પાંચમાં ગણના થાય એવી દરેક માણસને ઇચ્છા હોય. આ ગણનાપાત્ર બનવામાં મહેનત કરવી પડે.

ભલે ઝૂંપડી હો, મહાલય ગણાશે
જિંદગીમાં ભણતર જેટલું જ મહત્ત્વ ગણતરનું છે. પાંચમાં ગણના થાય એવી દરેક માણસને ઇચ્છા હોય. આ ગણનાપાત્ર બનવામાં મહેનત કરવી પડે. કર્મ આપણા હાથમાં છે, ફળ નહીં એવું ભગવાન ભગવદગીતામાં કહી ચૂક્યા છે. છતાં આપણી અપેક્ષા તો રહેવાની. જો અપેક્ષાભંગ થાય તો એને મંદ કરવા રાજ લખતરવી કહે છે એવો ઉપાય અજમાવવા જેવો છે...
કહે છે કે એ તો બધાને જુએ છે
અમે કેમ એની નજરમાં ન આવ્યા?
ગઝલ એ નહીં તો સુભાષિત ગણાયા
મને જે વિચારો બહરમાં ન આવ્યા
અનુભવોની મિલકત મેળવ્યા પછી કેટલાક નક્કર વિચાર જન્મતા હોય છે. લેખને કે વાર્તાને યોગ્ય શીર્ષક આપવા માટે ઘણી વાર ઉજાગરા કરવા પડે. કેટલીયે વાર આખી ફિલ્મ બનીને તૈયાર થઈ જાય, પણ એના શીર્ષક વિશે વિમાસણ ચાલ્યા કરે. આવા સર્જકીય દુઃખની ઝાઝી કિંમત અંકાતી નથી, પણ સર્જક એની પીડા અનુભવતો રહે. ગુલામ અબ્બાસ નાશાદ એવી કોઈ વિષાદની ક્ષણનો ઝબકારો ઝીલે છે...
કહો તો હમણાં ગણાવું પ્રસંગ સુખના પણ
દુઃખોની વાત ન પૂછો, એનો કશો હિસાબ નથી
કરે છે મન તો મનોમન હું ગુનગુનાવું છું
હવે આ હાથોમાં વીણા નથી, રબાબ નથી
કોઈ વાદ્યકારનું વાદ્ય ખોવાઈ જાય તો તે ઊંચો-નીચો થઈ જાય. વાદ્ય સાથે તેનો એક આગવો અનુબંધ રચાયો હોય છે. નિર્જીવ વસ્તુ પણ કલાને કારણે જીવંત બની શકે. આપણે ભીતરની પ્રતિભા ઓળખીએ તો જિંદગી કદાચ સમ પર આવી શકે. ડૉ. કેતન કારિયા વાસ્તવકિતા અને સંવેદનાને સાંકળે છે...
શ્વાસ ચાલે છે સતત, ત્યાં સુધી છે આ બધું
એ ન બોલાવે પરત, ત્યાં સુધી છે આ બધું
લાગણી તો સાવ સસ્તી ગણાતી ચીજ છે
જ્યાં સુધી આપો મફત, ત્યાં સુધી છે આ બધું
મફતનો ઉદ્દેશ સારો હોય છતાં ઘણા કિસ્સામાં એની વૅલ્યુ થતી નથી. સારા-સારા શાયરોથી મહેફિલ સજી હોય અને વિનામૂલ્ય આમંત્રણ હોય છતાં લોકો સાંભળવા આવતા નથી. બીજી તરફ ઝાકઝમાળથી ઓપતા અને બૉલીવુડનાં ગીતોની રમઝટ બોલાવતા કાર્યક્રમમાં પાંચસો-હજારની ટિકિટ ખર્ચીને એનાં એ જ ગીતો સાંભળવા લોકો જતા હોય છે. આખરે મનોરંજન મનોમંથનથી એકવીસ વેંત આગળ છે એ સત્ય સ્વીકારવું જ રહ્યું. સત્ત્વ સણકા ખાતું એક ખૂણામાં પડ્યું હોય અને સામર્થ્ય ગાદી શોભાવતું હોય. બજેટ પછીની લોકસભાની ચર્ચાઓ પછી ડૉ. મહેશ રાવલની પંક્તિઓ વધારે ઉઘાડ પામતી જણાશે...
નક્કી કરેલાં લક્ષ્યથી બહુ દૂર ક્યાં હતો?
મારા હતા, એ અન્યના આધાર થઈ ગયા
શ્રદ્ધા હજુય કેટલાં આશ્ચર્ય સર્જશે?
અમથા ગણાતા શખ્સ પણ, અવતાર થઈ ગયા
આ પણ વાંચો: તું જો મેટ્રો ટ્રેન થઈને ગુજરે છે
બેફામ બોલે તેનાં બોર વેચાય. સમાજવાદી પક્ષના સ્વામીપ્રસાદ મૌર્ય રામચરિતમાનસ વિશે એલફેલ બોલીને ચિક્કાર પબ્લિસિટીનો પ્રસાદ ઝાપટી ગયા. આપણા દેશમાં કેટલું સારું છે. તમારે મોટા થવું હોય તો જે મોટા થઈ ગયા છે તેમને ઉતારી પાડવાના. જે-તે કાળમાં જે-તે લખાયું હોય એના સંદર્ભો જોયા વગર, સામાજિક પરિસ્થિતિના આકલન વગર જીભડી મનફાવે એ બબડી શકે. કોઈ પણ આલિયો, માલિયો, જમાલિયો, ધમાલિયો, બબાલિયો બેફામ બફાટ કરીને કમાલિયો બની શકે. હિરેન ગઢવી પાસે પ્રામાણકિતાને સાંત્વન આપ્યા સિવાય છૂટકો નથી...
દેખાય ના કશું પણ એના સિવાય જગમાં
સાચી મદિરા ત્યારે પીધી ગણાય જીવણ
નિર્દોષતા સ્વયંની સાબિત કરી શું કરવું?
મેલી ભલે હો ચાદર ઓઢી રખાય જીવણ
મેલી મથરાવટી ઝળક્યા કરે અને ચોખ્ખું હૈયું હિજરાતું રહે. આ પ્રકારના અનેક વિરોધાભાસ આપણી આસપાસ જોવા મળે ત્યારે સંવેદનાને ઉઝરડા પડે. કદાચ જલન માતરીથી એટલે જ સહજ રીતે કહેવાઈ ગયું હશે...
પંગતમાં આસ્તિકની બદનામ થાઉં છું
તુજને અનુસરું છું તો નાસ્તિક ગણાઉં છું
અન્યોના રાજપાટને જોઈને ઓ ખુદા
પૂછું છું પ્રશ્ન એ કે, હું તારો શું થાઉં છું?
લાસ્ટ લાઇન
લડો ન્યાય ખાતર શુભાશય ગણાશે
સહન જો કર્યું તો પરાજય ગણાશે
કરો ચિત્ર એવું ન સમજાય તેવું
છતાં એ જ સુંદર કલામય ગણાશે
તજો લોભ-ઈર્ષ્યા, કરો ના સમીક્ષા
ભલું કામ કરતાં જ જય જય ગણાશે
નથી હામ એવા વયોવૃદ્ધ માટે
હશે ટેકરો પણ હિમાલય ગણાશે
ઉરે ભક્તિ ઊછળે અને હોય શ્રદ્ધા
હશે પથ્થરો ત્યાં શિવાલય ગણાશે
નથી લાયકાતો, કરે ફક્ત વાતો
જતાં મંચ પર એ મહાશય ગણાશે
મળે ગાઢ નીંદર, મળે ખૂબ શાંતિ
ભલે ઝૂંપડી હો, મહાલય ગણાશે
જગદીશ સાધુ પ્રજ્ઞેય
ગઝલસંગ્રહ : થાય થોડી વાર પણ...