Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બાપ્પાના આવા ભક્તો નહીં જોયા હોય તમે

બાપ્પાના આવા ભક્તો નહીં જોયા હોય તમે

24 September, 2023 02:50 PM IST | Mumbai
Darshini Vashi

દર્શિની વશી લઈ આવ્યાં છે  ગણેશભક્તોની અજબ ભક્તિની ગજબ વાતો 

રાગેશ શ્રોફ અને ગ્રુપ

રાગેશ શ્રોફ અને ગ્રુપ


પ્રથમ પૂજ્ય એવા ગણપતિબાપ્પાના વિશ્વભરમાં લાખો-કરોડો ભક્તો છે, પણ અમુક ભક્તો એવા છે જેમની ભક્તિ તેમને અન્ય ભક્તો કરતાં તદ્દન અલગ તારીને મૂકી દે છે. જેમ કે કોઈ ગણેશોત્સવ દરમ્યાન ખુલ્લા પગે રહે છે, કોઈ એક જ માટીમાંથી દર વર્ષે ગણપતિ બનાવે છે તો કોઈએ ઘરમાં ખાસ મટીરિયલની સેંકડો મૂર્તિઓ ભેગી કરી છે. દર્શિની વશી લઈ આવ્યાં છે ગણેશભક્તોની અજબ ભક્તિની ગજબ વાતો 

૧૪૦ વર્ષથી એકસરખી મૂર્તિની સ્થાપના કરીએ છીએ : રાગેશ શ્રોફઅમારા ઘરે ૧૪૦ વર્ષ પહેલાં પ્રથમ વર્ષે જેવી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી હતી એવી જ મૂર્તિની સ્થાપના અમે આ જ વર્ષ સુધી કરતાં આવ્યાં છે એમ જણાવતાં જુહુમાં રહેતા રાગેશ શ્રોફ કહે છે, ‘ઘરમાં દોઢ દિવસના ગણપતિ આવે તો પણ એની સાથે એક અજીબ પ્રકારની માયા બંધાઈ જાય છે તો વિચારો કે જેમના ઘરે ૧૪૦ વર્ષથી ગણપતિ આવતા હશે તેમની માયા કેટલી હદ સુધી બંધાયેલી હશે. અમારી માયા, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ ગણપતિની સાથે એવાં જોડાયેલાં છે કે અમે ક્યારેય મૂર્તિમાં ઝીણો સરખો ફેરફાર કરવા માટે પણ તૈયાર થતા નથી. મારા ગ્રેટ ગ્રૅન્ડ ફાધરના સમયથી અમારા ઘરે દર વર્ષે ગણપતિ આવે છે. ૧૪૦ કરતાં પણ વધુ વર્ષોથી અમે આ પરંપરા ચાલુ રાખી જ છે, પણ આ સિવાય અમે બીજી પણ એક પરંપરા ચાલુ રાખી છે જે છે એકસમાન ગણપતિની મૂર્તિ સ્થાપવાની. હા, આજે પણ અમારે ત્યાં એવી જ મૂર્તિ આવે છે જે ૧૪૦ વર્ષ પહેલાં હતી. કમળ પર બિરાજેલા ગણપતિની મૂર્તિ આજે પણ અમારા ઘરે બિરાજે છે. એક જ મુદ્રા, હાવભાવ, હાઇટ બધું સરખું. બદલાય છે તો માત્ર ડેકોરેશન.’


બાપ્પા સાથે જ છે એવી ભાવના કાયમ રાખવા માટે છેલ્લાં પાંચ વર્ષથી એ જ માટીથી ફરી ગણપતિ બનાવીએ અને ફરી વિસર્જિત કરીએ : સંજીવ રૂપડા


ગણપતિબાપ્પા સાથે જ છે એવી ભાવના કાયમ રાખવા માટે છેલ્લાં પાંચ વર્ષથી એક જ માટીનો ફરી-ફરી ઉપયોગ કરીને ગણપતિની મૂર્તિ બનાવીને સ્થાપિત કરીએ છીએ એમ જણાવતાં કાંદિવલીમાં રહેતા સંજીવ રૂપડા કહે છે, ‘અમારા ઘરે ૧૧ વર્ષથી ગણપતિ આવે છે. પહેલાં અમે ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ લાવતા નહોતા, પણ છેલ્લાં પાંચ વર્ષથી અમે ઇકો-ફ્રેન્ડ્લી એટલે કે માટીમાંથી ગણપતિબાપ્પાની મૂર્તિ બનાવીએ છીએ. ગણપતિબાપ્પા અમારા ઘરમાં સૌકોઈને વહાલા છે એટલે તેમની મૂર્તિનું વિસર્જન કરવું અમારા માટે અઘરું બનતું હતું. એટલે અમને એક યુક્તિ સૂઝી, જે અમે રાજકોટમાં જોઈ હતી. દર વર્ષે અમે એક મોટા વાસણમાં પાણી નાખી એમાં કપડું મૂકીને ગણપતિબાપ્પાની માટીની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ. વિસર્જન થઈ ગયા બાદ કપડામાંથી પાણી નીચે નીતરી જાય છે અને માટી કપડામાં રહી જાય છે, જેને અમે લઈ લઈએ છીએ અને સુકવણી કરીને એને એક ડબ્બામાં મૂકી દઈએ છીએ અને ફરી ગણેશોત્સવમાં એમાંથી હું મારા હાથે ગણપતિની મૂર્તિ બનાવું છું. પછી એના પર મનગમતા રંગ કરીએ છીએ અને મોતી, રંગીન પથ્થરો વગેરેથી સુશોભિત પણ કરીએ છીએ. આમ અમારા ગણપતિ વિસર્જિત થયા બાદ પણ વર્ષોવર્ષ અમારી સાથે જ રહી શકે છે.’

ગણપતિના દિવસોમાં પગમાં ચંપલ નથી પહેરતો : આકાશ ચંદારાણા

છેલ્લાં ૧૪ વર્ષથી હું ગણપતિના દિવસોમાં ખુલ્લા પગે જ રહું છું એમ જણાવતાં મલાડમાં રહેતા ૨૯ વર્ષના આકાશ ચંદારાણા ગણપતિ પ્રત્યેની પોતાની આસ્થા અને અખૂટ પ્રેમ વિશે કહે છે, ‘હું નાનો હતો ત્યારથી જ મને ગણપતિબાપ્પા ખૂબ જ ગમે. હું નાનો હતો ત્યારે મારા મનમાં આવ્યું કે ગણપતિબાપ્પા આવે ત્યારે પગમાં ચંપલ પહેરવાં નથી. બસ, ત્યારથી હું એના પર કાયમ રહ્યો છું. મારા ઘરે ગણપતિ આવે છે. જેટલા સમય સુધી મારા ઘરમાં ગણેશજી બિરાજમાન હોય છે ત્યાં સુધી હું ખડેપગે તેમની સેવામાં રહું છું. અહીં સુધી તેમને ભોગ લગાવવા હું ઘરે ૫૬ ભોગ તૈયાર કરાવું છું. ૫૬ ભોગ તૈયાર કરવા ફૅમિલી તેમ જ સગાંસંબંધીઓ મંડી પડીએ છીએ. મારા મનમાં ખુલ્લા પગ સાથે રહેવાનો વિચાર આવવા પાછળનું એક કારણ મારાં દાદી છે, જેઓ આજીવન ખુલ્લા પગે રહ્યાં હતાં. તેમણે ક્યારેય પગમાં ચંપલ પહેર્યાં નહોતાં. તેમનું અવસાન થયું ત્યારે તેમના પગનાં તળિયાંમાં કાણાં પડી ગયેલાં દેખાયાં હતાં.

બાપ્પાની મારી પાસે મેટલની ૧૦૦ જેટલી મૂર્તિઓ છે : દેવાંગ મહેતા

ગણપતિબાપ્પા મને એટલા બધા પ્રિય છે કે મને જ્યાં ગણપતિબાપ્પાની મેટલની મૂર્તિ દેખાય અને ગમી જાય ત્યાંથી હું ખરીદી લઉં છું એમ જણાવતાં મહાવીરનગરમાં રહેતા દેવાંગ મહેતા કહે છે, ‘હું ગણપતિબાપ્પામાં અતૂટ શ્રદ્ધા ધરાવું છું. મારાં બે કબાટ ગણપતિની મૂર્તિથી ભરાઈ ગયાં છે. લગભગ ૧૦૦ જેટલી ગણપતિની મૂર્તિઓ આજે પણ મારા ઘરમાં છે. હું મેટલની જ મૂર્તિ લઉં છું, જેનું કારણ એ લૉન્ગ લાસ્ટિંગ ટકી રહે છે. મૂર્તિ લાવ્યા બાદ હું એને કલર કરાવું છું એટલે દરેક મૂર્તિ એકસરખા કલરની લાગે. ઑનલાઇન કે ઑફલાઇન કોઈ પણ જગ્યાએ મને કોઈ સારી મૂર્તિ દેખાઈ જાય અને ગમી જાય તો હું તરત એને ખરીદી લઉં છું.’

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2023 02:50 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK