Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > બડી દેર સે આતી હૈ, પર જબ ભી આતી હૈ દિન બના દેતી હૈ...

બડી દેર સે આતી હૈ, પર જબ ભી આતી હૈ દિન બના દેતી હૈ...

29 February, 2024 08:03 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

દર ચાર વર્ષે બર્થ-ડે ઊજવવાનું જે એક્સાઇટમેન્ટ હોય એ કદાચ જેમનો દર વર્ષે બર્થ-ડે આવે છે તેમને સમજાશે નહીં.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ના-ના અહીં કોઈ પ્રેમિકાની વાત નથી થતી. અહીં વાત થાય છે તારીખની. આ તારીખ કોઈ આમ નહીં, પણ ખૂબ ખાસ છે. એ તારીખ એટલે ૨૯ ફેબ્રુઆરી. દર ચાર વર્ષે આપણને કૅલેન્ડરમાં જોવા મળે છે. એમાં પણ જો આ દિવસે કોઈનો બર્થ-ડે કે મૅ​રેજ ઍનિવર્સરી હોય તો-તો વાત જ ન પૂછો. એમનો દિવસ યાદગાર બનાવવા માટે ફ્રેન્ડ્સ અને ફૅમિલી મેમ્બર્સ તરફથી કોઈ કસર બાકી રાખવામાં આવતી નથી


બર્થ-ડે મોટા ભાગના લોકોને ૩૬૫ દિવસમાં એક વાર સેલિબ્રેટ કરવા મળે છે. આ લોકો ખરેખર લકી છે, પણ જેમને ૧૪૬૧ દિવસમાં એક વાર જન્મદિવસ ઊજવવાનો મોકો મળે એ લોકો રૅર અને સ્પેશ્યલ હોય છે. આ લોકોનો બર્થ-ડે ભલે ચાર વર્ષે એક વાર આવે પણ જ્યારે આવે છે ત્યારે તેમને ફૅમિલી અને ફ્રેન્ડ્સ પાસેથી સ્પેશ્યલ સરપ્રાઇઝ મળે છે. ઈવન દર ચાર વર્ષે બર્થ-ડે ઊજવવાનું જે એક્સાઇટમેન્ટ હોય એ કદાચ જેમનો દર વર્ષે બર્થ-ડે આવે છે તેમને સમજાશે નહીં. એવું જે ઍનિવર્સરીઝનું પણ છે. દર વર્ષે કદાચ મૅરેજ ઍનિવર્સરી સેલિબ્રેટ કરવાનું એટલું એક્સાઇટિંગ ન પણ લાગે, પણ ચાર વર્ષે એક વાર આવતી હોય તો કપલ એને સેલિબ્રેટ કરવાનું ન ભૂલે. તો આજે આવાં જ કેટલાંક લીપર્સ અને કપલ્સને મળીએ અને જાણીએ કે તેઓ તેમના બર્થ-ડે અથવા તો મૅરેજ ઍનિવર્સરીના સેલિબ્રેશનને લઈને કેટલા એક્સાઇટેડ હોય છે. 



હજી તો હું જસ્ટ ૧૭ વર્ષની થઈ! : પ્રીતિ મહેતા



બાળપણની બર્થ-ડેની યાદોને તાજી કરતાં વરલીમાં રહેતાં ૬૮ વર્ષનાં પ્રીતિ મહેતા કહે છે, ‘હું નાની હતી ત્યારે મને અફસોસ થતો કે મારો જ બર્થ-ડે કેમ ચાર વર્ષે એક વાર આવે છે, બધા તો દર વર્ષે ઉજવે છે. એટલે પછી ૨૯ ફેબ્રુઆરીએ મારો બર્થ-ડે આવતો ત્યારે પપ્પા ચાર વર્ષની ગિફ્ટ ભેગી આપીને ફોસલાવતા. હજી ગયા લીપ યરમાં જ મેં મારો ૧૬મી વાર બર્થ-ડે ઊજવ્યો હતો. મારી વહુ ધ્વનિએ મારા માટે સરપ્રાઇઝ પ્લાન કરી હતી. એ તો એમ જ કહે કે તમે તો હજી સ્વીટ સિક્સટીન જ છો. જનરલી હું કેક કટ કરતી નથી એટલે ધ્વનિએ ૧૬ નાની-નાની કપ કેપ મગાવી હતી. બધા જ ફૅમિલી મેમ્બર્સને રેસ્ટોરાંમાં બોલાવ્યા હતા. આ વખતે પણ મારા હસબન્ડ નીતિન મારા બર્થ-ડેને લઈને એક્સાઇટેડ છે. એ તો કહી રહ્યા છે કે આપણે તારા બધા ફ્રેન્ડ્સને ઘરે બોલાવીને ઉજવણી કરીએ. જોકે આ વખતે મારો સત્સંગ અને ભજન-કીર્તન કરવાનો ઇરાદો છે. હવે એવું ફીલ થાય છે કે ઉંમર થઈ ગઈ છે તો ભગવાનનું ધ્યાન કરીએ.’

લીપ યર ન હોય ત્યારે ડબલ સેલિબ્રેશન થાય : મિત્તલ શાહ



જનરલી લીપ યર ન હોય ત્યારે બે દિવસ ૨૮મી ફેબ્રુઆરીએ પ્રી અને પહેલી માર્ચે પોસ્ટ બર્થ-ડેનું સેલિબ્રેશન થાય. ડબલ સેલિબ્રેશન હોય. મિડનાઇટના કેક-કટિંગ થાય. નવી-નવી સરપ્રાઇઝ મળે. અમે આઉટિંગ પર જઈએ. જોકે ૨૯ ફેબ્રુઆરીએ બર્થ-ડે આવે ત્યારે એક્સ્ટ્રા સ્પેશ્યલ ફીલ થાય એમ જણાવતાં બોરીવલીમાં રહેતાં ૪૪ વર્ષનાં મિત્તલ શાહ કહે છે, ‘આ વખતે મારા સન ભવ્ય અને હસબન્ડ હેમલે મળીને મારા માટે ઘણી સરપ્રાઇઝ પ્લાન કરી છે. શું કરશે એ તો હવે બર્થ-ડેના દિવસે જ ખબર પડશે. આજથી ચાર વર્ષ પહેલાં મારો બર્થ-ડે હતો ત્યારે મારા હસબન્ડે મને ડાયમન્ડ રિન્ગ ગિફ્ટમાં આપી હતી. તેમણે મારા પેરન્ટ્સને બોલાવ્યા હતા અને બધાએ સાથે મળીને બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. ઈવન ગયા વર્ષે મેં જ્યારે પ્રી બર્થ-ડે સેલિબ્રેટ કર્યો ત્યારે મારા દીકરાએ મને બેસ્ટ મૉમની ટ્રોફી આપી હતી. બાળપણમાં મેં કોઈ દિવસ કેક કટ કરી નથી. ૨૮મી ફેબ્રુઆરીએ હું મમ્મી-પપ્પા સાથે અનાથાશ્રમમાં દાન કરવા કે પછી પાંજરાપોળમાં જતી. મેં હજી એ પરંપરા ચાલુ જ રાખી છે.’

લગ્ન પછી પહેલી વાર સાસરામાં ૨૯મી ફેબ્રુઆરીએ બર્થ-ડે સેલિબ્રેટ કરીશ : કરિશ્મા પટેલ


બધાનો યરલી બર્થ-ડે આવે પણ અમારા જેવા લોકોને બર્થ-ડે માટે ખૂબ રાહ જોવી પડે. એટલે જ્યારે બર્થ-ડે નજીક આવવાનો હોય ત્યારે જ હું કાઉન્ટડાઉન શરૂ કરી દઉં. જેમ-જેમ ડેટ નજીક આવતી જાય તેમ એક્સાઇટમેન્ટ પણ વધતી જાય છે એમ જણાવતાં નાયગાંવમાં રહેતાં કરિશ્મા પટેલ કહે છે, ‘આ વખતે લગ્ન પછી હું પહેલી વાર મારા સાસરામાં ૨૯મી ફેબ્રુઆરીએ બર્થ-ડે સેલિબ્રેટ કરીશ. મને ૨૮ વર્ષ પૂર્ણ થશે. ફૅમિલી સાથે ટાઇમ સ્પેન્ડ કરી શકું એટલે મેં ઑફિસમાંથી પણ હાફ ડે લીધો છે. અફકોર્સ ઑફિસમાં પણ કલીગ્સે મારા માટે કેક-કટિંગનો પ્લાન રાખ્યો છે એટલે ત્યાં પણ જવું જ પડે. એ પછી હું મારા પિયરમાં પણ જવાની છું. સાંજે પછી મારા હસબન્ડ અને ઇન લૉઝ જોડે કેક-કટિંગ અને ડિનરનો પ્રોગ્રામ છે. મને આજે પણ યાદ છે કે હું ચાર વર્ષની થઈ ત્યારે મારા ફર્સ્ટ બર્થ-ડેમાં ગ્રૅન્ડ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. બધાં જ સગાંસંબંધીઓને ઘરે બોલાવીને ગેટ-ટુગેધર અને પાર્ટી રાખવામાં આવ્યાં હતાં.’

ફૅમિલી સાથે બર્થ-ડે ઊજવવા ખાસ મુંબઈથી રાજસ્થાન ગઈ છું : અંજલિ જૈન


હું મારી જાતને ખૂબ સ્પેશ્યલ માનું છું. ચાર વર્ષે રિયલ બર્થ ડેટ પર બર્થ-ડે આવતો હોય તો ફૅમિલી અને ફ્રેન્ડ્સ પણ એને સેલિબ્રેટ કરવા માટે એક્સાઇટેડ હોય છે એમ જણાવતાં અંજલિ જૈન કહે છે, ‘આ વખતે હું ૨૪ વર્ષ પૂર્ણ કરીને ૨૫મા વર્ષમાં પ્રવેશ કરીશ. હું ઇન્ટીરિયર ડિઝાઇનર છું. જૉબ માટે મુંબઈમાં જ રહું છું. મારી ફૅમિલી રાજસ્થાનના ભીલવાડામાં રહે છે. હું મારો બર્થ-ડે ફૅમિલી સાથે મળીને ઊજવી શકું એટલે હું ખાસ ભીલવાડા ગઈ છું. જનરલી મારો બર્થ-ડે હોય એ દિવસે સવારે રેડી થઈને હું અનાથાશ્રમ અને ગૌશાળામાં જાઉં છું. મમ્મી મારા માટે મારી ફેવરિટ ડિશ બનાવે છે. એ પછી ફ્રેન્ડ્સ સાથે બહાર જાઉં છું. રાત્રે પછી ફૅમિલી સાથે ડિનરનો પ્રોગ્રામ હોય છે. સવારથી સાંજ સુધી બધા જ તમને સ્પેશ્યલ ફીલ કરાવે. મારું તો એવું છે કે લીપ યર ન હોય ત્યારે પણ હું મારો બર્થ-ડે ઊજવી જ લઉં છું. ઊલટાનું ૨૮મી ફેબ્રઆરી અને પહેલી માર્ચ એમ બે ​દિવસ સુધી લોકો મને વિશ કર્યા કરે. તો એમ લાગે કે વાઓ! હું કેટલી લકી છું.’

લગ્નને આમ ૧૬ વર્ષ થયાં, પણ ઍનિવર્સરી ચોથી મનાવીશું : કિશોર વાલંતરા


અમારાં લગ્ન ૨૯મી ફેબ્રુઆરી, ૨૦૦૮નાં થયેલાં. અમારાં લગ્નને ૧૬ વર્ષ થઈ ગયાં છે એમ જણાવતાં મલાડમાં રહેતા અને સેલ્સ એક્ઝિક્યુટિવનું કામ કરતા ૪૫ વર્ષના કિશોર વાલંતરા કહે છે ‘૧૬ વર્ષમાં આ વર્ષે ચોથી વખત રિયલ ડેટ પર મૅરેજ ઍનિવર્સરી આવી છે. જનરલી અમે બે-ત્રણ દિવસ માટે ફરવા ઊપડી જઇએ. લાસ્ટ ટાઇમ અમે માથેરાન ફરવા માટે ગયાં હતા. બાકી લીપ યર ન હોય ત્યારે ૨૮મી ફેબ્રુઆરીએ જ મૅરેજ ઍનિવર્સરી સેલિબ્રેટ કરીએ. ઘરે કેક-કટિંગ કરીએ અને બહાર રેસ્ટોરાંમાં જમવા જઈએ. અમારા નજીકના સંબંધીનું હજી હમણાં જ અવસાન થયું હોવાથી આ વખતે અમે બહાર ફરવા જવાનો કોઈ પ્લાન બનાવ્યો નથી. એટલે મારી વાઇફ જે વસ્તુ માગશે એ તેને ગિફ્ટમાં આપીશ. અમારે ૧૪ વર્ષની એક દીકરી જિનલ છે.’

Whatsapp-channel Whatsapp-channel

29 February, 2024 08:03 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK