Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > કૉલમ > > > એક દિન અપુન કા ખુદ કા અખ્ખા એક કન્ટ્રી હોગા

એક દિન અપુન કા ખુદ કા અખ્ખા એક કન્ટ્રી હોગા

05 March, 2023 10:34 AM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

ભાગેડુ નિત્યાનંદની ચેલી વિજયપ્રિયા યુનાઇટેડ નેશન્સમાં જઈને કાલ્પનિક દેશ ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસ’ વતી પોતાના કહેવાતા ભગવાન માટે રોદણાં રડી આવી

એક દિન અપુન કા ખુદ કા અખ્ખા એક કન્ટ્રી હોગા

એક દિન અપુન કા ખુદ કા અખ્ખા એક કન્ટ્રી હોગા


જોકે એ પછી જે ચર્ચા ઊભી થઈ એમાં ખુદ યુનાઇટેડ નેશન્સે જાહેરાત કરવી પડી કે અમે આવા કોઈ દેશના અસ્તિત્વનો સ્વીકાર નથી કર્યો. તો પછી સવાલ એ થાય કે ભાગેડુ સ્વામીએ કઈ રીતે પોતાના દેશના નામે ફ્લૅગ, કરન્સી, કરારો વગેરે નોંધાવી દીધાં? ચાલો જાણીએ આ ઢોંગી બાબાના પોકળ દાવાઓ અને મિથ્યા કરતૂતોની રમૂજી વાતો વિશે

હમણાં થોડા દિવસોથી યુએન મીટિંગ, યુનાઇટેડ સ્ટેટ ઑફ કૈલાસ અને ભારત પર થયેલા આરોપો વિશે જબરદસ્ત ચર્ચાઓ ચાલી નીકળી છે. ઘટનાક્રમ કંઈક એવો છે કે ફેબ્રુઆરી મહિનામાં યુનાઇટેડ નેશન્સની કમિટી ઑફ ઇકૉનૉમિક, સોશ્યલ ઍન્ડ કલ્ચરલ રાઇટ્સની ૧૯મી મીટિંગ શરૂ થઈ હતી. આ ઇવેન્ટમાં ૨૪ ફેબ્રુઆરીએ ‘યુનાઇટેડ સ્ટેટ ઑફ કૈલાસ’ નામના એક દેશની પર્મનન્ટ ઍમ્બૅસૅડરે પોતાના નિવેદનમાં તેના દેશની ધરોહર અને ફિલૉસૉફી રજૂ કરી હતી અને સાથે જ ભારત પર એવા આરોપ લગાવ્યા હતા કે તેના દેશના ભગવાન જે ભારતમાં જન્મ્યા છે તેમને ભારત પોતાના જ દેશમાં આવતાં રોકે છે; એટલું જ નહીં, ભારતે તેમને બળજબરીપૂર્વક દેશ છોડીને ભાગી જવા માટે મજબૂર કર્યા હતા. ભારત પર આટલો મોટો આરોપ મૂકનારાં એ મૅડમનું નામ વિજયપ્રિયા નિત્યાનંદ અને તેઓ જે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં હતાં એ દેશ એટલે ‘યુનાઇટેડ સ્ટેટ ઑફ કૈલાસ’ જે ભારતના ગુનેગાર અને સોકૉલ્ડ સ્વામી નિત્યાનંદ દ્વારા સ્થાપવામાં આવ્યો છે.


આ ચર્ચાઓ શરૂ થઈ એટલે ફરી એક વાર ભાગેડુ નિત્યાનંદ વિશે વાતો થવા માંડી. ભાગ્યે જ કોઈ એવો ભારતીય હશે જેને મહાપાખંડી અને દેશના ગુનેગાર એવા નિત્યાનંદ સ્વામી વિશે ખબર નહીં હોય. ‘૨૦૧૮માં ચાઇલ્ડ રેપ, ચાઇલ્ડ ટ્રાફિકિંગ, મર્ડર, પ્રોસ્ટિટ્યુશન, છેતરપિંડી, કિડનૅપિંગ જેવા અનેક કેસ; ૨૦૧૯માં ભાઈસાહેબ દેશમાંથી રફુચક્કર અને ૨૦૨૦માં પોતે આખેઆખો એક નવો દેશ બનાવ્યો હોવાની જાહેરાત.’ નિત્યાનંદનો આ અતિસંક્ષેપ પરિચય છે. જોકે આજે આ ઢોંગી બાબો જે પોતાને ભગવાન કે ઈશ્વરના સાક્ષાત્ સ્વરૂપ તરીકે ઓળખાવે છે તેના વિશે થોડી વિગતે વાત કરવી છે, કારણ કે તો જ તેનાં નવાં કારનામાંઓ વિશે વાત જાણવામાં રસ પડશે.


૧૯૭૮ની પહેલી જાન્યુઆરીએ તામિલનાડુના તિરુવન્નમલાયમાં જન્મેલો અરુણાચલમ રાજશેખરન કહેવાય છે કે એક દિવ્ય આત્મા તરીકે જન્મ્યો હતો, જેને ૧૨ વર્ષની ઉંમરે જ આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થઈ ચૂકી હતી. આ અરુણાચલમ રાજશેખરન બાવીસ વર્ષની વયે (૨૦૦૨માં) પોતાની પબ્લિક લાઇફની શરૂઆત કરે છે અને નવું નામ ધારણ કરે છે નિત્યાનંદ. જોકે ૨૦૧૦માં તામિલનાડુની ન્યુઝ-ચૅનલ સન ટીવી પર ઍક્ટ્રેસ રંજિથા સાથેનો નિત્યાનંદનો એક બેડરૂમ વિડિયો દેખાડવામાં આવે છે અને અત્યાર સુધી તામિલનાડુમાં જ જાણીતો હતો એ સ્વામી રાતોરાત આખા દેશમાં જાણીતો બની જાય છે. આટલી કૉન્ટ્રોવર્સી નિત્યાનંદનો જાણે વાળ પણ વાંકો નથી કરી શકતી અને ૨૦૧૨માં (માત્ર ૩૨ વર્ષની વયે) તે ફ્લૉરિડાની હિન્દુ યુનિવર્સિટી ઑફ અમેરિકાનો ચૅરમૅન બને છે. ૨૦૧૨માં જ વૉટકિન્સનું ‘માઇન્ડ બૉડી સ્પિરિટ’ મૅગેઝિન તેને ૧૦૦ સૌથી ઇન્ફ્લુએન્શિયલ જીવંત ધાર્મિક ગુરુઓની યાદીમાં સ્થાન આપે છે. ૨૦૧૨માં જ મદુરાઈ અધીનમના ૨૯૩મા આધ્યામિક ગુરુ તરીકે નિત્યાનંદને આરૂઢ કરવામાં આવે છે. ૨૦૧૩ના ફેબ્રુઆરી મહિનામાં તેને મહામંડલેશ્વરની ઉપાધિ પણ મળે છે અને ત્યાર બાદ પોતાને અદ્વૈત વેદાંતના અનુયાયી અને પ્રખર જ્ઞાની ગણાવતા નિત્યાનંદ પોતાને ‘નિત્યાનંદ પરમશિવમ’ અને ‘પરમહંસ નિત્યાનંદ’ તરીકે ઓળખાવવા માંડે છે. પોતાની સિદ્ધિઓ ગણાવતાં નિત્યાનંદે એવો દાવો કર્યો હતો કે તેણે લગભગ ૪૦૦ જેટલી આધ્યાત્મિક સિદ્ધિઓ મેળવી છે અને તે પરાવિશ્વનો જ્ઞાની છે. પોતાને ભગવાન ગણાવતા નિત્યાનંદનાં કરતૂતોનો ભાંડો ત્યારે ફૂટ્યો જયારે એક અમેરિકન છોકરીએ એવો દાવો કર્યો કે નિત્યાનંદે તેના પર બળાત્કાર કર્યો છે અને ભારતમાં પણ સતત પાંચ વર્ષ સુધી તેના પર બળાત્કાર થતો રહ્યો છે. અમેરિકાના મિશિગનમાં અને ભારતમાં કર્ણાટક પોલીસ સામે તેણે આ વિશે ફરિયાદ પણ નોંધાવી. ત્યાર બાદની નિત્યાનંદની કરમકહાણી, ફરિયાદો અને કેસોની કહાણી ખૂબ લાંબી છે. ટૂંકમાં, આ બાબા નિત્યાનંદ ૨૦૧૯માં ભારત છોડીને ભાગી ગયો હતો અને ગુજરાત પોલીસે નવેમ્બર ૨૦૧૯માં તેને ભાગેડુ જાહેર કર્યો હતો. ત્યાર બાદ દેશની અનેક કોર્ટે તેની વિરુદ્ધ નૉન-બેઇલેબલ વૉરન્ટ ઇશ્યુ કર્યાં છે, અનેક કેસોમાં તેના પર ગુના ફ્રેમ કરવામાં આવ્યા છે અને અનેક કેસોમાં તો તે ગુનેગાર હોવાનું પણ કહેવામાં આવ્યું છે. પોતાને પરમહંસ કહેવડાવતી આ વ્યક્તિ માટે ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા બ્લુ કૉર્નર નોટિસ પણ ઇશ્યુ કરવામાં આવી છે.

હાલ મામલો કેમ ચગ્યો?


પતંગને ચગવા જોઈએ માંજો અને પવન. બસ, નિત્યાનંદ પણ આ જ માર્કેટિંગ ફિલૉસૉફી પર કામ કરી રહ્યા છે. કોઈ પણ રીતે અને કોઈ પણ સ્રોત દ્વારા તેમણે ચર્ચામાં અને લાઇમ-લાઇટમાં રહેવું છે એવું તેમણે નક્કી કરી લીધું છે.

બાબાએ છેલ્લાં ત્રણ વર્ષમાં અનેક ગિમિક કર્યાં. પહેલાં તો પોતાની જ બનાવેલી વેબસાઇટ પર પોતાનો એક નવો દેશ (સ્વર્ગ) સ્થાપિત કર્યો હોવાની જાહેરાત કરી. ત્યાર બાદ એ દેશના ઍમ્બૅસૅડરે અમેરિકા સાથે બાઇલેટરલ ટ્રેડ ઍગ્રીમેન્ટ પર સહી કરી હોવાનું જણાવીને જબરદસ્ત માર્કેટિંગ કર્યું. ત્યાર બાદ અનેક સોવેરિયન દેશોનો તેમના દેશને સપોર્ટ છે એ મોટા ઉપાડે કહેવા માંડ્યું. જોકે હજી બાબા સંતુષ્ટ નહોતા એટલે તેમણે યુકે ગવર્નમેન્ટ તેમને સ્પેશ્યલ ગેસ્ટ તરીકે પાર્લમેન્ટમાં બોલાવે એવી ગોઠવણ કરી અને ત્યાર બાદ તેમણે એક સૌથી મોટો દાવ ખેલ્યો જેમાં લાગે છે કે તેમને ધારેલી સફળતા મળીયે ખરી, કારણ કે એ દાવનું જ પરિણામ છે કે આજે આ કૉલમ લખાય છે. કહેવાતા એ ભગવાને સ્થાપિત કરેલા એ દેશના ઍમ્બૅસૅડરને યુએનની એક એવી મીટિંગમાં મોકલી જે વાસ્તવિકતામાં તો એક ઓપન ફોરમ હતી. ત્યાં કોઈ પણ દેશની કોઈ પણ વ્યક્તિ રજિસ્ટ્રેશન કરાવીને જઈ શકે એમ હતી અને પોતાની વાત યુએનના એ પ્લૅટફૉર્મ પર મૂકી શકે એમ હતી. જોકે આ રેપિસ્ટ ગુરુએ એનું માર્કેટિંગ એ રીતે કર્યું કે ‘યુનાઇટેડ સ્ટેટ ઑફ કૈલાસ’ના ઍમ્બૅસૅડર યુએનની મીટિંગમાં સભ્ય તરીકે ગયા અને તેમણે પોતાની વાત રજૂ કરી.

વાત અને આશય શું હતો? સૌથી પહેલાં તો યુએન કૈલાસને એક નવા સ્વતંત્ર દેશ તરીકે સ્વીકારે અને વિશ્વને એવું દર્શાવે કે તેણે આ દેશને માન્યતા આપીને યુએન મીટિંગમાં સામેલ થવા બોલાવ્યા છે. આ હતું એક માર્કેટિંગ ગિમિક. હવે વાસ્તવિકતા શું હતી? વાસ્તવમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન ચાલી રહેલી આ યુએન મીટિંગ ‘કમિટી ઑફ ઇકૉનૉમિક, સોશ્યલ ઍન્ડ કલ્ચરલ રાઇટ્સ’ દ્વારા આયોજિત એક ઓપન ફોરમ હતી જ્યાં વિજયપ્રિયા નિત્યાનંદે પોતાના દેશનાં ભારોભાર વખાણ કર્યાં અને ત્યાર બાદ ભારત વિરુદ્ધ એવું ઝેર ઓક્યું કે ભારત તેમના ભગવાનને પોતાની જન્મભૂમિથી વંચિત કરી રહ્યું છે, તેમને પોતાના જ દેશમાં જવાથી રોકી રહ્યું છે, ભારતમાં અને વિશ્વમાં હિન્દુઓ પીડિત છે અને તેમના ભગવાન (નિત્યાનંદ)ને પણ આ ષડયંત્રનો ભોગ બનાવવામાં આવી રહ્યા છે.

આ રૂપસુંદરી ઍમ્બૅસૅડર મૅડમની વાતો બહાર આવતાં યુએનએ ઇન્ટરનૅશનલ પ્લૅટફૉર્મ પર આવીને એવું કહેવું પડ્યું કે ‘કૈલાસ’ કોઈ રાષ્ટ્ર છે એવો અમે કોઈ દરજ્જો નથી આપ્યો કે નથી સ્વીકાર્યો. એટલું જ નહીં, તેમણે મીટિંગમાં જે રજૂઆત કરી એ પણ યુએનના રેકૉર્ડ પર લેવાઈ નથી અને એ માત્ર તેમણે પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું એ રીતે ગણતરીમાં લઈ રહ્યા છે, કારણ કે આ એક ઓપન ફોરમ હતી. યુએન તેમના રાષ્ટ્રને કે તેમની વાતને કોઈ પણ રીતે સમર્થન આપતું નથી કે સ્વીકારાતું પણ નથી. જોકે છતાં ભૂતકાળમાં પોતાનાં કુકર્મો અને ‘મહાનતા’ દેખાડી ચૂકેલા આ બાબાની જાદુગરી હજીયે ઓછી નથી થઈ. આવો એક લટાર મારીએ તેમના સ્વર્ગમાં.

બાબા કી જાદુગરી

૨૦૧૯ની સાલની શરૂઆતના મહિનાઓમાં જ્યારે આ સોકૉલ્ડ ભગવાન નિત્યાનંદ ભારતમાં હતો ત્યારે તેણે પોતાના ભક્તો સામે એક ભવ્ય જાહેરાત કરી હતી. પ્રસાદમાં ડ્રગ્સ આપીને લોકોને ભ્રમિત કરનારા આ બાબાએ કહ્યું હતું કે પોતે એક પ્રાઇવેટ આઇલૅન્ડ ખરીદ્યો છે, જે ખુદ ભગવાન દ્વારા (એટલે કે પોતાના દ્વારા) સર્જિત સ્વર્ગ હશે. જ્યાં એક તરફ નજર કરો તો સમુદ્ર હશે અને બીજી તરફ નજર કરો તો હિમાચ્છાદિત શિખરો હશે. એ સમયે નિત્યાનંદને આધ્યામિક ગુરુ નહીં ગણતા લોકોને તેની આ વાતો સાંભળી હસવું આવતું હતું. તેમને લાગતું કે બાબો ગજબની ફેંકે છે. આજે હવે સમજાય છે કે બાબો છેક ખોટો નહોતો. તેણે ખરેખર જ પોતાનો એક આઇલૅન્ડ ખરીદ્યો હતો જે આજે હવે તેને વિશ્વમાં પોતાના દ્વારા સ્થાપિત એક દેશ તરીકે માન્યતા અપાવવાના પુરજોશ પ્રયત્નો કરી રહ્યો છે.

અપુન કે ખુદ કા કન્ટ્રી

નામ હૈ યુનાઇટેડ સ્ટેટ ઑફ કૈલાસ. બાબા ભાગ્યો ત્યારે શરૂઆતના સમયમાં એવી અટકળો લગાવવામાં આવતી હતી કે દક્ષિણ અમેરિકાનો સમુદ્રતટીય વિસ્તાર જ્યાં એક્વાડોર નામનો દેશ સ્થિત છે ત્યાં આ નવો દેશ બાબા દ્વારા વસાવવામાં આવ્યો છે. અભ્યાસકાળ દરમિયાન આપણે ભૂમધ્ય રેખા વિશે ભણ્યા હતા. એ ભૂમધ્ય રેખા એક્વાડોરમાંથી પસાર થાય છે. હા, તો અમેરિકાના એક્વાડોરના સમુદ્રમાં એક્વાડોરની માલિકીના કેટલાક ટાપુઓ છે. એમનો એક ટાપુ આ ભગવાન નિત્યાંનંદે ખરીદી લીધો છે. જોકે એક્વાડોર સરકારે કહ્યું છે કે આ વાતમાં કોઈ તથ્ય નથી. નિત્યાનંદ અહીંના સમુદ્ર અને ટાપુઓ પર અનેક વાર આવ્યા હતા, પરંતુ તેમણે કોઈ ટાપુ ખરીદ્યો નથી અને અમે કોઈ ટાપુ તેમને વેચ્યો નથી.

આ અટકળોની વચ્ચે જ સ્વામીજીનો એક વિડિયો વાઇરલ થાય છે જેમાં સ્વામી કહે છે કે તેમના આ દેશમાં આગમન માટે શરૂઆતમાં એક લાખ લોકોને વિઝા આપવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ ત્રણ દિવસથી વધુ રોકાવાની જીદ કરશે નહીં. તેમના આ દેશમાં આવવા માટે દરેક વ્યક્તિએ ઑસ્ટ્રેલિયા પહોંચવું પડશે અને ત્યાંથી કૈલાસની પ્રાઇવેટ ચાર્ટર પ્લેન સર્વિસિસ જેને સ્વામીએ નામ આપ્યું છે ‘ગરુડ’ એ દરેકને સ્ટેટ ઑફ કૈલાસ લઈ આવશે. સ્વામીના આ વિડિયો-નિવેદન દ્વારા એટલી તો ખબર પડી કે તેમનો આ નવો દેશ ઑસ્ટ્રેલિયાની આસપાસ ક્યાંક છે. ટ્રિનિદાદ, ટોબૅગો અને એક્વાડોર આ ત્રણની આસપાસ ઘણા એવા દ્વીપ છે જે કોઈ પણ ધનાઢ્ય વ્યક્તિ ચાહે તો ખરીદી શકે છે. એક ધારણા અનુસાર નિત્યાનંદ નામના આ બાબાએ પણ તેનો નવો દેશ ઑસ્ટ્રેલિયાથી લઈને આ ત્રણ દેશોની વચ્ચે જ કોઈ ટાપુ પર બનાવ્યો છે.

બાબાના કહેવા પ્રમાણે તેનો આ દેશ સીમાઓ વિનાનું એક હિન્દુ રાષ્ટ્ર છે, જ્યાં આખા વિશ્વના હિન્દુ ધર્મને માનનારાઓ આવી શકે છે. આખા વિશ્વમાં સૌથી મહાન હિન્દુ રાષ્ટ્ર તરીકે ગણાવાતા આ દેશમાં નંદીને રાષ્ટ્રીય પ્રાણી તરીકે સ્વીકારવામાં આવ્યું છે અને દેશના રાષ્ટ્રધ્વજ પર પણ નંદીની આકૃતિ અંકિત કરવામાં આવી છે. એને નામ આપવામાં આવ્યું છે ઋષભધ્વજ. આ ઋષભધ્વજ પર દેશના રચયિતા નિત્યાનંદની તસવીર છે. શિવકૃતિનો ભાસ જન્માવે એવી મુદ્રામાં બેઠેલા નિત્યાનંદને જોઈને આમ પહેલી નજરે તો એવું જ જણાય કે જાણે આ બાબા પોતાને જ શિવ ગણાવી રહ્યા છે અને નંદી તેની ઉપાસના કરી રહ્યો છે. ખેર, નિત્યાનંદ પોતાના આ દેશનો પાસપોર્ટ પણ ઇશ્યુ કરે છે અને કહે છે કે ટેમ્પલ ઇકો-સિસ્ટમથી ચાલતા મારા દેશમાં ગુરુકુળ વિદ્યા પદ્ધતિ દ્વારા જ્ઞાન આપવામાં આવે છે. શાળાથી લઈને હૉસ્પિટલાઇઝેશન સુધીની તમામ સુવિધાઓ સાવ મફત છે. અહીં આ કૈલાસ દેશમાં મુખ્યત્વે સંસ્કૃત, અંગ્રેજી અને તામિલ ભાષાઓ બોલાય છે. કમળને પોતાના દેશનું રાષ્ટ્રીય પુષ્પ અને શારબમને રાષ્ટ્રીય પક્ષી તરીકે નિર્ધારિત કર્યું છે. રાષ્ટ્રીય વૃક્ષ તરીકે વડના ઝાડને સ્વીકારનારા આ દેશમાં ક્રિપ્ટો કરન્સી પણ એક માન્ય ચલણ છે. બાબાજી કહેતા હોય છે કે, ‘મારા જીવનમાં અંગત જીવન જેવું કંઈ નથી. કૈલાસવાસીઓ માટે ઘર છે, રૂમ્સ પણ છે; પરંતુ હું એક મોટા ખુલ્લા વરંડામાં રહું છું જેને કોઈ દરવાજો નથી. ચારે તરફથી ખુલ્લી એવી આ રૂમમાંથી એક તરફ હું નજર કરું તો અફાટ સમૃદ્ર છે અને બીજી તરફ નજર કરું તો હિમશિખરો. આ સ્વર્ગીય આનંદ પમાડનારું વિશ્વ મેં (ભગવાને) ઊભું કર્યું છે જ્યાં મારા દેશનો કોઈ પણ રહેવાસી જ્યારે ચાહે ત્યારે મને મળવા આવી શકે છે. હું ચોવીસે કલાક હાજર છું.’

પોતાને શિવનું સ્વરૂપ ગણાવતા બાબાએ તેના દેશની રિઝર્વ બૅન્કની સ્થાપના કરવા માટે ગણેશ ચતુર્થીનો દિવસ નિર્ધાર્યો હતો. ગણેશ ચતુર્થીના દિવસે RBK એટલે કે રિઝર્વ બૅન્ક ઑફ કૈલાસની સ્થાપના કરવામાં આવી હતી. અહીં ચલણી નાણું તરીકે કેવી નોટો કે કેવા સિક્કા છે? અહીંનું ચલણી નાણું છે ‘પોરકાસુ’. મતલબ કે ગુજરાતીમાં જેમ રૂપિયો કે આનો કે પૈસો જેવા શબ્દો છે એવો તામિલમાં શબ્દ છે ‘પોરકાસુ’. હવે કૈલાસ દેશ પોતાનાં ચલણી નાણાંને પોરકાસુની ગણતરી દ્વારા ઓળખાવે છે. અર્થાત્ એક પોરકાસુ એટલે એક કૈલાસિયન ડૉલર. પાછો આ દેશનો રચયિતા નિત્યાનંદ પોતે એટલો ધનવાન છે અને પોતાના દેશને એટલો ધનવાન દર્શાવે છે કે કૈલાસનું દરેક ચલણી નાણું ક્યાં તો સોનાના ક્યાં તો ચાંદીના સિક્કા છે. કોઈ અંદાજ મૂકી શકો કે એક કૈલાસિયન ડૉલર સામે કેટલા રૂપિયાનો રેશિયો હશે? એક કૈલાસિયન ડૉલરનો સુવર્ણ સિક્કો ૧૧.૬૬ ગ્રામનો છે. મતલબ કે તમે સોનાના હાલના ભાવ પ્રમાણે એની ગણતરી માંડો તો એક કૈલાસિયન ડૉલર માટે તમારે અંદાજે ૬૨,૯૦૦ રૂપિયા ચૂકવવા પડે.

હજી બાબાની એક અતિધનાઢ્ય જાહેરાત સાંભળો. કૈલાસમાં એક રાજંગણ મુદ્રા બહાર પાડવામાં આવી છે જે કૈલાસની સરકારી ઑફિસમાં કામ કરતી દરેક વ્યક્તિ ધારણ કરશે. આંગળીમાં પહેરાતી વીંટી તરીકે અથવા ચેઇનમાં લૉકેટ તરીકે પહેરવાની આ મુદ્રા તે સરકારી અધિકારી હોવાનું અને કૈલાસનો નાગરિક હોવાનું પ્રતીક છે. મતલબ સમજોને કે આ રાજંગણ મુદ્રા એ કૈલાસનું ઑફિશ્યલ એમ્બ્લમ છે.

કહાં હૈ? અરે, હૈ કહાં?

આ આખા લેખની સૌથી રસપ્રદ ચર્ચા તો હવે પ્રદર્શિત થવા જઈ રહી છે. આ ભગવાન નિત્યાનંદ ખરેખર એક અજીબ પ્રાણી તો છે જ. આપણને એ જ સમજાતું નથી કે ખરેખર તે એક મોટો ચમત્કારી પુરુષ છે, જબરદસ્ત ટેક્નોસૅવી છે કે હજીયે માત્ર પોતાના દેશ વિશે વિડિયો બનાવ્યા કરીને લોકોને મૂર્ખ બનાવે છે? વાસ્તવમાં હકીકત છે શું? કારણ કે એક બેઝિક ટેક્નોલૉજી ધરાવતા આપણા બધાને એટલી તો ખબર છે જ કે રોજિંદી જિંદગીમાં પણ આપણે કોઈના ઘરે કે કોઈ સ્થળે જવું હોય તો મૅપમાં તેનું ઍડ્રેસ કે લૅન્ડમાર્ક નાખો એટલે મૅપ એ સ્થળ દેખાડે. જોકે આ નિત્યાનંદ બાબાએ એવી તે કઈ જગ્યાએ દેશ બનાવ્યો છે કે આખા વિશ્વના કોઈ મૅપમાં એ ક્યાંય દેખાતો જ નથી?

યુએન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થામાં તમે પહોંચો ત્યારે તમે કયા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો એની સંપૂર્ણ વિગત તમારે આપવી પડે. જો કૈલાસ વિશ્વના કોઈ મૅપમાં દેખાતું જ નથી તો યુએન જેવી સંસ્થાએ એને પ્રવેશ અને પરવાનગી આપી કઈ રીતે?

બીજું, થોડા સમય પહેલાં બાબાએ તેમના દેશની વેબસાઇટ પર અમેરિકા સાથે બાઇલેટરલ ઍગ્રીમેન્ટ સહી કરી હોય એવાં વિડિયો અને તસવીરો પણ મૂક્યાં હતાં. આજના જમાનામાં વ્યક્તિનું ઍડ્રેસ કે ઓળખ જાણ્યા વિના લોકો ૧૦૦ રૂપિયા પણ નથી આપતા તો અમેરિકા જેવા દેશે કૈલાસ નામના આ દેશ સાથે બાઇલેટરલ ઍગ્રીમેન્ટ કઈ રીતે સહી કર્યું હશે?

થોડા સમય પહેલાં કૈલાસના પ્રતિનિધિઓ યુકેની પાર્લમેન્ટમાં ખાસ મહેમાન તરીકે ગયા હતા. બ્રિટનના લૉર્ડ હાઉસમાં પધારવા માટે બે સંસદસભ્યો દ્વારા તેમણે બાકાયદા આમંત્રણ આપવામાં આવ્યું હતું. બાબા તો નહોતા ગયા, પણ તેમના પ્રતિનિધિઓ જરૂર ગયા હતા. હવે જ્યારે કોઈ દેશનું વિશ્વના નક્શામાં નામ-ઓ-નિશાન જ નથી તો આ માંધાતાઓએ નિત્યાનંદ અને તેના પ્રતિનિધિઓ અને તેના દેશને આમંત્રણ કઈ રીતે મોકલ્યું હશે?

હવે યક્ષ પ્રશ્ન એ છે કે જો ખરેખર નિત્યાનંદ દ્વારા સ્થાપિત એ સ્વર્ગ દેશ કૈલાસ જો ખરેખર છે તો છે ક્યાં અને જો નથી તો એ દેશની રિઝર્વ બૅન્ક, ચલણી નાનું, રાષ્ટ્રીય પ્રતીક આ બધું શું છે? એટલું તો નક્કી છે કે જ્યારે કોઈ વ્યક્તિ યુએન જેવી સંસ્થાના મંચ પર એમ કહેતી હોય કે ‘હું યુનાઇટેડ સ્ટેટ ઑફ કૈલાસની પ્રતિનિધિ છું’ ત્યારે તે હવામાં ગોળીબાર તો નહીં જ કરી રહી હોય. તો પછી વાસ્તવિકતા છે શું? જો ખરેખર આવો કોઈ દેશ સ્થાપિત થયો છે તો ભારતની એજન્સી શા માટે માત્ર બ્લુ કૉર્નર નોટિસ ઇશ્યુ કરીને અટકી પડી છે? કેમ સોકૉલ્ડ કૈલાસ દેશ જઈને તેની ધરપકડ નથી કરતી? પ્રશ્નો અનેક છે અને એનાં રહસ્યો પણ અનેક... સમજાય તો ઠીક. બાકી નહીં સમજાય ત્યાં સુધી આ તામિલ બાબાને તેનું ભગવાનપણું ભોગવવા દઈએ બીજું શું! બોલો બાબા નિત્યાનંદ કી... 

05 March, 2023 10:34 AM IST | Mumbai | Aashutosh Desai

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK