આખું જીવન ભાગદોડમાં વિતાવ્યા પછી વ્યક્તિ એમ વિચારે કે બહુ થયું હવે, જેટલું જીવન બાકી બચ્યું છે એ આરામથી વિતાવીશું પણ થાણેમાં રહેતા ૮૩ વર્ષના ઠાકરશીભાઈ ઠક્કરના વિચારો આની સાથે મેળ ખાતા નથી.
ઠાકરશીભાઈ ઠક્કર
કોઈ તેમની વયને વધતી ન રોકી શકે પણ હા, કામ કરવાના જુસ્સા અને ઝિંદાદિલી સાથે વયસ્ક થવાની મજા જ કંઈક બીજી છે. આ વાત થાણેમાં રહેતા ઠાકરશીભાઈ ઠક્કર માટે એકદમ બંધ બેસે છે. જીવનના આઠ દાયકા વિતાવી ચૂકેલા ઠાકરશીભાઈ આ ઉંમરે પણ મોજથી જીવન જીવે છે. ખાવાના જબરા શોખીન, ગરબા રમવામાં યુવાનોને પાછળ છોડી દે અને પાછા મહેનતુ પણ એટલા જ
આખું જીવન ભાગદોડમાં વિતાવ્યા પછી વ્યક્તિ એમ વિચારે કે બહુ થયું હવે, જેટલું જીવન બાકી બચ્યું છે એ આરામથી વિતાવીશું પણ થાણેમાં રહેતા ૮૩ વર્ષના ઠાકરશીભાઈ ઠક્કરના વિચારો આની સાથે મેળ ખાતા નથી. આ દાદાનું માનવું છે કે ‘જ્યાં સુધી જીવન છે અને શરીર સાથ આપે ત્યાં સુધી મહેનત કરતા રહેવી જોઈએ. તેઓ કહે છે કે મારા માટે આરામ હરામ છે અને એટલે જ પરિવારની જવાબદારી પૂરી થયા બાદ સમાજ પ્રત્યેની મારી જે જવાબદારી બાકી રહી ગઈ છે એ પૂરી કરવામાં લાગેલો છું.’
હજી પણ ઍક્ટિવ લાઇફસ્ટાઇલ
ઠાકરશીભાઈની દિનચર્યા જોશો તો અંદાજ આવશે કે તેઓ આ ઉંમરે પણ કેટલા ઍક્ટિવ છે. દરરોજ સવારે સાડાપાંચ-છ વાગ્યે ઊઠી જાય. ફ્રેશ થઈને સવારે વૉક પર ઊપડી જાય. પછી આઠ વાગ્યે પરિવાર જોડે બેસીને ચા-નાસ્તો કરે. ગૌશાળા માટે કોઈ પાસેથી પેમેન્ટ કલેક્ટ કરવાનું હોય તો એ લેવા ઊપડી જાય. એ પછી બપોરે ત્રણ-સાડાત્રણ વાગ્યે ઘરે આવે. થોડી વાર ફ્રેશ થયા બાદ રામ નામની ચોપડી લઈને લખવા બેસી જાય. સાંજે ફરી નીચે આંટો મારવા જાય. દીકરો કામેથી ઘરે આવે ત્યારે સાંજે સાડાસાત વાગ્યે તેમની સાથે
સ્નૅક્સ ખાવા બેસે. દિવસભરમાં શું થયું એની વાતો કરે. એ પછી તારક મેહતા, વાગલે કી દુનિયા જેવી સિરિયલ જુએ. ફરી પાછા પેમેન્ટને લઈને કોઈ
ફૉલોઅપ લેવાનું હોય તો એ કૉલ પર લઈ લે. એ પછી રાત્રે જમીને દસ વાગ્યે સૂઈ જાય.
ADVERTISEMENT
ગરબા રમવાના શોખીન
પોતાના સસરા વિશે હોંશે-હોંશે માહિતી આપતાં તેમનાં વહુ મીતા ઠક્કર કહે છે, ‘મારા સસરા આ ઉંમરે પણ ફુલ એનર્જી સાથે ગરબા રમે છે. સમાજની વાડીમાં કે પછી સોસાયટીમાં ગરબાનો કાર્યક્રમ હોય તો તેઓ અચૂક ભાગ લે. તેમનો જોશ યુવાનોને શરમાવે એવો હોય છે. તેમને ખાવાનો ખૂબ શોખ છે. તીખું, મીઠું, ખાટું જે આપો એ ખાઈ લે. એમાં પણ સ્વીટ વસ્તુ તેમને વધારે પસંદ છે. તેમને દૂધપાક એટલો ભાવે કે ચાર વાર આપો તો એ પણ ખાઈ લે. પીત્ઝા, ચાઇનીઝ, પાંઉભાજી તમે તેમને જે આપો એ ખાઈ લેશે. તેમને બધી જ વસ્તુ ટ્રાય કરવા જોઈએ.’
પેપરવાળા તરીકે જાણીતા
રોજીરોટી કમાવવા માટે ઠાકરશીભાઈએ શરૂઆતના સમયગાળામાં પનવેલમાં કાંદા-બટાટાની દુકાનમાં કામ કર્યું, મસ્જિદ બંદરમાં બારદાનનું કામ કર્યું અને એ પછી મુલુંડમાં ન્યુઝપેપરનો સ્ટૉલ શરૂ કરેલો. ધીમે-ધીમે તેઓ ઠાકરશીભાઈ પેપરવાળા નામેથી જ જાણીતા થઈ ગયા. તેમનો પૌત્ર હર્ષિત કહે છે, ‘મારા દાદા ન્યુઝપેપરનો સ્ટૉલ લગાવતા એટલે ત્યારથી તેમને વાંચવાનો શોખ જાગ્યો. હવે તેઓ સ્ટૉલ પર નથી બેસતા પણ દરરોજ મિડ-ડે ન્યુઝપેપર અચૂક વાંચે.’
પાકિસ્તાનના કરાચીમાં જન્મ
આટલાં વર્ષોનાં વહાણાં વીતી ગયા બાદ બાળપણની યાદો ઝાંખી થઈ ગઈ છે, પણ જેટલું સ્મરણ છે એ વિશે ઠાકરશીભાઈ કહે છે, ‘મારો જન્મ પાકિસ્તાનના કરાચીમાં થયેલો. મારો પરિવાર કચ્છી ગલીમાં રહેતો હતો. અમે ચાર ભાઈઓ અને ત્રણ બહેનો હતાં. મારા પિતાની કરિયાણાની દુકાન હતી. અમારો પરિવાર આર્થિક રીતે સધ્ધર હતો. બાદમાં દેશના ભાગલા પડતાં અમારે ઘરબાર છોડીને પહેરેલાં લૂગડે વહાણમાં બેસીને ભારત આવવું પડ્યું. એ સમયે હું માંડ સાત-આઠ વર્ષનો હોઈશ.’
મહેનત જીવનનો મૂળ મંત્ર
ભારતમાં નવેસરથી જીવન શરૂ કરવાનું હતું. ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી. ભાઈ-બહેનોમાં હું સૌથી મોટો હતો એટલે સાત ચોપડી ભણીને મેં પણ નાનાં-મોટાં કામ કરવાનું શરૂ કરી દીધું. ધીમે-ધીમે બધું પાટે ચડી રહ્યું હતું ત્યાં મારા પિતાનું અવસાન થયું. એ સમયે હું ૨૭ વર્ષનો હતો. એટલે યુવાનીમાં જ મારા એકલા માથે પરિવારની જવાબદારી આવી ગઈ. જીવનમાં મેં ખૂબ મહેનત કરી છે અને મારા બંને દીકરાઓ હરેશ અને મનીષને પણ એ જ શીખવાડ્યું છે. મહેનત કરશો તો જીવનમાં બધું મળશે. પરિવાર પ્રત્યેની મારી જવાબદારી છે એ હું નિભાવી ચૂક્યો છું. જીવનના આ તબક્કે હવે હું સમાજ ઉપયોગી કામ કરવા ઇચ્છું છું. એટલે જયાં સુધી હું હરતો-ફરતો છું ત્યાં સુધી મારાથી બનતાં કાર્યો હું કરીશ. મેં જીવનમાં કોઈ દિવસ આરામ કર્યો નથી અને એ કરવાનું મને ફાવ્યું નથી. માણસે થાય ત્યાં સુધી સારાં કર્મો કરતા રહેવું જોઈએ.’

