એવા સંકેત છે કે કેજરીવાલના કેસનો જલદી ફેંસલો આવવાનો નથી. BJP માટે એ ‘આશીર્વાદ’ છે. એ ઇચ્છે છે કે લોકસભાની ચૂંટણી સુધી સમાચારોમાં લોકોનું ધ્યાન ભ્રષ્ટાચાર પર રહે.
ક્રૉસલાઇન
અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ડંકો વગાડી રહી છે. જર્મની પછી હવે અમેરિકાએ તેમની ધરપકડ પર ટિપ્પણી કરી છે. એક વાર નહીં બે વાર. ભારતે બન્ને દેશોના રાજદ્વારીઓને બોલાવીને તેમની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કેજરીવાલની ધરપકડ એની આંતરિક બાબત છે. અમેરિકાએ તેના રાજદ્વારીને ભારતે સમન્સ કર્યા એના પર પણ પ્રતિક્રિયા આપીને કહ્યું છે કે અમેરિકા ન્યાયી, પારદર્શક અને સમયસરની કાનૂની પ્રક્રિયાઓનું સમર્થન કરે છે અને એમાં ‘કોઈએ વાંધો ઉઠાવવો ન જોઈએ.’
જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ‘એક લોકતાંત્રિક દેશ તરીકે અમે આશા રાખીએ છીએ કે અરવિંદ કેજરીવાલ સામે ન્યાયી અને નિષ્પક્ષ ખટલો ચલાવામાં આવે.’ ગયા સપ્તાહે શુક્રવારે અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે તેઓ ચૂંટણી પહેલાં ભારતના વિપક્ષના એક મોટા નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડને કેવી રીતે જુએ છે?