‘મારો જન્મ ક્રિશ્ચન પરિવારમાં થયો છે. એક વાર અમારા ચર્ચ માટે ફાળો ભેગો કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હું રફીસા’બને મળવા ગઈ અને કહ્યું કે આપ આ કાર્યક્રમમાં આવો અને ગીતોની રજૂઆત કરો તો અમને સારુંએવું ડોનેશન મળે.
માલા સિંહા પરિવાર સાથે
બહુ ઓછા લોકો એ વાતથી વાકેફ છે કે માલા સિંહ સુંદર ગાયિકા હતી. નાનપણમાં તેણે સંગીતની વિધિવત તાલીમ લીધી હતી. હકીકતમાં તો તેની ઇચ્છા હતી કે સંગીતના ક્ષેત્રે નામ કમાવું છે. પરંતુ તેને બંગાળી ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કામ મળવા લાગ્યું એટલે ગાયિકા બનવાનું સ્વપ્ન ભુલાઈ ગયું. એક સમય હતો જ્યારે તે ઑલ ઇન્ડિયા રેડિયો પર ગીતો ગાતી હતી.
જેમ-જેમ અભિનયની દુનિયામાં તેને સફળતા મળતી ગઈ એમ તેની ગાયકી છૂટતી ગઈ.
એક ઇન્ટરવ્યુમાં માલા સિંહા કહે છે, ‘જો હું અભિનેત્રી ન બની હોત તો જરૂર એક ગાયિકા બનત. લતા મંગેશકરને હું ગુરુ બનાવત અને તેમની પાસે તાલીમ લેત. મને આશા ભોસલેની ગાયકી પણ ખૂબ ગમે છે. વ્યક્તિ તરીકે તેઓ સાવ સીધાંસાદાં છે. મારા ઘરે એક પાર્ટીમાં તેમને આમંત્રણ આપ્યું હતું. એ પાર્ટીમાં અમે એવો શિરસ્તો રાખ્યો હતો કે સૌ જમીન પર બેસીને ભોજન કરે. મને લાગ્યું તેમના જેવી મહાન કલાકાર આ રીતે ભોજન લેવાનું પસંદ નહીં કરે પરંતુ કોઈ પણ જાતના સંકોચ વિના તે સૌની સાથે જમીન પર બેસીને ભોજનનો આનંદ માણતાં હતાં.
‘તેઓ હાથ ધોવા બાથરૂમમાં ગયાં તો જોયું કે ત્યાં સાબુ નથી એટલે રસોડામાં આવ્યાં અને વાસણ ધોવાનો સાબુ લઈને હાથ ધોવા લાગ્યાં. મને આ વાતની ખબર પડી એટલે મેં માફી માગી તો કહે, ‘એમાં શું થઈ ગયું? ઘર હોય તો ક્યારેક આવું પણ થાય. મૈં તો ઘર મેં ખાના ભી પકાતી હું ઔર બર્તન ભી ધોતી હૂં.’ આટલા મોટા કલાકારની આ સહજતા જોઈ મારું તેમના માટેનું માન વધી ગયું.’
મહાન ગાયક મોહમ્મદ રફીને યાદ કરતાં માલા સિંહા કહે છે, ‘હું કલકત્તાથી મુંબઈ આવી ત્યારની વાત છે. બાંદરામાં હું અને રફીસાહેબ પાડોશી હતાં. મારા ઘરમાંથી તેઓ રિયાઝ કરતા હોય એ સંભળાય. હું અને બાબા સાંજે લટાર મારવા જઈએ ત્યારે તે રસ્તામાં મળે ત્યારે તેમની સાથે નમસ્કારની આપલે થાય. કહે, ‘માલાજી, મૈંને સૂના હૈ આપ ભી ગાના ગાતી હૈં. રિયાઝ કિયા કરો.’ મેં સહજ પૂછ્યું, ‘આપ સિખાએંગે?’ તો કહે, ‘ઝુરુર, આપ ઘર આઇએ.’ એ સમયે મારું નામ નહોતું થયું તો પણ મને માન આપ્યું. વ્યક્તિની આંખ પરથી તેની નીયત ખબર પડે. રફીસા’બ નેકદિલ ઇન્સાન હતા.
‘મારો જન્મ ક્રિશ્ચન પરિવારમાં થયો છે. એક વાર અમારા ચર્ચ માટે ફાળો ભેગો કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હું રફીસા’બને મળવા ગઈ અને કહ્યું કે આપ આ કાર્યક્રમમાં આવો અને ગીતોની રજૂઆત કરો તો અમને સારુંએવું ડોનેશન મળે. અમે આપની જે કિંમત છે એ ચૂકવવાની કોશિશ કરીશું. તેમણે તરત હા પાડી. એ દિવસે તેમણે પૂરા ત્રણ કલાક દિલથી કાર્યક્રમ આપ્યો એટલું જ નહીં, તેમણે એક પણ પૈસો લેવાનો ઇનકાર કર્યો. એ દિવસે મને તેમની સાથે એક ગીત ગાવાનો મોકો મળ્યો. રફીસા’બ એક ફરિશ્તા હતા.
‘કિશોરકુમાર જેવા મસ્તીખોર કલાકાર મેં જોયા નથી. તેમની સાથે કામ કરતાં હોઈએ ત્યારે સતત હસી-મજાક ચાલતાં રહે. અભિનેતા ઉપરાંત કમાલના ગાયક હતા. સામાન્ય રીતે લોકો કહેતા હોય કે ગાયક કલાકાર હોય તેણે ઘણી પરેજી પાળવી પડે. આમલી, તીખું, ઠંડું અને બીજી ઘણી ચીજ ન ખવાય. એક દિવસ મેહબૂબ સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ હતું ત્યારે હું હાજર હતી. રિહર્સલ પૂરું થયું અને ટેકની શરૂઆત થતી હતી ત્યારે કિશોરદા કહે, ‘અરે મેરે લિએ સોડા લેમન મિક્સ કરકે એકદમ ઠંડા, બર્ફ ડાલ કે લે આઓ.’ મેં કહ્યું, ‘દાદા, આપકા ગલા બૈઠ જાએગા.’ તો કહે, ‘યે સબ વહમ હૈ. જિસકો ઉપરવાલે કી દેન હૈ ઉસે કુછ નહીં હોતા. જો મર્ઝી હો વો ખાઓ, પીઓ ઔર ઐશ કરો.’
પોતાના સાથી કલાકારોને યાદ કરતાં માલા સિંહા કહે છે, ‘રાજેન્દ્રકુમાર અને હું, અમે બન્ને ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવાની કોશિશ કરતાં હતાં ત્યારનાં સાથી હતાં. અમે ‘દેવર ભાભી’માં કામ કરતાં હતાં ત્યારે મને રાજ કપૂર સાથે ‘પરવરિશ’માં કામ કરવાનો મોકો મળ્યો. તે કહે, ‘ભાભીજી, આપ તો હમારે સે એક સ્ટેપ આગે ચલી ગઈ. અબ તો તુમ મેરે સાથ કામ નહીં કરોગી.’ પછી તો રાજેન્દ્ર કુમારને હીરોના રોલ મળ્યા અને તે સફળ બન્યા. જ્યારે તેમની પસંદગી ‘સંગમ’માં થઈ ત્યારે મેં કહ્યું, ‘હવે તો તમે રાજ કપૂરના હોમ પ્રોડક્શનમાં કામ કરવાના. જોઉં છું હવે મારી સાથે કામ કરશો કે નહીં.’ તે ખૂબ મિલનસાર સ્વભાવના હતા. જ્યારે તે કુમાર ગૌરવને લઈને ફિલ્મ બનાવતા હતા ત્યારે મારી પાસે આવ્યા અને કહે તારી પુત્રીને (પ્રતિભા) હિરોઇન તરીકે લેવી છે. મેં કહ્યું, તે હજી ભણે છે. ત્યારે મને ખબર નહોતી તે ફિલ્મોમાં આવશે.’
‘અભિનયની સાચી સમજ મને બે કલાકાર પાસેથી મળી. બલરાજ સાહની આપણી સાથે વાત કરે છે કે અભિનય કરે છે એ સમજાય જ નહીં. તે કહેતા, ‘અભિનય એટલો સહજ હોવો જોઈએ કે કોઈ એને પકડી ન શકે.’ તે ડાયલૉગ બોલતા અને મને રડવું આવતું કારણ કે એમાં ભરપૂર સંવેદના હતી. જરા પણ મેલોડ્રામેટિક થયા વિના અન્ડરપ્લે અભિનય કરે. ન ખુશી દેખાય, ન ગમ દેખાય. એકદમ બૅલૅન્સ્ડ રહે. તેઓ એક લાજવાબ ઇન્સાન હતા.’
‘બીજા હતા અશોકકુમાર. પહેલી વાર ‘નઈ રોશની’માં તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો ત્યારે હું નર્વસ હતી. મારા ડૅડીના સમયના સીઝન્ડ કલાકાર મને તો ખાઈ જશે એમ જ લાગતું. શૂટિંગમાં હું ડાયલૉગ ભૂલી જાઉં તો અથવા મારી ભૂલ થાય તો પ્રેમથી સમજાવે. ડાયલૉગ ડિલિવરીમાં ક્યાં ક્ષણિક અટકવું, ક્યારે અવાજ નાનો-મોટો કરવો એવી ઝીણી-ઝીણી બાબતો મને સમજાવે. હકીકતમાં તે મારા ટ્યુટર હતા. કહે, ‘તારો શૉટ પૂરો થાય તો પણ સેટ પરથી જતી નહીં. બીજાં પાત્રો શું કહે છે, શું એક્સપ્રેશન આપે છે એના પર ધ્યાન આપ. તારે તેમનાથી આગળ વધીને અભિનય કરવાનો છે. જો તેમણે ૧૦૦ ટકા આપ્યું છે તો તારે ૧૨૫ ટકા આપવાની કોશિશ કરવાની છે.’
જ્યારે માલા સિંહા કારકિર્દીની ટોચ પર હતી ત્યારે ઇન્ડસ્ટ્રીના દરેક ડિરેક્ટર અને ટોચના હીરો તેની સાથે કામ કરવા આતુર હતા. એ સમયે તેને હૉલીવુડની બે ફિલ્મોની ઑફર આવી હતી. પરંતુ માલા સિંહાની કારકિર્દી સંભાળતા તેના પિતા આલ્બર્ટ સિંહાએ આ ઑફરનો અસ્વીકાર કર્યો. તેમનું માનવું હતું કે હૉલીવુડની ફિલ્મોમાં જરૂર કરતાં વધુ અંગપ્રદર્શન કરવામાં આવે છે જે તેમને મંજૂર નહોતું.
૧૯૭૮માં માલા સિંહાના ઘરે ઇન્કમ-ટૅક્સની રેઇડ પડી અને ૧૨ લાખ રૂપિયા મળ્યા જે જપ્ત કરવામાં આવ્યા. આવકનો સાચો સ્રોત કયો છે એનો ખુલાસો કરવામાં સિંહા પરિવાર નિષ્ફળ રહ્યો એટલે માલા સિંહાનું દરેક બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું. સાથે-સાથે કોઈ પણ પ્રૉપર્ટી વેચવા પર રોક મૂકવામાં આવી. મુશ્કેલીના આ દિવસોમાં ઇન્ડસ્ટ્રીએ પણ તેમનો સાથ છોડી દીધો હતો સિવાય ગુરુ દત્ત અને મેહમૂદ.
કોર્ટમાં કેસ ચાલતો હતો અને જજ બચાવ પક્ષના વકીલોની કોઈ દલીલ સાંભળવાના મૂડમાં નહોતા. પૂરેપૂરી રકમ જપ્ત થઈને ઉપરથી પેનલ્ટી લાગવાની પૂરી શક્યતા હતી ત્યારે વકીલોની સલાહને અનુસરીને માલા સિંહાએ આવકના અસલી સ્રોતનું રહસ્ય ખોલતાં એક વાત કહી જેના કારણે ચારે તરફ ખળભળાટ મચી ગયો. કોર્ટે એ ખુલાસાને માન્ય રાખી થોડી પેનલ્ટી લગાવી બાકીની રકમ પરત કરી. પરંતુ દિવસો સુધી માલા સિંહાના એ ખુલાસાની વાત ચર્ચામાં રહી અને માલા સિંહાને એના કારણે પ્રોફેશનલી ઘણું સહન કરવું પડ્યું. થોડા સમય માટે તેમણે અજ્ઞાતવાસ લઈ લીધો. અનેક ફિલ્મોના કૉન્ટ્રૅક્ટ રદ થયા અને તેમની કારકિર્દીને ગ્રહણ લાગી ગયું.
માલા સિંહા કાબેલ અભિનેત્રી હતી પરંતુ તેની પ્રતિભાને અનુરૂપ ખ્યાતિ ન મળી. ‘જહાંઆરા’માં હિરોઇન તરીકે પહેલાં મીનાકુમારીને રૉલ ઑફર થયો હતો પણ તેણે માલા સિંહાનું નામ સૂચવ્યું હતું. માલા સિંહાનું નામ ચાર વખત બેસ્ટ ઍક્ટ્રેસ માટે નૉમિનેટ થયું પરંતુ અવૉર્ડ ન મળ્યો. ૨૦૧૮માં ફિલ્મફેરે ‘લાઇફટાઇમ અચીવમેન્ટ’ અવૉર્ડ આપીને સન્માન કર્યું. ૯૦ના દશકમાં માધુરી દીક્ષિતને ‘ન્યુ માલા સિંહા’ તરીકે પ્રમોટ કરવામાં આવતી હતી. માલા સિંહાની પુત્રી પ્રતિભા સિંહાએ હિરોઇન તરીકે થોડી ફિલ્મોમાં કામ કર્યા બાદ નિવૃત્તિ લઈ લીધી.
૨૦૨૪માં માલા સિંહાના પતિ સી. પી. લોહાનીનું અવસાન થયું. અત્યારે માલા સિંહા અને પુત્રી પ્રતિભા એકમેકની એકલતાના સહારા બનીને જીવન પસાર કરે છે. જીવનની સમીસાંજે માલા સિંહા ચાહકોને યાદ કરીને કહેતી હશે : આપ કી નઝરોં ને સમઝા પ્યાર કે કાબિલ મુઝે દિલ કી એ ધડકન ઠહર જા મિલ ગઈ મંઝિલ મુઝે


