Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ‘પ્રેમ રોગ’ માટે રાજ કપૂરે ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી કઈ રીતે મોંમાગી કિંમત મેળવી?

‘પ્રેમ રોગ’ માટે રાજ કપૂરે ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી કઈ રીતે મોંમાગી કિંમત મેળવી?

10 December, 2022 02:08 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

તમારી બિરદારીના લોકો જ કહે છે કે આરકે ફિલ્મ્સ એ અંતિમ સંસ્થા છે જે વીતેલા સુવર્ણયુગ સાથે સંકળાયેલી છે. સવાલ એ છે કે તે મારી ગેરહાજરીમાં જીવિત રહેશે?’

પ્રેમરોગમાં નંદા અને પદ્‌મિની કોલ્હાપુરે

વો જબ યાદ આએ

પ્રેમરોગમાં નંદા અને પદ્‌મિની કોલ્હાપુરે


સમય અને સંજોગ મનુષ્યના હાથમાં નથી હોતા. પરિસ્થિતિનો સ્વીકાર કરવામાં જ શાણપણ છે એ જેટલું જલદી સમજાય એટલું સારું. સંજોગો ન બદલાય ત્યારે તમારે અભિગમ બદલવો પડે છે. ફિલ્મમેકર તરીકે રાજ કપૂર બદલાયેલા સંજોગોને સ્વીકારવામાં નિષ્ફળ રહ્યા. એ કારણે ‘પ્રેમ રોગ’ બનાવતી વખતે તેમને જે હાલાકી ભોગવવી પડી એ અધૂરી વાત પૂરી કરતાં પત્રકારોને કહે છે, ‘મેં જે રીતે ફિલ્મો બનાવી છે એ હાલતમાં આજે ફિલ્મ બનાવવી શક્ય જ નથી. આજે ફિલ્મ બનાવવી એટલે અંધારામાં તીર મારવા જેવું કામ છે. લાગ્યું તો ઠીક નહીંતર રામભરોસે જે થાય એ જોયા કરવાનું. મારા માટે તો માથે હાથ દઈને બેસવાનો વારો આવ્યો છે. મને લાગે છે કે હું ‘નર્વસ બ્રેકડાઉન’નો શિકાર બની જઈશ. તમે માનશો લક્ષ્મીકાન્ત પ્યારેલાલ પાસેથી સમયસર એક ગીત મેળવવું એ પણ એક મુશ્કેલ કામ છે. તમે અત્યારે જે ગીતનું શૂટિંગ જોઈ રહ્યા છો એ ગીતનું રેકૉર્ડિંગ મને, હું અહીં આવતો હતો એના એક દિવસ પહેલાં જ મળ્યું. તમે જ કહો, આવા સંજોગોમાં કઈ રીતે કામ કરી શકું? હું આવી ‘બ્રેક નેક સ્પીડ’માં કામ કરવા ટેવાયેલો નથી. તમારી બિરદારીના લોકો જ કહે છે કે આરકે ફિલ્મ્સ એ અંતિમ સંસ્થા છે જે વીતેલા સુવર્ણયુગ સાથે સંકળાયેલી છે. સવાલ એ છે કે તે મારી ગેરહાજરીમાં જીવિત રહેશે?’
 બળાપો ઠાલવ્યા બાદ થોડા હળવા થયેલા રાજ કપૂરને વિચાર આવ્યો હશે કે હું વધારે પડતું બોલી ગયો. પોતાનો સૂર બદલતાં તેમણે કહ્યું, ‘હું આશાવાદી છું. મને ખાતરી છે કે મારા ગયા પછી પણ આ પરંપરા ચાલતી રહેશે. ડબ્બુ એક કુશળ વહીવટકર્તા છે. ભલે તે થોડો આળસુ છે, પણ તે પરિસ્થિતિ સંભાળી લેશે. ચિન્ટુ આજે સ્ટાર છે, પણ મારું માનવું છે કે એક દિવસ તે ડિરેક્ટર બનશે. ચિમ્પુ (રાજીવ) સારો અભિનેતા બની શકે, પરંતુ તેનામાં એક કાબેલ ડિરેક્ટર બનવાની ક્ષમતા છે. આરકે ફિલ્મ્સના ભવિષ્યની જવાબદારી મારા ત્રણેય પુત્રો સંભાળી લેશે એમ હું માનું છું.’ 
લોની ફાર્મહાઉસ ખાતે હાજર રહેલા પત્રકારે પ્રશ્ન કર્યો કે ફિલ્મનું કેટલું શૂટિંગ હજી બાકી છે? ત્યારે રાજ કપૂરે કહ્યું, ‘પ્રેમ રોગ’નો આત્મા તો તૈયાર છે, શરીર હજી બાકી છે. અગત્યનાં દૃશ્યો, ગીતો, ફિલ્મનો ક્લાઇમૅક્સ, જેમાં પૂરો સેટ બળીને ખાખ થઈ જાય છે; એ દરેકનું શૂટિંગ હજી બાકી છે. શરૂઆતમાં મેં પ્લાન કર્યો હતો કે ‘વૅલી ઑફ ફ્લાવર’, હિમાલયમાં એક ગીતનું શૂટિંગ કરીશું, પરંતુ જે રીતે મેં એ દૃશ્યનું ‘વિઝ્યુઅલાઇઝેશન’ કર્યું છે, એ ‘વિઝ્યુઅલ્સ’ મને મળતાં નથી. મારે ગીતની દરેક ફ્રેમ માટે ‘કાર્પેટ ઑફ ફ્લાવર્સ’ જોઈએ. આવું લોકેશન ભારતમાં બીજે ક્યાંય ન મળે એટલે હવે ઍમ્સ્ટરડૅમમાં શૂટિંગ કરવું પડશે. ત્યાં ઑગસ્ટ મહિનામાં તુલિપ (ફૂલો)નું વાવેતર થાય છે અને મોટા પાયે વેચાણ થાય છે. મારા પૂરા યુનિટ સાથે હું ત્યાં જવાનો છું. હવે તમને ખબર પડી હશે કે શા માટે રાજ કપૂરની ફિલ્મોનું બજેટ મોટું હોય છે. મારી ફિલ્મો બનાવવામાં હું કોઈ કસર રાખતો નથી.’
‘પ્રેમ રોગ’નું શૂટિંગ પૂરું થતાં જ એક વાત નક્કી થઈ ગઈ કે હવે એ એક બિગ બજેટ ફિલ્મ બની ચૂકી છે. વિદેશનું શૂટિંગ, ફાર્મહાઉસમાં શૂટિંગ કરવાનો રાજ કપૂરનો આગ્રહ અને આરકે સ્ટુડિયોના વિશાળ સેટ્સ એ દરેક ખર્ચો રાજ કપૂરના ગજા બહાર હતો. મનોમન તેઓ વિચારતા હતા કે દરેક ડિસ્ટ્રિબ્યુટર પાસે કેટલા પૈસાની માગણી કરવી? એ ઉપરાંત ઇન્ટેક્સ ડિપાર્ટમેન્ટ વસૂલી માટે ઉતાવળો હતો. 
આરકેની પરંપરા મુજબ ‘પ્રેમ રોગ’નો પ્રીવ્યુ સ્ટુડિયોમાં રાખવામાં આવ્યો. દેશભરમાંથી અનેક ડિસ્ટ્રિબ્યુટર્સ આવ્યા. આરકે પરિવારે કાર્પેટ પર બેસીને ફિલ્મ જોવી પડી. જ્યારે ઍમ્સ્ટરડૅમમાં શૂટિંગ થયેલા ગીતનું દૃશ્ય જોઈ દરેકે પુરજોશથી તાળી પાડી ત્યારે રાજ કપૂરને હાશ થઈ હશે. ફિલ્મ પૂરી થઈ અને સૌ બહાર શમિયાણામાં કૉકટેલ અને ડિનર માટે બહાર આવ્યા. 
રાજ કપૂરને વિના કારણ ‘ગ્રેટ શોમૅન’નું બિરુદ નથી મળ્યું. ફિલ્મ હોય કે જીવન, તેમની રજૂઆતમાં એક ભવ્યતા હોય છે. ખાણીપીણીના શોખીન રાજ કપૂરની પાર્ટીઓ હંમેશાં યાદગાર રહેતી. એ દિવસે પણ મોડી રાત સુધી પાર્ટી ચાલી. 
 એ દરમ્યાન ડિસ્ટ્રિબ્યુટર્સ ગંભીરતાથી રાજ કપૂરની મનોદશાને ચકાસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, એટલું જ નહીં, તેઓ એકમેક સાથે ગુફ્તગૂ કરી ફિલ્મ માટે કેટલા પૈસા ‘ઑફર’ કરવા જોઈએ એનો ક્યાસ કાઢી રહ્યા હતા. એ વખતે તેમની ‘ડિપ્લોમસી’ જોઈએ તો એમ લાગે કે ‘ફૉરેન સર્વિસ’ના અધિકારીઓ પણ તેમની આગળ ફિક્કા લાગે. 
રાજ કપૂર શમિયાણામાં આવ્યા અને તેમણે ટેરિટરીદીઠ જે રકમ માગી એ સાંભળી સૌ ડઘાઈ ગયા. થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. સૌ એકમેકના ચહેરા તરફ જોતા હતા. સરદાર વકીલ સિંહે ડહાપણ વાપરી રાજ કપૂરને ૧૦ લાખ રૂપિયાનો ચેક આપતાં કહ્યું, ‘આ મારી સર્કિટ માટેનો શુકનનો ચેક છે. ફાઇનલ પ્રાઇસ પછીથી નક્કી કરીશું.’ રાજ કપૂરે ના પાડતાં એટલું જ કહ્યું કે આપણો આગળનો હિસાબ બાકી છે. એ પૂરો થાય પછી જ આગળ વાત કરીએ. રાજ કપૂરની આવી મક્કમતા જોઈને સૌ ઢીલા પડ્યા. એમ છતાં કોઈએ હા ન પાડી અને છૂટા પડ્યા. 
એક અઠવાડિયું વીતી ગયું. લોકોને હતું કે રાજ કપૂરનો ફોન આવશે, પરંતુ એવું ન થયું. દરેકને ફિલ્મ ગમી હતી એટલે સૌના મનમાં હતું કે જો હું મોડો પડીશ તો બીજો ડિસ્ટ્રિબ્યુટર ફાવી જશે. આખરે એક પછી એક ડિસ્ટ્રિબ્યુટરે વધતેઓછે અંશે, થોડું બાર્ગેઇનિંગ કરીને ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા. રાજ કપૂરની ધીરજ અને વ્યવહારકુશળતાની જીત થઈ. 
આમ રાજ કપૂરે ફિલ્મની ડિસ્ટ્રિબ્યુશન પ્રાઇસ માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો. એ દિવસોમાં ટેરિટરીદીઠ ૬૦ લાખ રૂપિયા માગવા અને મળવા એ અશક્ય વાત હતી. એ સમયમાં આવેલી બિગ બજેટ ફિલ્મો જેવી કે ‘ક્રાન્તિ’, નસીબ’, ‘લાવારિસ’ અને મીડિયમ બજેટની ફિલ્મો ‘લવસ્ટોરી’ અને ‘એક દૂજે કે લિએ’ના ડિસ્ટ્રિબ્યુશનના રાઇટ્સ મોંમાગી કિંમતે વેચાયા. એક રીતે કહીએ તો ફિલ્મમેકર માટે આવી ‘કમાન્ડિંગ ઍન્ડ ડિમાન્ડિંગ પોઝિશન’ની શરૂઆત કરવાનું શ્રેય રાજ કપૂરને જાય છે. ‘પ્રેમ રોગ’ માટે એ શક્ય બન્યું, કારણ કે ફિલ્મ સાથે રાજ કપૂર જેવા મહાન ફિલ્મમેકર સંકળાયેલા હતા. 
‘સત્યમ શિવમ સુંદરમ’થી વિપરીત ‘પ્રેમ રોગ’ માટે કોઈ પણ ‘કન્ટ્રોવર્સી’ ફેલાઈ નહોતી. વધુપડતી પબ્લિસિટી નહોતી થઈ. સામાન્ય દર્શકને એટલી ખબર હતી કે રાજ કપૂર એક વિધવાવિવાહ પર આધારિત ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મમાં અર્ધનગ્ન દૃશ્યો નહોતાં. આ કારણે રજૂઆત પહેલાં ફિલ્મ માટે ન તો કોઈ ઉત્સુકતા હતી કે ન તો કોઈ ઇન્તેજારી. 
૧૯૮૨ની ૧૨ ઑગસ્ટે ‘પ્રેમ રોગ’ રિલીઝ થઈ. શરૂઆતમાં દર્શકોનો સુસ્ત પ્રતિભાવ મળ્યા બાદ થોડાં અઠવાડિયાંમાં ફિલ્મની લોકપ્રિયતામાં વધારો થયો. ફિલ્મે સારી કમાણી કરી. રાજ કપૂર અને ડિસ્ટ્રિબ્યુટર્સ બન્ને ખુશ હતા. જોકે આરકેની ભૂતકાળની ફિલ્મો જેવી મબલક કમાણી કરવાની યાદીમાં ‘પ્રેમ રોગ’નો સમાવેશ ન થાય. એક ઇન્ટરવ્યુમાં રાજ કપૂરે કહ્યું, ‘પ્રેમ રોગ’ એ વાતની સાબિતી છે કે હું સમાજલક્ષી હેતુપૂર્ણ ફિલ્મ બનાવવાની કાબેલિયત ધરાવું છું. આ ફિલ્મ બનાવતાં મને ખૂબ આનંદ થયો છે, કારણ કે ફિલ્મ દ્વારા મારે જે સંદેશ આપવાનો હતો એની સચોટ રજૂઆત કરી શક્યો છું.’
તમે ગમે એટલા પ્રયત્નો કરો, ટીકાકારો તમારો પીછો ન છોડે. ફિલ્મ પત્રકારત્વનો (કદાચ દરેક ક્ષેત્રનો) એક વણલખ્યો નિયમ છે કે સફળતાનાં ગુણગાન નહીં, પરંતુ ટીકા કરશો તો જ તમારું છાપું કે મૅગેઝિન ચાલશે. રાજ કપૂરે પ્રશંસા સાથે ટીકાનો પણ સામનો કરવો પડ્યો એ વાત આવતા શનિવારે. 


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2022 02:08 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK