ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઇકૉનૉમિક કૉરિડોરના આ જે કરાર થયા છે એ કરાર ક્યાંક ને ક્યાંક ચાઇનાને પછડાટ આપવા માટે થયા છે

પ્રતીકાત્મક તસવીર
ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઇકૉનૉમિક કૉરિડોરની વાત તમે સાંભળી લીધી છે. G20ની દિલ્હી ખાતેની મીટિંગમાં આ કૉરિડોર પર સહીસિક્કા થયા. હવે એનું કામ આગળ વધશે અને ટ્રેન તથા દરિયાઈ માર્ગ સાથે છેક ભારતથી લઈને યુરોપ સુધીનો આખો કૉરિડોર બનશે, જેને લીધે માલ પરિવહનમાં એટલી સરળતા ઊભી થશે જે સરળતા અત્યારે ચાઇના પણ ભોગવી નથી રહ્યું.
આ જે કરાર થયા છે એ કરાર ક્યાંક ને ક્યાંક ચાઇનાને પછડાટ આપવા માટે થયા છે. આખી દુનિયા હવે ઇચ્છે છે કે ચાઇના પર કન્ટ્રોલ આવે અને આ ઇચ્છાઓના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક કોરોના વાઇરસ પણ છે. જગતભરમાં કોરોના ફેલાયા પછી હવે એ વાત ઓપન-સીક્રેટ છે કે એ મેન-મેઇડ વાઇરસ હતો અને એના ડેવલપમેન્ટમાં ચાઇનાનો હાથ હતો. ધારો કે એવું ન હોય તો પણ ચાઇનાની જે રીતે મહાસત્તાની દિશામાં આગેકૂચ રહી છે અને એણે જે બીજા દેશો પર જાસૂસી કરવાની નીતિ દર્શાવી છે એ નીતિથી પણ દુનિયા હવે ચાઇનાથી ખફા છે. આજની તારીખે આપણે ત્યાં પણ ચાઇનાની જે મોબાઇલ ઍપ્લિકેશન પર બૅન હતો એ યથાવત્ છે, તો અમેરિકામાં પણ અમુક ચાઇનીઝ પ્રોડક્ટ અને સેન્સર્સ વાપરવા પણ બૅન યથાવત્ છે. ચાઇનાને ઔકાત દેખાડવાનો સમય આવી ગયો છે એ સૌકોઈ જાણતું હતું, પણ મોટામાં મોટો પ્રૉબ્લેમ એ હતો કે કોઈકે આગેવાની લેવાની હતી અને એ આગેવાની માટે ભારત જ સર્વશ્રેષ્ઠ પુરવાર થતું હતું. બસ, રાહ જોવાતી હતી સ્ટ્રૅટેજીની અને G20માં એ સ્ટ્રૅટેજી રજૂ કરવામાં આવી, જેના પરિણામસ્વરૂપે ફાઇનલી એક એવો ઇકૉનૉમિક કૉરિડોર તૈયાર કરવાનું નક્કી થયું જે ભારતથી સીધેસીધો છેક યુરોપ સુધી પહોંચતો હોય.
આગળ કહ્યું એમ, આ ઇકૉનૉમિક કૉરિડોર બે રસ્તેથી જોડાયેલો રહેશે. સાઉદીથી ભારત સુધીનો માર્ગ દરિયાઈ હશે અને એ પછી ટ્રેનમાર્ગથી આગળ વધશે. આ ઇકૉનૉમિક કૉરિડોરનો સીધો બેનિફિટ ભારતને થવાનો છે અને એ બેનિફિટને કારણે ભારત સીધેસીધું ચાઇનાને લપડાક મારવાનું કામ કરવાના સ્તરે આવવાનું છે. એ જે લપડાક હશે એ ઇકૉનૉમી સ્તરની હશે. તમે કહી શકો કે આવતા એક દસકામાં ચાઇનાથી પણ ચારગણી ચડે એ સ્તરનું વૈશ્વિક પ્રોડક્શન ભારતની ગલીઓમાં થતું હશે અને એ પ્રોડક્શન દેશને જબરદસ્ત જાહોજલાલી આપવાનું કામ કરતું હશે.
વૈશ્વિક સ્તરે આપણી રેસ શરૂ થઈ ગઈ છે અને એ રેસમાં આપણી સામે માત્ર એક જ હરીફ છે ચાઇના, પણ આ આખી રેસનો સૌથી મહત્ત્વનો મુદ્દો જો કોઈ હોય તો એ કે દુનિયા નથી ઇચ્છતી કે હવે ચાઇના જીતે. દુનિયા નથી ઇચ્છતી કે ચાઇનાની હલકટાઈ અને ચાઇનાનું નરાધમપણું હવે એણે સહન કરવું પડે. નોકરીઓનો રાફડો ફાટવાનો છે અને વિશિષ્ટ સેવાની નદીઓ વહેવાની છે.
‘દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે...’
હા, આ ગીત આજના વિષય સાથે સુસંગતપણે બંધબેસતું છે. આપણે સર્વોચ્ચ સત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. વિકાસના એક એવા માર્ગ પર આપણે આગળ વધીએ છીએ જ્યાંથી આપણે દુનિયાભરને કહી શકીએ, ‘હમ જહાં ખડે રહતે હૈં લાઇન વહીં સે શુરુ હોતી હૈ...
એક્ઝૅક્ટલી.