આર્મી ઑફિસર હરિન્દરસિંહ સિક્કાની સત્યઘટના પર આધારિત ‘કૉલિંગ સહમત’ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ કરતાં ચાર ચાસણી ચડે છે
હરિન્દરએસ. સિક્કાલિખિત ‘કૉલિંગ સહમત’ નવલકથા
એક સમય હતો કે કાશ્મીરને પાકિસ્તાન સાથે રોટી-બેટીનો વ્યવહાર હતો અને એ વ્યવહાર સૌ હસીખુશી નિભાવતા. બોર્ડર પર ભારતીય સેના પણ આવનારી જાનને પ્રેમપૂર્વક હિન્દુસ્તાની કાશ્મીરમાં પ્રવેશવા દેતી. કાશ્મીર જેવું જ કચ્છમાં હતું. કચ્છમાં રહેતી પોતાની બહેન-દીકરીને કે પછી ભાગલા પછી અહીં જ રહી ગયેલા પરિવારજનોને મળવા પાકિસ્તાનથી આરામથી લોકો આવતા અને સરહદથી તેમને પરમિશન પણ આપવામાં આવતી. રોટી-બેટીનો વ્યવહાર પણ ખરો અને આ જ કારણે આ બન્ને વિસ્તારથી જરૂર પડે ત્યારે જાસૂસીનાં કામો પણ થતાં રહેતાં. કચ્છની વાત તમે અભિષેક બચ્ચન અને કરીના કપૂરની પહેલી ફિલ્મ ‘રેફ્યુજી’માં જોઈ છે અને કાશ્મીરની જે વાત આપણે કરીએ છીએ એ ફિલ્મ ‘રાઝી’માં દર્શાવવામાં આવી છે અને ‘રાઝી’ની જે વાત છે એ વાત નૉવેલ ‘કૉલિંગ સહમત’માં દર્શાવવામાં આવી છે.
હરિન્દરએસ. સિક્કાલિખિત ‘કૉલિંગ સહમત’ નવલકથા સત્યઘટના પર આધારિત છે અને એ પછી પણ એ કોઈ પણ હિન્દી ફિલ્મ કરતાં ચાર ચાસણી ચડે એવી રસપ્રદ છે. હરિન્દરસિંહ ઇન્ડિયન નેવીના ઑફિસર હતા. દસ વર્ષ હિન્દુસ્તાની જળસેનાની સેવા કર્યા પછી તેમણે વૉલન્ટરી રિટાયરમેન્ટ લીધું અને પછી તેમણે પોતાના અનુભવો શૅર કરવાના હેતુથી રાઇટિંગ શરૂ કર્યું. ‘કૉલિંગ સહમત’ એ તેમની પહેલી નવલકથા છે અને આ પહેલી જ નવલકથાએ હરિન્દરસિંહને બૉલીવુડની આંખોમાં સ્ટાર બનાવી દીધા.
ADVERTISEMENT
શું કામ ઘડાઈ આ નવલકથા? | નવલકથા ‘કૉલિંગ સહમત’માં વાત સહમત ખાનની છે. આ નામ કાલ્પનિક છે, પણ આ આખી વાત સત્યઘટના છે. હરિન્દરસિંહ જ્યારે નેવીમાં હતાં ત્યારે તે પહેલી વાર સહમતના પપ્પાને મળ્યા અને તેમની પાસેથી તેમને આ ઘટનાની ખબર પડી. હરિન્દરસિંહ સિક્કા લિટરલી શૉક્ડ હતા કે દેશના માટે સગો બાપ કેવી રીતે પોતાની વહાલસોયી દીકરીને આ રીતે દુશ્મન દેશના હાથમાં સોંપીને ત્યાંથી જાસૂસી કરાવી શકે!
‘અસંભવ... અશક્ય.’ આજે પણ એ ઘટના વિશે વાત કરતી વખતે હરિન્દરસિંહની આંખોમાં ચમક આવી જાય છે, ‘જો જરાક પણ ભૂલ થઈ તો દીકરીને પાકિસ્તાનમાં ચીરી નાખવામાં આવે અને એ તેના પપ્પાને ખબર હતી એમ છતાં પણ દીકરીનો જીવ જોખમમાં મૂકીને બાપે દેશની સેવા કરી. હું તો આ દીકરી અને તેના પપ્પાને ભારતરત્નથી સહેજ પણ ઓછાં ઊતરતાં નથી માનતો.’
એક નૉવેલ અને ત્રણ પ્રોડ્યુસર | ‘કૉલિંગ સહમત’ એક જ નૉવેલના રાઇટ્સ લઈ ફિલ્મ બનાવવા માટે ત્રણ-ત્રણ પ્રોડ્યુસર આગળ આવ્યા અને એ ત્રણેત્રણ પ્રોડ્યુસરે એક જ ડિરેક્ટરનો કૉન્ટૅક્ટ કર્યો, મેઘના ગુલઝારનો. પહેલા પ્રોડક્શન હાઉસને પણ મેઘનાની હા હતી અને એવી જ રીતે બીજા અને ત્રીજા પ્રોડક્શન હાઉસને પણ મેઘનાની હા હતી. મેઘનાએ આ નૉવેલ નહોતી વાંચી, પણ તેણે એ વાંચવાનું કામ પહેલાં પપ્પા ગુલઝારને સોંપ્યું હતું. ‘કૉલિંગ સહમત’ વાંચીને ગુલઝારે એક જ લાઇનમાં રિવ્યુ આપ્યો હતો.
‘ભગવાન ઇચ્છે એને જ આ ફિલ્મ ડિરેક્ટ કરવા મળે...’
મેઘનાએ નૉવેલ વાંચી અને તેને પણ એ જ લાગ્યું કે આ ફિલ્મ કરવી એ નસીબદાર હોવાની નિશાની છે અને મેઘનાએ ત્રીજા પ્રોડક્શન હાઉસને પણ હા પાડી દીધી. પહેલાં બન્ને પ્રોડક્શન હાઉસની વાત કરીએ તો અનુક્રમે તબુ અને સુસ્મિતા સેનને લઈને એ ફિલ્મનું પ્લાનિંગ ચાલતું હતું જ્યારે ધર્મા પ્રોડક્શન્સે ફિલ્મ બનાવી ત્યારે તેણે લીડ રોલમાં આલિયા ભટ્ટ ફાઇનલ કરી.
એ પણ હકીકત છે કે હરિન્દરસિક્કા મેઘના ગુલઝારવાળી ફિલ્મથી પણ
નારાજ થયા હતા. તેમનું કહેવું હતું કે સ્ટોરીને ફિલ્મી બનાવવા જતાં વાસ્તવિકતાથી ફિલ્મને દૂર ધકેલી દેવામાં આવી છે.
સ્ટોરી શૉર્ટકટ
‘કૉલિંગ સહમત’ કથા છે સહમત ખાનની.
સહમત કૉલેજમાં ભણે છે અને તેના પપ્પા રૉ માટે કામ કરે છે. એક દિવસ તેના પપ્પાને કૅન્સરનું નિદાન થાય છે. દેશ માટે જીવ આપતાં પણ નહીં ખચકાતા તેના અબ્બા નક્કી કરે છે કે તેમની આગળની જવાબદારી સહમત પૂરી કરશે અને તે સહમતને એના માટે તૈયાર કરી પાકિસ્તાનના આર્મી ઑફિસરની સાથે મૅરેજ કરાવી, પાકિસ્તાન રવાના કરી દે છે. પાકિસ્તાન પહોંચેલી સહમતના બે રોલ છે. એક તો વાઇફ તરીકેનો અને બીજો રોલ રૉના જાસૂસનો. હિન્દુસ્તાન માટે કામ કરતી સહમત માટે આ ડબલ રોલ બહુ કષ્ટદાયી છે, પણ મરતાં બાપને તેણે વચન આપ્યું છે એટલે તે એ બન્ને રોલ નિષ્ઠાપૂર્વક નિભાવે છે અને એટલા મોટા હુમલાની માહિતી તે ભારતને પહોંચાડે છે કે જેને લીધે ૧૯૭૧ના યુદ્ધમાં ભારતીય નેવી પર થનારા હુમલાને ખાળી શકાય છે.
એ માહિતી પહોંચાડતી વખતે અનાયાસે જ સહમતના હસબન્ડને તેના પર શક આવી જાય છે, પણ તે સહમતને પકડે એ પહેલાં સહમત ઇન્ડિયા પરત આવી જાય છે. દેશમાં પાછાં આવ્યા પછી સહમત પાકિસ્તાની પતિ દ્વારા થયેલા સંતાનને જન્મ પણ આપે છે અને એ દીકરાને તે આર્મીમાં જૉઇન કરીને હિન્દુસ્તાનની રક્ષાની જવાબદારી સોંપે છે. સહમત ખાન આજે પણ હયાત છે અને તે કાશ્મીરમાં
રહે છે.

