સાદાઈ માટે ગાંધીજી બહુ સરસ વાત કહેતા, ‘સાદાઈ જેવી શ્રેષ્ઠતા સુંદરતા કે સંપત્તિમાં પણ નથી.’
મહાત્મા ગાંધીજી
ક્યારેક આધુનિક યુવાન મિત્રો કહે છે, Less is bore અને જવાબમાં મહાપુરુષો કહે છે, Less is more. એટલે કે ઓછામાં ઘણું.
ક્યારેક આ જ યુવાનો કહે છે, ‘સાદાઈ તો ગરીબાઈનું પ્રતીક છે...’ પણ મહાપુરુષો પ્રત્યુત્તરમાં જણાવે છે, ‘Simplicity is the glory of expression.’ એટલે કે સાદાઈમાં જ સમૃદ્ધિ અને ભવ્યતા છે. અને ઘણી વાર યુવાનો કહે છે, ‘રંગરાગ વિનાનું જીવન જટિલ છે.’ પરંતુ એનો જવાબ આપતાં મહાપુરુષો કહે છે, ‘Life is not complex. We make it complex. Life is simple, and simple thing is the right thing.’
ADVERTISEMENT
સાદાઈ માટે ગાંધીજી બહુ સરસ વાત કહેતા, ‘સાદાઈ જેવી શ્રેષ્ઠતા સુંદરતા કે સંપત્તિમાં પણ નથી.’
BAPS યુવા પ્રવૃત્તિના સ્થાપક યોગીજી મહારાજ યુવાનોને સાદાઈનો ગુણ કેળવવા ખૂબ તાલીમ આપતા. તેઓ કહેતા, ‘જ્યાં-ત્યાં, જેમ-તેમ, જેવું-તેવું ચલાવી લેતાં શીખવું.’ અર્થાત્ ઓછી સુવિધાઓ કે અગવડો આપણને અકળાવી ન શકે, આપણી પ્રગતિના માર્ગમાં આપણને રોકી ન શકે, આપણો અંતરનો આનંદ છીનવી ન શકે એવી રીતે પોતાની જાતને ઘડવી જોઈએ. ક્યારેક યુવાનો ઓછી સુવિધાઓને કારણે ન ભણી શક્યા એનો રંજ કરે છે, પરંતુ એ ન ભૂલીએ કે કોઈ પણ પ્રકારની આધુનિક સુવિધાઓ વિના ઘણા મહાપુરુષોએ વિશ્વનો નકશો બદલી નાખ્યો છે.
ભીક્ષા માગીને ભાદરણ અને ખંભાતમાં સંસ્કૃતનું અધ્યયન કરનાર વિશ્વવંદનીય સંત પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સુવિધાઓના અભાવ વચ્ચે સાદાઈથી પણ શ્રેષ્ઠ ભણી શક્યા. એ ગુણને કારણે જ પ્રમુખસ્વામી મહારાજ કોઈ અપેક્ષાઓ વિના અનેક અગવડો અને અસુવિધાઓ વચ્ચે હસતા મુખે ગામડે-ગામડે વિચરણ કરી શક્યા છે. ન ફરિયાદ, ન કંટાળો, ન હતાશા કે નિરાશા. BAPS સ્વામીનારાયણ સંસ્થાના સર્વોચ્ચ સૂત્રધાર હોવા છતાં આજેય તેમના સાદગીપૂર્ણ જીવનની વાતો સૌને સ્પર્શી જાય છે.
તેઓ ઘણી વખત કહે છે, ‘Simple Living, High Thinking.’
સાદું જીવન અને ઊંચો વિચાર એ તેમની યુવાનીના સમયથી આગવી વિશેષતા રહી છે. એક યુવાન તરીકે સંતોષ અને સાદાઈનો ગુણ કેળવવાનું કોઈ ઉચ્ચ ડિગ્રી મેળવવા કરતાં વધુ મહત્ત્વનું છે. કારણ કે ડિગ્રીમાં પણ સંતોષ અને સાદાઈ નહીં હોય તો કરેલી પ્રગતિ પણ આપણને સુખ નહીં આપી શકે અને જીવનમાં સંતોષ, સાદાઈ હશે તો જીવનમાં પ્રગતિ થશે, સુખ પણ મળશે અને ભગવાનને પ્રિય પણ બનાશે. કહે છે કે સંતોષી વ્યક્તિ દરેક જગ્યાએ સન્માનને પાત્ર બને છે, ખુદ ભગવાનના દરબારમાં પણ. એવા યુવાનને દુઃખ ક્યાંથી હોય.
- પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા

