Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ‘વાગલે કી દુનિયા’ સિરિયલ નહીં, પણ એક ટ્વેબ-શો છે

‘વાગલે કી દુનિયા’ સિરિયલ નહીં, પણ એક ટ્વેબ-શો છે

17 November, 2022 05:01 PM IST | Mumbai
JD Majethia

આ શોને અમે એક ફિલ્મ કે પછી વેબ-સિરીઝની જેમ ટ્રીટ કરીએ છીએ અને એટલે જ હું ‘વાગલે કી દુનિયા’ને ટ્વેબ-શો કહેતો હોઉં છું, જે હકીકતમાં સાવ સાચું પણ છે. ‘વાગલે કી દુનિયા’એ આ નવું ફૉર્મ દુનિયાને આપ્યું છે

‘વાગલે કી દુનિયા’ સિરિયલ નહીં, પણ એક ટ્વેબ-શો છે

‘વાગલે કી દુનિયા’ સિરિયલ નહીં, પણ એક ટ્વેબ-શો છે


તમે જોઈ લો, તમારા જેવું વ્યક્તિત્વ તમને બહુ ઓછા માણસોમાં જોવા મળશે. તમારા પરિવાર જેવો પરિવાર પણ તમને બહુ ઓછો જોવા મળશે. આમ ઘણી ચીજોમાં તમને સિમિલૅરિટી જોવા મળશે અને એનો એક આનંદ છે, એની એક મજા છે કે જ્યારે દીકરી પપ્પાને જોઈને એવું કહે કે તમે તો રાજેશ વાગલે જેવા છો.

આપણે વાત કરીએ છીએ ‘વાગલે કી દુનિયા’ની અને એના થયેલા ૫૦૦ એપિસોડની. હું આ ૫૦૦ એપિસોડથી ખરેખર ખૂબ જ એક્સાઇટ છું. એવું નથી કે અગાઉ મારી કોઈ સિરિયલના આટલા એપિસોડ ન થયા હોય. થયા છે અને અનેક સિરિયલોના થયા છે તો ‘ખિચડી’ સિરિયલ તો બબ્બે વાર બની, એના પરથી વેબ-સિરીઝ પણ બની અને એ પછી એ જ કૅરૅક્ટર સાથે અમે ફિલ્મ પણ બનાવી. આવું પણ અગાઉ આપણે ત્યાં ક્યારેય બન્યું નથી. કહેવાનો મતલબ એટલો જ કે ‘વાગલે કી દુનિયા’નું અચીવમેન્ટ આંકડાની દૃષ્ટિએ સામાન્ય ભલે હોય, પણ આ અચીવમેન્ટ મારી લાઇફમાં બહુ મોટું છે અને એટલે જ હું એ બધી વાતો તમારી સાથે શૅર કરું છું.તમને કહ્યું એમ, લાંબા સમયથી લખવાનું મારું છૂટી ગયું હતું. મોટા ભાગે આ કામ આતિશ કાપડિયા જ સંભાળી લે, પણ ઘણા વખતે મેં ‘વાગલે કી દુનિયા’માં લખવાનું ચાલુ કર્યું. વાર્તાઓ લખી, સ્ક્રીનપ્લેમાં મારા વિચારો આપ્યા અને ઘણી વાર તો સિરિયલના સંવાદો પણ લખ્યા. મને લખવાની બહુ મજા આવી, પણ અત્યારે મારી વાત નથી કરતો, આપણે વાત કરીએ છીએ ‘વાગલે કી દુનિયા’ના ૫૦૦ એપિસોડની એટલે એના પર આવી જઈએ. 


કોવિડના પિરિયડમાં શરૂ થયેલી આ સિરિયલ સમયે કોવિડનો માહોલ જબરદસ્ત ટેન્શનવાળો હતો અને તમે સૌ જાણો જ છો કે આ કોવિડે આપણને ઘણું બધું દેખાડ્યું તો એવી જ રીતે કોવિડમાં આપણને ઘણું બધું શીખવા પણ મળ્યું. ઘણા ફાયદા પણ થયા. કોવિડથી થયેલા ફાયદાઓમાં જો સૌથી મોટો અને અગત્યનો કોઈ ફાયદો મને દેખાતો હોય તો એ છે ઝૂમ કૉલ. હા ઝૂમ કૉલનો લાભ કંપનીઓને ખૂબ મોટો થયો. તમે જુઓ તો તમને પણ સમજાશે કે આજની તારીખે જો કોઈ સૌથી મોટી ક્રાન્તિ લાવ્યું હોય તો એ છે આ ઝૂમ કૉલ. આપણે ક્યાંય પણ હોઈએ, ઝૂમ વિડિયો કૉલ પર પંદર-વીસ-પચ્ચીસ લોકો ભેગા થઈ જઈએ છીએ. 

જન્મદિવસ હોય કે પછી કોઈની અંતિમયાત્રા કે પછી જીવન-મરણ વચ્ચે આવતી કોઈ પણ ઘટના હોય. ઝૂમ કૉલથી લોકો જોડાતા થઈ ગયા અને એવા જોડાયા કે એ રોજિંદું જીવન બની ગયું. આજે પણ એનો ઉપયોગ થાય છે અને એને લીધે અનેક પ્રકારની દોડધામ પણ ઘટી ગઈ છે.


આ ઝૂમ કૉલથી અમે પણ જોડાવાનું શરૂ કર્યું જે અમને ‘વાગલે કી દુનિયા’એ જ કરાવ્યું એમ કહું તો ચાલે. જેમ મેં અગાઉ કહ્યું એમ, ‘વાગલે કી દુનિયા’માં આવતી વાર્તાને અલગ-અલગ રીતે અમારે દેખાડવાની હોય છે. હું દરેક લેખક, કલાકાર, દિગ્દર્શકને એમ જ કહું કે આ આપણી એક ફિલ્મ છે. એક એપિસોડ હોય તો એવું માનો કે આ બાવીસ મિનિટની એક ફિલ્મ છે અને બે એપિસોડની વાર્તા હોય તો એવું સમજો કે આ તમારી ૪૫ મિનિટની એક ફિલ્મ છે. આ વિષય અને આ વાર્તા કે પાત્રો આ જ રહેશે અને એને આપણે રજૂ કરીશું વાગલે ફૅમિલીના પૉઇન્ટ ઑફ વ્યુથી. મને લાગે છે કે ‘વાગલે કી દુનિયા’ સફળ રહી એની પાછળનું એક કારણ અમારું આ મંતવ્ય પણ છે. અમે ખરેખર આ સિરિયલની દરેક સ્ટોરીને ફિલ્મ કે વેબ-સિરીઝ તરીકે જ ટ્રીટ કરીએ છીએ અને આ જ કારણ છે કે હું ‘વાગલે કી દુનિયા’ને ટ્વેબ-સિરીઝ કહું છું.

અમારો આ જે મત છે, આ જે પૉઇન્ટ ઑફ વ્યુ છે એનાથી માંડીને સ્ટોરી, ડિરેક્શન ઇન્સ્ટ્રક્શન અને એવી બીજી બધી બાબતો પર રોજ ચર્ચા કરવાની હોય તો આ ઝૂમ કૉલ પર અમે આવી જઈએ. હું, કલાકારો, ટેક્નિશ્યન, ડિરેક્ટર અને અમારી ક્રીએટિવ ટીમ જોડાઈ જઈએ અને બધા સાથે વાત કરીએ કે આ વાર્તામાં આપણું મહત્ત્વનું પાસું આ છે અને આમાં તમારાં પાત્રોમાં, તમારી વર્તણૂકમાં આ બદલાવ લાવજો, આને આ રીતે ટેક્નિકલી ક્રીએટ કરજો, આ કૉમેડી છે, આ ઇમોશનલ છે, આ ડ્રામા છે. આમાં અથર્વ આમ કરશે, સખીનો અપ્રોચ આવો રહેશે. રાજેશ વાગલે ફૅમિલીને સંભાળીને કૉમેડી પણ કરશે અને લોકો કન્વિન્સ પણ થાય એ જોતો રહેશે. આ અને આવી ચર્ચાઓ વચ્ચે અમારું કામ આગળ વધે. ઘણી વાર દિવસમાં એક વાર તો ઘણી વાર દિવસમાં બે વાર પણ ઝૂમ કૉલ પર આ ડિસ્કશન-શેસન ચાલે. મેં તમને કહ્યુંને કે આ જુદા જ લેવલનો શો છે. શરૂઆતથી અમે આ જ કરતા હતા અને આજે પણ અમે આ જ રસ્તો પકડી રાખ્યો છે. પ્રામાણિકતાથી તમને કહું કે મેં વિશ્વમાં ક્યાંય જોયું નથી કે આ રીતે આખો શો ડિઝાઇન થયો હોય. આ જ નહીં, આવું ખૂબ બધું છે ‘વાગલે કી દુનિયા’માં જે પહેલી વાર બન્યું હોય.
વાગલે ફૅમિલી જે સોસાયટીમાં રહે છે ત્યાં ખૂબ બધાં પાત્રો છે અને એ દરેક પાત્ર ઑડિયન્સે, તમે પસંદ કર્યું છે. ઑફિસમાં પણ એવું જ છે. ઘણાં પાત્રો છે. ઑફિસની વાત કરું તો એ એક એવા મિડલ ક્લાસ માણસની ઑફિસ છે જે બહુ ડાયનૅમિક નથી. એ માણસને સતત આવતી તકલીફ અને પ્રોફેશનલ લાઇફની ચૅલેન્જિસ તો સાથોસાથ ઇન્કમની બાબતમાં પણ ચૅલેન્જ સતત ઊભી રહે છે. મેં તમન કહ્યુંને કે આપણી લાઇફમાં ખર્ચો તો વધતો જ જાય છે. હમણાં જ અમે વાગલે ફૅમિલીનાં દીકરા-દીકરી એટલે કે સખી અને અથર્વને મોટાં કર્યાં, સ્કૂલ-કૉલેજમાં આગળ વધાર્યાં. તમે મહાસંગમમાં જોયું હશે કે કેવી રીતે અમે બે સિરિયલનાં કૅરૅક્ટર એટલે કે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ની રાશિ અને આપણા વાગલે ફૅમિલીના અથર્વને ભેગાં કર્યાં. કહેવાનો ભાવાર્થ એ જ કે સિરિયલ છે તો એની રીતે એ ચાલ્યા કરે એવું અમારા મનમાં દૂર-દૂર સુધી હોતું નથી. અમે સતત એવું ઇચ્છીએ છીએ કે લોકો આ આખી દુનિયાને પોતાની દુનિયા તરીકે જુએ અને રિલેટ કરે. 

તમે જોઈ લો, તમારા જેવું વ્યક્તિત્વ તમને બહુ ઓછા માણસોમાં જોવા મળશે, તમારા પરિવાર જેવો પરિવાર પણ તમને બહુ ઓછો જોવા મળશે. આમ ઘણી ચીજોમાં તમને સિમિલરિટી જોવા મળશે અને એનો એક આનંદ છે, એની એક મજા છે કે જ્યારે દીકરી પપ્પાને જોઈને એવું કહે કે તમે તો રાજેશ વાગલે જેવા છો. હા, આ સાવ સાચું છે અને આવું બન્યું પણ છે.

સખી જ્યારે તેની એજના એક છોકરાની સહેજ નજીક જતી દેખાય છે ત્યારે રાજેશ વાગલે કેવો હાંફળોફાંફળો થઈ જાય છે, એ એપિસોડ યાદ કરો. દરેક પપ્પા આવા જ હોય. આ જે ઇનસિક્યૉરિટી છે એ પપ્પાનો પ્રેમ છે. હું પણ મારી દીકરી સાથે આવું જ વર્તું, જેવું રાજેશ વાગલે વર્તે છે અને અમારે એ જ કરવું હતું, કરવું છે. તમને દરેક વાત, દરેક વાર્તા તમારી લાગે અને તમે એ જોતી વખતે મૂછમાં મલકાતા હો કે આ બધું હું કરું છું કે પછી આ બધું મારી સાથે બને છે.

મારે એક વાત અત્યારે ખાસ કહેવી છે. બૅકબોન વિના ૫૦૦ શોની જર્ની અને એ પણ આ પ્રકારના શોની, શક્ય બને જ નહીં. પ૦૦ શોની આ જર્નીમાં સોની સબનો અમને બહુ મોટો સપોર્ટ, બહુ મોટો ફાળો રહ્યો છે. સોની સબ સાથે કરેલા અમારા બધા જ શો સારા ચાલ્યા છે. ‘ભાખરવડી’થી લઈને ‘બડી દૂર સે આયે હૈં’ અને બીજા પણ શો જે અમે સોની સબ પર કર્યા એ ઑડિયન્સને પણ ખૂબ ગમ્યા એ અમારે માટે સૌથી મોટી સફળતા છે. હું સોની સબ અને સોની સબના બિઝનેસ હેડ નીરજ વ્યાસનો ખરેખર આભાર માનીશ કે તેમણે આ શો થકી મને અને તમને અંદરથી રિચ થવાનો મોકો આપ્યો. આજે પણ મને એ દિવસ યાદ છે જ્યારે નીરજ વ્યાસે મને અંગુલીનિર્દેશ કરતાં પૂછ્યું હતું, ‘જેડી, ‘વાગલે કી દુનિયા’ કે લિએ તુમ્હારા ક્યા માનના હૈ?’

આ જ વાતને આપણે આગળ કન્ટિન્યુ કરીશું, પણ હવે આવતા ગુરુવારે, ત્યાં સુધી ‘વાગલે કી દુનિયા’ જોવાનું ચૂકતા નહીં. કારણ કે આ ૫૦૦ એપિસોડનો પહેલો જશ જો કોઈને જતો હોય તો એ તમે છો. તમે અને માત્ર તમે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2022 05:01 PM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK