ઇતિહાસકાર યુવલ હરારીના મત પ્રમાણે માનવ સભ્યતા અને મનુષ્ય પ્રજાતિની સર્વોપરિતા પાછળ ત્રણ મુખ્ય કારણો રહેલાં છે - કનેક્શન, કો-ઑપરેશન અને કમ્યુનિકેશન
પ્રતીકાત્મક તસવીર
ઉત્ક્રાન્તિ મારો પ્રિય વિષય છે. મને ઘણી વાર વિચાર આવે કે ખોરાક-પાણી શોધવા માટે જંગલમાં ભટકતી, પથ્થરો ઘસીને આગ પેટાવતી કે જંગલી પ્રાણીઓથી સ્વરક્ષણ કરતી આદિમાનવ પ્રજાતિમાંથી આટલા સુસંસ્કૃત મનુષ્ય અને સમાજનું નિર્માણ કેવી રીતે થયું હશે! હ્યુમન સિવિલાઇઝેશન એટલે કે માનવ સભ્યતાના ઇતિહાસ વિશે ઘણુંબધું લખાયું છે, પણ એની શરૂઆત ક્યાંથી થઈ હશે? વન્ય જીવોની વચ્ચે રહીને જંગલી જીવન વિતાવી રહેલા મનુષ્યોમાં એવો કયો વળાંક આવ્યો હશે કે આજે હું અને તમે આટલા સિવિલાઇઝ્ડ થઈને ફરીએ છીએ. વટથી આપણે જે સભ્ય સમાજના નાગરિક હોવાનો દાવો કરીએ છીએ એનાં મૂળ ક્યાંક તો હોવાં જોઈએને! એવું શું હતું જેણે આપણને સિવિલાઇઝ્ડ બનાવ્યા?
એક્ઝૅક્ટ્લી આ જ પ્રશ્ન પૂછવામાં આવેલો માનવશાસ્ત્રી માર્ગરેટ મીડને. અને ગેસ કરો કે તેમણે શું જવાબ આપ્યો હશે? માનવ સભ્યતાના ઉદ્ભવ વિશેનો તેમનો જવાબ તદ્દન અનપેક્ષિત અને આશ્ચર્યજનક હતો. હસ્તકલા, ખેતી, ઓજાર કે આવાસ આમાંથી કોઈ પણ જવાબ તેઓ આપી શક્યાં હોત. પણ તેમણે જવાબ આપ્યો ‘Healed Femur.’ એટલે કે ફ્રૅક્ચર થયા બાદ જોડાયેલું મનુષ્યના સાથળનું હાડકું (Femur bone). તેમણે આ જવાબ સુંદર રીતે સમજાવ્યો છે.
ADVERTISEMENT
આદિકાળ એટલે એવો સમય જેમાં જો કોઈ પ્રાણીનો પગ ભાંગે તો એનું મૃત્યુ નિશ્ચિત કહેવાતું. તૂટેલા પગ સાથે કોઈ પણ પ્રાણી લાંબો સમય જીવી શકતું નહીં, કારણ કે જંગલી પ્રાણીઓથી બચવા અને ખોરાક-પાણી-આશ્રયની શોધમાં ભટકવા માટે એ પ્રાણી દોડી શકતું નહીં. આ જ વાત આદિમાનવને પણ લાગુ પડતી. એ સમય જ એવો હતો કે જ્યાં સ્થાયી થવું કોઈને પરવડે એમ નહોતું. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે દરેક પ્રાણી કે મનુષ્યને સતત ભાગતા રહેવું પડતું. જે દોડી ન શકતું એ સરળતાથી અન્ય કોઈ પ્રાણીનો શિકાર બની જતું. એવામાં એક મનુષ્યના તૂટેલા ફીમરનું (સાથળના હાડકાનું) આપમેળે જોડાઈ જવું માનવ સભ્યતાની શરૂઆત બતાવે છે, કારણ કે ફીમરનું ફ્રૅક્ચર થયા પછી એ સંધાઈ જાય એટલો સમય આરામ કરવાનું કે જીવતા રહેવાનું આદિમાનવ માટે શક્ય જ નહોતું. માનવશરીરનું એ સંધાયેલું હાડકું સંકેત આપે છે કે નક્કી એ સમયે કોઈ બીજા મનુષ્યએ તેની કાળજી લીધી હોવી જોઈએ.
ફ્રૅક્ચર થયેલું હાડકું તો જ સંધાયું હોય જો એ સમયે મનુષ્યો વચ્ચે પરસ્પર જોડાણ રચાયું હોય. એ હાડકું હોય કે હૈયું, તૂટેલા મનુષ્યને સાજો કરવાની ક્ષમતા ફક્ત બેમાં જ રહેલી છે, કનેક્શન અને કાળજી. બસ, ત્યાંથી માનવ સભ્યતાની શરૂઆત થઈ હોવી જોઈએ. માનવશાસ્ત્રીને મળેલું એ સંધાયેલું હાડકું મનુષ્યો વચ્ચે સ્થપાયેલી મૈત્રી, નિસબત અને કાળજીની સૌથી પહેલી નિશાની હતી. આ કંઈ બહુ જૂની વાત નથી, ફક્ત બાર હજાર વર્ષ પહેલાંની વાત છે.
ઇતિહાસકાર યુવલ હરારીના મત પ્રમાણે માનવ સભ્યતા અને મનુષ્ય પ્રજાતિની સર્વોપરિતા પાછળ ત્રણ મુખ્ય કારણો રહેલાં છે - કનેક્શન, કો-ઑપરેશન અને કમ્યુનિકેશન. કમ્યુનિકેશન અને કનેક્શનમાં બહુ મોટો તફાવત છે. કમ્યુનિકેશન એટલે માહિતીનું આદાનપ્રદાન, જ્યારે કનેક્શન એટલે માનવતાનું આદાનપ્રદાન. ગુફામાંથી શરૂ કરીને ભલે આપણે અવકાશ સુધીની યાત્રા ખેડી હોય, એક સૌથી મહત્ત્વનો ગુણ જે આપણને સંસ્કૃત બનાવે છે એ લગાવ છે. કાળજી છે. કરુણા છે. ઉદ્યોગ કે ટેક્નૉલૉજીના ક્ષેત્રમાં હરણફાળ ભરવાથી આપણે સિવિલાઇઝ્ડ નથી કહેવાતા. આપણે સભ્ય સમાજના સંસ્કૃત નાગરિક બનીએ છીએ આપણાં મૂળભૂત માનવમૂલ્યોથી.
માનવસભ્યતાનું નિર્માણ નક્કી ‘ડૉમિનો ઇફેક્ટ’થી થયેલું હોવું જોઈએ. ડૉમિનો ઇફેક્ટ એટલે જ્યાં એક પગલું બીજાં અસંખ્ય પગલાંની શૃંખલા સર્જે. સાઇકલ સ્ટૅન્ડમાં રહેલી એક સાઇકલ પડે અને એના ધક્કાથી બીજી, ત્રીજી, ચોથી એમ બધી સાઇકલ પડતી જાય એને ડૉમિનો ઇફેક્ટ કહેવાય. એક સકારાત્મક મૂલ્ય કે જોડાણે બીજા અનેક માનવ સદ્ગુણોની હારમાળા સર્જી હોય એવું બની શકે. પણ એક વાત તો નક્કી છે, સર્વાઇવલ મોડમાંથી સિવિલાઇઝ્ડ મોડમાં જવા માટે આપણા પૂર્વજોને સંચાર કરતાં સહકારની વધારે જરૂર પડી હશે. ટૂંકમાં કાળજી નામના વિસ્તારમાં માનવ સભ્યતાના પાયા ખોદાયા અને ત્યાર બાદ ઇમારત વિસ્તરતી ગઈ. એ પછી વાણી, વ્યવહાર, વર્તન ઘણું બદલાયું હશે. વિનમ્રતા કે શાલીનતાની આખી કૉલોની બની હશે. ઔદ્યોગિક શહેરો અને કલાનગરીઓ બની હશે. પણ આ બધાનું મૂળ પેલા સંધાયેલા માનવ હાડકામાં રહેલું છે. માનવ સભ્યતાની ઇમારત આજે પણ કાળજી નામના પાયા પર જ ટકેલી છે. આ સભ્યતાના ઇતિહાસ વિશે જાણકારી મેળવવી એટલા માટે જરૂરી છે કારણ કે જે ઇમારતના નિર્માણમાં હજારો વર્ષોની મહેનત લાગી હોય એનું મેઇન્ટેનન્સ કરવાની જવાબદારી આપણી છે. માનવ સભ્યતાના શ્રેષ્ઠ વાહકો પુસ્તકો છે. એના વગર ઇતિહાસ મૂંગો, સાહિત્ય પાંગળું અને વિજ્ઞાન અપંગ બની જાય છે.
તો એ સતત યાદ રાખવું જરૂરી છે કે કલા, સાહિત્ય, સંગીત, પરિવહન કે શહેરી વિકાસથી આપણે માનવ સભ્યતા તરફ નહોતા વળ્યા; સિવિલાઇઝેશનની શરૂઆત તો આપણે પારસ્પરિક નિસબત અને લગાવથી જ કરેલી. આધુનિકીકરણ તો ફક્ત એ સંસ્કૃતિને શણગારતું ગયું. એ સંસ્કૃતિનું મૂળ શરીર તો આજે પણ એકબીજાની કાળજી અને કનેક્શનમાં જ વસેલું છે.
જો એ જ નહીં રહે તો શણગાર શું કામનો?

