. ભારતીય સેનામાં અત્યારે ૧૪,પપ,પપ૦ જવાનો સરહદની રક્ષા કરે છે, જ્યારે પાકિસ્તાન પાસે અડધાથી પણ ઓછા જવાનો છે. આંકડો જ કહી દઈએ. પાકિસ્તાન પાસે રોકડા ૬,પ૪,૦૦૦ જવાનો છે. સેના પાસે પણ રિઝર્વ ફોર્સ હોય. ભારત પાસે આ રિઝર્વ ફોર્સમાં સાડાઅગિયાર લાખ જવાનો છે તો પાકિસ્તાન પાસે માત્ર સાડાપાંચ લાખ રિઝર્વ જવાનો છે. ૪૨૦૧ ટૅન્કથી સજ્જ એવી ભારતીય સેના સામે જો પાકિસ્તાનની ટૅન્ક ગણવા જઈએ તો એ આંકડો માત્ર ૨૬૨૭નો છે. અહીં પણ પાકિસ્તાન ભારત સામે પછાત છે. ૧,૪૮,૦પ૦થી પણ વધુ એવાં વેહિકલ ભારત પાસે છે જે અલ્ટ્રામૉડર્ન હથિયારોથી સજ્જ હોય. બાપડું પાકિસ્તાન આ મુદ્દે રોકડા ૪૯,૦૦૦ વેહિકલ ધરાવે છે. હા, એક ન્યુક્લિયર બૉમ્બની બાબતમાં પાકિસ્તાન જરાતરા કૉલર ટાઇટ કરી શકે છે. ભારત પાસે ૧૮૦ ન્યુક્લિયર બૉમ્બ છે તો પાકિસ્તાન પાસે ૧૭૦ ન્યુક્લિયર બૉમ્બ છે; પણ જગતનો કોઈ પણ શાણો માણસ જાણે છે કે આ ન્યુક્લિયર બૉમ્બ છે, ચકલીછાપ ટેટો નહીં કે ઇચ્છા પડે ત્યારે ફોડી શકાય! રશિયાને હંફાવી દેનારા યુક્રેન સામે રશિયા હજી સુધી ન્યુક્લિયર બૉમ્બનો ઉપયોગ નથી કરી શક્યું અને કરી પણ નથી શકવાનું.
ન્યુક્લિયર બૉમ્બ માત્ર બીક દેખાડવા પૂરતા બનતા રહ્યા છે એટલે ભલે ભારત કરતાં ૧૦ જ ન્યુક્લિયર બૉમ્બ ઓછા હોય તો પણ પાકિસ્તાન અને ભારત માટે પણ એ શોભાના ગાંઠિયા બનીને જ રહી જવાના. અગત્યની વાત. પાકિસ્તાનના ન્યુક્લિયર બૉમ્બની પઝેશન ભલે પાકિસ્તાનમાં રહી, પણ એનો કબજો કોનો છે એ જાણો છો?
સાઉદી અરેબિયા અને અમેરિકા પાસે. હવે તમે જ યાદ કરો કે પહલગામમાં હુમલો થયો એ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કયા દેશના કિંગની મહેમાનગતિ માણતા હતા? સાઉદી અરેબિયાના કિંગની. શું તમને લાગે છે કે સાઉદી કિંગ અને અમેરિકી ટ્રમ્પ પાકિસ્તાનને ન્યુક્લિયર બૉમ્બનો ઉપયોગ કરવાની પરમિશન આપશે?
જો તમારો જવાબ હા હોય તો તમે ખાંડ ખાઓ છો ખાંડ.
હવામાં પણ હિન્દુસ્તાનનું રાજ
ઍરફોર્સની વાત કરીએ તો પાકિસ્તાનની હાલત ગંગુ તેલી જેવી છે અને ભારત રાજા ભોજના સ્થાને છે. ઍરફોર્સનો સ્ટાફ જોઈએ તો ૧,૩પ,૦૦૦ સ્કિલ્ડ ઑફિસર ભારતીય વાયુદળમાં છે, જ્યારે પાકિસ્તાન ૭૦,૦૦૦ પર આવીને ઊભું રહી ગયું છે. મજાની વાત એ છે કે જરૂર પડ્યે ત્યારે બોલાવી શકાય એવા રિઝર્વ ઍરફોર્સના ઑફિસરોની બાબતમાં ભારતનું લિસ્ટ એક લાખનું છે, જ્યારે ભારતની સરખામણીમાં પાકિસ્તાન પાસે ફક્ત ૮ ટકા એટલે કે ૮૦૦૦ અનામત અધિકારીઓ છે. ઍરક્રાફ્ટ્સમાં જાત-જાતનાં વેરિએશન હોય, પણ આપણે બધાને સાથે ગણીને વાત કરીએ તો ભારત પાસે ૨૨૨૯ ઍરક્રાફ્ટ્સ છે અને પાકિસ્તાન પાસે ૧૩૯૯ ઍરક્રાફ્ટ્સ છે. એક આડ વાત. પાકિસ્તાને છેલ્લાં બે વર્ષમાં એક પણ નવું ઍરક્રાફ્ટ નથી લીધું.
ફાઇટર જેટ્સની બાબતમાં ટેક્નૉલૉજી બહુ મહત્ત્વની છે, પણ એ ટેક્નૉલૉજીને અત્યારે કોરાણે મૂકીને આંકડાઓની જ વાત કરીએ તો ભારત પાસે પ૧૩ ફાઇટર જેટ્સ છે, જ્યારે પાકિસ્તાન પાસે ૩૨૮ ફાઇટર જેટ્સ છે. અગેઇન, ભારતની સરખામણીમાં પછાત. આપણી પાસે ૪૯૮ હેલિકૉપ્ટર છે તો પાકિસ્તાન પાસે ૩૭૩ હેલિકૉપ્ટર છે. બ્રહ્મોસ અને અગ્નિ જેવાં મિસાઇલોની તોલે આવી શકે એવું એક પણ મિસાઇલ પાકિસ્તાન પાસે નથી. જોકે મિસાઇલની જ વાત કરીએ તો ભારત પાસે ૨૯ મિસાઇલ છે, જ્યારે પાકિસ્તાન પાસે ૬ મિસાઇલ છે. આ મિસાઇલ ફોડવા માટે જે રેન્જરની જરૂર પડે એ રેન્જરની ક્ષમતા તમે જોઈ લો. ભારત પોતાના અગ્નિ મિસાઇલની જે લેટેસ્ટ એડિશન છે એનાથી છેક ૮૦૦૦ કિલોમીટર દૂરનું નિશાન લઈ શકે છે, જ્યારે પાકિસ્તાન શાહિન-૩ મિસાઇલ છોડવા જે રેન્જર છે એનાથી ૨૭પ૦ કિલોમીટર સુધીનું જ નિશાન લઈ શકે છે!
લેટેસ્ટ વૉર-ટેક્નૉલૉજીમાં ડ્રોન-અટૅક્સ પણ બહુ મહત્ત્વના બન્યા છે અને ભારત એમાં પણ સજ્જ થઈ ગયું છે. અટૅક કરી શકે એવાં ૧૦૦ ડ્રોન ભારતીય વાયુદળ પાસે છે, જ્યારે પાકિસ્તાન પાસે બાવન ડ્રોન છે.
આ બધા આંકડાઓ વચ્ચે એક આડ વાત એ કરવાની કે ભારત પાસે ઍરફોર્સનાં પ્લેનમાં ઈંધણ ભરવા માટે ૧૪ દિવસનું ઈંધણ છે, પણ પાકિસ્તાન પાસે માત્ર બે જ દિવસનું ઈંધણ છે એટલે જો અત્યારે વૉર થાય તો પાકિસ્તાને એમાં પણ રૅશનિંગ કરવાનો વારો આવી જાય!
પાણીમાં પણ પરાસ્ત
પાકિસ્તાન નેવીના મુદ્દે પણ ભારત સામે પાંગળું છે. ભારતના ૬૭,૦૦૦ ઍક્ટિવ નેવી ઑફિસર સામે પાકિસ્તાન પાસે ૩૦,૦૦૦ નેવી ઑફિસર છે. ભારતીય નૌકાદળ ૫૦,૦૦૦ નેવી ઑફિસરની રિઝર્વ ફોર્સ ધરાવે છે, પણ પાકિસ્તાન પાસે રોકડા ૮૦૦૦ રિઝર્વ ઑફિસર છે. નેવીને આપવામાં આવતી વૉરશિપની બાબતમાં ભારત પાકિસ્તાનથી જોજનો દૂર છે. ભારત પાસે ૨૯૩ વૉરશિપ છે, જ્યારે પાકિસ્તાન પાસે અડધી પણ ન કહેવાય એટલી માત્ર ૧૧૧ વૉરશિપ છે. ભારત ૧૮ સબમરીન સાથે દરિયાની અંદર આંખ માંડીને બેઠું છે તો પાકિસ્તાન માત્ર ૮ સબમરીન ધરાવે છે.
દરિયામાં રહીને તરતા ઍરપોર્ટની ગરજ સારતાં અને ઍરફોર્સના પ્લેનને ફ્યુઅલથી માંડીને દારૂગોળો-મિસાઇલ ભરી આપવાનું કામ કરતાં ઍરક્રાફ્ટ કૅરિયર્સ આપણી પાસે બે છે, પણ પાકિસ્તાન પાસે એવી કોઈ સુવિધા જ નથી. નેવીની આ જ નહીં, બીજી પણ અનેક સુવિધાઓ એવી છે જેમાં ભારત અઢળક ડગલાં આગળ છે અને પાકિસ્તાનની હાલત ગરીબડા સાંઢ જેવી છે.
હવે સાથમાં પણ તવંગર
યુદ્ધ એ કંઈ શેરી-ગલીમાં રમાતી ચોર-પોલીસની ગેમ નથી.
ત્રણ વર્ષથી યુક્રેન જાયન્ટ એવા રશિયાને હંફાવે છે. કઈ રીતે એ શક્ય બન્યું એની જો થોડી વિગત વાંચશો તો તમને ખબર પડશે કે યુક્રેનના પડખે અમેરિકા અને યુરોપના દેશો ઊભા રહ્યા છે. જો અત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે વૉર થાય તો પાકિસ્તાનને સાથની બાબતમાં પંગુતાનો અનુભવ કરવો પડે.
૧૯૬પ, ૧૯૭૧ અને કારગિલ વૉર સમયે પાકિસ્તાનને બાહ્ય સહકાર મળતો હતો, પણ છેલ્લાં ૧૦ વર્ષમાં એવી હાલત થઈ ગઈ છે કે પાકિસ્તાનને અન્ય દેશો પાસેથી સહકાર મળતો પણ બંધ થયો છે. વર્તમાનની વાત કરીએ તો આજના તબક્કે જો યુદ્ધ થાય તો અમેરિકા કોઈ કાળે ભારતનો સાથ નહીં છોડે અને ભારતને નથી છોડવું એટલે એ પાછલા બારણેથી પાકિસ્તાનને સહકાર આપવાની માનસિકતા પણ નહીં રાખે. રશિયા પહેલેથી ભારત સાથે રહ્યું છે એટલે અમેરિકા-રશિયા બે મહાસત્તા ભારતની સાથે રહેશે. વાત રહી ચીનની તો ચીન પણ હાલના તબક્કે પાકિસ્તાનને સહકાર આપવાનું કામ કરે એ વાત ગળે ઊતરતી નથી. ચીનની ઇચ્છા હશે તો પણ એ ખુલ્લેઆમ પાકિસ્તાનના સપોર્ટમાં નહીં આવે એટલું નક્કી છે. હવે પ્રશ્ન એ જાગે કે પાકિસ્તાનને સાથ કોણ આપશે?
જવાબ છે મુસ્લિમ દેશો, પણ એવા મુસ્લિમ દેશો જે ભારત અને ભારતની સાથોસાથ અમેરિકા-રશિયાને પણ નારાજ કરવા માગતા હોય. નરેન્દ્ર મોદીએ કરેલી વિદેશયાત્રાઓ અને એ યાત્રા દરમ્યાન કરવામાં આવેલી દોસ્તીને કારણે મુસ્લિમ દેશો પણ પાકિસ્તાનના પડખે ઊભા રહે એવું લાગતું નથી. મતલબ કે સાથની બાબતમાં પાકિસ્તાનના પક્ષમાં મસમોટું મીંડું જ રહેવાનું છે એ નક્કી છે અને એટલે જ અત્યારે પાકિસ્તાન રોજેરોજ અલ્લાહને એક જ બંદગી કરતું હશે કે પ્લીઝ, ભારત હુમલો ન કરે એવું કરજો.


