Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આ સંગીતકારનાં ગીતો ભલે ઓછાં લોકપ્રિય થયાં પરંતુ કર્ણપ્રિય જરૂર હતાં

આ સંગીતકારનાં ગીતો ભલે ઓછાં લોકપ્રિય થયાં પરંતુ કર્ણપ્રિય જરૂર હતાં

Published : 02 November, 2025 12:27 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

પંજાબના શિકારપુરમાં એક જમીનદાર પરિવારમાં ૧૯૧૬માં ૧૯ નવેમ્બરે હંસરાજ બહલનો જન્મ થયો. બાળક હંસરાજનો સંગીત તરફ ઝુકાવ હતો. ગુરદ્વારામાં ભજન-કીર્તન થાય એમાં ભાગ લે. ગામમાં રામલીલા, દશેરા અને બીજા ઉત્સવોમાં સંગીતના કાર્યક્રમ થાય એમાં સક્રિય રહે.

હંસરાજ બહલ

વો જબ યાદ આએ

હંસરાજ બહલ


જબ રાત નહીં કટતી, ઇક રાત નહીં કટતી, ઝિંદગી કૈસે કટેગી

મધરાતે ત્રણ વાગ્યે વિવિધ ભારતી પર લતા મંગેશકરનું આ ગીત સાંભળ્યું અને મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. એક ઇન્ટરવ્યુમાં ખુદ લતાજીએ પોતાનાં મનપસંદ ગીતોમાં આ ગીતને સામેલ કર્યું છે. (જે વ્યક્તિએ આ ગીત નથી સાંભળ્યું તેને ‘હું તો લતા મંગેશકરની ફૅન છું’ એમ કહેવાનો હક નથી.) લાજવાબ કવિતા અને કાળજાને આરપાર વીંધતી ધૂનને જ્યારે લતાજીનો સ્વર મળે ત્યારે એક અણમોલ રચના જન્મ લે છે. વર્ષો બાદ તમારો પ્રિય મિત્ર તમને અચાનક મળે અને જે રોમાંચ થાય એવી જ અનુભૂતિ મને થઈ જ્યારે ગયા શનિવારે લાંબા સમય બાદ મારું મનપસંદ ગીત સાંભળવા મળ્યું (વિવિધ ભારતી સાંભળવાની આ જ મજા છે કારણ કે અચાનક આવી લૉટરી લાગે).
ગીત પૂરું થયું અને એનો નશો ઊતરે એ પહેલાં તો બીજું ગીત શરૂ થયું અને મારી આંખો ભીની થઈ ગઈ. લતા મંગેશકર, મુકેશ અને સાથીઓના સ્વરમાં ‘નૈન દ્વાર સે મન મેં વો  આ કે, તન મેં આગ લગાએ’ સાંભળી જો તમારું ઉર્મિતંત્ર બેચેન ન થાય તો સમજવું કે Something is wrong with you. ક્યાંય સુધી આ બન્ને ગીતોને હું માણતો રહ્યો ત્યારે હવે કયા વિસરાયેલા સંગીતકાર વિશે લખવું એ દ્વિધાનો જવાબ મળી ગયો. 
‘જબ રાત નહીં કટતી’ (ચંગેઝ ખાન - કમર જલાલાબાદી ) અને ‘નૈન દ્વાર સે મન મેં  વો આ કે’ (સાવન – પ્રેમ ધવન) આ ગીતોના સંગીતકાર હતા હંસરાજ બહલ, જેમણે આવાં અનેક સુરીલાં ગીતો આપણને આપ્યાં છે. પંજાબની ધરતીએ ફિલ્મી દુનિયાને ગુલામ હૈદર, હુસનલાલ ભગતરામ, ઓ. પી. નય્યર અને બીજા નામી સંગીતકારો આપ્યા એમાં હંસરાજ બહલનું નામ ઓછું જાણીતું છે. 
પંજાબના શિકારપુરમાં એક જમીનદાર પરિવારમાં ૧૯૧૬માં ૧૯ નવેમ્બરે હંસરાજ બહલનો જન્મ થયો. બાળક હંસરાજનો સંગીત તરફ ઝુકાવ હતો. ગુરદ્વારામાં ભજન-કીર્તન થાય એમાં ભાગ લે. ગામમાં રામલીલા, દશેરા અને બીજા ઉત્સવોમાં સંગીતના કાર્યક્રમ થાય એમાં સક્રિય રહે. સંગીતની લગની જોઈ પિતાજીએ તેમને અંબાલાની મ્યુઝિક અકાદમીમાં તાલીમ માટે મોકલ્યા જ્યાં તેમના ગુરુ હતા પંડિત ચુનીલાલ. 
યુવાન વયે તેમણે લાહોરના અનારકલી બજારમાં પોતાની સંગીત સ્કૂલ ખોલી અને લાઇટ ક્લાસિકલ મ્યુઝિકના નાના-મોટા કાર્યકમ આપવાનું શરૂ કર્યું. એ કાર્યક્રમો લોકપ્રિય થયા. એ દરમ્યાન HMV માટે પ્રાઇવેટ આલબમ કમ્પોઝ કરવાનો મોકો મળ્યો. કદાવર  હંસરાજ બહલ કેવળ શારીરિક ઊંચાઈ નહોતા ધરાવતા, સંગીતના ક્ષેત્રે પણ તેમનું લક્ષ્ય ઊંચું હતું. તેમને ખબર હતી કે પોતાના કામની કદર મુંબઈમાં થશે એટલે ૧૯૪૪માં મોટા ભાઈ ગુલશન અને મિત્ર વર્મા મલિક (જે સમય જતાં ગીતકાર બન્યા) સાથે મુંબઈ આવ્યા.
તેમના કાકા ચુનીલાલ બહલ પેશાવરમાં રહેતા હતા એ સમયથી તેમને પૃથ્વીરાજ કપૂરનો પરિચય હતો. તેમણે લખેલી ભલામણ ચિઠ્ઠીને કારણે મુંબઈમાં પૃથ્વીરાજ કપૂરે હંસરાજ બહલનો પરિચય પંડિત ગોવિંદરામ સાથે કરાવ્યો. હંસરાજ બહલ તેમના અસિસ્ટન્ટ બન્યા અને  તેમનો ફિલ્મસંગીત સાથે નાતો જોડાયો.
હિન્દી ફિલ્મોની પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમઆરા’ બનાવનાર અરદેશર ઈરાનીએ  ૧૯૪૬માં ‘પૂજારી’ માટે તેમને સ્વતંત્ર સંગીતકાર તરીકે મોકો આપ્યો. આ ફિલ્મમાં બેબી મુમતાઝ (મધુબાલા)ના સ્વરમાં એક ગીત રેકૉર્ડ થયું જેના શબ્દો હતા ‘ભગવાન મેરે જ્ઞાન કે દીપક કો જલા દે’. મધુબાલાએ ગાયેલું આ પ્રથમ ગીત હતું. ફિલ્મ ‘દુનિયા એક સરાય’માં તેમણે મીનકુમારીના સ્વરમાં કેદાર શર્મા લિખિત ‘સાવન બીત ગયા’ રેકૉર્ડ કર્યું.
૧૯૪૭માં રણજિત સ્ટુડિયોના ચંદુલાલ શાહે તેમને ચાર ફિલ્મોનો કૉન્ટ્રૅક્ટ આપ્યો. આમ હંસરાજ બહલની કારકિર્દીને વેગ મળ્યો. ૧૯૪૯માં ‘કરવટ’માં સંગીત આપ્યું જે ડિરેક્ટર તરીકે બી. આર. ચોપડાની પ્રથમ ફિલ્મ હતી. હંસરાજ બહલના સંગીતની નોંધ લેવાઈ ૧૯૪૯માં ‘રાત કી રાની’ ફિલ્મમાં. ‘જિન રાતોં મેં નીંદ ઊડ જાતી હૈ, ક્યા કહર કી રાતેં  હોતી હૈ, દરવાઝોં સે ટકરા જાતે હૈં, દીવારોં સે બાતેં હોતી હૈં’ (મોહમ્મદ રફી – આરઝુ લખનવી) આ ગીત મુશાયરામાં જે રીતે શાયરો પોતાની ગઝલની રજૂઆત કરે એ સ્ટાઇલથી રેકૉર્ડ કરવામાં આવ્યું હતું જે અત્યંત લોકપ્રિય થયું.
એ જ વર્ષે ફિલ્મ ‘ચકોરી’ના ‘હાયે ચંદા ગએ પરદેસ, ચકોરી યહાં રો રો મરે’ (લતા મંગેશકર – મુલ્કરાજ ભાકરી) ગીતને લોકોએ ખૂબ માણ્યું. જો તમે લતાજીના ડાઇ હાર્ડ ફૅન હો તો આ ગીત તમારે સાંભળવું જ રહ્યું. આ ઉપરાંત ‘દિલ-એ-નાદાન ઝમાને મેં મોહબ્બત એક ધોકા હૈ’ (મસ્ત કલંદર - તલત મહમૂદ, આશા ભોસલે - અસદ ભોપાલી), ‘કહ રહી હૈ ધડકનેં પુકાર કર’ (લાલ પરી – તલત મહમૂદ - અસદ ભોપાલી ), ‘દોનોં જહાં કે માલિક’ (ખૂલ જા સિમસિમ – તલત મહમૂદ, લતા મંગેશકર – અસદ ભોપાલી ), ‘ભૂલ જા સપના સુહાને ભૂલ જા’ ( રાજધાની -  તલત મહમૂદ, લતા મંગેશકર – કમર જલાલાબાદી ), ‘આએ ભી અકેલા, જાએ ભી અકેલા’ (દોસ્ત – તલત મહમૂદ – વર્મા મલિક) જેવાં કર્ણપ્રિય ગીતો સાંભળી   જાણકારોએ એટલું તો માન્યું કે તેમના સંગીતમાં કશુંક નોખું અનોખું છે.
મજાની વાત એ છે કે લતા મંગેશકરના સ્વરમાં અનેક કર્ણપ્રિય ગીતો રેકૉર્ડ કરનાર હંસરાજ બહલ શરૂઆતમાં તેમના કંઠથી પ્રભાવિત નહોતા. પંજાબી ફિલ્મ ‘લચ્છી’માં પ્રોડ્યુસરના આગ્રહથી તેમણે લતાજીના સ્વરમાં એક ગીત રેકૉર્ડ કર્યું. ‘નાલે લાગી વે નાલે હાયે વે’ જે અત્યંત લોકપ્રિય થયું અને તેઓ લતાજીના સ્વરના કાયલ થઈ ગયા.
ફિલ્મ ‘ચુનરિયા’ (૧૯૪૮)માં તેમણે ‘સાવન આયા રે’ ઝોહરાબાઈ અંબાલાવાલી, ગીતા રૉય અને આશા ભોસલેના સ્વરમાં રેકૉર્ડ કર્યું. આ ગીત આશા ભોસલેની કારકિર્દીનું પ્રથમ ગીત હતું. ફિલ્મનું બીજું એક ગીત સાંભળવા જેવું છે. ‘દિલ-એ–નાશાદ કો જીને કી હસરત હો ગઈ તુમ સે’ (લતા મંગેશકર–પંડિત મુખરામ શર્મા) આ ગીત યુવાન લતાજીના  સ્વરની તાજગીનો અહેસાસ કરાવે છે. એ દિવસોમાં લતા મંગેશકર ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવવાની કોશિશ કરી રહ્યાં હતાં.    
 આ ગીતના સંદર્ભમાં સંગીતકાર પ્યારેલાલજી સાથેની મુલાકાતોમાં એક રસપ્રદ કિસ્સો જાણવા મળ્યો. ફિલ્મ ‘જીવન મૃત્યુ’ (૧૯૭૦)ના લોકપ્રિય ગીત ‘ઝમાને મેં અજી ઐસે કંઈ  નાદાન હોતે હૈં’ (લક્ષ્મીકાન્ત પ્યારેલાલ - લતા મંગેશકર – આનંદ બક્ષી)ની ધૂન આબેહૂબ  ‘ચુનરિયા’ના ગીત જેવી છે. હું ખુશનસીબ છું કે દિગ્ગજ સંગીતકારોએ અનેક ગોપિત માહિતીઓ મારી સાથે શૅર કરી છે. મેં જ્યારે આ વાતનો ઉલ્લેખ પ્યારેભાઈ સાથે કર્યો ત્યારે નિખાલસતાથી તેમણે કહ્યું, ‘આપ બહોત બારીકી સે સુનતે હૈં. યે લતાજી કા ફેવરિટ ગાના હૈ. ફિલ્મ મેં સિચુએશન ઐસી થી કી યે ધૂન વહાઁ બિલકુલ ફિટ હોતી થી. સિટિંગમેં લતાજીને ‘ચુનરિયા’ કે ગાને કી યાદ દિલાઈ ઔર ગાના કમ્પોઝ હુઆ. લેકિન અંતરા હમને અપને  હિસાબસે બનાયા હૈ.’
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ સંગીતકારોએ અનેક ગીતોની પ્રેરણા બીજા સંગીતકારોના સ્વરબદ્ધ કરેલાં ગીતો પરથી લીધી છે. ક્યાંક તાલમાં, ક્યાંક છંદમાં, ક્યાંક ટેમ્પોમાં, નાના-મોટા ફેરફાર કરીને નવું ગીત બનતું હોય છે. એ કિસ્સા ટેક્નિકલ છે એટલે  સમજવા માટે લાઇવ ડેમોન્સ્ટ્રેશન વિથ ઑડિયો વિઝ્યુઅલ કરવું પડે. હકીકત એ છે કે દરેક સંગીતકારે આ ગીતોમાં પોતાના તરફથી કશુંક આગવું ઉમેરી એના પર પોતાની છાપ કાયમ  કરી છે. 
થોડા સમયથી એક જ ફિલ્મમાં એકથી વધુ સંગીતકારોનાં ગીતો લેવાનું ચલણ શરૂ થયું છે. એક  સમય હતો જ્યારે ફિલ્મમાં એક જ સંગીતકારનાં ગીતો રહેતાં. એવા દિવસોમાં એક ફિલ્મ એવી આવી જેમાં હંસરાજ બહલ સાથે બીજા બે સંગીતકારે સંગીત આપ્યું. એમાંના એક હતા મશહૂર ગુજરાતી સંગીતકાર. એ વાત આવતા રવિવારે.


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2025 12:27 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK