Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > ઉત્સવોની બાબતમાં દુનિયાભરમાં ભારત સૌથી નસીબદાર છે

ઉત્સવોની બાબતમાં દુનિયાભરમાં ભારત સૌથી નસીબદાર છે

19 September, 2023 11:58 AM IST | Mumbai
Sarita Joshi | sarita.joshi@mid-day.com

શ્રાવણની સાથે પહેલાં શિવજી આવે, પછી સંતાન એવા ગણપતિજી આવે. દુંદાળાદેવ રવાના થાય કે તરત મા શક્તિ નવરાત્રિ લઈને આવે અને આવું તો આખું વર્ષ ચાલતું રહે. કેટલું સરસ કહેવાય. ઉત્સવોની આવી જાહોજલાલી દુનિયાના કોઈ દેશ પાસે નથી

ગણેશ બાપ્પા

ગણેશ બાપ્પા


આજે તો બાપ્પાનો દિવસ.
આજથી ગણેશ મહોત્સવની ઉજવણી શરૂ થશે અને હવે બધા બાપ્પામય થઈ જશે. બહુ આનંદ આવશે. નાની હતી ત્યારે હું ગણેશોત્સવની રીતસર રાહ જોતી. ઉત્સાહ તો મારો એટલો જ, પણ નાનપણનો ઉત્સાહ જરા જુદો હોય એ તો સમજી જ શકો છો. એ સમયે તો લાડુ અને બાપ્પાને ધરેલો બીજો પ્રસાદ ખાવા મળતો, સારાં કપડાં પહેરવાની ખુશી મળતી, તો સાથોસાથ સવારે જાગીને અલગ-અલગ ગણપતિ જોવા જવાનો લહાવો મળતો. હજી પણ હું જો કોઈ નજીકની વ્યક્તિને ત્યાં બાપ્પાની પધરામણી થઈ હોય ત્યાં જાઉં ખરી, પણ બાકી પ્રયાસ કરું કે બને ત્યાં સુધી બહુ ભાગમભાગ ન કરું.
ગણપતિબાપ્પાને મળવાનો આનંદ, તેમના ઘરે પધરામણી કરાવવાની ખુશી કંઈક જુદી જ હોય છે. બાપ્પાને વિઘ્નહર્તા કહેવામાં આવે છે, વિઘ્ન હરે એવા અને આ સાચું પણ છે. તમે બાપ્પાને ઘરે લાવો કે ન લાવો, તમે બાપ્પાનાં દર્શન માટે તેમની પાસે જઈ શકો કે ન જઈ શકો, પણ બાપ્પાને જો તમે ખરા દિલથી કહ્યું હોય તો બાપ્પા તમને બીજી વખત બોલાવે નહીં અને તમારી તકલીફો, તમારી મુશ્કેલીઓ દૂર કરે જ કરે. હું કહું તો જરા પણ ખોટું નહીં કહેવાય, મને તો બાપ્પાના આવા અનેક અનુભવ થયા છે અને એ અનુભવના આધારે જ કહું છું કે બાપ્પાનો આ તહેવાર દિલથી માણજો અને જ્યાં પણ જઈ શકો, જેને પણ ત્યાં ગણપતિબાપ્પા આવ્યા હોય તેમને ત્યાં જઈને બાપ્પાને મળજો. બાપ્પા ભાવના ભૂખ્યા છે. તેમને તમે જઈને મળો એટલે તરત તમારા પર તે પોતાનો સ્નેહ વરસાવીને તમામ તકલીફો દૂર કરે જે તમને કનડતી હોય.
ગણેશોત્સવના આ દિવસોમાં અમારી આ જે ટીવી-ઇન્ડસ્ટ્રી છે, જે રંગભૂમિ છે એ બધામાં પણ એક નાનકડો બ્રેક આવી જાય. શૂટિંગ સાંજે વહેલું પૂરું કરી દેવામાં આવે. મરાઠી નાટકોમાં તો એમ જ કહો કે વેકેશન થઈ જાય અને ગુજરાતી નાટકોના ચૅરિટી શો બપોરના સમયે જ ગોઠવાય, રાતના શો તો આ દિવસોમાં બંધ જ થઈ જાય અને બંધ થાય પણ શું કામ નહીં, બાપ્પા જ્યારે તમારા ઘરે પધાર્યા હોય, બાપ્પા જ્યારે સોસાયટીમાં આવ્યા હોય ત્યારે એની ઉજવણી કરવાની હોય. તેમનાં વધામણાં લેવાનાં હોય.
ગણપતિ પછી પાછળ નવરાત્રિ આવશે. તમે જુઓ કેટલું સરસ આયોજન થયું છે. પહેલાં શ્રાવણ આવે, શ્રાવણમાં પરિવારના આગેવાન આપણા બધાના મહાદેવનું આગમન થાય. શિવ વિદાય લે કે તરત તેમના સંતાન તથા સમગ્ર ગણના પતિ એવા ગણપતિનું આગમન થાય. ગણપતિની વિદાય થાય એટલે શક્તિ આગમનની પડઘમ વાગવા માંડે અને નવરાત્રિની તૈયારીઓ ચાલુ થઈ જાય. આવું સરસ આયોજન દુનિયામાં એક પણ દેશમાં નહીં હોય એવું હું દાવા સાથે કહું છું.
તહેવારોની બાબતમાં ભારત જેટલો નસીબદાર દેશ દુનિયામાં બીજો કોઈ નથી અને આ વાત પણ હું દાવા સાથે કહી શકું. આપણા કલ્ચરમાં રહેલું વૈવિધ્ય જ આપણને સૌને જાતજાતના ઉત્સવોનો આનંદ લેવાની તક પૂરી પાડે છે ત્યારે એ તકનો લાભ લેજો અને કવિ મકરંદ દવેની પંક્તિનું પાલન કરજો, 
‘ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ,
ગમતાંનો કરીએ ગુલાલ.’
આ તહેવારો આવે, ઉત્સવો આવે ત્યારે તમારી સાથે જોડાયેલા, તમારું નાનું-મોટું કામ કરતા લોકોના ઘરમાં પણ તહેવારોની ઉજવણી થાય એવું કામ પણ કરજો. તેમને નવાં કપડાં લઈ આપજો, ઘર માટે મીઠાઈ ખરીદો તો એ જ મીઠાઈ તેમનાં બાળકો માટે પણ લઈ જજો. તેમને આર્થિક સંકડામણ હોય તો એમાં પણ મદદ કરજો. તમારી હાઉસ-હેલ્પ, આયા, કામવાળા કે પછી તમે જે કહેતા હો એ... તે તમારા જીવનને વધારે સરળ બનાવવાનું જવાબદારીભર્યું કામ કરે છે તો આવતા આ ઉત્સવોમાં તેમને સાથે રાખીને તમે પણ તમારી જવાબદારીનું પાલન કરજો અને તેમના ઘરના તહેવારોમાં પણ રોનક લાવજો. ધર્મ એટલે માત્ર પ્રભુધ્યાન નહીં, ધર્મ એટલે જ્યાં પણ અને જેમનામાં પણ ઈશ્વર વસે છે એ લોકોને ખુશ કરવાની દિશામાં કામ પણ કરવું. એટલે જ તો કહેવાયું છે કે માનવધર્મથી ઊંચું આ દુનિયામાં બીજું કશું નથી.

માનવધર્મની વાત ચાલે છે ત્યારે મારે કહેવું છે કે આ જ માનવના મનમાં ક્યાંય કોઈ રંજ રહી ગયો હોય, કોઈ દ્વેષ બંધાયો હોય તો એને માટે આજે માફી માગવાનો પણ બહુ સરસ દિવસ છે, સંવત્સરી. જૈનોએ કેટલો સરસ ઉત્સવ ઊભો કર્યો છે, માફી માગવાનો ઉત્સવ અને ખરેખર આ બહુ મોટી વાત કહેવાય.
માણસને જો કોઈ વાતની તકલીફ પડતી હોય તો એક જ, તે માફી ન માગી શકે. તેનો અહમ્ એટલો પડછંદ થઈ ગયો છે કે એ ઝૂકી નથી શકતો અને તેની સામે આજના આ પવિત્ર દિવસે જૈનો બે હાથ જોડી સૌકોઈને કહેશે, મિચ્છા મિ દુક્કડં. નાના મોટાને કહેશે અને સાથોસાથ મોટા પણ નાનાને કહેશે અને વર્ષ દરમ્યાન ક્યાંય પણ ક્યારેય પણ ભૂલ થઈ હોય તો એને માટે સંકોચ વિના માફી માગી લેશે.
શું કામ આપણે પણ આ વાતનો સ્વીકાર ન કરીએ?
શું કામ આપણે પણ આ ભાવને મનમાં ન લાવી શકીએ અને શું કામ આપણે પણ મોટું મન રાખીને માફી માગતાં ન શીખીએ? 
ઝૂકે એ તો દુનિયામાં સૌને વહાલા લાગતા હોય છે તો પછી મન, વચન કે અંતઃકરણથી ભૂલ કરી હોય તો ઝૂકવામાં ખોટું પણ શું છે. જૈન ધર્મની ફિલોસૉફીને બહુ સારી રીતે હું જાણી નથી શકી, પણ હા, એક વાતની મને ખબર છે કે જૈનો માને છે કે માફી માગવાથી મોટી કોઈ વીરતા હોતી જ નથી અને એટલે જે માફી માગી શકે છે તે મહાવીર સરીખા છે. વીર નહીં, પણ મહાન વીર કહેવાય એવા મહાવીર અને જો એ મહાવીર છે તો ભલે આપણે જૈન ન હોઈએ, ભલે આપણે 
જૈનિઝમ વિશે વધારે ન જાણતા હોઈએ, પણ સાહેબ, જૈનોના જીવનના આ સર્વોચ્ચ સિદ્ધાંતનો સ્વીકાર કરીને આપણે પણ મહાવીરના રસ્તે ચાલી તો શકીએ છીએ. ચાલી પણ શકીએ અને સાથોસાથ આપણે આપણી જાતને ભૂલના ભારમાંથી મુક્ત પણ કરી શકીએ. જો આટલો સરસ 
અવસર મળ્યો હોય તો એને ગુમાવવો પાલવે જ નહીં.
આજના આ સર્વોચ્ચ પવિત્ર દિવસે હું પણ મારા ઑડિયન્સ, મારા દર્શકો સમક્ષ બે હાથ જોડીને નમ્રભાવે કહું છુંઃ મિચ્છા મિ દુક્કડં. જાણતાં-અજાણતાં મેં જો ક્યાંય કોઈનું દિલ દૂભવ્યું હોય, કોઈનું અહિત થાય એવું કૃત્ય થઈ ગયું હોય તો મોટું મન રાખી, મહાવીર બની મને માફ કરજો અને સાથોસાથ મારી ભૂલ સામે ધ્યાન પણ દોરજો, જેથી હું એનું પુનરાવર્તન ન કરું. આજના આ સર્વોચ્ચ પવિત્ર દિવસે મને ક્યારેક કોઈ વાતમાં અજાણતાં જ દુઃખ પહોંચાડનારા અને અજાણતાં જ મારું હૃદય દૂભવનારા સૌકોઈને બે હાથ જોડીને માફ કરું છું એટલે તે પણ પોતાના મન પર એ વાતનો ભાર રાખે નહીં અને આજથી, આ ઘડીથી જીવનની નવી શરૂઆત કરી ગણપતિબાપ્પામય બનીને વિઘ્નહર્તાના આ ઉત્સવને પ્રેમપૂર્વક, સ્નેહ સાથે માણે.
મળીએ આવતા મંગળવારે, ‘ચંદરવો’ની વાતને આગળ વધારીશું આપણે આવતા મંગળવારે, ત્યાં સુધી, ‘ગણપતિબાપ્પા મોરયા...’


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2023 11:58 AM IST | Mumbai | Sarita Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK