Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બાપ્પાની મૂર્તિનું ઘરમાં જ સર્જન, ઘરમાં જ વિસર્જન

બાપ્પાની મૂર્તિનું ઘરમાં જ સર્જન, ઘરમાં જ વિસર્જન

28 August, 2020 12:09 AM IST | Mumbai
Varsha Chitalia

બાપ્પાની મૂર્તિનું ઘરમાં જ સર્જન, ઘરમાં જ વિસર્જન

લોકોએ આ રીતે સર્જ્યા હતા ગણેશ

લોકોએ આ રીતે સર્જ્યા હતા ગણેશ


છેલ્લાં કેટલાંક વર્ષથી પર્યાવરણ અને પ્રદૂષણ વિશે જાગરૂકતા વધતાં ગણેશભક્તો ઈકો-ફ્રેન્ડ્લી ગણપતિની મૂર્તિ તરફ ડાયવર્ટ થયા છે. શાડૂ માટી, મુલતાની માટી, હળદર, ચારકોલ, વેસ્ટ પેપર, ગેરુ અને છાણામાંથી બાપ્પાની મૂર્તિને ઘાટ આપવાનો ટ્રેન્ડ પૉપ્યુલર બનતો જાય છે. સામે પક્ષે આ પ્રકારની મૂર્તિ બનાવનારા મૂર્તિકારોની સંખ્યા પણ વધી છે. જોકે આ વર્ષે કોરોના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખી અનેક ભક્તોએ બહારથી મૂર્તિ લાવવાનું ટાળ્યું છે. ખાસ કરીને યુવાનોએ પોતાના હાથે બાપ્પાની મૂર્તિને ઘાટ આપવાનું પસંદ કર્યું છે. આજે આપણે આવી જ ત્રણ યંગ ગર્લ્સને મળીએ જેમણે પોતાના આઇડિયાઝથી ઘરમાં અવેલેબલ સામગ્રીનો ઉપયોગ કરી બાપ્પાની મૂર્તિ બનાવી, ડેકોરેશન કર્યું અને વિસર્જન પણ કર્યું.

દગડૂ શેઠની આંખો બનાવતા દોઢ દિવસ લાગ્યો : હસ્તી ભાવસાર, વસઈ



ganesh


પુણેના મૂર્તિકારોના વિડિયોમાંથી પ્રેરણા લઈને શાડૂ માટીમાંથી ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવનારી ૧૯ વર્ષની હસ્તી ભાવસાર વાસ્તવમાં તૈયાર મૂર્તિ બુક કરાવવા ગઈ હતી. વર્કશૉપમાં માટીની ગૂણ પડેલી જોઈ વિચાર બદલાઈ ગયો. હસ્તી કહે છે, ‘અમે ઘણા વખતથી ગણપતિ બાપ્પાની પધરામણી કરાવવાની ઇચ્છા ધરાવતાં હતાં. પર્યુષણનો છેલ્લો દિવસ અને ગણેશ ચતુર્થી સાથે ક્લૅશ થાય એમાં બાપ્પાને તેડાવવાની ઇચ્છા પૂરી થતી નહોતી. આ વર્ષે પર્યુષણમાં બહાર જવાનું નથી એ કન્ફર્મ હોવાથી ઈકો-ફ્રેન્ડ્લી ગણપતિની સ્થાપના કરવાનું પ્લાન કર્યું. પેરન્ટ્સ પહેલાં જઈને મૂર્તિ જોઈ આવ્યા હતા. પછી હું જોવા ગઈ. વર્કશૉપમાં એક જગ્યાએ શાડૂ માટીની ગૂણી પડી હતી. મારા મનમાં પોતાના હાથે મૂર્તિને ઘાટ આપવાનો વિચાર આવ્યો એટલે ત્યાં હાજર કારીગરોને પૂછ્યું કે માટી આપશો? તેમણે હા પાડી એમાં મૂર્તિ બુક કરવાની જગ્યાએ માટી લઈને ઘરે આવી. પપ્પાને કહ્યું, મારે આ માટીમાંથી મૂર્તિ બનાવવી છે અને એની સ્થાપના કરીશું. શાડૂ માટી ચીકણી હોય છે. એમાં પાણી નાખો એટલે સરસ ઘાટ આપી શકાય. સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું પછી ભગવાનના હાથ-પગ જોડવાના હતા. આ માટે આઇડિયા લગાવ્યો. શરીર સાથે બીજાં અંગોને ફિક્સ કરવા ટૂથપિકનો ઉપયોગ કર્યો. ઘાટ આપ્યા બાદ બૅક સાઇડમાં મૂર્તિમાં મજા ન આવી એટલે પપ્પાએ ફરીથી એને ખોદીને રીફિલ કરી. જોકે ગણપતિ બાપ્પાની આંખો બનાવવી ખૂબ અઘરી છે. સવા ફુટના દગડૂ શેઠ સ્વરૂપની મૂર્તિની આંખો બનાવતા દોઢ દિવસ લાગ્યો. મૂર્તિમાં શાડૂ માટી સિવાય કોઈ વસ્તુનો ઉપયોગ કર્યો નથી. સ્થાપના કરતાં પહેલાં અટ્રૅક્શન માટે બાપ્પાની સૂંઢ પર ઘરમાં અવેલેબલ ડાયમન્ડ ચોંટાડ્યા અને પાઘડી બનાવીને પહેરાવી. બીજા દિવસે આર્ટિફિશ્યલ વૉટર ટૅન્કમાં વિસર્જન કરી પાણીને સોસાયટીના ગાર્ડનમાં પધરાવી દીધું. બાપ્પાની મૂર્તિને ઘાટ આપતાં જેટલો સમય લાગ્યો એટલા દિવસ તો બાપ્પા ઘરમાં રહ્યા પણ નહીં એ જોઈને ઢીલા પડી ગયા. જાતે બનાવેલી મૂર્તિની સ્થાપના કરવાનો અનુભવ ખરેખર અલૌકિક હોય છે.’


માટી લાવવાનું જોખમ ટાળવા પેપરનો ઉપયોગ કર્યો : ભૂમિ પટેલ, મલાડ


ganesh
મલાડની વીસ વર્ષની ફાઇનલ યરની સ્ટુડન્ટ છેલ્લાં ત્રણ વર્ષથી માટીનો ઉપયોગ કરી બાપ્પાની મૂર્તિને પોતાના હાથે ઘાટ આપે છે. જોકે આ વખતે બહારથી માટી લાવવામાં જોખમ દેખાતાં મૂર્તિ કઈ રીતે બનશે એની ચિંતા હતી. ભૂમિ પટેલ કહે છે, ‘ઘણાં વર્ષથી અમારા ઘરે ત્રણ દિવસ માટે ગણપતિ બાપ્પાની પધરામણી થાય છે. પીઓપીની મૂર્તિથી પર્યાવરણને ભયંકર નુકસાન થાય છે એવી સમજણ પડી ત્યારથી ઘરમાં જ મૂર્તિ બનાવીએ છીએ. જાતે મૂર્તિ બનાવવાથી શ્રદ્ધા વધે છે. સામાન્ય રીતે મૂર્તિ બનાવવા માટે માટી અને નૅચરલ કલર્સનો ઉપયોગ કરતી હોઉં છું. અંદાજે એક ફુટની મૂર્તિ બનાવવા માટે દસેક દિવસ પહેલાંથી તૈયારી ચાલતી હોય. માટીની મૂર્તિને વિસર્જિત કરવી સરળ છે. પાણીમાં ઓગળી જાય એટલે માટીને તારવી સોસાયટીના ગાર્ડનમાં આવેલા છોડ-પાનમાં ખાતરની જેમ ભેળવી દઈએ. આમ આખું વર્ષ બાપ્પા આપણી સાથે રહે છે. આ વર્ષે એવી જ રીતે મૂર્તિ બનાવવાની હતી, પરંતુ કોરોનાનો ચેપ લાગવાનો ભય હોવાથી ઘરમાં બધાનું કહેવું હતું કે બહારથી કોઈ સામગ્રી લાવવી નથી. માટી સિવાય કઈ સામગ્રી વાપરી શકાય એ માટે ઇન્ટરનેટ પર સર્ચ કરી જોયું. એમાંથી વેસ્ટ પેપરનો આઇડિયા બેસ્ટ લાગ્યો. ગણેશ ચતુર્થીના આઠ દિવસ પહેલાં મોટા ટબમાં પાણી લઈ એમાં ઘણાં બધાં રદ્દી પેપરને ત્રણેક દિવસ ડુબાડી રાખ્યાં. ત્યાર બાદ પાણીને નિતારી મિક્સરમાં પલ્પ બનાવ્યો. એમાં ગુંદર ભેળવી ૪૫ સેન્ટિમીટરની બાપ્પાની મૂર્તિને ઘાટ આપ્યો. વર્તમાન સંજોગોને અનુરૂપ થીમ રાખી. આ પ્રકારની મૂર્તિ એક જ દિવસમાં બનાવી લેવી પડે અન્યથા પલ્પ ખરાબ થઈ જાય. સુકાઈ ગયા બાદ કલરનું કામ થાય. કલર કરતી વખતે બાપ્પાએ કસોટી કરી. પેપરની મૂર્તિની સર્ફેસ રફ હોવાથી કલર ટકતો નહોતો. ઘણી મહેનત કર્યા પછી હારીને પીંછી વડે પીઓપીની પાતળી લેયર લગાવી ત્યારે કલર થયો. અત્યાર સુધી સો ટકા ઈકો-ફ્રેન્ડ્લી મૂર્તિ બનાવતી હતી, પરંતુ માટી વાપરવા ન મળી એમાં સહેજ કચાશ રહી ગઈ. આવતા વર્ષે ફક્ત માટી જ વાપરવી છે.’


પૂર્વતૈયારી વગર થઈ બાપ્પાની પધરામણી : ક્રિષ્ના વોરા, ભાઈંદર

ganesh
ભાઈંદરમાં રહેતા વોરાપરિવારે ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરવાનો વિચાર કયારેય કર્યો નહોતો. પૂર્વતૈયારી વગર આમ અચાનક બાપ્પા પધાર્યા એનું સૌને આશ્ચર્ય છે. ફૅમિલીનું માનવું છે કે ૧૯ વર્ષની ક્રિષ્નાની શ્રદ્ધાથી આ ચમત્કાર થયો છે. આ સંદર્ભે વાત કરતાં ક્રિષ્ના કહે છે, ‘નાનપણથી ગણપતિ બાપ્પા પર બહુ શ્રદ્ધા અને ફેસ્ટિવલનું આકર્ષણ રહ્યું છે. મમ્મી-પપ્પાને હંમેશાં કહેતી હતી કે આપણા ઘરે બાપ્પાને તેડાવવા છે. હમણાં કૉલેજ બંધ હોવાથી અમે બન્ને બહેનો કંઈક નવું ટ્રાય કરતાં હોઈએ છીએ. મોટી બહેને ઘરમાં પ્લાન્ટ ઉગાડ્યા હતા એમાંથી બે પ્લાન્ટ મરી જતાં કૂંડામાં માટી પડી હતી. ગણેશ ચતુર્થીના આગલા દિવસે ઘરના કૂંડામાંથી માટી લઈ એમાં ઘઉંનો લોટ ઉમેરી અડધો ફુટ જેટલી સાઇઝની બાપ્પાની મૂર્તિ બનાવી. કૂંડાની માટી પર કલર લાગે નહીં તેથી એને કુદરતી સ્વરૂપમાં જ સુકાવા દીધી. મનમાં નક્કી કર્યું કે બે દિવસ આ મૂર્તિની પૂજા કરીશ. ગણેશજીનું સ્વરૂપ જોઈને પેરન્ટ્સે કહ્યું કે તને શ્રદ્ધા છે તો આપણે આ જ મૂર્તિની વિધિસર સ્થાપના કરીએ. આમ અચાનક તેમણે હા પાડતાં મારો ઉત્સાહ વધી ગયો. પછી તો આખી રાત જાગીને ડેકોરેશન કર્યું. ક્રાફ્ટ પેપરમાંથી ફ્લાવર બનાવ્યાં. અમારા ઘરમાં બાલકૃષ્ણ બિરાજે છે. બાપ્પાને લડ્ડુ ગોપાલનાં કડાં પહેરાવ્યાં. આ બધી તૈયારીમાં અમારા પાડોશીના દીકરાએ હેલ્પ કરી. પરંપરા અનુસાર તમામ વિધિવિધાન કર્યાં. જુદી-જુદી સામગ્રી બનાવી. સવાર-સાંજની પૂજા અને આરતીમાં આજુબાજુવાળા જોડાયા. બીજા દિવસે આખા ઘરમાં બાપ્પાને ફેરવી પૅસેજમાં વિસર્જન કર્યું. આ પાણીને આખી રાત એમ જ રહેવા દઈ બીજા દિવસે માટી તારવી ફરીથી કૂંડામાં પધરાવી દીધી. થોડી માટીને સૂકવીને મંદિરમાં મૂકી છે જેથી આખું વર્ષ બાપ્પાની પૂજા થાય. દર વર્ષે અમે ગણેશ ચતુર્થીના દિવસે જ લાલબાગ ચા રાજા અને જીએસબી (વડાલા)ના ગણપતિનાં દર્શને જઈએ છીએ. આ વર્ષે બાપ્પાની ઉજવણી રદ થતાં બાપ્પા સ્વયં પધાર્યા એવું લાગે છે.’

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2020 12:09 AM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK