° °

આજનું ઇ-પેપર
Wednesday, 23 June, 2021


બિગ બૉસ જોતા‍ હો તો તો ખાસ વાંચો બિગ બૉસ ન જોતા હો તો અચૂક વાંચો

30 October, 2020 04:02 PM IST | Mumbai | Rashmin Shah

બિગ બૉસ જોતા‍ હો તો તો ખાસ વાંચો બિગ બૉસ ન જોતા હો તો અચૂક વાંચો

બિગ બૉસ જોતા‍ હો તો તો ખાસ વાંચો બિગ બૉસ ન જોતા હો તો અચૂક વાંચો

બિગ બૉસ.

યસ, એ જ ‘બિગ બૉસ’ જે રિયલિટી શોના ફૉર્મેટમાં ઘરમાં આવે છે અને દરરોજ રાતે મગજનું દહીં કરે છે. મગજનું દહીં પણ કરે છે અને મગજની પત્તર પણ ફાડે છે. પત્તર પણ ફાડે છે અને કળીએ-કળીએ જીવ પણ કપાય છે. જીવ પણ કપાય છે અને ભારોભાર ખુન્નસ પણ વધે છે. એ જ રિયલિટી શો જે જોતી વખતે એ ઘરમાં રહેલા એકેકને મણ-મણની ચોપડાવવાનું મન થઈ આવે તો સાથોસાથ જે જોયા પછી જાતને પણ ભાંડવાનું મન થઈ આવે કે આવો તે સમય વેડફાતો હશે? નિક્કી તંબોલા કે રાહુલ વૈદ્ય કે પછી જાન શાનુને જોઈને શું કરવાનું? એકને કરોડરજ્જુ નથી, એકને અકોણાઈ કરીને પણ ગર્વનો અનુભવ થઈ રહ્યો છે તો એક તળિયા વિનાના લોટાની વ્યાખ્યા યાદ અપાવવાનું કામ કરે છે. આ ત્રણ નામ તો એમ જ લખ્યાં છે, ઘરમાં તમામેતમામ સભ્યો એવા છે જેને કોઈ ગાળની ઉપમા આપી શકાય અને જેને કોઈ અપશબ્દ સાથે સરખાવી શકાય. મા-સમાણી ગાળ પણ આછી અને પાતળી લાગે એવા આ બધાને એક ઘરમાં જોતી વખતે પારાવાર અફસોસ એ વાતનો થતો રહે કે શું કામ ઑડિયન્સના સમયને આટલો વાહિયાત રીતે બગાડ કરવામાં આવતો હશે? શું કામ આ પાત્રોના વાહિયાત વર્તનને દર્શાવીને ઑડિયન્સની માનસિકતા વિકૃત કરવામાં આવતી હશે? શું કામ, શું કામ આ પ્રકારના રિયલિટી શો દેખાડીને વાણી અને વર્તનની સભ્યતા બગાડવાનું કામ થતું હશે?

જો તમારા મનમાં આ સવાલ આવતા હોય તો તમને કહેવાનું કે સપાટી પર દેખાતા દૃશ્યના ગર્ભમાં જવાબ છુપાયેલો છે અને ધારો કે તમારા મનમાં આ કે પછી આવા કોઈ પણ જાતના સવાલ નથી આવી રહ્યા તો તમે માત્ર દર્શક બનીને શો જોઈ રહ્યા છો. નહીં કરો એવું, એવું કરશો તો પેલો ગંદવાડ તમારા મગજમાં ઠલવાશે એ નક્કી છે. બહેતર છે કે દેખાઈ રહેલા દૃશ્યના પેટાળમાં રહેલો જવાબ જુઓ, સમજો અને એ સમજ્યા પછી એનો જીવનમાં અમલ કરો.

સાહેબ, આ ‘બિગ બૉસ’ કહે છે, દુનિયા આવી જ છે અને આવી દુનિયા વચ્ચે જ તમારે રહેવાનું છે. રહેવાનું પણ હસતા મોઢે છે અને એટલે જ બહેતર છે કે કોઈ વાતને મનમાં રાખ્યા વિના, કોઈ જાતનો ભાર વેંઢાર્યા વિના આગળ વધો અને આગળ વધતી વખતે પણ મનમાં કોઈ જાતનો સંતાપ નહીં રાખો. ‘બિગ બૉસ’ જોતા હો તો સમજજો, પરિવારમાં પણ આ જ પ્રકારના છે અને ‘બિગ બૉસ’ જોતા હો તો મનમાં રાખજો, આ જ પ્રકારનું વાતાવરણ ઑફિસમાં પણ મળવાનું છે. કોઈ પીઠ પાછળ ઘા કરશે, કોઈ કૂથલીબાજ બનશે, કોઈ તમારી મહેનત જોઈને ટાંટિયા ખેંચ કરશે અને શોમાં જેમ નૉમિનેશન કરવામાં આવે એવી જ રીતે તમને પણ નીચા દેખાડવા માટે નૉમિનેશનના પ્રયાસો થતા રહેશે. રિયલિટી શોમાં, ખાસ કરીને ‘બિગ બૉસ’ જેવા રિયલિટી શોમાં સ્ટ્રૉન્ગ કન્ટેસ્ટન્ટના વિરોધીઓનો તૂટો નથી હોતો. રિયલ લાઇફનો પણ આ જ સિદ્ધાંત છે સાહેબ. જે સ્ટ્રૉન્ગ હશે, જે મજબૂત છે, જેના ચાહકો વધારે છે અને જેના પ્રશંસકોનો તૂટો નથી તેને જ પછાડવાના પ્રયાસો થાય છે.

જોયું, ક્યારેય નબળાનું કોઈ દુશ્મન બન્યું. દુશ્મનો બાહુબલીના હોય, મગતરાના નસીબમાં દુશ્મનનું સુખ લખાયું નથી હોતું.

ભલે પાછળ પડે સૌકોઈ, ભલે પીઠ પાછળ વાર થતા રહે અને ભલે કૂથલીબાજના મોઢેથી એકધારી કૂથલીઓ નીકળ્યા કરે; તમારે આંખ સામે ‘બિગ બૉસ’ રાખવાનો છે અને ‘બિગ બૉસ’ને જીવનમાં અમલી બનાવવાનો છે. આજુબાજુમાં રહેલા ભસનારાઓ ભલે ભસે, તમને કોઈ ફરક ન પડવો જોઈએ. ફરક પણ ન પડવો જોઈએ અને એનો ભાર પણ ન વર્તાવો જોઈએ. ભૂલીને આગળ વધવાની તૈયારી પણ હોવી જોઈએ અને એને જીતની દિશા પણ નિશ્ચિત હોવી જોઈએ. દર અઠવાડિયે એક નવી પરીક્ષા લેવાશે. દર અઠવાડિયે જાતને પુરવાર કરવી પડશે. સ્ટ્રૉન્ગ હો તો પણ અને સ્ટ્રૉન્ગ બનવું હોય તો પણ. આગળ વધતા હો તો પણ, આગળ વધવાની ભાવના ધરાવતા હો તો પણ અને રેસમાં હો તો પણ. રેસનો નિયમ છે. એ ક્યારેય હારવા માટે નથી કરવામાં નથી આવતી. રેસમાં ઊતર્યા પછી એ રેસને પાર કરવાની હોય છે અને પહેલા નંબરે આવવા માટે તનતોડ મહેનત કરવાની છે. આ મહેનત કરતી વખતે ઘોડાનું લક્ષ્ય એક જ હોય છે, સીધી નજર. એ નજર આજુબાજુમાં થવી ન જોઈએ. ગમતી ઘોડી બાજુમાં આવી ગઈ હોય તો પણ નહીં અને પાડોશી ઘોડો લગોલગ ચાલતો હોય તો પણ નહીં. નહીં માફ નીચું નિશાન. ‘બિગ બૉસ’ જ શીખવે છે દોડતા રહેવાનું છે અને ભાગતા રહેવાનું છે. સમયાંતરે સાથ આપનારાઓને છોડતા પણ જવાના છે અને છોડ્યા પછી ફરીથી મક્કમ થઈને આગળ નીકળવાનું છે. આ જ ‘બિગ બૉસ’ સમજાવે છે કે કલાક પહેલાં કહેવાયેલી વાત ભૂલીને નવેસરથી સાથ માટે તેની જ સામે જોવાનું છે જેણે વાર કરી લીધો હતો,.આ જ ‘બિગ બૉસ’ શીખવે છે કે હાથ લંબાવતી વખતે પણ ભૂલવાનું નથી કે આ જ હાથ અગાઉ વાર કરી ચૂક્યા છે અને આ જ ‘બિગ બૉસ’ શીખવે છે, દરેક ઘટના હેતુ ક્લિયર કરતો જાય છે, જરૂર છે એ દૃષ્ટિકોણની.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

30 October, 2020 04:02 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK