આજની પેઢી હેમંતકુમારને ન ઓળખે પણ એની પહેલાંની પેઢી માટે ‘હેમંતકુમાર એટલે મૌસમી ચૅટરજીના સસરા’ એટલી જ ઓળખ હોય તો એ પીડા કોને જઈને કહેવી?
ફાઇલ તસવીર
૧૯૫૫માં ફિલ્મીસ્તાનની ‘નાગિન’ના સંગીતે ધૂમ મચાવી અને સંગીતકાર તરીકે હેમંતકુમાર મશહૂર થઈ ગયા. ‘મેરા દિલ યે પુકારે આ જા’, ‘મન ડોલે મેરા તન ડોલે’, ‘જાદુગર સૈયાં છોડો મોરી બૈયાં’ સહિત કુલ ૧૨ ગીતો અને ક્લેવાયલિન પર કલ્યાણજીભાઈએ વગાડેલી બીનની મદહોશ કરતી
ગુંજે સંગીતપ્રેમીઓને ઘેલા કર્યા. આ ફિલ્મને ૧૯૫૬નો ફિલ્મફેરનો બેસ્ટ મ્યુઝિક-ડિરેક્ટરનો અવૉર્ડ મળ્યો.
ADVERTISEMENT
મારી લાઇબ્રેરીમાં મહાન ઉદ્ઘોષક સ્વ. અમીન સાયાનીએ વર્ષો પહેલાં લીધેલો હેમંતકુમારનો એક કલાકનો યાદગાર ઇન્ટરવ્યુ છે. એમાં ‘નાગિન’ના સંગીતનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે, ‘રાજેન્દ્ર કૃષ્ણનાં ગીતોને સ્વરબદ્ધ કરીને મેં એસ. મુખરજીને કહ્યું કે લતા મંગેશકરના સ્વરમાં આ ગીતો રેકૉર્ડ કરીએ. તેમણે કહ્યું કે ફિલ્મીસ્તાન સાથે તેમનો ઝઘડો થયો છે એટલે તે નહીં આવે. મેં કહ્યું કે મને કોશિશ કરવા દો. તો તેમણે કહ્યું, ‘કોઈ ચાન્સ નથી. ભલભલા સંગીતકારોને તે ના પાડી દે છે.’
‘મારે તેમની સાથે કોઈ એવી નિકટતા નહોતી તેમ છતાં હું તેમને મળવા ગયો. કહ્યું, ‘તમારો ફિલ્મીસ્તાન સાથે કોઈ ઝઘડો છે?’ તો કહે ‘હા, પણ તમે આવ્યા છો તો તમારે માટે હું જરૂર ગાઈશ’ (તેમણે પાછળથી મને કહ્યું કે તમારાં ગીતો મને ખૂબ પસંદ છે). પહેલા ગીતનું બેત્રણ દિવસ રિહર્સલ કર્યું. રેકૉર્ડિંગના દિવસે સવારના નવથી અમે કામ શરૂ કર્યું, પણ વારંવાર રીટેક થાય. કોઈ
વાર ટેક્નિકલ પ્રૉબ્લેમ આવે તો કોઈ વાર ડિરેક્ટરને પસંદ ન આવે. એમ કરતાં-કરતાં બે વાગી ગયા. હું પરેશાન હતો. લતા મને ધીરેથી કહે, ‘દાદા, આપ ટેન્શન મત લો. મૈં ગાના ગા કે હી જાઉંગી.’ અંતે ચાર વાગ્યે ૨૦ ટેક પછી ગીત ઓકે થયું. મજાની વાત એ હતી કે આટલા ટેક પછી જે ટેક ફાઇનલ થયો એ સૌથી પહેલો ટેક હતો.’
એક આડવાત. સંગીતકાર ઓ. પી. નૈયરે મને કહ્યું હતું, ‘હું મોટે ભાગે પહેલો ટેક ઓકે કરું છું કારણ કે ત્યારે સિંગર અને મ્યુઝિશ્યન્સ ફ્રેશ હોય. ત્યાર બાદ ધીમે-ધીમે એ લોકો થાકવા માંડે છે અને તેમના કામમાં પહેલાં જેવી તાજગી નથી હોતી.’
‘નાગિન’ની સફળતા એક અદ્ભુત ચમત્કાર હતો. હવે બંગાળી ફિલ્મો ઉપરાંત હિન્દી ફિલ્મોમાં હેમંતકુમાર વ્યસ્ત બની ગયા. તેમણે ‘હેમંતબેલા ફિલ્મ્સ’ના બૅનર હેઠળ બંગાળી ફિલ્મોનું નિર્માણ શરૂ કર્યું. દિવસરાત કામ કરતા હેમંતકુમારનો એક પગ મુંબઈમાં અને બીજો પગ કલકત્તામાં રહેતો. એક પ્લેબૅક સિંગર તરીકે તેમણે પોતાના સંગીતમાં ગાયું એ સ્વાભાવિક છે પરંતુ બીજા સંગીતકારો માટે તેમણે ગાયેલાં ગીતો અવિસ્મરણીય છે. ‘રૂલા કર ચલ દીએ એક દિન હંસી બન કર જો આએ થે’ (બાદશાહ – શંકર જયકિશન), ‘જાગ દર્દ ઇશ્ક જાગ’ (અનારકલી - સી. રામચંદ્ર), ‘ચંદન કા પલના, રેશમ કી ડોરી’ (શબાબ – નૌશાદ), ‘તેરી દુનિયા મેં જીને સે તો બેહતર હૈં કે મર જાયેં’ (હાઉસ નંબર 44 - એસ. ડી. બર્મન), ‘નૈન સો નૈન નાહીં મિલાઓ’ (ઝનક ઝનક પાયલ બાજે – વસંત દેસાઈ), ‘હલકે હલકે ચલો સાંવરે પ્યાર કી મસ્ત હવાઓં મેં (ટાંગાવાલી – સલિલ ચૌધરી), ‘નીંદ ન મુઝકો આએ’ (પોસ્ટ બૉક્સ નંબર 999 – કલ્યાણજી વીરજી શાહ - ચેક), ‘છુપા લો દિલ મેં યૂં પ્યાર મેરા’ (મમતા – રોશન), ‘જગતભર કી રોશની કે લિએ, કરોડોં કી ઝિંદગી કે લિએ, સૂરજદેવ જલતે રહના’ (હરિશ્ચંદ્ર તારામતી – લક્ષ્મીકાન્ત પ્યારેલાલ ) લિસ્ટ લાંબું છે.
એક સમય હતો જ્યારે તલત મેહમૂદ, મોહમ્મદ રફી અને હેમંતકુમાર ટોચના હીરો માટે પ્લેબૅક સિન્ગિંગ કરતા. પરંતુ સમય જતાં દિલીપકુમાર, રાજ કપૂર અને દેવ આનંદે અનુક્રમે મોહમ્મદ રફી, મુકેશ અને કિશોરકુમારને અપનાવી લીધા. હેમંતકુમારના ભાગે પ્રદીપકુમાર, અભિ ભટ્ટાચાર્ય, ગુરુ દત્ત, વિશ્વજીત અને બીજા હીરો ઉપરાંત ચરિત્ર ભૂમિકા ભજવતા કલાકારો આવ્યા.
૧૯૭૦માં પદ્મશ્રી અને ૧૯૮૭માં પદ્મભૂષણ સન્માન સ્વીકારવાનો તેમણે નમ્રતાથી ઇનકાર કર્યો. બન્ને વખતે તેમણે કહ્યું કે જે સમયે મારા કામની કદર થવી જોઈએ એ નથી થઈ. ૧૪૭ બંગાળી અને ૫૬ હિન્દી ફિલ્મોના સંગીતકારની યાદમાં ભારત સરકારે ૨૦૦૩માં પોસ્ટલ સ્ટૅમ્પ બહાર પાડી.
હેમંતકુમારનો સંગીતનો વારસો આગળ વધશે એવી આશા પુત્રી રાનુએ જગાડી જ્યારે નાનપણમાં તેના સ્વરમાં હેમંતકુમારે ‘માસૂમ’ (૧૯૬૦)માટે ‘નાની તેરી મોરની કો મોર લે ગએ, બાકી જો બચા થા કાલે ચોર લે ગએ’ રેકૉર્ડ કર્યું જે લોકપ્રિય થયું. ત્યાર બાદ રાનુ ખોવાઈ ગઈ. તેમનો પુત્ર જયંત સંગીતક્ષેત્રે નિષ્ક્રિય હતો. તેની પત્ની મૌસમી ચૅટરજી કાબેલ અભિનેત્રી હતી.
સંગીતકાર રવિએ હેમંતકુમારના ઉમદા અને ઉદાર સ્વભાવનો એક કિસ્સો મારી સાથે શૅર કર્યો હતો, ‘હું ફિલ્મ લાઇનમાં પ્લેબૅક સિંગર બનવા આવ્યો હતો. લાખ પ્રયત્નો કર્યા પણ મને કોઈ મોકો ન મળ્યો. અંતે હું કોરસ સિંગર બન્યો. એ દરમ્યાન મારી મુલાકાત હેમંતદા સાથે થઈ. ફુરસદના સમયમાં હું તેમની પાસે બેસતો હતો અને ઢોલક અને તબલા પર તેમના કામમાં સાથ આપતો. મારી મહેનત અને આવડત જોઈ તે ખુશ થાય. ધીમે-ધીમે હું તેમનો અસિસ્ટન્ટ બન્યો. પ્રોડ્યુસર-ડિરેક્ટર દેવેન્દ્ર ગોયલે તેમની પહેલી ફિલ્મ ‘વચન’માં સંગીત આપવાનો મોકો આપ્યો. હેમંતદા ખૂબ રાજી હતા. એ ફિલ્મ બાદ હું તેમની પાસે આવ્યો. મેં કહ્યું, ‘મારું મન બીજે લાગતું નથી. મારે તમારી સાથે જ કામ કરવું છે.’ મને કહે, ‘તારી સામે ઊજળું ભવિષ્ય છે. મારી સાથે રહીશ તો આગળ ક્યારે વધીશ?’ આટલું કહી જબરદસ્તીથી મને છૂટો કર્યો.’
એક સમય આવ્યો જ્યારે સંગીતકાર અને ગાયક તરીકે હેમંતકુમારની ડિમાન્ડ ઘટતી ગઈ. હેમંતકુમાર સીધાસાદા, સરળ સ્વભાવના માણસ હતા. કામ મેળવવા કોઈ પણ જાતની તિકડમબાજી કરવી એ તેમના સ્વભાવમાં નહોતું. તેમણે નિર્ણય કર્યો કે મુંબઈ છોડી કાયમ માટે કલકત્તા જવું. પછી મનમાં થયું કે એક હિટ ફિલ્મનું સંગીત આપીને મુંબઈને અલવિદા કરવી જોઈએ. તેમણે ‘બીસ સાલ બાદ’ જેવી સસ્પેન્સ ફિલ્મ બનવવાનું નક્કી કર્યું. ‘હેમંતબેલા ફિલ્મ્સ’નું નામ બદલી ‘ગીતાંજલિ ફિલ્મ્સ’ના નેજા હેઠળની આ ફિલ્મ માટે તેમણે જીવનની સઘળી પૂંજી દાવ પર લગાવી દીધી. નસીબજોગે ફિલ્મનું ગીતસંગીત અત્યંત લોકપ્રિય થયું. ત્યાર બાદ તેમણે ‘બીબી ઔર મકાન’, ‘કોહરા’, ‘ફરાર’, ‘રાહગીર’ અને ‘ખામોશી’ જેવી ફિલ્મો બનાવી. આ ફિલ્મો બૉક્સ-ઑફિસ પર સાધારણ સાબિત થઈ.
તેમની આર્થિક સ્થિતિ કથળતી ગઈ. એક સમય એવો આવ્યો કે કેવળ પાંચ હજાર રૂપિયામાં તેઓ સ્ટેજ શો કરતા. આજે પણ મને નરીમાન પૉઇન્ટ પાસે ભુલાભાઈ ઑડિટોરિયમની એ સાંજ યાદ છે જ્યાં તેમને ‘લાઇવ પર્ફોર્મ’ કરતા સાંભળ્યા છે.
હેમંતકુમાર ડાયાબિટીઝ, બ્લડપ્રેશર અને હૃદયની નાનીમોટી બીમારીથી પીડિત હતા. ‘કહાં લે ચલે હો, બતા દો મુસાફિર, સિતારોં સે આગે યે કૈસા જહાં હૈ’ (‘દુર્ગેશ નંદિની’ – લતા મંગેશકર)ના સર્જક હેમંતકુમારે ૧૯૮૯ની ૧૮ સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધા. ‘જનમ સે બંજારા હૂં બંધુ, જનમ જનમ બંજારા’(‘રાહગીર’-હેમંતકુમાર)ની જેમ જીવન વ્યતીત કરેલ હેમંતદાને તેમની રચનાઓ દ્વારા સ્વરાંજલિ આપવાનો એક પ્રયાસ અમે કર્યો જ્યારે ૨૦૦૮ની ૮ જાન્યુઆરીએ ‘સંકેત’ દ્વારા ‘કુછ દિલને કહા’નું આયોજન કર્યું. મધરાતના સન્નાટામાં હેમંતદાનાં ગીતો સાંભળતાં આ સ્વરાંજલિ લખું છું ત્યાં તેમનો સ્વર ગુંજે છે, ‘તુમ પુકાર લો, તુમ્હારા ઇન્તઝાર હૈ’ (ખામોશી) અને આંખના ખૂણા ભીના થઈ જાય છે.
આજની ઇન્ડી પૉપ અને રીમિક્સના રવાડે ચડેલી યંગ જનરેશન હજારો રૂપિયા ખર્ચીને ઊભા-ઊભા મોબાઇલની લાઇટ ઑન કરીને ચિચિયારી પાડતી નાચતી હોય છે. તેને હેમંતકુમાર કોણ હતા એની ખબર ન હોય એ સમજી શકાય એવી વાત છે, પરંતુ એની પહેલાંની પેઢી માટે પણ ‘હેમંતકુમાર એટલે મૌસમી ચૅટરજીના સસરા’ એટલી જ ઓળખ હોય તો એ પીડા કોને જઈને કહેવી?
