Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > હે ભારત, હિંમત કરીને તું તારા ગાંધીને લાયક બની બતાવ

હે ભારત, હિંમત કરીને તું તારા ગાંધીને લાયક બની બતાવ

Published : 02 February, 2026 09:35 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

દેશ એ સમયે ભડકે બળી રહ્યો હતો પણ મહાત્મા તો મહાત્મા હતા. કોઈ પણ સંજોગોમાં માનવતા પરનો વિશ્વાસ તેમનો અડગ હતો. લોકો આ હિંસાનું તાંડવ બંધ કરે એ માટે તેઓ આમરણ ઉપવાસ પર ઊતર્યા.

ફાઇલ તસવીર

PoV

ફાઇલ તસવીર


મોટા ભાગે દરેક બાળકના જીવનમાં કોઈ ને કોઈ સમય એવો ચોક્કસ આવે છે જે સમયે તે પોતાના બાપને પોતાનો દુશ્મન સમજે છે. બાપ જે પણ કરે એ દરેક કાર્ય પ્રત્યે તેને ગુસ્સો આવે. બાપ જે કહે એનાથી ઊંધું કરવાની જ ઇચ્છા થાય. તેની દરેક વાત તેને ખોટી અને તેના દરેક ઇરાદા તેને અહિતકારી લાગે. આ સમયે તેની આંખની આગળ એક પડદો પડી ગયો હોય છે. પિતા જે ઇચ્છે છે એ હિત અને જે કરે છે એ હેત બન્ને તે જોઈ શકતું નથી. બાપ દૂરંદેશી હોય, પોતાના અનુભવના આધારે અને જવાબદારીઓના ભાન સાથે તે બાળકને હંમેશાં ન્યાય કરવા ઇચ્છે; પણ બાળકને એ સમયે એ અન્યાય જ લાગે. આવા સમયે બાળક પોતાના જનક માટે અઢળક ગુસ્સો લઈને ફરે છે અને ક્યારેક એ ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટે ત્યારે તે બાપ સામે ઉદ્ધતાઈથી વર્તે છે. પહેલાં તેની પીઠ પાછળ અને હિંમત આવે તો તેની સામે પણ તેને ગમેતેમ બોલે છે, તેનું અપમાન કરે છે. અમુક પરિસ્થિતિમાં પિતાની આમન્યા બાળક જાળવી નથી શકતું. સાઇકોલૉજી કહે છે કે આવું લગભગ ટીન-એજ કે યુવાન અવસ્થામાં થાય છે; કારણ કે આ ઉંમર એકદમ નાજુક હોય છે, મન અતિ સંવેદનશીલ હોય છે, સારા-નરસાની સમજથી પરે હોય છે.

આ જ પરિસ્થિતિ કદાચ ત્યારે પણ સર્જાય છે જ્યારે ફક્ત ઉંમર જ નહીં, પરિસ્થિતિ એકદમ નાજુક અને સંવેદનશીલ હોય. આવી જ કંઈક પરિસ્થિતિ ૧૯૪૭માં હતી. એ સમયે પણ દેશના પિતા મહાત્મા ગાંધી સામે તેમનાં અમુક બાળકો ગુસ્સે ભરાયાં હતાં જ્યારે દેશ ભાગલાની શરતે આઝાદ થયો. દેશના પિતા એટલે કે મહાત્મા ગાંધીએ લોકોને વચન આપેલું કે ધર્મના નામે દેશના ભાગલા નહીં થવા દે, પણ ભાગલા તો થયા. પોતાનાથી બનતા દરેક પ્રયાસ કર્યા પછી પણ પિતા વચન પાળવામાં અસમર્થ રહ્યા. લોકોનું જીવન ધરમૂળથી છીનવાઈ ગયું. ઇજ્જત ગઈ, સંપત્તિ ગઈ, ઓળખ ગઈ. વર્ષોથી જે જગ્યાએ વસ્યા હતા એ ઘર છીનવાઈ ગયું. જીવ ગયા. જેમની સાથે પ્રેમથી હળી-ભળીને રહેતા હતા એ જીવના તરસ્યા બનીને એકબીજાને મારી રહ્યા હતા. આખેઆખી ટ્રેન કપાઈ રહી હતી. બસ ભરીને લોકોને જીવતા બાળવામાં આવી રહ્યા હતા. બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો બધાં જ નફરતના હવનમાં હોમાઈ રહ્યાં હતાં. દેશવાસીઓ જીવતાજીવ નરકની યાતના ભોગવી રહ્યા હતા. આવી હાલતમાં કેટલાક લોકોનો અંદરથી ધધકતો ક્રોધ પિતા પર વરસી પડ્યો. પિતાએ કહેલું કે તે સુરક્ષા આપશે, પણ ન આપી શક્યા. ઘણાએ કહ્યું કે મહાત્મા ઇચ્છત તો ભાગલા અટકાવી શક્યા હોત, પણ તેમણે એ ન અટકાવ્યા. આજે પણ ઘણા લોકોને આવી વાત કરતા તમે સાંભળ્યા જ હશે. એક નાના ભોળા બાળકને લાગે છે કે બધું પિતાના હાથમાં જ હોય છે અને પિતા જ બધું કરે છે, પણ પિતાની મજબૂરી તે સમજી નથી શકતું. આઝાદી અને ભાગલા અત્યંત પેચીદી ઘટનાઓ છે, આ નિર્ણયો ફક્ત એક વ્યક્તિના હાથની વાત જ નથી એટલી સૂઝ આઝાદ ભારતના સુજ્ઞ નાગરિકોએ કેળવવી રહી.



દેશ એ સમયે ભડકે બળી રહ્યો હતો પણ મહાત્મા તો મહાત્મા હતા. કોઈ પણ સંજોગોમાં માનવતા પરનો વિશ્વાસ તેમનો અડગ હતો. લોકો આ હિંસાનું તાંડવ બંધ કરે એ માટે તેઓ આમરણ ઉપવાસ પર ઊતર્યા. લોકોને કોઈ પણ રીતે નફરતના કૂવામાંથી બહાર કાઢવા માટે તેઓ પોતાના જીવના જોખમે કલકત્તા અને નોઆખલી ગયા. તેમના પર ત્યાં હુમલો થયો પણ પોતાનાં બાળકો પર ગુસ્સે ભરાવાને બદલે તેમની અંદર કરુણાની નદીઓ વહેતી હતી. ઘાયલ લોકોની સેવા કરી. શારીરિક જ નહીં, મનના ઘાવો પર પણ પ્રેમરૂપી પાટા બાંધ્યા. કેટલા લોકોનાં હૃદયપરિવર્તન કરાવ્યાં. હથિયારો હાથમાંથી છોડાવ્યાં, દંગા અટકાવ્યા, ઇમોશનલ બ્લૅકમેઇલ કરી-કરીને લોકોને એકબીજાને મરતા-મારતા અટકાવ્યા. ધર્મના નામે ઝઘડા ન થાય એ માટેના અઢળક પ્રયત્નો કર્યા. એ સમયની પરિસ્થિતિ અને લોકોનાં મન અતિ સંવેદનશીલ હતાં ત્યારે અમુક લોકોને લાગ્યું પિતા પક્ષપાત કરે છે. એ સમયનાં ઘણાં અખબારોમાં પણ લખવામાં આવ્યું કે ગાંધી ફક્ત મુસ્લિમ લોકોની તરફેણ કરે છે, તેમને હિન્દુઓની પડી જ નથી (બીજી તરફ મોહમ્મદ અલી જિન્ના મહાત્મા ગાંધીને ફક્ત એક હિન્દુ કમ્યુનિટીના લીડર તરીકેની ઓળખ આપતા). આ બધાની વચ્ચે મહાત્માએ તરફેણ કરી કે પાકિસ્તાનને ભાગલા સમયે નક્કી કરેલા ૫૫ કરોડ રૂપિયા ભારતે આપવા જ જોઈએ. મનથી ઘાયલ લોકોના ઘાવ પર જાણે કે ડામ દેવા જેવી પરિસ્થિતિ થઈ. અમુક લોકોને લાગ્યું કે બાપુને પહેલાં મુસ્લિમો વહાલા હતા અને હવે પાકિસ્તાન? આ બનાવે આગમાં ઘી રેડ્યું.


જુદાં-જુદાં ઐતિહાસિક પુસ્તકો એવું કહે છે કે મોહનદાસ કરમચંદ ગાંધી એક ઇચ્છા ધરાવતા હતા કે ભારત અને પાકિસ્તાન, હિન્દુ અને મુસલમાન વચ્ચે જરા પણ નફરત ન રહે. ભાગલાની શરૂઆતથી લઈને તેમના છેલ્લા શ્વાસ સુધી તેમણે આ કાર્ય સાકાર કરવાના બનતા પ્રયત્નો કર્યા. તેઓ કહેતા કે આંખને બદલે આંખની માગ કરીશું તો એક દિવસ આખું વિશ્વ આંધળું થઈ જશે. તેમણે જ્યારે હિન્દુઓને ખમી ખાવા કહ્યું ત્યારે કેટલાક લોકોમાં આક્રોશ ખૂબ વધ્યો. આ એ બાળકો હતાં જેમને લાગતું હતું કે બાપ (ગાંધીજી) તેમના બન્ને છોકરાઓ (હિન્દુ અને મુસ્લિમ)માં પક્ષપાત કરે છે. બાપુ વિરુદ્ધની એ વિચારધારા ખૂબ મજબૂત વિરોધમાં પલટાઈ અને ૩૦ જાન્યુઆરીએ આ વિરોધે નાથુરામ ગોડસેના સ્વરૂપમાં આવીને બાપુની છાતીમાં ગોળીઓ ધરબી દીધી અને દેશ અનાથ થઈ ગયો. બે દિવસ પહેલાં આ વાતને ૭૮ વર્ષ પૂરાં થઈ ગયાં. એક રીતે જોઈએ તો સહેલું છે આ વિરોધને ગોડસેનું નામ આપીને હાથ ખંખેરી લેવા, હકીકતે તેમના મૃત્યુની જવાબદારી સમગ્ર દેશે લેવી ખપે. બાપથી ગુસ્સે ભરાયેલા બાળકને એક દિવસ રિયલાઇઝ થાય છે કે તેનો બાપ સાચો હતો અને હું ખોટો. આ રિયલાઇઝેશન ભારતને ક્યારે થશે? 
હું એક સામાન્ય લેખક મહાત્મા ગાંધીના આશયો, તેમના નિર્ણયો અને તેમનાં કર્મો વિશે ચર્ચા કરવાની હેસિયત ધરાવતી નથી; પણ એટલું સમજું છું કે પિતા ક્યારેય બાળકોનું અહિત ઇચ્છતા નથી. કોઈ પણ પિતાની જેમ તે પણ એટલું જ ઇચ્છતા હતા કે તેમનાં બાળકો વચ્ચે પ્રેમ અને ભાઈચારો હોય, ધર્મના નામે ઝઘડવાને બદલે બધા એકબીજા પ્રત્યે સહિષ્ણુ હોય. એક વ્યક્તિએ તેનાં જીવન અને મૃત્યુ બન્ને શાંતિ અને પ્રેમ માટે ન્યોછાવર કર્યાં. આજે તેમના વારસદારો તરીકે આપણે દેશવાસીઓ શું કરીએ છીએ? આજે પણ તે સાચા હતા કે ખોટા એની વ્યર્થ ચર્ચાઓ કરીએ છીએ. આજે પણ આપણામાંથી કેટલાય એવા છે જે તેમને દોષ આપે છે, બધો વાંકનો ટોપલો તેમના માથે ઊંધો વાળે છે, એ કેટલે અંશે યોગ્ય છે? ગાંધીજીના મૃત્યુ પછી સાહિત્ય માટે નોબેલ પ્રાઇઝ જીતેલાં અમેરિકન લેખિકા પર્લ બકે શાંતિનું આહ‍્વાન દેતાં કહ્યું હતું કે ઑફ વાયલન્સ, ધ વર્લ્ડ ઇઝ સિક; ઓહ ઇન્ડિયા, ડેર ટુ બી વર્ધી ઑફ યૉર ગાંધી - અર્થાત્ સમગ્ર દુનિયા હિંસાથી ગ્રસ્ત છે ત્યારે હે ભારત, હિંમત કરીને તું તારા ગાંધીને લાયક બની બતાવ. 


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 09:35 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK