સાધક અને સર્જક મકરંદ દવેએ પોતાના ભાણેજ અશોક વૈદ્ય પર લખેલા પત્રોનું પુસ્તક ‘હળવા ટકોરા હેતના’ છે
મકરંદ દવેની ફાઇલ તસવીર
થોડા સમય પહેલાં એક પુસ્તક વાંચ્યું. સાધક અને સર્જક મકરંદ દવેએ પોતાના ભાણેજ અશોક વૈદ્ય પર લખેલા પત્રોનું પુસ્તક ‘હળવા ટકોરા હેતના’ છે. ૧૯ વર્ષના ભાણિયાને લખેલા મકરંદમામાના એ પત્રો હકીકતમાં એક નાજુક છોડના જતન જેવા છે. એ યુવાન આગળ જતાં એક વિદ્વાન તબીબ અને સંશોધક તથા સર્જનાત્મક વ્યક્તિ તરીકે ઊભર્યો. તબીબી ક્ષેત્રમાં તેમ જ આયુર્વેદિક સંશોધનક્ષેત્રે ડૉ. અશોક વૈદ્યએ માતબર પ્રદાન કર્યું. જીવનનાં અંતિમ વર્ષોમાં બ્લડ-કૅન્સરની બીમારી આવી ત્યારે દર મહિને બ્લડ-ટ્રાન્સફ્યુઝન માટે હૉસ્પિટલમાં દિવસો સુધી રહેવું પડે. સારવાર છતાં પરમમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે એ દિવસોમાં પણ વાંચન અને આધ્યાત્મિક સાધનામાં મસ્ત રહેતા. આ પુસ્તકમાં મકરંદ દવેના શબ્દોમાંથી જે જીવન પાથેય તેમને મળ્યું હતું એની ઝલક છે. મકરંદભાઈ એક પત્રમાં લખે છે ઃ
‘કોઈ કદમના તાલ બન,
ADVERTISEMENT
કોઈની ધીંગી ઢાલ બન,
કોઈની કાળી રાતમાં
મારગડે મશાલ બન.’
તું જ તારું યંત્ર થઈ જા,
ધ્યાન થઈ જા, મંત્ર થઈ જા,
અન્યનો આધાર છોડી
સર્વતંત્ર સ્વતંત્ર થઈ જા.’
આવા અર્થપૂર્ણ પત્રો કોઈ પણ વ્યક્તિ માટે ઉત્તમ જીવનશીખ કે ભાથું બની શકે, પરંતુ એવી તક નથી મળી તેઓ પણ પોતાના મનોબળ અને આંતરિક ઊર્જાના બળે એ શબ્દોએ ચીંધેલી દિશામાં આગળ વધીને પોતાનો મંત્ર બની શકે છે. થોડા સમય પહેલાં એક અહેવાલ વાંચેલો. એનું શીર્ષક હતું ઃ ‘અગેઇન્સ્ટ ઑલ ઓડ્સ ઃ જર્ની ઑફ હાર્ટ ઍન્ડ હાઇટ.’ અસાધારણ ઓછી હાઇટ ધરાવતો અમોલ સ્કૂલ અને કૉલેજમાં હંમેશાં મશ્કરીનો ભોગ બનતો. કૉલેજના પ્રોફેસરો સુધ્ધાંએ તેના બાહ્ય દેખાવ વિશે મજાક અને તિરસ્કારયુક્ત વ્યવહાર કર્યો હતો. એક પ્રોફસરે તો તેને ત્યાં સુધી કહી દીધેલું કે તારું કદ એન્જિનિયરિંગ ક્ષેત્ર માટે અનફિટ છે! પીઠ પાછળની કમેન્ટ્સ અને હાસ્યની છોળો ખમીને પણ પોતાના અભ્યાસમાં ફોકસ કરી રહેલા અમોલના હૃદયને એ શબ્દોએ શારડીની જેમ વીંધી નાખ્યું હતું. તેનાં અરમાનોની જ્યોત જાણે ઓલવાઈ રહી હતી.
પણ તેણે એમ ન થવા દીધું. પોતાની જાત પાસેથી જ ફરી શક્તિ મેળવીને તે પોતાના લક્ષ્ય પરથી ફંટાયો નહીં. આજે અમોલ બળવંત શેંડે પુણેમાં વૈકલ્પિક ઊર્જાક્ષેત્રની એક નામાંકિત કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર છે. ક્લીન એનર્જી અને ક્લાઇમેટ પ્રોટેક્શન ક્ષેત્રે તેમની ઉમદા કામગીરી બદલ તેમનું નામ અત્યંત આદર સાથે લેવાય છે. મકરંદ દવેના શબ્દો ‘તું જ તારો મંત્ર થા’ સાંભળતાં અમોલ જેવી વ્યક્તિઓ સાંભરી જ આવેને!
- તરુ મેઘાણી કજારિયા (પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે)

