Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મળે છે વર્ષો પછી

મળે છે વર્ષો પછી

19 March, 2023 12:44 PM IST | Mumbai
Hiten Anandpara

આપણે જેટલું ઇચ્છીએ એટલું મળતું નથી. જેટલું ધારીએ એટલું થતું નથી. જેટલું વિચારીએ એટલું બનતું નથી

મળે છે વર્ષો પછી

અર્ઝ કિયા હૈ

મળે છે વર્ષો પછી


આપણે જેટલું ઇચ્છીએ એટલું મળતું નથી. જેટલું ધારીએ એટલું થતું નથી. જેટલું વિચારીએ એટલું બનતું નથી. ક્યારેક પુરુષાર્થ ઓછો પડે તો ક્યારેક સંજોગોનાં સ્પીડબ્રેકર નડ્યા કરે. ઘણા વિચારોને સાકાર કરવા અન્યને જોડવા પડે, જેમાં સ્વભાવથી લઈને કાર્યશૈલીની સમસ્યાઓ નડે. સમસ્યાનો સ્વભાવ છે સામે ભેટી પડવાનો. અમૃત ઘાયલ કંઈક અલગ પ્રકારની વિમાસણની વાત કરે છે...

મળે છે વર્ષો પછી એકદમ નથી મળતા
મલમ તો શું કે સહેજે જખમ નથી મળતા
હમેશાં ક્યાંથી નવા લાવું, વિઘ્નસંતોષી
કે કંટકો તો મળે છે, કદમ નથી મળતાનવું કરવું એ પડકાર હોય છે. નવી રીતે કરવું એ પણ એક પડકાર હોય છે. એકની એક પ્રસ્તુતિ વારંવાર કરવાની હોય તો નવું ક્યાંથી લાવો? નાવીન્ય લાવવા માટે મન અને આંખ ખુલ્લાં રાખવાં પડે અને સતત વાંચન-મનન કરવું પડે. ગમે એટલી ઇચ્છા હોય પણ એવી નિરાંત મેળવવી અઘરી છે. શહેર પાસે એવી ચાબુક હોય છે કે જરાક તમે પોરો ખાવા બેસો ત્યાં સટાક દેતી બરડા ઉપર વીંઝાય. એટલે બીબાંમાં ઢળવાની સ્થિતિ સ્વીકારવી પડે. લોકોની અપેક્ષા પ્રમાણે ચલાવવું પડે. આપણે ખરેખર જે કહેવું હોય એ અવ્યક્ત રહી જાય. હિમલ પંડ્યા સર્જકીય મૂંઝવણ ઠાલવે છે...


શ્વાસથી ક્યારેક છુટકારો મળે
આ પીડાનો કોઈ તો આરો મળે
આજ હૈયું ઠાલવી દઈએ અમે
આદમી એકાદ જો સારો મળે

સારા અને સાચા માણસ મળવા એ પણ નસીબની વાત છે. સંબંધોમાં ઋણાનુબંધ સંકળાયેલો હોય છે. એનાં કોઈ તાર્કિક કારણો શોધવા બેસો તો ન મળે. તાણાવાણા ગૂંથાયા છે એનો ખ્યાલ આવે પણ એ કોણ ગૂંથે છે અને કેવી રીતે ગૂંથે છે એ સવાલો નિરુત્તર રહી જાય. આબિદ ભટ્ટ સંબંધોની સંવેદનાને આકારે છે...


રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ
એમ ઊજળું મરણ કરી દઈએ 
હોય ત્રીજું ના આપણી વચ્ચે
રોજ એવું સ્મરણ કરી દઈએ

જન્મ આપણા હાથમાં નથી. મરણ આપણા વશમાં નથી. વચ્ચેનો સમયગાળો મળે એમાં જીવતર ઊજળું કરવાનું હોય. ઊજળું થવાના બદલે એ કજિયાળું કે કઠિયારું બની જાય એ દિક્કત છે. કેટલીક વાર દિશા ખોટી પકડાય તો દશા બેસી જાય. એમાં પણ ગુરુ ખોટા મળી જાય તો બધી આશાઓ રામશરણ થઈ જાય. બરકત વિરાણી જિંદગીની કડવી વાસ્તવિકતા વણી લે છે...

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં
જિવાડે પ્રેમથી એવું તો કોઈ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

દરેક વાતમાં મતલબ જોવાની આપણને આદત પડી ગઈ છે. મૈત્રી પણ મતલબ જોઈને થાય અને સંસ્થામાં સભ્ય પણ મતલબ જોઈને થવાય. આખરે બધી ગણતરીઓ મને શું મળશે એ પ્રશ્ન તરફ ફંટાતી લાગે. શૂન્ય પાલનપુરીની વાત લૌકિક જગત માટે જરા આકરી લાગશે...

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે
એવું દરદ ન આપ કે જેની દવા મળે
રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર
સંભવ છે ત્યાં જ કોઈપણ રૂપે ખુદા મળે

આપણી ખોજ ઈશ્વર તરફની બને તો એમાં અનુકંપા કેળવાતી જાય. સાપ જેમ ચામડી ઉતારે એમ અણગમા અને દ્વેષના થર ધીમે-ધીમે ઊતરતા જાય. શ્રદ્ધા અને સત્ત્વની સમજણ ધીરે-ધીરે પ્રગટે પછી કદાચ ડૉ. કેતન કારિયાની આ વાત સમજાય...

બને તો અકારણ દુઆ પણ ન માંગો
મહેનત મુજબ જે મળે; એ ઘણું છે
તું, રસ્તા ફરે એમ શાને વિચારે?
જરૂરી સ્થળે; પગ વળે એ ઘણું છે

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2023 12:44 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK