તમે જે વાત, વસ્તુ, વ્યક્તિને પામવા માગતા હો એને ખરા દિલથી માગો તો સૃષ્ટિ પણ તમારા સુધી એ લઈ આવવાનું કામ કરે છે.
પ્રતીકાત્મક તસવીર
આ પ્રકારનો કોઈ ફિલ્મી ડાયલૉગ પણ હતો અને આ જ પ્રકારના સંવાદો નવલકથામાં પણ લખાઈ ચૂક્યા છે, જે હકીકતમાં ઉપનિષદનો સંદેશ છે. આજે આપણે જેને લૉ-ઑફ-ઍટ્રૅક્શન કહીએ છીએ એનો ઉલ્લેખ આપણાં પુરાણોમાં પણ અનેક જગ્યાએ જોવા મળ્યો છે પણ મહત્ત્વનું એ છે કે આ લૉ ઑફ ઍટ્રૅક્શન એટલે જે ઇચ્છા હોય એને કેવી રીતે વ્યક્ત કરવાથી એ સાકાર થાય? લૉ ઑફ ઍટ્રૅક્શન સંપૂર્ણપણે સત્ય છે અને જો એને સાચી રીતે, યોગ્ય પ્રકારે કરવામાં આવે તો એનું રિઝલ્ટ આવે જ આવે છે. એ રિઝલ્ટ માટેની પ્રક્રિયા કેવી હોવી જોઈએ એ સમજવા જેવું છે.
૧. તમારી જે ઇચ્છા હોય એને એમ જ મનમાં લાવવાથી પરિણામ નહીં મળે. તમારે તમારી ઇચ્છાને તમારા જીવન સાથે જોડીને એક ઘટનાક્રમ ઊભો કરવો પડશે અને એ ઘટનાક્રમ મુજબ એ ઇચ્છાને તમારા મનમાં લાવવી પડશે. ઉદાહરણ સાથે વાત સમજીએ. જો તમે કારની ઇચ્છા ધરાવતા હો તો ‘મને કાર મળી જાય’, ‘મને કાર મળી જાય’ એવું કરવાથી કંઈ નહીં વળે પણ કાર મળ્યા પછી તમે એની સાથે કેવી રીતે તમારો રોજબરોજનો ઘટનાક્રમ ચલાવો છો એ વાત તમારા મનમાં સતત ચાલતી રહેવી જોઈએ અને એ એવી રીતે ચાલવી જોઈએ જાણે કે અત્યારે તમારી પાસે કાર આવી ગઈ છે અને તમે એના માલિક છો.
૨. તમારી જે ઇચ્છા હોય એ ઘટનાક્રમનો મનોમન એક સ્ક્રીનપ્લે બનાવો. જો એવું લાગે તો તમે એ પેપર પર પણ લખી શકો છો. લખેલી કે પછી મનમાં નક્કી કર્યા મુજબની વાતને વિઝ્યુઅલાઇઝેશનના લેવલ પર લઈ જવાની છે. જો તમે તમારી ઇચ્છાઓ પૂર્ણ થઈ એવું નરી આંખે જોઈ શકતા થઈ જશો અને એ પણ સહજ રીતે તો સૃષ્ટિ પણ તમારી એ ઇચ્છા પૂરી કરવાની દિશામાં કામે લાગી જશે પણ હા, માત્ર ઇચ્છા કરીને બેસી રહેવાથી નહીં ચાલે. એ દિશામાં તમારે નક્કર પગલાં પણ લેવાં પડશે. પગલાં લેશો તો અને તો જ તકદીર અને તબદીર બન્નેનો સમન્વય થશે અને તમને જોઈતું રિઝલ્ટ મળશે.
૩. લૉ ઓફ ઍટ્રૅક્શનના બે સ્ટ્રૉન્ગ નિયમ છે. પહેલો, એ ‘ના’ કે ‘નહીં’ મતલબ કે નકાર સાંભળતું નથી એટલે ક્યારેય તમારા વિચારોમાં નકારાત્મક વાત ન હોવી જોઈએ. જો એ હશે તો તમારી હાલત રણમાં પાણી શોધવા જેવી થઈ જશે. બીજો નિયમ, લૉ ઑફ ઍટ્રૅક્શન ક્યારેય નેગેટિવ ઇચ્છા પૂરી નથી કરતો. મતલબ કે કોઈને નુકસાન જાય કે પછી કોઈનું મૃત્યુ થાય એવી વાત પૂર્ણ કરવા માટે લૉ ઑફ ઍટ્રૅક્શનનો નિયમ સફળ નથી જતો એટલે એવી અપેક્ષા ક્યારેય રાખવી નહીં.
૪. લૉ ઑફ ઍટ્રૅક્શનના નિયમને જો સીધો કોઈ ગ્રહ સાથે સંબંધ હોય તો એ શુક્ર છે અને શુક્રને સીધો સંબંધ લક્ષ્મી સાથે છે. જો તમે આ નિયમ પર કામ કરવાનું શરૂ કરો તો એ પહેલાં એક વાત નક્કી કરો કે પરિવારની એક પણ લક્ષ્મી એટલે કે દાદી, મા, બહેન, પત્ની, દીકરી અને એવી જ રીતે પત્ની પક્ષમાં આવતી લક્ષ્મી સ્વરૂપ એ મહિલાઓનું અપમાન નહીં કરો કે તેમની સાથે તુચ્છતાપૂર્વક વર્તન નહીં કરો. એક વાત યાદ રાખજો, જે ફૅમિલીમાં સાક્ષાત લક્ષ્મીનું સન્માન નથી જળવાતું એ વ્યક્તિ પાસે ક્યારેય લક્ષ્મી લાંબો સમય વાસ નથી કરતી.
પ. લૉ ઑફ ઍટ્રૅક્શનના નિયમનું પાલન શરૂ કરો ત્યારથી જો શક્ય હોય તો મોગરાનાં ફૂલ કે એના અત્તરનો ઉપયોગ કરવાનું પણ શરૂ કરજો તો સાથોસાથ સફેદ વસ્ત્ર પહેરવાથી પણ એ લાભદાયી બને છે. લૉ ઑફ ઍટ્રૅક્શનના નિયમનું પાલન કર્યાના દિવસે કાંડા પર સફેદ સિલ્કની દોરી બાંધવી અને રોજ સવારે જાગ્યા પછી પહેલું કામ એ દોરી પર હાથ રાખીને જે ઇચ્છા સૃષ્ટિને આપવી હોય એ ઇચ્છા આંખો બંધ કરી મનમાં યાદ કરવી અને જાણે કે એ ઇચ્છા પૂરી થઈ છે એ રીતે એને નજર સામે લાવવી.

